25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એક એવી હડતાલ, જેણે સિસ્ટમ બદલી નાખી!

ભાતભાત કે લોગ-જ્વલંત નાયકહડતાલ. ચાર અક્ષરનો આ શબ્દ ભારતમાં બહુ જાણીતો છે. મિલમાલિકો, શિક્ષણસંસ્થાઓ કે બીજી ખાનગી-સરકારી સંસ્થાઓ સામે એ જ સંસ્થા સાથે જોડાયેલા લોકોને કશોક વાંધો પડે, એટલે એ લોકો હડતાલનું હાથવગું શસ્ત્ર વાપર્યા વિના રહે નહિ. એમાં જો વાત વકરે તો તોડફોડ અને આગજની જેવા હિંસક બનાવો પણ બને, પોલીસ લાઠીચાર્જ પણ કરે અને કોઈક વાર કોઈનો જીવ પણ જાય! ટૂંકમાં, હડતાલ એક એવી ચીજ છે જેને કોઈ શાણો માણસ પસંદ નથી કરતો. તેમ છતાં ઘણીવાર ટોચના મેનેજમેન્ટની અક્ષમ્ય બેદરકારી કે અવગણનાથી ત્રાસેલા લોકો માટે હડતાલ અમોઘ શસ્ત્ર પણ બની રહે છે. આમ, ભારત જેવા લોકશાહી દેશમાં હડતાલને અનિવાર્ય અનિષ્ટ ગણવી જોઈએ.

જો કે આજે જે હડતાલની વાત કરવાની છે, એ ખરા અર્થમાં ‘જરા હટકે’ છે. આ એક એવી હડતાલ છે, જે ખરેખર પડેલી કે નહિ, એ બાબતે નિષ્ણાતોમાં મતભેદ છે. આ હડતાલમાં હિંસા કે આગજની જેવી ઘટનાઓ આકાર લેવાની જ નહોતી. આથી જાહેર સંપત્તિને નુકસાન થવાની લેશમાત્ર સંભાવના નહોતી. તેમ છતાં આ હડતાલને કારણે લાખો ડોલર્સનો ફટકો પડે એમ હતું! વળી, કોઈ હડતાલિયા કર્મચારીએ ઉગ્ર રજૂઆતો કે ઉગ્ર વિરોધ કર્યો નહોતો, તેમ છતાં આ હડતાલે દુનિયાને નવેસરથી વિચારવા માટે મજબૂર કરી. આ હડતાલ બાદ વિજ્ઞાનીઓએ પોતાની કાર્યશૈલી બદલવી પડી. હજી વધારે આશ્ર્ચર્યજનક બાબત એ છે કે આ હડતાળ એવા સ્થળે પાડવામાં આવી, જ્યાં દુનિયાનો કોઈ લેબર-લો લાગુ નહોતો પડતો! અને આવી અસરકારક હડતાલ પાડનાર લોકો હતા માત્ર ત્રણ!

ખાલી ત્રણ કર્મચારીઓએ એવી તો કેવી હડતાલ પાડી હશે કે ઇતિહાસમાં એની નોંધ લેવી પડે?! સામાન્ય રીતે કર્મચારીઓ પગાર વધારા માટે હડતાલ પાડતા હોય છે, પણ અહીં ત્રણેય કર્મચારીઓને બહુ તગડો પગાર મળતો હતો, જેનાથી એ લોકો ખુશ જ હતા. તકલીફ જરા જુદી હતી. પહેલા જરા પૂર્વભૂમિકા સમજી લઈએ.

વાત વિશ્ર્વવિખ્યાત સ્પેસ એજન્સી નાસાની છે. ‘સ્કાયલેબ’ એ અમેરિકાનું પ્રથમ સ્પેસ સ્ટેશન હતું, જે અમેરિકી સ્પેસ એજન્સી નાસા દ્વારા લોન્ચ થયેલું. એનો હેતુ સોલાર ઓબ્ઝર્વેશન અને અર્થ ઓબ્ઝર્વેશન સહિતના બીજા સેંકડો નાનાં મોટા અવકાશીય પ્રયોગો કરવાનો હતો. ઇન શોર્ટ, અવકાશમાં સ્પેસ સ્ટેશન સ્થાપીને નાસા અગાધ અવકાશને ઓળખવાની કોશિશ કરી રહ્યું હતું. સ્કાયલેબનું આખું મિશન મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું. એસએલ-૨, એસએલ-૩ અને એસએલ-૪ તરીકે જાણીતા આ ત્રણેય મિશન દરમિયાન જુદા જુદા અવકાશયાત્રીઓની ટુકડીઓ સ્પેસમાં રોકાવાની હતી. એસએલ-૨ દરમિયાન અવકાશયાત્રીઓ સળંગ ૨૮ દિવસ સુધી સ્પેસમાં રોકાયા. ત્યાર બાદ એસએલ-૩ મિશન દરમિયાન બીજા ત્રણ અવકાશયાત્રીઓએ ૬૦ દિવસ સુધી સ્પેસ-સફર માણી! અને છેલ્લે આવ્યું સ્કાયલેબ પ્રોજેક્ટનું અંતિમ મિશન એસએલ-૩. એસએલ-૩ એ સતત ૮૪ દિવસ સુધી સ્પેસમાં રોકાવાનો ઐતિહાસિક વિક્રમ કરવાનો હતો. અને ખરી બબાલ અહીં જ ઊભી થઇ!

