25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોરોના પ્રૂફ શિક્ષક

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદીઅચાનક સવાર સવારમાં સોસાયટીમાં છોકરાવનો કોલાહલ અને આનંદની ચિચિયારીઓ સાંભળી મારી ઊંઘ ઉડી ગઈ. બારીમાંથી સૂર્ય પ્રકાશથી બચતા આડો હાથ રાખી અડધી ઉઘાડી આંખે શેરીમાં નજર દોડાવી પણ સાથે એ પણ જોયું કે ઘરે ઘરેથી ઉંદર જેમ ભોણ માંથી ભોડું બહાર કાઢે એમ બારી બહાર ડોકા કાઢી પોતાનો ભૂતકાળ માણી રહ્યા હતા. મેં બારી બંધ કરી મોઢું વીછળી ફળિયામાં પ્રશ્ર્નાર્થ બની ઊભો રહ્યો. બાજુવાળાનો ઓટીવાળ (કોઈના બાપનું ન માને તેવો) ૧૦ કિલોના દફ્તરનો ઘા કરી કિલ્લો ફતેહ કર્યોં હોય એમ રજા પડી મજા પડી... ગાંગરતો શેરીમાં દોડી ગયો, ઘર પાસેથી નીકળતા બોચીએથી જાલી મેં પૂછ્યું કે ‘અત્યારે શેની રજા પડી’? તો મને કે કોરોના આવ્યો છે એટલે ૧૫ દિવસ રજા, ટ્રમ્પ આવ્યા ત્યારે ૨ દિવસ રજા હતી કોરોના આવ્યો તો ૧૫ દિવસ રજા. માથે ટપલી મારી એને સમજાવ્યું કે આ કોઈ દેશના નેતા નથી પણ નેતાથી પણ ભયાનક, જીવલેણ વાઈરસ છે.પણ તેને રોગની ગંભીરતા ન હતી જેટલો રજાનો આનંદ હતો. અત્યારે ૮૦% પબ્લિક કોરાનાની ગંભીરતાને વોટ્સએપની પાઠશાળાના માધ્યમથી હસવામાં લઇ રહી છે.

અત્યારે દેશ ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. વર્ગ વિગ્રહ, આર્થિક કટોકટી, બેન્કના દેવાળાં, ધારાસભ્યોનું ખરીદ વેચાણ આવું કેટલુંય... એમાં ઓછું હતું તે આ કોરોના ભળ્યો. કોરોનાની ભયંકરતાને ધ્યાનમાં રાખી અને સરકારે સારા પગલાઓ લીધા છે પરંતુ અમુક લોકોને તેની ગંભીરતા સમજાતી નથી એટલે વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અવનવા જોક્સ રોજબરોજ માણવા મળે છે. એક વાત એ પણ ખરી કે કોરોનામાં ધ્યાન રાખવા જેવી બાબત સરકાર જે કહે છે તે લોકો વગર વિચાર્યે કરે છે તેમાં પણ ઘણી રમૂજ ઊભી થાય છે. ૨૦ સેક્ધડ સતત હાથ ધોવા માટે જ્યારે સરકાર જણાવતી હોય ત્યારે અમારા ચુનિયા જેવા શું સમજે છે એ પણ સરકારે સમજવું જોઈએ. હું હજી છોકરાને ટપારી સમજાવી અને ઘરમાં પ્રવેશ કરું ત્યાં તો ફોનની ઘંટડી રણકી અને ચુનિયાના ઘરવાળાએ મને ફરિયાદ કરી કે ‘આ તમારા ભાઈબંધએ બીજી વાર પાણીનો ટાંકો ખાલી કર્યો’. મેં પૂછ્યું કે ’એવું તે શું કરે છે કે ટાંકો ખાલી થઈ જાય’? તો મને કહે ‘ફુવારા નીચે સવારના ઊભા છે. ૨૦ સેક્ધડ માટે સરકારે હાથ ધોવાનું કીધું છે અને એ પણ વારંવાર તો આખુ શરીર ધોવા માટે મારે કેટલી વાર પાણી નીચે ઊભા રહેવું પડે? એ તેને ખબર પડવી જોઈએ. આમ માનતા નથી અને સતત ન્હાયા કરે છે’.

