25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શાહીની લાગણી અને લાગણીની શાહી

સુનામી-એષા દાદાવાળાબે ડાયરી છે. બંને ડાયરી લગભગ સિત્તેર-એંશી વર્ષ પહેલા લખાઇ છે. બેઉ ડાયરીનાં લખનારા એટલા બધા જગપ્રસિદ્ધ છે કે એનો અનુવાદ વિશ્ર્વની અનેક ભાષાઓમાં થયો છે. આ બંને ડાયરીઓની સંખ્યાબંધ આવૃત્તિઓ થઇ છે. ડાયરી કહો તો ડાયરી અને આત્મકથા કહો તો આત્મકથા-આ બંને પુસ્તકો વિશ્ર્વનાં બેસ્ટ સેલર પુસ્તકોમાંનાં એક છે. એક પુરૂષની ડાયરી છે અને બીજી સ્ત્રીની.

પુરૂષ એવું લખે છે કે-મને સમજાતું નથી કે માણસો કુદરત જેટલા જ નિર્દયી કેમ નથી થતા? સ્ત્રી લખે છે કે આટલું બધું થયા પછી હજીપણ હું એવું માનું છું કે માણસો દિલથી સારા જ હોય છે. હું જોઇ શકું છું કે આખું વિશ્ર્વ એક જંગલમાં ફેરવાઇ રહ્યું છે. હું લાખો લોકોનાં દુખને અનુભવી શકું છું પણ જ્યારે આકાશ તરફ જોઉં છું ત્યારે મને લાગે છે કે-બધું જ ઠીક થઇ જશે. આ ક્રૂરતાનો અંત આવશે અને શાંતિ ફેલાશે.

પુરૂષની ડાયરી-એની આત્મકથાનું નામ છે-મેઇન કામ્ફ અને લખનાર છે એડોલ્ફ હિટલર. સ્ત્રીની ડાયરીનું નામ છે-અ ડાયરી ઓફ એન્ની ફ્રેંક. આમ જોવા જાવ તો સ્ત્રીની ડાયરીને કોઇ નામ હોતું નથી. એને જકડી નાખનારા બે પૂંઠા જ હોય છે.

નોબેલ પુરસ્કાર મેળવનાર પહેલી મહિલા ટોની મોરિસનનું અવસાન થયું. એમણે લખ્યું કે સ્વતંત્રતા એટલે આઝાદ થવું એવું નહીં- બીજાને ગુલામીમાંથી મુક્ત કરવા એ. ટોની મોરિસનનું જીવન પણ રોલર કોસ્ટરની કોઇ રાઇડ જેવું હતું. નાનપણમાં રંગભેદના અનુભવ, પહેલા લગ્ન-લગ્નનું તૂટવું, શાર્પરનરમાં પેન્સિલ છોલાતી હોય એમ એ પણ ધીમે-ધીમે છોલાતા રહ્યા અને એ પીડા એમનાં લખાણોમાં સતત છલકાતી રહી. જેણે એવું લખ્યું કે માણસો કુદરત જેટલા નિર્દયી કેમ નથી થઇ શકતા? એની જ નિર્દયતાનો ભોગ બન્યા પછી એક સ્ત્રીએ લખ્યું કે મને હજીપણ વિશ્ર્વાસ છે કે માણસો દિલથી સારા જ હોય છે. વર્ચસ્વની લડાઇ લડી રહેલી એક છોકરીને તાલિબાનોએ ગોળી મારી. એ બચી ગઇ અને બચી ગયા પછી એણે લખ્યું કે-જો એક માણસ બધો જ વિનાશ કરી શકતો હોય તો એક છોકરી પરિવર્તન કેમ ન લાવી શકે? એન્ની ફ્રેંક હોય, ટોની મોરિસન હોય કે મલાલા યુસુફ હોય-સ્ત્રી જ્યારે લખે ત્યારે દિલની છેક ઊંડે કોઇ આંગળીઓ ફેરવતું હોય એવું કેમ લાગતું હોય છે? સ્ત્રી અને પુરૂષનાં લેખનમાં ફરક શું હોય છે? તમે કહેશો કે પેન તો એ જ હોય છે. શાહી પણ એ જ હોય છે. કાગળ પણ એ જ હોય છે. તો ફરક છે ક્યાં? કેનનનાં ડી.એસ.એલ.આરથી તમે લીધેલી તસવીરો અને રઘુ રાયે લીધેલી તસવીર એકસમાન હશે? કેમેરો કશું જોતો નથી હોતો-એની પાછળની આંખો જોતી હોય છે. એવી જ રીતે પેન પકડનારી આંગળીઓ નેઈલ પોલિશવાળી છે કે નેઇલ પોલિશ વિનાની-એનો ફરક પડતો હોય છે.

