25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોરોનાનો અભિશાપ બન્યા ેઆશીર્વાદ

મોન્ટાજ-અભિમન્યુ મોદી

જોઘર એક મનુષ્ય હોત તો તે મનુષ્ય નહીં પણ ભગવાન ગણાતો હોત. માનવજાતને નિશ્રા આપનાર એક અચળાંક તરીકે ઘર સાબિત થયું છે. માણસ અનેક ઘરોથી થાકી જાય ને ત્યારે એ સુકૂન મેળવવા માટે ઘર જ શોધે અને એ ઘર એને અનુભૂતિ કરાવે કે બાકીના બધા ઘર, ઘર નહીં પણ મકાન હતા. ઘર એકમાત્ર એવી વસ્તુ છે જે એક જ હોઈ શકે. બાકી દરેક વસ્તુ બે કે વધુ સંખ્યામાં મળે. નિર્જીવ વસ્તુઓ તો ચાહીએ એટલી સંખ્યામાં બની શકે. અરે નસીબદારોને તો બે મા કે ત્રણ કાકી કે ચાર બહેનોનો પ્રેમ મળતો હોય છે. સજીવો પણ બે મળી શકે. પણ ઘર તો એક જ હોય. જોકે ઘરને નિર્જીવ કહેવું કે નિર્જીવ-સજીવ કહેવું એ પણ સવાલ છે. માત્ર માણસને જ નહીં, માણસ સિવાયના દરેક જીવને સતત સુકૂન આપનાર બાબત ખોરાક નહીં પણ ઘર છે. પછી એ બોડ હોય કે ગુફા કે માળો, ઘર એ ઘર. ખોરાક દૈહિક જરૂરિયાત પૂરી કરે, ઘર રાહત આપે.

છેલ્લાં દસ વર્ષની અંદર માણસ ઘરમાં વધુ સમય વિતાવવા લાગ્યો છે એવું તારણ છે. એના કારણો પણ દેખીતા છે. પરિવહનની ઝડપ વધી છે એટલે એક સ્થાનેથી બીજે ઠેકાણે પહોંચવાનું સુગમ બન્યું, ઇ-કોમર્સ અને ઓનલાઇન શોપિંગ જેવી વેબસાઇટો ઘરેબેઠા વસ્તુઓ પહોંચાડવા મંડી, ઇલેક્ટ્રોનિક્સ કે પ્લમ્બિંગ જેવી કંપનીઓ ઘરે બેઠા ડેમોન્સ્ટ્રેશન અને સર્વિસ આપવા લાગી, બેંકિંગ અને વીમા પોલિસીની સેવાઓ પણ હોમ-ટુ-હોમ મળવા લાગી, ફૂડ ડિલિવરીના બહોળા વિકલ્પોએ તો માણસને ઘરકૂકડો જ કરી નાખ્યો. જો માણસ આ બધા કારણોને લીધે પહેલા કરતા વધુ સમય ઘરમાં પસાર કરતો હોય તો તેને પોતાના ઘર વિશે જ્ઞાન પણ વધુ રહેતું હશે ને? ઘર વિશેનું જ્ઞાન એટલે જૂનું ટેપરેકોર્ડર ક્યાં મૂક્યું છે કે ત્રણ વર્ષ પહેલા કઝીનના લગ્નમાં પહેરેલી સાડી સાથેનો મેચિંગ ટીક્કો ક્યાં છે તેવું જ્ઞાન. વિરોધાભાસ એ છે કે પોતાના જ ઘર વિશેની આ માહિતીમાં સામૂહિક રીતે ઘટાડો થયો છે.

