29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેરુ તો ડગે જેના, મન ના ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડજી
હૈયાને દરબાર - નંદિની ત્રિવેદી

સંધ્યાકાળે મંદિરમાં આરતી ટાણે ઢોલ ઘબૂકતા હોય, ઘંટારવ સાથે ગ્રામ્ય પ્રજા પૂરી શ્રદ્ધાથી ઈશ્ર્વરને નમન કરતી હોય એ દ્રશ્ય જેટલું સુખદાયી છે એટલું જ સુખદાયી દ્રશ્ય છે વાર-તહેવારે જામતી લોકગીતોની રમઝટનું. અજવાળી રાત્રે કાઠિયાવાડના કોઈક નાનકડા ગામે તમે જઈ ચડો અને લોકસંગીત કે ભક્તિ રચના સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરો તો ગામના ચાર-પાંચ જુવાનિયા ભેગા થઈ જાય અને દૂહા લલકારવા માંડે. પરંતુ, આ લોકગીતોનો પ્રસાર કરનાર મુખ્યત્વે સ્ત્રીઓ. લોકગીતો એટલે મોટે ભાગે તો પુરૂષને મુકાબલે સ્ત્રીઓનો જ આગવો ઈજારો. હાલરડાંથી લઈને મરશિયાં સુધીનાં ગીતોનું સર્જન મહદ્દઅંશે સ્ત્રીઓ દ્વારા જ થયું હોય છે, કારણકે સામાજિક પ્રસંગો સાથે સ્ત્રી જ વધારે સંકળાયેલી હોય છે. પ્રસંગને અનુરૂપ ગીત બનાવી દે, ઘરમાં, પરિવારની સ્ત્રીઓ સાથે બેસીને ગાય અને પેઢી દર પેઢી એ ગવાય. લોકગીતો કર્ણોપકર્ણ સાંભળીને જ પ્રચલિત થયાં છે. સુરેન ઠાકર ‘મેહુલ’એ એમના પુસ્તકમાં લોકસાહિત્યની સરળ વ્યાખ્યા કરી છે કે, "ગામડું બોલે ને નગર સાંભળે, લાગણી બોલે ને બુદ્ધિ સાંભળે, અભણ બોલે ને ભણેલા સાંભળે એ લોકસાહિત્ય. લોકજીવનમાં ડગલે ને પગલે ગીત છલકાય છે. પરંતુ લોકસંગીત સાથે સંકળાયેલી છે સંતવાણી અને ભજન પરંપરા. આ બન્ને ભારતીય સંસ્કૃતિના મહત્ત્વનાં ઉદ્દીપકો છે. ડો. નિરંજન રાજ્યગુરુ તથા કવિ મકરંદ દવેએ સંતવાણી અને ભજન પરંપરા પર ઊંડું સંશોધન કર્યું છે. સૌરાષ્ટ્રના તદ્દન નિરક્ષર છતાં ભરપૂર અધ્યાત્મ જ્ઞાન ધરાવતા લોકસંતોની વાણીમાં ઊંડા ઊતરીએ તો ખ્યાલ આવે કે સાદામાં સાદા, સરળ શબ્દો વડે દાર્શનિકતાનાં ઉત્તુંગ શિખરો સર કરતી ગૂઢ અનુભવજન્ય સર્જનશીલતા એમાં સિદ્ધ થઈ છે.

ભારતની પ્રાચીન કવયિત્રીઓની વાત કરીએ તો એમણે જે ભક્તિ રચનાઓ આપી છે એનો જોટો ન જડે. એમાં ગંગાસતીનાં કેટલાંક ઉત્તમ ભજનો તો અવિસ્મરણીય છે.