સ્ત્રીઓનો અને પુરૂષોનો દૃષ્ટિકોણ જુદો હોય છે. કેટલીક ચીજોને પુરૂષો જે રીતે જોઇ શકતા નથી-એવા ડાયમેન્શનમાં જઇને સ્ત્રીઓ જોઇ શકે છે. પુરૂષો માટે ઘણીવાર સ્ત્રી સ્વતંત્રતા અને સ્ત્રી સમાનતા એક જ હોય છે-પણ આ બંને વચ્ચે ફરક છે. ગ્લોરિયા સ્ટેનીન કહે છે કે-કાયદો અને ન્યાય વચ્ચે અંતર હોય છે. સ્ત્રીઓ કાયદો અને ન્યાય વચ્ચેનો ફરક પારખી શકે છે અને એટલે જ પુરૂષોની વાર્તાઓમાં કાયદો-કાયદો તોડવાના પ્રકારો અને કાયદો તોડવાનાં ફાયદાઓની વાતો જોશો જ્યારે સ્ત્રીની વાર્તાઓમાં ન્યાયની લડત દેખાશે.

પુરૂષો લખે ત્યારે મોટેભાગે એ માહિતીની ચોક્કસાઇ પર ધ્યાન આપે. અશ્ર્વિની ભટ્ટ કટિબંધ લખતી વખતે રસ્તો ડાબો વળે છે કે જમણે એ જોવા માટે સ્કૂટર લઇને છેક આબુ સુધી જાય. રસ્તો ડાબે વળે છે એ ખાતરી કરે અને સ્કૂટર પર જ ઘરે આવીને લખે કે-ડાબી તરફ વળતા રસ્તે સ્ત્રી લખે ત્યારે એ માહિતીની ચોક્કસાઇની સાથે લાગણીઓની ચોક્કસાઇ પર વધારે ધ્યાન આપે. કાજલ ઓઝા વૈદ્યનાં કૃષ્ણાયનનાં કૃષ્ણ એ લાગણીઓમાંથી નીપજેલા કૃષ્ણ છે. પન્ના નાયક કવિતા લખે ત્યારે એમાં બાની વાત લખે. ઉષા ઉપાધ્યાયની કવિતાઓ જિંદગીની વાસ્તવિકતાની વાત કરે. સ્ત્રીની વાર્તા, સ્ત્રીની કવિતા છાતીની આરપાર નીકળી શકે-જ્યારે પુરુષની વાર્તા-પુરૂષની કવિતા મોટાભાગે કલ્પનાની આરપાર નીકળી શકે.

દિપ્તી મિશ્ર લખી શકે-વો નહીં મેરા મગર ઉસસે, મૂહબ્બત હૈ તો હૈ, યે અગર રસ્મો રિવાજો સે બગાવત હૈ તો હૈ! આવું એક સ્ત્રી જ લખી શકે. બહુ ઓછા પુરૂષો આવી હિંમતથી છાતી સોંસરવું લખી શકતા હોય છે.

‘માટે’ અને ‘સાથે’ આ શબ્દો પુરૂષો માટે વસ્તુવાચક શબ્દો હોય છે. પણ સ્ત્રીઓ માટે આ શબ્દો લાગણીવાચક છે, જે મોટેભાગે સંબંધો દર્શાવતા હોય છે. સ્ત્રી મોટેભાગે સંબંધોની આજુબાજુ લખે. એમાં સંબંધોનાં રહસ્યો-લાગણીઓનું ફાઇન ટ્યૂન હોય. પુરૂષો રહસ્યકથામાં સંબંધો વિશે લખતા હોય છે જ્યારે સ્ત્રીઓ સંબંધોનાં રહસ્યો માટે લખતી હોય છે. સ્ત્રી સપનાંઓ પરથી આખું આભ ચીતરી શકે. પુરૂષ સપનાંને સપનું ગણીને ભૂલી જતો હોય છે. ટોની મોરિસને ૧૧ નવલકથાઓ લખી. આ બધી જ નવલકથાઓમાં એણે કડવી જિંદગીની કડવી વાસ્તવિકતાઓ લખી. એણે લખ્યું કે તમે જો કોઇ પુસ્તક વાંચવા માંગતા હોવ અને એ અત્યાર સુધી લખાયું ન હોય તો માની લેજો કે એ તમારે જ લખવાનું છે.

આપણે ત્યાં સ્ત્રી સર્જકો ઓછા કેમ છે આવો સવાલ ઘણાંને થતો હોય છે. આવો સવાલ કરનારે સૌથી પહેલાં તો સર્જનમાં સ્ત્રીની પ્રમાણિકતાને સ્વીકારવાની જરૂર છે. સ્ત્રીનાં સર્જનનાં દરેક ટુકડા સાથે એની જિંદગીનો ટુકડો જોડાયેલો હોય તો પણ-એને સર્જન તરીકે જ મૂલવવું જોઇએ. સ્ત્રી મૂળે સર્જક છે. બાળકનાં જન્મ વખતે એની નાળ બાળક સાથે જોડાયેલી હોય છે. તાજું જન્મેલું બાળક માના લોહી વચ્ચે લપેટાયેલું હોય છે. બાળકનાં જન્મ સમયે જો સ્ત્રીનું લોહી બહાર આવી જતું હોય તો લખતી વખતે એણે અનુભવેલો એકાદ ધબકારો કે ફડકારો શબ્દ સાથે બહાર આવી પણ જાય તો વાંધો શું કામ લેવો જોઇએ?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6m18N308
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com