એસએલ-૪ મિશનમાં ત્રણ અવકાશયાત્રીઓ હતા. ગેરાલ્ડ પી. કાર મિકેનીકલ અને એસ્ટ્રોનોમીકલ એન્જિનિયર હતા. તેઓ મરીન કોર્પ્સ ઓફિસર તરીકેની ફરજ પણ બજાવી ચૂકેલા. સ્કાયલેબ-૪ના કમાન્ડર તરીકે આ ગેરાલ્ડભાઈ જ હતા. બીજા હતા એડવર્ડ જી. ગિબ્સન, જે પોતે ફિઝીસીસ્ટ અને પાઈલટ હોવાની સાથે જ એન્જિનિયર પણ હતા. ત્રીજા હતા યુએસ એરફોર્સના ફાઈટર પાઈલટ તરીકે ફરજ બજાવી ચૂકેલા કર્નલ વિલિયમ આર. પોગ. અહીં સ્કાયલેબ-૪ મિશનના તમામ યાત્રીઓના ભણતર અને કરિયરની માહિતી આપવાનો હેતુ એટલો જ કે આ લોકોની ફિઝીકલ ફિટનેસ અને બૌદ્ધિક સ્તર કેટલા ઉચ્ચ પ્રકારના હશે એની ખાતરી થઇ જાય. વળી નાસાના મિશન માટે કામ કરવાનું સ્વીકારનાર આ ત્રણયે મહાનુભાવોનું બેંક બેલેન્સ કાયમ તગડું રહે એવો પગાર નાસા તરફથી મળતો હતો. તેમ છતાં જવાબદાર અધિકારીઓ તરીકેની છાપ ધરાવનાર આ ત્રણેય જણે નાસા સામે બળવો પોકાર્યો અને ચાલુ મિશને જ ‘હડતાલ’ પાડી દીધી! જરા વિચારો, આજની ગણતરી મુજબ જેની વેલ્યુ કરોડો ડોલર્સની થતી હોય, એવા અતિ મહત્ત્વના સ્પેસ મિશનમાં જોડાયેલા ઉચ્ચ કક્ષાના જવાબદાર અધિકારીઓ સ્પેસમાં પહોંચે અને ત્યાં થોડા દિવસ કામ કર્યા બાદ હડતાલ પાડી બેસે, તો કેવી પરિસ્થિતિ ઊભી થાય?! અવકાશયાત્રીઓ પણ હડતાલ પાડી શકે એવો ‘આઉટ ઓફ ધી બોક્સ’ વિચાર હજી ગુજરાતી હાસ્યલેખકોને ય નથી સ્ફૂર્યો! તો પછી દાયકાઓ પૂર્વે જ્યારે વાસ્તવમાં આ ઘટના બની ત્યારે ધરતી ઉપર બેઠેલા નાસાના અધિકારીઓને તો કેવો આઘાત લાગ્યો હશે! આખી સિચ્યુએશન હોલીવૂડની કોઈ ઈમોશનલી ડ્રામેટિક સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી બની રહી હશે! આજે જો આવું કશું બને તો અવકાશમાં જાણે એક હાઈ વોલ્ટેજ ડ્રામા ખડો થઇ જાય, દુનિયા આખીનું મીડિયા નાસાની ઓફીસ બહાર ડેરા-તાંબુ ખોડીને બેસી જાય અને સોશિયલ મીડિયા જાતજાતના મીમ્સથી ઉભરાઈ જાય! જો કે એ જમાનામાં એવું કશું ન થયું. (થેંક ગોડ!) પણ આખરે સ્પેસ મિશન સાથે જોડાયેલા જવાબદાર અધિકારીઓ હડતાલ પાડે શું કામ? પોલીસ, આર્મી કે વૈજ્ઞાનિકો હડતાલ પાડે એવું સામાન્ય સંજોગોમાં બનતું જ નથી. તો પછી એવી કઈ બાબત હશે જે છે...ક આસમાનની પેલે પાર બેઠેલા લોકોને હડતાલ પાડવા માટે મજબૂર કરી ગઈ! આશ્ર્ચર્યજનક અને માનવામાં ન આવે એવી એ હડતાલ પાછળનું જે ખરું કારણ હતું, એ ઝટ દઈને ગળે ઊતરી જાય એવું છે. એ કારણ છે કામનું અકલ્પનીય ભારણ! મુંબઈની એક સામાન્ય ઓફિસમાં કામ કરનાર સામાન્ય કારકુનને જે સમસ્યા નડે, એ જ સમસ્યા પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર બેઠેલા અવકાશયાત્રીને ય નડી ગઈ!

