29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આપણાં પુસ્તકો કે ટીવી ચેનલો અમેરિકા અને ઈંગ્લેન્ડ કેન્દ્રી રહ્યાં છે
ઘટના અને અર્થઘટન - સોનલ શુક્લ

ચાલીસથી વધુ વર્ષ અગાઉની વાત છે. હું લંડનમાં ટૂરિસ્ટ તરીકે વિસ્ફારિત નયને ફરતી હતી. મને એવી આદત હતી કે કોઈ પણ નવા શહેરમાં જાઉં તો એક વાર પહેલા તો એમની આખા દિવસની ટૂર લઈ બધું ઘણું જોઈ આવું. ત્યાર પછી નક્કી કરું કે મારે વિશેષ ધ્યાનથી શું જાણવું છે, આ ટૂરમાં આવરી લે તેવાં વિખ્યાત સ્થળો સિવાય પણ આપણે ઈતિહાસ કે પછી સર્જનાત્મક સાહિત્યમાંથી જાણ્યું હોય તેવી જગ્યાઓ જોવી હોય, પેલાં વિખ્યાત સ્થળોની ટૂરમાંથી પણ કેટલાંક ફરી જોવા હોય હું તો પહેલી વાર અડધિયા બસમાં થથરતી ઠંડીમાં બેઠી. આ બધામાં ટાવર ઓફ લંડન ને બ્રિટિશ ખજાનો ને બધું આવી જાય, મેં મારી બાજુવાળીને કહ્યું કે અહીં મારા દેશમાં કરેલી લૂંટફાટમાંનો એક મોટો હીરો પણ છે. પેલી પછીથી જરા આઘીપાછી થઈ ગઈ. એ ગોરી અમેરિકન હતી. કતારમાં પાછાં અમે કયાંક જોડે થઈ ગયાં. પેલા ખજાનામાં બ્રિટિશ રાજાના જે તાજમાં કોહિનૂર હીરો હતો એ પણ બતાવ્યો અને કહ્યું કે મૂળ એ હિંદુસ્તાનમાંથી જીતીને લવાયો હતો. મેં પેલી અમેરિકન સામે જોયું. એનું મોઢું પડી ગયેલું છેક સુધી મને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે સૂગ રહી છે. આ પછી હું માત્ર એક જ વાર અને તે પણ ચેલ્ડારમમાં એક પરિષદમાં અભ્યાસપત્ર રજૂ કરવા ગયેલી. બ્રિટનમાં મને પળે પળે અને ડગલે ને પગલે કાળ ચડે કે આ મારા દેશમાંથી લૂંટેલું છે અને આ મારા દેશનું શોષણ કરી જમાવેલા પૈસાથી કયું છે, બ્રિટિશ રાજવીનું ટાઈટલ જ એવું હતું કે કિંગ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ એમ્પરર ઓફ ઈન્ડિયા. ઈંગ્લેન્ડના રાજા અને હિંદુસ્તાનના સમ્રાટ. નાલાયકી માત્ર ધનલૂંટ સુધીની નહોતી, આપણે પોતે આપણા અંગે નીચો મત ધરાવતા થઈ જઈએ અને શોષક અત્યાચારીઓને ઊંચા માનતા થઈ જઈએ તો જ એમની માલિકી અને જોહુકમી સ્વીકારી શકીએ. મારા બેટાઓએ પોતાના દેશનો ઈતિહાસ પણ આપણા શાળાના વિદ્યાર્થીઓને માથે ઠોકી દીધેલો. વળી પાછું ઈતિહાસના પાઠ્યક્રમમાં ક્રાંતિઓ આવે તેમાં પણ ઈંગ્લેન્ડ, ફ્રાંસ અને અમેરિકાની ક્રાંતિઓ શીખવાય પણ રશિયાની નહીં, આમાં એ કે દેશની ક્રાંતિએ મર્યાદિત સિદ્ધિઓ જ કરી છે. રશિયન કે સોવિયેત ક્રાંતિમાંથી દોષ કાઢી શકાય પણ એ હતી જ નહીં એમ કેવી રીતે મનાય, જ્યારે ૧૯૧૭માં એ થઈ ચૂકી હતી? આપણા નિદ્રાધીન શિક્ષણ વહીવટદારોને પણ છેક ૧૯૭૦ના દાયકામાં બત્તી થયેલી કે આવી કોઈ ક્રાંતિ થયેલી, ત્યાર સુધીમાં અનેક ક્ષેત્રે આપણી સરકાર સોવિયેત દેશ સાથે સહકાર બનાવી શકી હતી તે છતાં વર્ષો સુધી પાઠ્યપુસ્તકમાં એનો ઉલ્લેખ સુધ્ધાં નહોતો.