સાતેય કામ પડતા મૂકી અને હું ચુનિયાને સમજાવવા ગયો કે આવું ન કરાય અને બહાર ગયા હોય અને કોઈ વસ્તુ નડ્યા હોય તો જ હાથ ધોવાના હોય વારે ઘડીએ નાવા બેસો તો નર્મદા ડેમ પણ લોકો ખાલી કરી નાખે. સ્કૂલ-કોલેજોમાં અમુક જગ્યાએ માસ્ક અને સેનીટાઈઝર ફરજિયાત કરવામાં આવ્યા પણ મને એ નથી સમજાતું કે સમજણ વગરનો આ ખર્ચો કરાવવાનો કોઈ અર્થ ખરો? લાઈનમાં ઊભા રહેવા કરતા એકાદ છીંક ખાવાથી જો આઠ દસ માણસો લાઇનમાંથી ભાગીને ઓછા થઈ જતા હોય તો શું વાંધો એમ લોકો નુસખાઓ અજમાવવા લાગ્યા છે. અમારી બાજુવાળા બચુભાઈ તો જેવા હાથ ધોવા વોશબેઝિન પાસે જાય એટલે તેના ઘરવાળા તેના હાથમાં એઠા વાસણની એકાદ વાટકી કે થાળી પકડાવી દે અને કહે કે ‘હાથ ધોવાની સાથે સાથે આ પણ ધોઈ નાખો’ બંને કામ એકસાથે થાય. મારે પણ કામમાં થોડો હાથ ઓછો વાપરવો’. દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ફાર્માસિસ્ટ જ્યારે આની વેક્સિનેશન શોધવા ઊંધા માથે થયા છે ત્યારે આપણા તજ લવિંગ મરી કપૂર... આવું જાતજાતનું ભેગું કરી અને લોકો કોરોના વાઇરસની ઘડીના છઠ્ઠા ભાગમાં બેન્ડ બજાવી રહ્યા છે. વિદેશોમાં તો લગભગ લોકોને ઘરમાં જ નજરકેદ કરી લેવામાં આવ્યા છે. ભારતમાં હજી સ્વભાવગત પંચાત કરવા માટે ચોક કે પાનના ગલ્લે કે ચાની ટપરી પર જવું ફરજિયાત બની જાય છે. કોરોનાના તાવીજ, માદળિયાં, કથા, પૂજા, શ્રદ્ધા, અંધશ્રદ્ધા વચ્ચે કોરોનાનો વાઈરસ પણ મુંજાઈ ગયો છે કે ચોટું કે ન ચોટું?

