29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘અનહોની હોની નહીં, હોની હો સો હોય!’
‘તને ક્યારેય ટેનશન નથી આવતું?’ એવો સવાલ સતત એક વેઈટરને પુછાયો ત્યારે તેણે આવો જવાબ આપ્યો

સુખનો પાસવર્ડ - આશુ પટેલ



એક મિત્ર જ્યારે પણ મળે કે તેનો કોલ આવે ત્યારે તે સતત જીવન પ્રત્યે ફરિયાદો જ કરતો હોય.

એક વાર મેં તેને પૂછ્યું કે ‘તને જીવનથી, તારી આજુબાજુની વ્યક્તિઓથી આટલી બધી ફરિયાદો શા માટે છે? તારા જીવનમાં કશું સારું બન્યું જ નથી? કોઈ પણ માણસ તરફથી તને સારો અનુભવ થયો જ નથી?’

તેણે જવાબ આપ્યો: ‘મને થોડાક સારા માણસો પણ મળ્યા છે અને જીવનમાં થોડું સારું પણ બન્યું છે, પણ બીજા ઘણા મિત્રોની જેમ મને જીવન માણવાની તક મળી નથી. અને મને સતત એવો ભય સતાવ્યા કરે છે કે મારી સાથે કશુંક ખરાબ બનશે.’

તેની એ વાત સાંભળીને મને એક વેઈટર યાદ આવી ગયો, જે તે મિત્રથી તદ્દન વિપરીત વિચારસરણી ધરાવે છે.

મુંબઈના એક રેસ્ટોરાંમાં કામ કરતો તે વેઈટર હંમેશાં હસતા ચહેરે જ જોવા મળે. બીજા વેઈટર્સ ગંભીર ચહેરે કે તંગ ચહેરે કામ કરતા જોવા મળે, પણ આ વેઈટરના ચહેરા પર હાસ્ય જ ફરકતું હોય.

એક વાર હું એ રેસ્ટોરાંમાં મિત્રો સાથે ડિનર પર ગયો હતો એ વખતે મેં તેને પહેલી વાર જોયો હતો. પછી થોડા મહિનાઓમાં જ ચાર-પાંચ વાર એ રેસ્ટોરાંમાં જવાનું બન્યું. દરેક વખતે તે યુવાનનો હસતો ચહેરો જોઈને મને સુખદ આશ્ચર્ય થાય.

એક વાર મેં તેને પૂછ્યું કે ‘તારા ચહેરા પર હંમેશાં સ્માઈલ કઈ રીતે રહી શકે છે? તને જીવનમાં ક્યારેય ટેન્શન નથી આવતું?’

તેણે મલકાતા ચહેરે જવાબ આપ્યો: ‘હું સમજણો થયો ત્યારથી તુલસીદાસજીની એક વાત જીવનમાં ઉતારી લીધી છે: ‘અનહોની હોની નહીં, હોની હો સો હોય.’ એટલે જે થવાનું નથી એ તો થવાનું જ નથી અને થવાનું છે એ થઈને જ રહેશે. એટલે આમ થઈ જશે કે તેમ થઈ જશે એનું ટેન્શન હું રાખતો નથી!’ અત્યંત સરળ શબ્દોમાં અત્યંત ઊંડી વાત કહીને હસતા ચહેરે તે બીજા ટેબલ તરફ આગળ વધી ગયો.

મિત્રો, આપણું જીવન આપણા વિચારો પર નિર્ભર કરે છે. એકસરખી સ્થિતિમાં અલગ-અલગ વ્યક્તિઓ જુદી-જુદી રીતે પ્રતિક્રિયા આપતી હોય છે. જીવન પ્રત્યેના આપણા અભિગમને આધારે આપણું જીવન સારી કે ખરાબ રીતે પસાર થતું હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

81x5g18
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com