ઘરની કઇ વસ્તુ ક્યાં મૂકી છે કે ક્યાંથી મળી આવે એના વિશે જો આજની તારીખે ઘરના સભ્યોને સવાલ પૂછવામાં આવે તો એમના જવાબોના સાચા પડવાની શકયતા આજથી દસ વર્ષ પહેલા પુછાયેલા આ જ સવાલોના જવાબો સાચા પડે એના કરતાં ઓછી છે. લોકો ઘરમાં વધુ સમય પસાર કરતા થયા પણ ઘર નીચે પસાર થતો ગુણવત્તાભર્યો સમય ઓછો થવા લાગ્યો. અમુક લોકો માટે ઘર પોતાની જાતનું રક્ષણ કરવા માટેનો આશરો છે, અમુક બીજા લોકો માટે ઘર ફક્ત શયનખંડને સાચવતી જગ્યા છે અને બાકીના લોકો માટે શાંતિથી મોબાઈલ મચડી શકાય એવું સ્થળ. ઘરના આ ત્રણ હેતુઓ તો છે જ પણ ઘર એનાથી વિશેષ છે. અંગ્રેજીની કહેવત છે કે હોમ ઇઝ વ્હેર યુ હેંગ યોર હેટ. પશ્ર્ચિમના દેશોમાં વર્ષના મોટા ભાગે બરફવર્ષા થતી હોય તો ટોપો પહેરીને બહાર જવાની પ્રથા પડી ગઈ. ઘરની હૂંફમાં પ્રવેશતાવેંત એ ટોપો ટીંગાડી દેવાનું મન થાય; માથાનો મુગટ ઉતારીને જ્યાં બેફિકરાઈથી મહાલી શકાય એ જ ઘર.

કોરોના અભૂતપૂર્વ રીતે સમગ્ર જગતમાં પ્રસરી ચૂક્યો છે. ભણેલા કે ન ભણેલા દરેક લોકોની જીભે કોરોના દિવસમાં એક વખત તો આવે જ છે એવા દૌરમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. કોરોનાને કારણે વ્યાપેલો ભય અદ્ભુત છે. ચોખ્ખાઈના બેઝિક નિયમો બધા સમર્પણભાવનાથી પાળી રહ્યા છે. સેનિટાઈઝર અને માસ્કની કંપનીઓ સિવાય બધે જ મંદી વ્યાપ્ત છે. આર્થિક ઘોડા શિથિલ થયા અને હવે તો જનજીવન પણ સ્થગિત થઈ ગયું. સ્વચ્છતા અભિયાનની શરૂઆત લોકોએ પોતાના પરિસરથી તો શરૂ કરી જ દીધી. ઘર થોડું વધુ ચોખ્ખું રહેવા મંડયું. ટ્રેનો અને સિટી બસો તથા બીઆરટીએસ બસો ખાલી દોડવા લાગી. વર્ક ફ્રોમ હોમનો આકર્ષક ક્ધસેપ્ટ ફરજિયાત અમલમાં મુકાયો. બધા પોતાના જ ઘરોમાં નજરકેદ થઈ ગયા. પંદર દિવસ ઘરે સાથે રહેવાના કારણે ગુજરાતની વસ્તી વધી જશે એવી રમૂજો વહેતી થઈ.

કોવિડ-૧૯ એ શહેરીકરણની ઉદાત્ત ભાવનાનો કચ્ચરઘાણ વાળી દીધો. અત્યારે સૌથી વધુ સુરક્ષિત ગામડામાં રહેતા લોકો છે. મેટ્રો શહેરના લોકો જ કોરોનાની હડફેટમાં આવ્યા છે. હજુ સુધી કોરોના ગ્રામ્યવિસ્તારમાં પ્રવેશી શક્યો નથી. સ્કૂલ/કોલેજની અર્બનાઇઝેશન કે રૂરલ એરિયાની ડિબેટમાં અર્બન એરિયાની ફેવર કરતા લોકોને ક્લીન બોલ્ડ કરી શકાય એવો મુદ્દો આ કોરોના ગ્રુપના વાઇરસે આપ્યો. એરપોર્ટ ઉપર હવે કાગડા ઉડે છે અને ઓથોરિટીએ પક્ષીઓ ઉડાડવા માટે વ્યવસ્થા પણ કરવી પડતી નથી, કારણ કે મોટા ભાગની ફલાઈટો જ કેન્સલ થઈ રહી છે. ટૂરિઝમવાળાના બિઝનેસ નવરા પડવા મંડ્યા. ઇટાલી તો આખો દેશ ભૂતાવળ જેવો ભાસે છે. રોમની ગલીઓ પહેલી વખત ભેંકાર થઈ. ખ્રિસ્તી આસ્થાળુઓની પવિત્ર જગ્યા પ્રવાસીવિહોણી થઈ.