ઉપર જણાવ્યું હતું એમ સ્કાયલેબ-૪ મિશન ૮૪ દિવસ લાંબુ ચાલવાનું હતું. આ દરમિયાન અવકાશયાત્રીઓએ દિવસના સતત ૧૬ કલાક સુધી કામ કરવું પડતું હતું! અગાઉના બે મિશન્સ દરમિયાન અવકાશયાત્રીઓ દિવસો સુધી સ્પેસમાં કાર્યરત રહ્યા જ હતા. એટલે જ્યારે એસએલ-૪ મિશન ડિઝાઈન થયું, ત્યારે નાસાના ઉચ્ચ અધિકારીઓ કે ખુદ અવકાશયાત્રીઓને સુધ્ધાં આ બાબતની ગંભીરતા નહિ સમજાઈ હોય, એ બનવાજોગ છે. એક દિલચસ્પ વાત એવી છે કે ભૂતપૂર્વ અવકાશયાત્રીઓ અને એસએલ-૨ તેમ જ એસએલ-૩ મિશનનો હિસ્સો રહેલા અવકાશયાત્રીઓએ નાસાના ઉપરી અધિકારીઓને ચેતવેલા ય ખરા, કે એસએલ-૪ માટે જે વર્ક શિડ્યુલ ઘડાયું છે, એ અવાસ્તવિક છે. સતત ૮૪ દિવસ સુધી રોજનું ૧૬ કલાકનું કામ કરવું ગમે એવા સુપરમેન માટે અશક્ય છે! પણ ઉપરી અધિકારીઓએ આ ચેતવણીને બહુ ગણકારી નહિ! (ઉપરી અધિકારી કોને કીધા, હેં!) આ તરફ અવકાશમાં કામ શરૂ કર્યાના કેટલાક અઠવાડિયા બાદ ત્રણેય અવકાશયાત્રીઓને થાક લાગવા માંડ્યો. ડિઝાઈન કરાયેલા શિડ્યુલ કરતા કામ પૂરું કરવામાં ઘણો વધુ સમય લાગી રહ્યો હતો. સખત માનસિક તનાવ અને શારીરિક થાકની અસર વર્તાવા માંડી હતી. વિલિયમ પોગને ઉબકાની સમસ્યા સતાવી રહી હતી. જો કે નાસાની ઓફિસમાં બેઠેલા મેનેજમેન્ટે પોગની સમસ્યાને બહુ ગંભીરતાથી નહોતી લીધી. પરિણામે પોગની સાથે બાકીના બંને અવકાશયાત્રીઓ પણ હવે કંટાળવા માંડ્યા હતા. ગિબ્સન પણ ઘણીવાર ગુસ્સામાં બબડાટ કરી નાખતો હતો. કમાન્ડર ગેરાલ્ડ પી. કારે નાસાના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમે ક્યારેય પૃથ્વી ઉપર પણ આવા ક્રૂર વર્ક શિડ્યુલમાં કામ નથી કર્યું, તો પછી અવકાશમાં કઈ રીતે આટલી મજૂરી થઇ શકે?! આ બધી ઘટનાઓ અને કારની ફરિયાદ ઉપર પૂરતું ધ્યાન આપવાની જવાબદારી નાસાના ઉચ્ચ અધિકારીઓની હતી, પણ એમણે તો સાવ વિપરીત વર્તન કર્યું. ‘ઊલટા ચોર કોટવાલકો ડાંટે’ વાળી કહેવતને સાચી પાડતા હોય એમ નાસાના મેનેજમેન્ટે ત્રણેય અવકાશયાત્રીઓને કચકચિયા’ ગણી લીધા! ખરી મજા હવે થઇ. ૨૮ ડિસેમ્બર, ૧૯૭૩ના દિને કોઈ પણ પ્રકારના દેખીતા કારણ કે ટેકનિકલ ખરાબી વિના અચાનક જ એસએલ-૪ સાથેનો નાસાનો સંપર્ક તૂટી ગયો! રાધર, અવકાશયાત્રીઓએ જાણી જોઈને રેડિયો સિગ્નલ્સ બંધ કરી દીધા! ઘરના વડીલ વાત માને નહિ એટલે છંછેડાયેલી ટીનએજ ક્ધયા બારણું પછાડીને પોતાના રૂમમાં પુરાઈ જાય, એવું જ છાશિયું અવકાશયાત્રીઓએ પણ કર્યું! પરંતુ અતિશય હાઈપ્રોફાઈલ પ્રોજેક્ટમાં આવા છાશીયાને કારણે હ્યુસ્ટન ખાતે નાસાના કંટ્રોલ રૂમમાં બિરાજેલા ઉપરી અધિકારીઓની હવા ટાઈટ થઇ ગઈ. અચાનક સંપર્ક તૂટી જવાને કારણે આખા મિશનના અસ્તિત્વ સામે પ્રશ્ર્નાર્થ મુકાઈ ગયો. જો કે અવકાશયાત્રીઓ કંઈ સદંતર સંપર્ક કાપી નાખવાના મૂડમાં નહોતા. એવું કરવામાં તો એમનો જ જીવ જાય! એટલે થોડા સમય પછી ‘આપોઆપ’ સંપર્ક જોડાઈ ગયો! આખરે મિશન પાર ઊતર્યું, પણ અવકાશયાત્રાના આયોજન સામે મોટા પ્રશ્ર્નાર્થ ખડા થઇ ગયા.