લગભગ પંદરેક વર્ષ પહેલાંની વાત છે. ‘મુંબઈ સમાચાર’ની ઓફિસમાં આપણા સુપ્રસિદ્ધ લેખક સ્વ.નગીનદાસ સંઘવી અને વિનુભાઈ મહેતાનાં દીકરી સિંધુ મહેતા મળવા આવ્યાં હતાં. પૂ. મોરારિબાપુના વિચારબીજને આધારે ‘ગાર્ગીથી ગંગાસતી’ થીમ ઉપર પ્રોગ્રામ કરી રહ્યા હતા, એના સંશોધન અને વિગતો વિશે વાત કરવી હતી. પ્રાચીન કવયિત્રીઓ વિશે સતત ત્રણ દિવસ સેમિનાર હોય એટલે કેટલું બધું સાહિત્ય એકઠું કરવું પડે! નગીનદાસભાઈ સાથે વાત કર્યા પછી આ બધી કવયિત્રીઓ વિશે જાણવાની ઉત્કંઠા વધી ગઈ હતી. વૈચારિક આદાન-પ્રદાન ઘણું થયું. ઉદય મઝુમદારના સંગીત સંકલનમાં એ કાર્યક્રમ પણ ખૂબ સરસ થયો હતો.

આ વાત એટલે યાદ આવી કે નવી પેઢીના સંગીતકારો સંગીત ક્ષેત્રે જાતજાતના પ્રયોગો કરે છે. એમાં ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે એમને સરળ લોકગીતોને રિ-ડિફાઈન અને રિ-ડિઝાઇન કરવામાં ઘણો રસ પડે છે. સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેનાં સંતાનો હાર્દિક-ઈશાની આ કામ કરી રહ્યાં છે. અમદાવાદના નિશીથ મહેતા લોકવાદ્યો સાથે પ્રયોગો કરે છે. અમદાવાદના જ બલરાજ-વનરાજ ભાઈઓના કંઠે ગંગાસતીનાં અનપ્લગ્ડ ભજન સાંભળીને પણ આનંદાશ્ર્ચર્ય થયું હતું. થોડા વખત પહેલાં મેરુ તો ડગે...નો એમનો વીડિયો હાથ લાગ્યો. સાંભળીને નવાઈ લાગી કે ગિટાર સહિત આધુનિક વાદ્યો સાથે આ ભજન કેવું અદ્ભુત નીખરી ઊઠે છે! આ ભક્તિ રચનાઓનો અર્થ સમજાવવામાં આવે તો નવી પેઢીને કેવી અમૂલ્ય જાણકારી પ્રાપ્ત થાય!

સૌરાષ્ટ્રનાં સતી, સંત અને શૂર ગંગાસતીનો જન્મ પાલિતાણા પાસેના રાજપરા ગામે ઇ.સ.૧૮૪૬માં થયો હતો. ગંગાબાનાં લગ્ન રાજપૂત ગિરાસદાર કહળસંગ (કળુભા) ગોહિલ સાથે થયાં હતાં. કહળસંગ પોતે પણ એક ઉચ્ચ કોટિના અધ્યાત્મપુરુષ હતા. સિદ્ધિનો ઉપયોગ અને પ્રચાર બંને ભજનમાં બાધા કરશે એમ કહળસંગ સમજી ગયા. પરિણામે તેમણે શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો. કહેવાય છે કે

તે કાળની રાજપૂત ગિરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબા સાથે પાનબાઇ નામની ખવાસ ક્ધયાને સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી હતી. શ્ર્વસુરગૃહે સેવિકા તરીકે આવેલાં પાનબાઇ ગંગાસતીનાં શિષ્યા બની ગયાં. પાનબાઇનું અધ્યાત્મ શિક્ષણ એ જ ગંગાસતીનાં ભજનો. ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઇને સંભળાવતાં-સમજાવતાં. આ રીતે આ ક્રમ બાવન દિવસ ચાલ્યો. બાવન દિવસમાં આધ્યાત્મિક શિક્ષણ ક્રમ પૂરો થયો અને ત્યારપછી ૧૫/૩/૧૮૯૪ના દિવસે ગંગાસતીએ અનેક સંતો ભક્તોની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ સમાધિમૃત્યુ અંકે કર્યું. ગંગાસતીના શરીર ત્યાગ પછી ત્રણ દિવસ બાદ પાનબાઇએ પણ શરીરનો ત્યાગ કર્યો અને ગંગાસતીના માર્ગનું અનુસરણ કર્યું હતું. આ સંત ત્રિપુટીએ કોઇક અગમ લોકમાંથી આ પૃથ્વીલોક પર અવતરણ કર્યું હતું. ત્રણ માનવપુષ્પો ‘પોતાની મહેક’ પ્રસરાવતા ગયાં. ‘ભકત બીજ પલટે નહિ, કોટિ જનમ કે અંત, ઊંચ નીચ ઘર અવતરે, પણ રહે સંતનો સંત.’