કોરોનાએ માણસને સમજાવ્યું કે દરેક માણસના કામની અસર આખી દુનિયા ઉપર પડતી હોય છે. આજે ચાઇનાના પાપે આખી દુનિયા મહામારીમાંથી પસાર થઈ રહી છે. (હાસ્તો જ વળી, અકરાંતિયા રાક્ષસની જેમ કોઈ પણ પશુ-પંખીને જીવતા કે મરેલા ખાઈ જવાની કુટેવ એ જ ચીનાઓનો વાંક. કોરોના પ્રાણીજન્ય વાઇરસ છે જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં આવ્યો છે. નોન-વેજની આદત ન હોત તો આજે કોરોના નામની જણસથી આપણે સૌ અજાણ હોત). નોન-વેજ ખાઈને, પર્યાવરણમાં કાર્બન પ્રિન્ટ વધારીને, ગ્લોબલ વોર્મિંગ સહિત બધા જ પ્રદૂષણની માત્રા વધારીને નોન-વેજના શોખીનો તો હાથ ખંખેરીને ઊભા થઈ ગયા. તેના કૃત્યની સજા બાકીની માનવજાત ભોગવે છે. દારૂ અને માંસાહાર વિનાશ નોતરે છે એ શાસ્ત્રોક્ત વાત જુનવાણી લાગતી હશે પણ ખોટી નથી.

ઇતિહાસમાં જેને કોરોના વેકેશન તરીકે યાદ રાખવામાં આવશે એ રજાઓનો સમયગાળો ભલે કોરોનાના અભિશાપને કારણે મળ્યો હોય પણ એ આશીર્વાદ સાબિત થઈ શકે એમ છે. નેટફ્લિકસ કે એમેઝોન પ્રાઈમ તો ત્યારે પણ હતું જ્યારે જનજીવન થાળે હતું. ટીવી અને મોબાઈલની સ્ક્રીનની બહાર અને ઘરના ફળિયાની અંદર પણ એક બીજી દુનિયા રહેલી હોય છે જેનો આપણી જિંદગીમાં મહત્તમ ફાળો હોય છે. જેમ બે ફિંગરપ્રિન્ટ સરખા નથી હોતા એમ દુનિયાનું દરેક ઘર અનન્ય હોય છે. કારણ કે મકાનની ડિઝાઇન કડિયો કે સિવિલ ઈજનેર બનાવે, ઘરની ડિઝાઇન તો એમાં રહેતા સભ્યોના વ્યક્તિત્વને કારણે બનતી હોય. કેદીઓ સાત-દસ વર્ષના જેલવાસ દરમિયાન પુસ્તકોનો, સંગીતનો, ફાઇન આર્ટ્સનો, લાકડાકામ જેવી કળામાં નિપુણ થઈ જતા હોય છે. તો આ ટેમ્પરરી હાઉસ એરેસ્ટ તો વરદાન સાબિત થઈ શકે. જરૂર છે ઘરમાં રહીને ઘરની વધુ નજીક જવાની. ઘરના એ ખૂણાઓને એક્સપલોર કરવાની કે જ્યાં આપણે ખાસ બેઠા જ નથી. ઘરની દરેક ઈંટ આપણાં મનમાં અલગ વિચાર આરોપતી હોય છે. પણ મોટા ભાગે આપણાં કાન ને આંખ બંધ હોય છે, દિમાગ પણ બંધ હોય છે. આ શ્રેષ્ઠ સમય છે ઘરને બોલવા દેવાનો અને એને ચૂપચાપ સાંભળવાનો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

kV8tFS14
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com