પાછળથી બધી વાતો બહાર આવી કે કુલ બાર અઠવાડિયા લાંબા આ મિશનમાં માત્ર છ જ અઠવાડિયા પછી અવકાશયાત્રીઓની હાલત ખસ્તા થઇ ગયેલી. કામના ભારે બોજને કારણે એમને પૂરતી ઊંઘ નહોતી મળતી. વળી સતત વજનરહિત પરિસ્થિતિમાં રહેવાને કારણે શરીર ઉપર વિપરીત અસર તો પડતી જ હતી. શિડ્યુલ મુજબ દરેક અવકાશયાત્રીને દસ દિવસ બાદ ઓફ મળે એવું આયોજન હતું. પણ ડેડલાઈન પર કામ પૂરું થતું ન હોવાને કારણે દિવસો સુધી એક્કેય ઓફ મળતો ન હતો. વળી એમના સ્પેસ સ્યુટની ડિઝાઈનમાં પણ ખામી હતી. જરૂરી સાધનો ક્યા મૂકવા એ વિષે પૂરતી વ્યવસ્થા કરાઈ નહોતી. કમાન્ડર ગેરાલ્ડે પાછળથી એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે હું જેટલી વાર મારા જુતાની દોરી બાંધવા વાંકો વળું, એટલી વાર ગજવામાં મૂકેલી કાતર મારા પેઢામાં ભોંકાતી! આજની તારીખે કદાચ આપણને આ વાત માનવામાં ન આવે, કેમકે આપણે અદ્યતન સ્પેસ સ્યુટથી વાકેફ છીએ. પણ આ ઈ. સ. ૧૯૭૩ની વાત છે, જ્યારે આજની સરખામણીએ ખાસ્સા પછાત ગણાય એવા સ્પેસ સ્યુટ અવકાશયાત્રીઓને મળતા.

જો કે સ્કાયલેબ-૪ની ટીમે જે ‘પ્રતીક હડતાલ’ પાડી, એનું પરિણામ એ આવ્યું કે નાસાએ અવકાશયાત્રીઓની શારીરિક અને માનસિક શક્તિઓ, કામના સ્ટ્રેસ, પૂરતી ઊંઘ-આરામ વગેરે બાબતોને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. આજે તો આખી પરિસ્થિતિ જ જુદી છે. અવકાશયાત્રીઓના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય ઉપર આજે સૌથી વધારે ફોકસ કરવામાં આવે છે, જે ખરેખર આવકાર્ય છે.

અને આ પોઝિટિવ બદલાવનું શ્રેય એસએલ-૪ના પેલા ‘હડતાલિયા’ કર્મચારીઓને જ આપવું પડે! કોઈ શક?!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

528P40
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com