29-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઘડપણમાં ગાર્ડનિંગનો શોખ પૂરો કરતાં રેખા માન
એકલવાયા જીવનની ફરિયાદ ન કરતા મનગમતી પ્રવૃત્તિઓમાં મન પરોવવાના જીવનમંત્રમાં માનું છું

કવર સ્ટોરી - હિના પટેલઆમ તો ૬૦ વર્ષની ઉંમર બાદ લોકો આરામની જિદગી જીવવા લાગે છે. આવા લોકોનું માનવું હોય છે કે હવે પારિવારિક જવાબદારીઓ પૂરી થઇ ગઇ છે. ચાલો જેટલું જીવન બાકી બચ્યું છે તે શાંતિથી વિતાવીએ. અમુક લોકો એવા હોય છે જે ઘડપણ બાદ વધુ સક્રિય જીવન જીવે છે. તેઓ સમાજ માટે કે પછી પર્યાવરણ માટે કંઇક કરવાની ઇચ્છા ધરાવતા હોય છે. આજે આપણે એવી જ એક વ્યક્તિની વાત કરવાની છે. જી, હાં તે વ્યક્તિ એટલે દિલ્હીનાં રહેવાસી રેખા માન.

દિલ્હીના પશ્ર્ચિમ વિહાર વિસ્તારમાં રહેતાં ૬૫ વર્ષીય રેખા માન છેલ્લાં સાત વર્ષથી પર્યાવરણ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તેઓ ૬૫ વર્ષની ઉંમરે પણ શાંતિથી બેસવાનું પસંદ કરવાને બદલે ઘરમાં જૈવિક ખાતર બનાવી પોતાનો ગાર્ડનિંગનો શોખ પૂરો કરી રહ્યાં છે. આની શરૂઆત તેમણે પોતાના ઘરમાં ભીના કચરામાંથી ખાતર બનાવવામાંથી કરી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી રેખા માન તેમના ઘરમાં ફૂલ-છોડ ઉગાડી રહ્યાં છે. ગાર્ડનિંગ માટે આવશ્યક ખાતર પણ તેઓ ઘરે જ તૈયાર કરે છે.

આ અંગે વધુ માહિતી આપતાં રેખા માન જણાવે છે કે ‘મારી ઉંમરમાં લોકો સામાન્ય રીતે એકલવાયું જીવન જીવતા હોય છે. દીકરાઓ મોટા થઇને તેમના જીવન સંસારમાં વ્યસ્ત થઇ જાય છે. આથી ઉંમરના આ પડાવે સામાજિક અને પર્યાવરણ માટે કંઇક સારું કામ કરીને જીવન વિતાવવું જોઇએ. આમ કરવાથી આપણે વ્યસ્ત પણ રહી શકીએ અને સાથે સાથે કંઇક સારું કામ કરવાનો આનંદ પણ મળે.’

રેખા માન પોતાની હાઉસિંગ સોસાયટીનાં અધ્યક્ષ પણ છે અને તેઓ હંમેશાં લોકોને પર્યાવરણ પ્રત્યે સારું કામ કરવા માટે પ્રેરતા રહે છે. અગાઉ તેમના પર પરિવારની જવાબદારી હોવાથી તેઓ ઘરમાં માંડ ત્રણ-ચાર છોડ વાવી શકતાં હતાં. જોકે, હવે રેખા તેમનો સંપૂર્ણ સમય ગાર્ડનિંગ અને નવી નવી વસ્તુઓ શીખવામાં વિતાવે છે. તેમણે પોતાના ટેરસ પર અને ઘરઆંગણે વિવિધ જાતના ફૂલ-છોડ ઉગાડ્યા છે. એટલું જ નહીં આ કામમાં તેઓ અન્ય મહિલાઓને પણ મદદ કરે છે. સોસાયટીની મીટિંગમાં રેખા લોકોને ગાર્ડનિંગ, હોમ કમ્પોસ્ટિંગ વગેરે અંગે માર્ગદર્શન આપે છે. અનેક લોકો તેમની પાસેથી ઘરના ભીના કચરમાંથી ખાતર બનાવતાં શીખ્યા છે.

રેખા જણાવે છે કે ‘આપણને બધાને ખબર છે કે ઘરમાં બનેલા ખાતરને ‘કાળું સોનું’ કહેવામાં આવે છે. તે ફૂલ-છોડ માટે ગાયના ગોબરમાંથી બનેલા ખાતર કરતાં પણ વધુ ફાયદાકારક હોય છે. ઘરમાં નિર્માણ થતા ભીના કચરામાંથી હું ખાતર તૈયાર કરું છે. આમ કરવાથી કચરાનો પણ નિકાલ થઇ જાય છે અને ખાતર પણ તૈયાર થઇ જાય છે. આ ખાતરને જ ફળ અને શાકભાજીનાં વૃક્ષોને આપું છે, જેથી છોડની વૃદ્ધિ સારી થાય. હું કયારેય બજારમાંથી ખાતર ખરીદતી નથી.’

રેખાનું માનવું છે કે મહિલાઓ તનથી વૃદ્ધ ભલે હોય પણ મનથી જવાન જ રહેવું જોઇએ. એકલવાયા જીવનની ફરિયાદ કરવાને બદલે વયસ્ક મહિલાઓએ પોતાની જાતને વ્યસ્ત રાખવી જોઇએ. ખાલી બેસી રહેવાની બદલે પોતાનો શોખ પૂરો કરવાથી મન પણ આનંદિત રહે છે.

આપણે એવાં કામ કરતાં રહેવું જોઇએ જેનાથી બીજાનું ભલું થતું હોય. પછી ભલે તે માનવીની ભલાઈ હોય કે

પર્યાવરણની. રેખા માન જેવી વિચારધારા વયસ્ક મહિલાઓ અપનાવે તો તેમની જીવન પ્રત્યેની ફરિયાદ ઓછી થઇ જશે એ તો નક્કી જ છે.

-------------------------

કેવી રીતે ખાતર બનાવાય?

સૌપ્રથમ તમે કોઇપણ પ્લાસ્ટિકનો મોટો ડબો, બાલદી કે ડ્રમ લો. તેની નીચે કોઇ અણીદાર વસ્તુથી છેદ કરી નાખો, જેથી કરીને ઑક્સિજનની અવર-જવર થઇ શકે. સૌપ્રથમ નીચે માટી અથવા સુકાયેલાં પાંદડાં નાખી દો. તેના પર ઘરનો શાકભાજી અથવા ફળનો ભીનો કચરો નાખી દો. આમ દરરોજ એક લેયર સૂકો અને એક લેયર ભીનો કચરો નાખતા રહો. વચ્ચે વચ્ચે તમે છાસનો છંટકાવ કરી શકો છો.

આમ કરવાથી ખાતર બનવાની પ્રક્રિયા ઝડપી બને છે. આ ડ્રમને એવી જગ્યા પર રાખો જ્યાં તેના પર વરસાદનું પાણી ન પડે. આ ડ્રમ ભરાઈ જાય ત્યારે બીજા કોઇ વાસણમાં ફરી ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ કરો. સામાન્ય રીતે ખાતર બનતાં એક મહિના જેટલો સમય લાગે છે. દરમિયાન ખાતર બનાવવામાં પહેલી જ વારમાં સફળતા મળી જાય એવું નથી. ઘણી વાર તેમાં કીડા પણ પડી જાય એવું બને. ખાતર બનાવવાનું શીખતાં થોડો સમય લાગે છે, પણ પ્રયત્નો ચાલુ રાખવા જોઇએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Pp0lIxNy
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com