પાડોશી દેશોનો ઈતિહાસ:

ચીન તો અતિશય મોટું અને એનો ભવ્ય ભૂતકાળ પ્રભાવશાહી, ચીનનો તો કાંઈક ઈતિહાસ ભણવામાં આવે ખરો પણ ચીની પ્રજા પર પરાણે અફીણ ઠૂંસવા અંગ્રેજોએ ચીની સમ્રાટને ત્રણ ત્રણ યુદ્ધમાં હરાવેલો એ ન આવે, એમાં પાછા સૈનિકો પણ ભારત અને નેપાળથી લઈ જાય અને અફીણનો વેપાર કરે આપણા પારસી, હિંદુ કે જૈન વેપારીઓ, બૌદ્ધ ધર્મના સાધુઓ આપણે ત્યાં ધર્માભ્યાસ માટે આવતા એટલી મોટાઈ બતાવી દેવાની, વ્યવસ્થિત રીતે બૌદ્ધ ધર્મનો ભારતમાં નાશ કરે બ્રાહ્મણકેન્દ્રી હિંદુધર્મનું પુન:સ્થાપન કરાયું તે વિશે કાંઈ નહીં, જાપાનના ઈતિહાસમાં નજર નાખવી પડી, કારણ કે બીજા વિશ્ર્વયુદ્ધમાં આ દેશે કાળો કેર બોલાવી દીધેલો. યુરોપમાં જર્મની ને ઈટલી હારી ગયા પણ એશિયામાં જાપાન પર જીતી શક્યા નહોતા. એ દેશ પર બે બે અણુબોંબ નાખવાનું દૃષ્કૃત્ય અમેરિકાએ કર્યંુ પછી જાપાનના સમ્રાટ અને સેનાપતિઓએ દાંતમાં ચરણું લઈને શરણે આવવું પડ્યું, આ બધો તો બહુ જાણીતો અભ્યાસ છે, આપણા ઈતિહાસલેખન કે પુસ્તકો કે રેડિયો કે ટી.વી. ચેનલો અમેરિકા અને ઈંગ્લેન્ડ કેન્દ્રી રહ્યાં છે, ધર્મની વાત આવે તો ઉપલી જ્ઞાતિઓમાં પળાતા પ્રકારના હિંદુધર્મકેન્દ્રી.

પૂર્વના નાનકડા દેશોનું શું? કંબોડિયાના હિંદુ અને બૌદ્ધ ધર્મનાં મંદિરોનું આખું શહેર છે આંગકોર વાટ અને પંદરેક વર્ષ અગાઉ ગયેલા તો એ કે, નામને ખાતર એક જણ પણ ભારતથી નહીં બધેબધી જાપાની, યુરોપિયન વગેરે. વિષ્ણુની સરસ મોટી મૂર્તિ મુખ્ય મંદિરમાંથી કાઢીને અન્યત્ર મૂકી છે, મૂળ જગાએ બુદ્ધની પ્રતિમા છે, બાપડો ગાઈડ કહે કે ખરાબ નહીં લગાડતા, અમારા લોકોએ એને તોડી પાડી નથી, ખાલી ખસેડી છે. આંગકોર વાટમાં અંદર જતા પહેલા નગરને ફરતી મોટ- બનાવટી નહીં હોય, તેના પુલ પરથી જઈએ તો બે બાજુએ સમુદ્ર મંથનનાં શિષ્પોની હારમાળા, ગાઈડ સમજાવતો હતો ત્યારે અમે કહ્યું કે હા, આ સમુદ્ર મંથનનાં દૃશ્યો છે, એ ખુશ થઈ ગયો કે વાહ, તમને તો ખબર છે, આ બીજા આવે છે એમને ખબર જ પડતી નથી, બણગાં ફૂંકયા નહીં પણ જરાક તો કહી જ દીધું કે મૂળ આ અમારા ધર્મની માયથોલોજીમાંથી છે, આ દેશના ઈતિહાસની આપણને ખબર નથી અને ઘણાંયને આ દેશમાં આપણાં મંદિરોની જૂની નગરી છે તે પણ ખબર નથી. અતિશય ગરીબ દેશ છે, ત્યાં કોણ ‘મજા કરવા’ વેકેશન લે? હવે દેશ દેશમાં પરિભ્રમણ કરી કંટાળેલા લોકો કયારેક જાય છે, અહીં નૃત્યાંગનાને અપ્સરા રહે છે, પણ હેં? એમાં વળી આપણને શું? જડ ભરતો આપી કહે છે, બીજા દેશ તો હજી વધુ દૂર દૂરના લાગે અને અમેરિકા જાણે પાડોશમાં. સગાં જોડે, છોકરાં જોડે વીડિયોકોલથી રોજ મળાય ને!

