28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તારી પાસેના બાર કલાકમાંથી ૩૦ મિનિટ તને સમજાવવામાં બગડી

પ્રફુલ શાહ૫૫

ડિમ્પી કહેવાય એસ્ટેટ એજન્ટ. પણ ખુદ નાના-નાના બિલ્ડરને પૈસા ધીરે. એના ફ્લેટ-મકાનના સોદાય કોલાબા, કફ પરેડ, વરલી અને બહુ બહુ તો બાંદરા-વિલેપાર્લામાં. એ સિવાયની કોઈ ઈન્કવાયરીમાં રસ લેવાનો જ નહિ. એને ત્રણ જ વસ્તુ પ્રિય; ૩૦૦ નંબરના પ્યૉર તમાકુ સાથે ગુટખા, ઓછામાં ઓછા બે લાખ મળે એવો સોદો અને મોટા-ખોટા માણસનાં રહસ્યો જાણવા અને પચાવી જવા. બહાર ઉજળા થઈને ફરનારા ઘણાંના મોઢા પર મેશ ચોપડી દે એટલો મસાલો એની જીન્સથી માંડ ઢંકાયેલી ફાંદમાં હતો. રાજકારણી, ઉદ્યોગપતિ, મોટા ઑફિસર, ક્રિકેટરો અને કેટલાંય એન.આર.આઈ.ના બે નંબરના પૈસાનું રોકાણ એ કરી આપતો. કાયમ બ્રાન્ડેડ એસેસરીઝ, ક્લોથ્સ, શૂઝ અને લેટેસ્ટ મોડલની કારમાં ફરતા ડિમ્પી સાથે બહુ ઓછા બદમાશી કરતા. અનેક એન.આર.આઈ. ઈન્વેસ્ટરના મોંઘા ફ્લેટની પાંચ-સાત ચાવી કાયમ એની પાસે રહે. આ બધા ફ્લેટ એ રાખે એકદમ ટીપટોપ કન્ડિશનમાં. મૂળ માલિક ગમે ઘડીએ રહેવા આવી શકે. ડિમ્પીની ટીમ આ ફ્લેટમાં સતત સાફસફાઈ કરાવે અને એ બરાબર થાય છે કે નહિ એનું ધ્યાન રાખે.

આ ડિમ્પીની ઑફિસમાં એ.આર. ફણસે આવ્યો, ત્યારે શરૂઆતમાં કોઈએ ઝાઝો ભાવ ન આપ્યો. મોટાભાગના માણસો બહાર કામ પર ગયા હતા. એટલે પ્યુન સીધો ડિમ્પી પાસે લઈ ગયો. એને જોઈને ડિમ્પીને લાગ્યું કે આને જલદી ભગાવવો પડશે. ફણસેએ વિઝિટિંગ કાર્ડ આપ્યું. એ વકીલ હતો પણ ડિમ્પી જરાય ઈમ્પ્રેસ ન થયો. એને ભગાવવાના કારણ શોધે એ પહેલા ફણસે બોલ્યો, "લીસન, મારી પાસે વધુ સમય નથી.

"મારી પાસે પણ...

"કમિંગ ટુ ધ પોઈન્ટ. મને એક ફ્લેટ ભાડે જોઈએ છે. હમણાં જ. અગિયાર મહિના માટે...

"જુઓ નાના ફ્લેટ કે બીજા એરિયામાં હું કામ કરતો નથી...

"ત્રણ-ચાર બેડરૂમનો ફ્લેટ જોઈએ છે મને. કફ પરેડમાં હોય તો સારું. હું ભાગ્યે જ રહીશ. મારી ફોરેનર ફ્રેન્ડ આવતી-જતી રહેશે. ડિપોઝિટ નહિ આપું. અગિયાર મહિનાનું ભાડું સાથે મળશે રોકડામાં.

"થ્રી બેડરૂમનો ફ્લેટ છે. ભાડું ત્રણેક લાખ રૂપિયા માગે છે. માથાકૂટ કરીએ તો પોણા ત્રણ કે અઢી લાખમાં થઈ જાય.

"ગ્રેટ. ભાવતાલ કરવાની જરૂર નથી. આ લો રોકડા. ૧૧ મહિનાના તેત્રીસ લાખ. પ્લસ તમારો બ્રોકરેજ. બાકીની રકમનો નિરાંતે હિસાબ કરીશ. એડ્રેસ આપશો? પીટરે બેગમાંથી કાઢીને ચાલીસ લાખ રૂપિયા આપી દીધા.

ડિમ્પી ડઘાઈને જોઈ રહ્યો. તેણે એક ડાયરીમાંથી એડ્રેસ લખીને આપ્યું. ફણસેએ અવાજમાં થોડી સખ્તાઈ સાથે કીધું: "મારી એક જ ડિમાન્ડ છે, ઘરની સલામતી. મારી ફ્રેન્ડ હોય કે ન હોય, એની વરસોની મહેનત બાદ તૈયાર કરેલા રિસર્ચ પેપર્સ, રેર બુક્સ અને સામાનને કંઈ ન થવું જોઈએ. નહિતર સારું નહિ થાય. જોઈએ તો ફ્લેટ માટે અલગ વૉચમેન રાખો. આઈ વીલ પે ફોર ઈટ.

ડિમ્પીના અવાજમાં આપોઆપ નરમાશ આવી ગઈ. "સ્યૉર સર. આપના વિશે કંઈ જાણી શકું?

"હું એ. આર. ફણસે. આત્મારામ ફણસે. મૂળ બેલગાવનો, હવે ઈન્ટરનેશનલ ટુરિસ્ટ.

"ગ્રેટ સર, શું લેશો આપ?

"રજા. બીજી મને ગમતી વસ્તુ છે વફાદારી અને મૌન. મારા વિશેની ચર્ચા મને બહુ ગમતી નથી. ફાવશે તમને મારા વિશે ચૂપ રહેવામાં? એના માટેય એકસ્ટ્રા ચૂકવવા તૈયાર છું, આટલું બોલીને ફણસે હસી પડ્યો.

"નો, નોટ એટ ઓલ. આપને ફરિયાદનો મોકો નહિ મળે.

"થેન્કસ. ધેટ ઈઝ ગુડ ફોર યુ ઍન્ડ મી. બાય મિ. ડિમ્પી. ