25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોરોના વાઈરસ, ભારતીય સંસ્કૃતિ અને ગાંધીવિચાર

રમેશ તન્નાખલિલ જિબ્રાનની એક કથા છે. એક ડાકણ બધાંને મારતાં મારતાં આગળ નીકળી. કોઈકે તેને રોકીને કહ્યું કે અલી, તે તો લાખો લોકોને મારી નાખ્યા. ડાકણે કહ્યું કે ખોટી વાત. મેં તો હજારો લોકોને જ માર્યા, બાકીના બધા તો મારી ફડકમાં જ મરી ગયા.

અત્યારે દુનિયા આખી કોરોના વાઈરસની ફડકથી ગ્રસ્ત બની છે. મીડિયા અને સોશિયલ મીડિયા અતિરેકના વાઈરસથી પીડાય છે. અતિ-પ્રસાર જાગૃતિ આણે છે તેના કરતાં કાલ્પનિક ભય મોટો ઊભો કરે છે. જો કોરાનાનો ‘કેર’ છે, તો મીડિયાનો અતિ-પ્રસાર ‘કાળો કેર’ છે. આજે તો દરેક વ્યક્તિએ પોતાની કેર કરવા માટે આ બન્ને કેરથી બચવા જેટલી તટસ્થતા અને સ્વસ્થતા કેળવવી પડશે. આજના સમયનો સૌથી મોટો તકાદો એ જ છે.

કોરોના વાઈરસ અંગે સાંપ્રત સંદર્ભમાં સપાટી પર વિચારી શકાય તો સમયના લાંબા પટ્ટાને ધ્યાનમાં રાખીને, માનવજાતના ઉજજ્વળ ભવિષ્યનો ભલો વિચાર કરીને ગહનતાથી પણ વિચારી શકાય. સપાટી પર વિચારાયેલા અને લખાયેલા સેંકડો લેખો તમે વાંચ્યા હશે એટલે તેમાં એકનો ઉમેરો કરવાની ગુસ્તાખી નથી કરવી. આ લેખમાં કોરોના જેવી વૈશ્ર્વિક આફતના સાચા, અક્સીર અને લાંબાગાળાના ઉપાયની ચર્ચા છે. તમે સેનિટાઈઝરથી હાથ ધોયા વિના વાંચશો તો પણ ફાયદો જ થશે.

આપણો મુદ્દો છે કોરોના જેવી સમસ્યામાં ભારતીય સંસ્કૃતિ કે ગાંધી વિચાર કેટલો કામમાં આવે તેની ચર્ચા કરવાનો છે. શરૂઆત કરીએ શેક હેન્ડ એટલે કે હસ્તધૂન નથી. કોરોનાના પગલે પગલે વિશ્ર્વએ શેક હેન્ડ એટલે કે હસ્તધૂનનને બદલે નમસ્તે કરવાની ભારતીય પ્રણાલિનો સ્વીકાર કર્યો. એ તો સારું જ થયું. નમસ્તે કે નમસ્કાર કરવાની ભારતીય પરંપરા જેમ પ્રાચીન છે તેમ ડહાપણથી ભરેલી અને શ્રેષ્ઠ પણ છે.

શેક હેન્ડ એટલે કે હાથ મેળવવા એ ૨૦૦૦ વર્ષ જૂની વૈશ્ર્વિક પરંપરા હોવાનું કહેવાય છે, પરંતુ એ ભારતીય પરંપરા નથી. ભલે, ભારતીય કે હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન સમયે હસ્તમેળાપનો રિવાજ હોય, પરંતુ બે વ્યક્તિ મળે ત્યારે ભારતમાં હાથ મિલાવવાને બદલે નમસ્કાર કરાય છે. નમસ્કાર કરવાની પરંપરા મહાન છે, એવું કહેવાય છે કે વ્યક્તિની જમણી બાજુ ઈડા નાડી, ડાબી બાજુ પિંગળા નાડી અને મસ્તકમાં સુષુમ્ણા નાડી આવેલી હોય છે. વ્યક્તિ જ્યારે બે હાથ જોડીને, મસ્તક નમાવીને નમસ્કાર કરે છે ત્યારે આ ત્રણેય નાડી એક લાઈનમાં આવે છે અને વ્યક્તિમાં ઊર્જા પેદા થાય છે.

નમસ્કાર કરતી વખતે વ્યક્તિ પોતાનું માથું નીચે નમાવે છે એટલે તે પોતાના અહમ્ને નિયંત્રિત કરે છે. દરેક વ્યક્તિના દેહની ઓરા હોય છે. દરેક વ્યક્તિની શારીરિક ઊંચાઈ જેટલા પરિઘમાં આ ઓરા પથરાયેલી હોય છે, જ્યારે હાથ મિલાવવામાં આવે છે ત્યારે એક વ્યક્તિની ઓરા બીજી વ્યક્તિને નાથે છે. આક્રમક અને નકારાત્મક ઓરા નુકસાન પણ કરી શકે છે એટલે જ ભારતીય સંસ્કૃતિમાં શેકહેન્ડ કે હસ્તધૂનન કરવાનું સદીઓથી ઈચ્છનીય ગણાતું નથી. હાથ ના મિલાવવા જાઈએ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. અનેક રોગનાં જીવાણું બીજાના હાથ દ્વારા તમારા હાથમાં પ્રવેશી શકે છે તેથી જ કાળજી રાખવી જોઈએ. તેમાંય જ્યારે કોઈ ચોક્કસ રોગનાં જીવાણું વાઈરલ થયાં હોય ત્યારે હાથ મિલાવવાનું બિલકુલ ટાળવું જાઈએ. હાથ મિલાવ્યા પછી તરત પોતાનો હાથ આંખો પર ના ફેરવવો જોઈએ.

એવું કહેવાય છે કે, હાથ મિલાવતી વખતે ઓક્સિટોસિન નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે જે પોઝિટિવ કે નેગેટિવ અસર કરી શકે છે. ઘણા લોકો આવી નકારાત્મક અસરથી બચવા માટે હાથ મિલાવવાનું ટાળતા હોય છે.

આ તો એક સાદું અને પ્રતિકાત્મક ઉદાહરણ છે.

મુદ્દો બીજો: જો આપણે ભારતીય સંસ્કૃતિ અને તેના આધારે સર્જાયેલા ગાંધીવિચારને સમજીએ તો કોરોનાની સમસ્યા સુધી પહોંચી શકીએ. ગાંધીજીએ છેક ૧૯૦૩માં લખેલા હિંદ સ્વરાજ’ પુસ્તકમાં કહ્યું હતું કે આપણે પશ્ર્ચિમનું અનુકરણ કરવા જેવું નથી. તેઓ કહેતા હતા કે વિકાસની મહત્ત્વાકાંક્ષાને કાબૂમાં રાખો. તેમણે દુષ્કાળ માટે રેલવેને જવાબદાર ગણાવી હતી. એ વખતે અને આજે પણ ઘણા લોકોને આ વાત નહીં સમજાય. જો તમે ઊંડાણથી વિચારો તો સમજાશે કે જો વ્યક્તિ વિકાસના મામલે વ્યાપક થવા જાય છે ત્યારે ત્યારે જ અનેક કુદરતી અને માનવ-સર્જિત આપદાઓથી ઘેરાય છે.

કોરોનાને કારણે આખું વિશ્ર્વ રોગચાળાની રીતે તો હેરાન થશે જ, સાથે સાથે દરેક દેશનું અર્થતંત્ર પણ ખોટવાશે અને ખોરવાશે. ભારતીય સંસ્કૃતિ અને ગાંધી વિચાર આપણને ભાવના અને વિશાળતાની રીતે વૈશ્ર્વિક બનવાનું કહે છે, આપણે ભૌતિકવાદના દોરવાયા માત્ર બજારની રીતે ગ્લોબલ કે વૈશ્ર્વિક બનીને રહી ગયા છીએ. ‘વસુધૈવ કુટુંબકમ્’ને બદલે ‘વસુધૈવ બજાર’નો મંત્ર જપી રહ્યાં છીએ. જ્યારે બજારનાં લટિયાં-જટિયાં એકરૂપ હોય છે ત્યારે, અણધારી આફતમાં એવી ગૂંચો થઈ જાય છે કે તેને બચાવ અને રાહતની કોઈ કાંસકી ઉકેલી શકતી નથી.

કોરોનાને પગલે જાનહાનિની સમસ્યાની સાથે વેપારની જે સમસ્યાઓ ઊભી થઈ છે તે બતાવે છે કે આ સમસ્યાને મૂળમાંથી સમજીશું તો જ આર્થિક ઉકેલ આવશે. આજે કોરોના છે કાલે બીજું કોઈ વાઈરસ આવશે. સ્થિતિ દર વખતે નિયંત્રણમાં લઈ શકાય તેવી કદાચ ના પણ હોય. એક ઉદાહરણ જોઈએ: પૂર્વ બંગાળનું ભગબાનપુર નામના ગામમાં

પુતુલ બેરા નામની શ્રમિક મહિલાની કફોડી સ્થિતિ થઈ છે. તે માણસોના વાળમાંથી વીગ બનાવીને ચીનમાં તેની નિકાસ કરે છે. તેણે ૫૦ ટન માલ લઈ લીધો છે અને ધંધો ઠપ્પ છે. વુહાનથી આ ગામ ૨૭૯૯ કિમી દૂર છે, પણ જે અસર પડી છે તે આવું અંતર જોતી નથી.

કોરોનાને પગલે સુરતનો હીરા ઉદ્યોગ તકલીફમાં છે, કારણ કે ૩૭ ટકા હીરા ચીન અને હોંગકોંગ જાય છે. ભારત અને ચીનના વેપારધંધામાં ગુજરાતનો હિસ્સો મોટો છે. ખાસ કરીને એક્ટિવ ફાર્માસ્યુટિક્લ ઈન્ગ્રેડિએટ્સ (એપીઆઈ) ૬૮ ટકા ભારત ચીન પાસેથી લે છે. ચીન સાથે વેપાર કરતા ૧૫ મોટા દેશોમાં ભારત આવે છે અને ૩૪.૮ કરોડ ડૉલરની અસર થશે તેવું અનુમાન છે. કોરોનાને કારણે ચીનની જીડીપી તો ઘટશે જ પણ ભારતની જીડીપીમાં એક ટકાનો ઘટાડો થઈ શકે તેવું વિશ્ર્વની વિશ્ર્વસનીય વાણિજ્ય સંસ્થાઓ કહે છે.

માત્ર ભારત જ નહીં, અમેરિકા, યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, વિયેતનામ એમ દરેકે દરેક દેશના અર્થતંત્ર પર કોરોનાની ગંભીર અસર પડશે.

જો અસર ગંભીર પડવાની હોય તો આપણે આ સમસ્યાને ગંભીરતાથી સમજવી જોઈએ.

કોઈ પણ સમસ્યાને ગંભીરતાથી સમજવા માટે તેના મૂળમાં જ જવું પડે.

દરેક દેશે ખરેખર તો થિંક ગ્લોબલી અને એક્ટ લોકલીના સૂત્રને અમલમાં મૂકવાનું હતું. વૈશ્ર્વિક વિચારો કરીએ, સમગ્ર વિશ્ર્વને ઘર માનીએ, પણ કામ તો સ્થાનિક કક્ષાએ જ કરીએ. આપણે સાવ જ ઊંધું કરી રહ્યા છીએ. ધંધો-રોજગાર ગ્લોબલી કરી નાખ્યા અને હૃદયભાવને લોકલી બનાવીને બેસી ગયા. વેપાર, સ્વાર્થ અને સ્પર્ધાને કારણે આપણે મનથી વૈશ્ર્વિક નથી થઈ શકતા એ ખાટલે મોટી ખોડ છે તો બજારને કારણે એટલા બધા એકબીજા પર આધારિત થઈ ગયા કે શોષણ, આવકની અસમાનતા જેવાં કાયમી દૂષણોની સાથે કોરોના જેવી અણધારી આફતોનો પણ ભોગ બનવા લાગ્યા. તેનો ઉકેલ છે ? બિલકુલ છે.

(૧) ભારતીય સંસ્કૃતિને સમજો. સાદું જીવન જીવો. પથારા ઓછા કરો. બીજાનો પહેલો વિચાર કરો. અમાપ વેપારને કારણે પર્યાવરણ પર જે ગંભીર અસરો પડી રહી છે અને પડવાની છે તેનો વિચાર કરીને આગળ વધો. એટલે કે (હવે) આગળ ના વધો. કોરોના વાઈરસ સમગ્ર વિશ્ર્વને સંદેશ આપે છે કે જીવનમાં આગળ વધવું હોય તો વેપારમાં આગળ વધવાનું બંધ કરી દો. ગતિને રોકી દેવી એ પણ એક પ્રકારની પ્રગતિ છે તે માણસજાતને કોણ સમજાવશે ?

(૨) ગાંધી સમજાવશે. ગાંધીજીએ તો આ વાત આજથી ૧૧૫ વર્ષ પહેલાં હિંદ સ્વરાજ પુસ્તક લખીને આપણને સમજાવી છે. સ્વાવલંબી રહો. માપમાં રહો. તમે જ્યારે અમર્યાદિત વિકાસનું સ્વપ્ન સેવો છો ત્યારે જ જાણેઅજાણે કોરોનાનું બીજ રોપાઈ જાય છે. હજી તો આપણે આવાં અનેક કોરોનાનાં બીજ વાવીને બેઠાં છીએ.

(૩) નાનું એટલું સારું એ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે જ્યાં રહીએ છીએ તેને આવરી લેતું અર્થતંત્ર બનાવો. સેવાનાં સ્થાપક ઈલાબહેન ભટ્ટે અનુબંધ પુસ્તકમાં ૧૦૦ કિમીના પરિઘમાં જ અર્થતંત્ર ગોઠવવાની ભલામણ કરી છે. કોરોનાનો સાચો જવાબ હૉસ્પિટલો અને લેબોરટરીમાં નથી, અહીં છે.

ગ્લોબલી નહીં, લોકલી નેટવર્ક ગોઠવો. પહેલાં તમારા ગામના માણસને રોજગારી આપો. તેનું હિત વિચારો. તેની પાસેથી કશુંક લો અને તેને કશુંક આપો. સ્વાશ્રયી બનો અને બનાવો. તમે જ્યારે આવી નાની નાની સુંદર સ્વાશ્રયી દુનિયાનું સર્જન કરશો ત્યારે જ આખી દુનિયા જીવવા જેવી થશે અને ત્યારે કોરોના પણ જખ મારશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

R055215
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com