25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એક જ હોસ્પિટલમાં હોવા છતાં પિતાને છેલ્લી વખત જોઈ શક્યો નહીં

વિશેષ-મૌસમી પટેલકોરોના, કોરોના... લાખો લોકોને પોતાની ચપેટમાં લેનાર આ વાઈરસ ઘણી પોઝિટિવ તો ઘણી નેગેટિવ સ્ટોરીનું કારણ બન્યો છે. લાખો લોકો કોરોના વાઈરસથી પીડાઈ રહ્યો છે, તો હજારો લોકોએ આ વાઈરસને કારણે પોતાનો જાન ગુમાવ્યો છે. આ બધા વચ્ચે એક સ્ટોરી અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ છે અને આ સ્ટોરી છે ૩૦ વર્ષીય લિનો એબલ નામના એક યુવકની. આ એ જ બદનસીબ યુવક છે કે જે પોતાના પિતાને આખરી વિદાય ન આપી શક્યો કે ન તો તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શક્યો. બસ એક નાનકડી બારીમાંથી તે પોતાના પિતાનો ચહેરો અંતિમ વખત જોઈ શક્યો એટલા જ આશ્ર્વાસનથી લિનોએ સંતોષ માનવો પડ્યો હતો.

આખી વાત વિસ્તારથી કરવાની થાય તો આઠમી માર્ચના લિનો એબલ પોતાના પિતાને મળવા માટે કતારથી ભારત આવ્યો હતો, કારણ કે તેના પિતા ઘરમાં પડી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, કતાર એ કોરોના વાઈરસની ચપેટમાં આવી ગયેલાં વિસ્તારમાંથી એક છે. લિનો પણ કતારથી આવી રહ્યો હતો અને તેને થોડી ઉધરસ પણ હતી એટલે તેને કોટ્ટાયમની મેડિકલ કોલેજ હોસ્પિટલના આઈસોેલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યો હતો. દુર્ભાગ્યે બીજી બાજુ તેના પિતાની હાલત વધારે બગડતી ગઈ અને સ્ટ્રોક આવતા તેમનું નિધન થયું હતું.

હવે વિધિની વક્રતા તો જુઓ કે પિતા-પુત્ર બંને એક જ હોસ્પિટલમાં હોવા છતાં એકબીજાને મળી શક્યા નહોતા. જે વખતે લિનોના પિતાને લઈ જઈ રહ્યા હતા એ વખતે એક નાનકડી બારીમાંથી પિતાનું મુખ છેલ્લી વખત જોઈ રહેવાં સિવાય કંઈ જ કરી શક્યો નહીં. કોરોનાને કારણે પિતાજીના અંતિમ સંસ્કારમાં હાજર નહીં રહી શકેલા લિનોના દિલ પર શું વીતી હશે, એનો જરા વિચાર તો કરો. જોકે, ટેક્નોલોજીની દયાને કારણે લિનો હોસ્પિટલમાં બેઠાં બેઠાં પિતાજીના અંતિમ સંસ્કાર વીડિયો કોલના માધ્યમથી જોઈ શક્યો ખરો.

લિનો પણ આખરે હતો તો એક દીકરોને. તેણે સોશિયલ મીડિયા પર પોતાના દુ:ખને વ્યક્ત કરતી એક લાંબી લચક પોસ્ટ લખી અને તેમાં તેણે લખ્યું હતું કે ‘જો મેં મારી જાતને રિપોર્ટ ના કરી હોત તો કદાચ હું મારા પિતાને છેલ્લી વખત મળી શક્યો હોત કે પછી તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહી શક્યો હોત. પરંતુ આ સમય મારા એકલાનો કે મારા પરિવારનો વિચાર કરવાનો નહોતો. જે વાઈરસથી હું પોતે ગ્રસિત હતો એ વાઈરસ હું બીજા કોઈને કઈ રીતે આપી શકું? મારી લોકોને વિનંતી છે કે જો

તમે પણ કોરોનાગ્રસ્ત વિસ્તારમાંથી ભારત આવી રહ્યા છો તો કોઈ પણ પ્રકારની શરમ કે છોછ વિના આગળ આવીને પોતાની જાતને રિપોર્ટ

કરો.’

લિનોની આ સારાઈને કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને પણ બિરદાવી છે અને તેની પ્રસંશા કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘આ ખરેખર એક દુ:ખદ પરિસ્થિતિ હતી કે જ્યાં એક પિતા-પુત્રના મિલન વચ્ચે વાઈરસ દીવાલ બનીને ઊભો રહી ગયો.

બીમાર પિતાને મળવા માટે લિનોએ આટલી લાંબી મુસાફરી કરી, પણ તેની આ મુસાફરી નિષ્ફળ પુરવાર થઈ અને તે કોરાનાને કારણે પોતાના પિતાને મળી શક્યો નહીં. આનાથી પણ વધારે અઘરી પરિસ્થિતિ તો એ હતી એક જ હોસ્પિટલમાં હોવા છતાં પણ લિનો છેલ્લી વખત પોતાના પિતાને નજીકથી જોઈ શક્યો નહીં કે મળી શક્યો નહીં. પરંતુ તેમ છતાં લિનોના સાહસ અને સમાજ પ્રત્યેની તેની જવાબદારી ખરેખર ખૂબ જ સરાહનીય છે. એટલું જ નહીં તેણે તે એક જવાબદાર નાગરિક હોવાનો પરિચય પણ

આપ્યો છે.’

લિનોની જગ્યાએ જો બીજું કોઈ હોત તો...? તે પોતાના વાઈરસને અવગણીને પિતાને મળવાનું પસંદ કરત કે પછી લિનોની જેમ પહેલાં પોતાના આસપાસના લોકોનો વિચાર કરીને તેમનાથી દૂર રહેવાનું પસંદ કર્યું હોત એ એક સવાલ છે. જેના જવાબો અલગ અલગ હોઈ શકે છે. આ બધા વચ્ચે એક આનંદના સમાચાર એ છે કે લિનોના રિપોર્ટ્સ હવે નેગેટિવ છે અને તે પોતાના પરિવારને મળવા માટે મુક્ત છે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

f4uY41
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com