આવાં આ ગંગાસતીનાં ભજનનો અર્થ કેવો અદ્ભુત છે. મેરુ એટલે કે પર્વત ડગે પણ મનુષ્ય મન ડગવું ન જોઈએ.

નરસિંહ મહેતા એક ભજનમાં લખે છે.’ હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ.

આજ વાત ગંગાસતી ભજનમાં કહે છે ;

મેરુ રે ડગે ને જેના મન ના ડગે

મરને ભાંગી રે પડે ભરમાંડ રે

વિપદ પડે પણ વણસે નહિ

ઇ તો હરિજનનાં પરમાણ રે...!

ગઝલકાર જવાહર બક્ષી આ કૃતિ વિશે સરસ વાત કરે છે. તેઓ કહે છે, " ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞ લક્ષણની વાત કહેવાઇ છે એ જ ગંગાસતીના આ ભજનમાં આવે છે. મેરુનો એક અર્થ પર્વત ઉપરાંત યોગમાં મેરુદંડ આવે છે જેનો સંબંધ કુંડલિની સાથે છે. પરંતુ, ગંગાસતીના ભજનનો મુખ્ય અર્થ એ જ છે કે સંસારમાં ગમે તેટલી ઊથલપાથલ થાય, પરંતુ મન સ્થિર રહેવું જરૂરી છે. પરમાત્મા માટે ફોકસ્ડ રહેવું જોઈએ. પરમાત્મા માટે જે સમર્પિત આત્મા છે એ ગમે તેટલી વિપદા એટલે કે આપત્તિમાં સાધના છોડતો નથી. ગીતાના બીજા અને બારમા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞ અને ભક્તનાં લક્ષણ છે એનું સાકાર સ્વરુપ ગંગાસતીના પદમાં દેખાય છે. પોતાના અનુભવથી લખાયેલી આ રચના છે. ગમે તે પરિસ્થિતિમાં મનથી વિચલિત ન થવું, આનંદમય રહેવું અને સાધના ન છોડવી.

પછી તો દરેક પંક્તિએ એ જ અધ્યાત્મ દર્શન છે કે ;

હરખ ને શોકની આવે નહીં હેડકી,

આઠે પહોર રહે આનંદજી,

નિત્ય રહે સત્સંગમાં ને

તોડે માયા કેરા ફંદજી...!

નરસિંહ મહેતાએ શિષ્ટ ભાષામાં આ જ કહ્યું છે કે સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા...! આ ભજનોની તાકાત જ એ છે કે આજની આધુનિક સદીમાં ય એ એટલાં જ પ્રસ્તુત છે. અન્ય એક ઉત્તમ ભક્તિ રચના વિશે આવતા અંકે વાત કરીશું.

--------------------------

મેરુ તો ડગે જેના મન નવ ડગે, પાનબાઈ

મરને ભાંગી પડે બ્રહ્માંડજી;

વિપદ પડે તોય વણસે નહીં;

સોઈ હરિજનનાં પ્રમાણજી.

ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી,

ને કરે નહીં કોઈની આશજી;

દાન દેવે પણ રહે અજાચી,

રાખે વચનમાં વિશ્ર્વાસ જી - મેરુ.

હરખ ને શોકની આવે નહીં હેડકી,

આઠે પહોર રહે આનંદજી,

નિત્ય રહે સત્સંગમાં ને

તોડે માયા કેરા ફંદજી

તન મન ધન જેણે ગુરુને અર્પ્યાં,

તેનું નામ નિજારી નર ને નારજી,

એકાંતે બેસીને અલખ આરાધે તો,

અલખ પધારે એને દ્વારજી

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,

શીશ તો કર્યાં કુરબાન રે,

સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,

જેણે મેલ્યાં અંતરનાં માન રે

સંગત કરો તો એવાની કરજો,

જે ભજનમાં રહે ભરપૂર જી,

ગંગાસતી એમ બોલિયાં, પાનબાઈ

જેનાં નેણોમાં વરસે ઝાઝાં નૂરજી

- ગંગાસતી

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

53ye44c5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com