એક વાર એક પુસ્તક હાથમાં આવેલું. શિર્ષક હતું એક કોરિયન કવીનની આત્મકથા, વાંચીને કોરિયન રાજમહેલના આટાપાટા, સ્ત્રીઓને મહાત કરવાની પેરવીઓ, પ્રથાઓ વગેરે એક સ્ત્રીના અવાજમાં, એના અનુભવથી લખાયેલી આ કથા વાંચીને થયું કે અલગ અલગ કાળમાં અને અલગ અલગ પ્રદેશોમાં પિતૃસત્તાએ કેવા અલગ અલગ રિવાજો નાખેલા છે! એ વિશે ફરી કયારેક. કાગડા બધે જ કાળા.

આજે તો યાદ આવે છે પાડોશના પ્રદેશની મહારાણી અને રાજકુમારીઓની વાત સાવ અજાણી નહોતી પણ કયારેય એની પર ધ્યાન આપ્યું નહોતું. કેમ? બર્મા સાવ નાનકડો અને ગરીબ દેશ હતો એટલે? ખરેખર તો ગરીબ હતો જ નહીં, બર્મા ટીક લાકડાનાં વૃક્ષોથી ભરપૂર જંગલો, માણેકની ખાણો અને પેટ્રોલિયમના કૂવાઓ જ્યાં હોય એ દેશ વળી ગરીબ કેવો? હા, અંગ્રેજોએ એ ઝૂંટવી લઈ ગોટલાની જેમ ચૂસી કડકો કરી નાખ્યો એટલે પછી ગરીબ. અંગ્રેજોએ એને એક ભારતનો જ પ્રાંત બનાવી દીધો. ત્યાંથી ચોખાની મિલોમાં મઝદૂરી કરવાથી માંડીને લાકડાં અને ઝવેરાતનો ધંધો કરનારા તેમ જ બ્રિટિશ સૈન્યના સિપાઈઓ ત્યાં ઊતરી પડ્યા. બર્મા હવે અલબત્ત- મ્યાનમારની રાજધાનીનું શહેર માંડલે. બાળ ગંગાધર ટિળકને તેમ જ આખરી મોગલ બાદશાહ બહાદુરશાહ ‘ઝફર’ને ત્યાં જેલમાં રાખેલા તે જાણેલું. પણ મ્યાનમારના રાજાને આપણા રત્નાગિરિમાં કેદ કરી રાખેલા એ વિશે કેટલી વાર વિચાર કરેલો? થોડાં વર્ષ અગાઉ મરાઠી દલિત નારીવાદી લેખક ઉર્મિલા પવારની આત્મકથામાં આ અંગેનો ઉલ્લેખ થયો ત્યારે યાદ આવ્યું કે આખરી હિંદુસ્તાની સમ્રાટને બર્મામાં રાખેલા તો આખરી બર્મીઝ રાજાધિરાજને ભારતમાં રાખેલા. ડરપોક અંગ્રેજો જાણતા હતા કે ગમે તેવો નબળો કે દમનકારી કે સ્વકેન્દ્રી રાજા પણ હોય તે પોતાના દેશનું, રાજ્યનું પ્રતીક હોય છે. આ રાજા અને રાજવંશ પ્રત્યેના વફાદારી અને ભક્તિભાવ હોય તો જ દેશપ્રેમ કહેતા, બહાદુરશાહને બળવાના મુખ્ય સેનાપતિ બનાવેલા, કારણ કે એ પ્રતીકાત્મક હતા, એમના સૈન્ય હેઠળ સૌ એકત્રિત થાય. ઉત્તર ભારતમાં મુસ્લિમ અને બ્રાહ્મણ નેતૃત્વમાં આપણને લખનઉ, કાનપુર, ઝાંસી વગેરેમાં અંગ્રેજ વિરોધી ૧૮૫૭નો વિગ્રહ દેખાય છે, બહાદુરશાહ પાસે દિલ્હીની બહાર કયાંય રાજ પણ નહોતું. તો પણ એમને હિંદુસ્તાનથી બહાર લઈ જવા પડ્યા, કારણ કે એક પ્રતીક તરીકે એ અંગ્રેજોને ડરાવતા હતા, આવું જ તેમણે માંડલેથી બર્માના રાજાને ભારતમાં દેશનિકાલ કરી લાવી મદ્રાસ અને પછીથી રત્નાગિરિમાં રાખ્યા જેથી બંગાળના ઉપસાગરથી દૂર દૂર પણ બર્મા તરફ જોવા ન મળે, બર્માના રાજાઓ સગાંમાં પરણતાં જેથી એમનું ‘શુદ્ધ’ લોહી અપવિત્ર ન થઈ જાય અને ટૂંકમાં રાજપાટ માંહ્યોમાંહ્ય જ રહે.