કારણ વગર આમ તેમ ફરવાની ટેવવાળા આપણે ગુજરાતીઓ કેમ પણ કરી અને ઘરે પગ વાળીને બેસી શકતા નથી. કોરોનાની એટલી તીવ્રતા નથી એટલે આપણે અમુક વસ્તુ ગંભીરતાથી લેતા નથી. મુંબઈની લોકલ ટ્રેન બંધ થવાની વાત આવે તો એનાથી વિશેષ ગંભીરતા શું હોઈ શકે? પરંતુ એક વાત નક્કી છે કે લોકલ ટ્રેનમાં ક્યારેય ના પ્રવેશ કરી શકે કારણ કે વાઇરસ પ્રવેશી શકે એટલી પણ જગ્યા રહેતી નથી. બીજુ વિદેશમાં લોકો પર્ફ્યુમ છાંટી અને બહાર નીકળે છે. અને આખો દિવસ સુગંધિત રહે છે. ત્યારે મુંબઈની લોકલ ટ્રેનમાં એકબીજાના પરસેવાની એટલી બધી વાસ આવતી હોય છે કે કાયમની ટેવ ના હોય તો માણસ પણ મરી જાય તો કોરોના વાઇરસની શુ વિસાત? અત્યારે મોલ, સિનેમા ઘર, સ્કૂલ-કોલેજ, મંદિર-મસ્જિદ વગેરે બંધ કરાવી દીધા છે કે જેથી કરી અને લોકો એક જગ્યા પર મોટી સંખ્યામાં ભેગા ના થાય અને રોગ ફેલાતો અટકે. આ રોગ એકબીજાને સ્પર્શ થવાથી ફેલાય છે. બધું જ બંધ થઈ જાય બધા ઘરની બહાર નીકળતા બંધ થઈ જાય પરંતુ શિક્ષકો ને સરકાર શું સમજે છે તે ખબર નથી પડતી કારણ કે તેણે તો સ્કૂલે જવાનું જ. અમુક શિક્ષકો તો ચાલુ સ્કૂલ હોય છે ત્યારે પણ નથી જતા તો બંધ હોય ત્યારે જઈને શું કરે? તીડ ભગાડવાની કામગીરીમાંથી માંડ નવરા થયા ત્યાં વગર વિદ્યાર્થીની શાળામાં જઈને બેસવું તે ઓછો કંટાળાનો વિષય નથી કોને ન ભણાવવાં એ એક પ્રશ્ર્ન થાય. હમણાં એક શાળામાં હું ગયો હતો તો ત્રણ ત્રણ શિક્ષકોના ઝૂંડમાં શિક્ષક રૂમમાં તેઓ બેઠા હતા મેં કહ્યું કે ’આ કોઈ નવી રમત રમો છો? કેમ ત્રણના જૂથમાં બેઠા છો? તો મને કહે ૧૪૪મી કલમ છે એટલે ચાર વ્યક્તિઓએ ભેગું નહીં થવાનું’. મુંબઈની ખુલ્લી ગંધાતી ગટરો ૨૪ કલાક મચ્છર ઉત્પાદન કરતી હોય અને તેનાથી હજારો લોકો માંદા પડી અને મૃત્યુ પામતા હોય તેનો કોઈ વાંધો નથી

પરંતુ આ વાઈરસથી એક પણ વ્યક્તિ મરવો ન જોઇએ અને તે માટે બનતું બધું જ કરવાની સરકારની

તૈયારી છે.

કોરોનાને લીધે માસ્ક પહેરી ફરવા બહેનો તૈયાર નથી કારણ કે એ મોઢું ચડાવી ફરતા હોય તો કેમ ખબર પડે? પુરુષોને પાન ખાઈ થૂંકવાની આદતને કારણે માસ્ક સહિત કપડાંની પથારી ફરે છે. જુવાનિયાઓના સેટિંગ વિખાઈ જાય છે. નાના બાળકોની આંખો ઢંકાઈ જાય એવડા મોટા માસ્ક છે. ચુનિયાને છીંક આવે ત્યારે જ માસ્ક કાઢે છે અને પૂછો તો કહે છે કે છીંક ખાવામાં માસ્ક આડું આવે છે. એમાં પણ જ્યારથી સાંભળ્યું છે કે આલ્કોહોલનું સેવન કરવાથી આ વાઇરસ અસર કરતો નથી ત્યારથી દરેક ગુજરાતી અંદરથી એવું ઈચ્છે છે કે ભલે કાયમ માટે નહીં પરંતુ છ મહિના માટે તો દારૂબંધી દૂર કરવી જોઈએ જ. ઘણા તો સેનિટાઇઝર સુંઘવાના બંધાણી થઈ ગયા છે.

એક વાત નક્કી છે કે લગભગ ગુજરાતીઓને કોરોના વાઇરસ નહીં થાય કારણ કે ૩૦ ડિગ્રી ઉપરનું નું ટેમ્પરેચર હોય ત્યાં કોરોનાનો વાઇરસ જીવંત રહી શકતો નથી જ્યારે બધા જ ગુજરાતીઓના પારા સરેરાશ ૫૦ ડિગ્રી ઉપર રહેતા હોય છે.

વિચાર વાયુ:

મારો આ હાસ્યલેખ ૧૧ વાર વાંચી જુદા જુદા ગ્રુપમાં ફોરવર્ડ કરવાથી કોરોના વાઈરસ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

08t20v
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com