મુખ્ય રાણી સુપયાલાત

બર્માના છેલ્લા રાજાની આમ તો આ બીજા નંબરની પત્ની હતી, ભારે મહત્ત્વાકાંક્ષી અને જબરી. પોતાની મોટી બહેન જોડે રાજાનું લગ્ન થતું હતું ત્યાં ઘૂસ મારીને પોતે પણ રાણી બનવા પરણી ગઈ. સુપયાલાત દરબારી નામ અપાયેલું સિરી સુરિયન પ્રભા રત્ન દેવી, મોટી બહેન પટરાણી કહેવાય પણ રાજાને એણે કદી પેલી સાથે સંસાર માંડવા જ ન દીધો. એણે અથવા એની માતાએ એક વિધિને બહાને રાજગાદી મેળવી શકે તે વયના લગભગ સો જેટલા કઝિન વગેરેની કતલ કરાવી દીધી. બહુ જ ઘમંડી, નાનાં રાજ્યોમાં જઈ અનાથ છોકરીઓને લઈ આવે અને પોતાના ગ્લાસ પેલેસમાં ગુલામડી તરીકે રાખે. અમિતાવ ઘોષની ગ્લાસ પેલેસ નામની નવલકથામાં આ સૌની કથા આલેખાઈ છે. ૧૮૮૫ની સાલમાં અંગ્રેજોનું ત્રીજી વાર કટક ઊતરી આવ્યું અને રાજાએ શિકસ્ત સ્વીકારી દેશનિકાલ થવાનો હુકમ સ્વીકાર્યો. રાણી બે દીકરીઓને લઈને નીકળી અને બીજા બે એને ભારતમાં થઈ. અંગ્રેજો રાજપરિવારને નામનું સન્માન જરૂર વર્ષાસન પણ આપતા પણ એમને રત્નાગિરિ ગામ છોડી કશે જવાની ટેવ નહોતી. અહીં પણ રાણીનો ભપકો તો રહ્યો જ, નોકરો અને સ્થાનિક પ્રજા તો ઠીક પણ અંગ્રેજો સામે પણ નાક ચડાવીને બેસતી. ૧૯૧૬માં રાજા મરી ગયો પછી થોડાં વર્ષો એને બર્મા જવા મળ્યું પણ માંડલે નહીં, એની ચાર દીકરીઓમાંથી સૌથી મોટી રાજકુમારી ફાયાને એમના નાનકડા મહેલના દરવાન જોડે સંબંધ થયો અને એક દીકરી થઈ. રાણી જોડે બર્મા ગયા પછી પણ એ મરાઠી પતિ પાસે આવતી રહી, પૈસા ગયા, એની દીકરી ટુટુ બજારમાં કાગળનું ફૂલ વેચતી એવું ઉર્મિલા પવારને બાળપણનું સ્મરણ છે અને મને અને અન્યોને રત્નાગિરિ માત્ર કેરી અને કામવાળીના પ્રદેશ તરીકે જ યાદ રહ્યાં, રાણીએ છેક સુધી દીકરી જોડે સંબંધ જ રાખ્યો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ase078f3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com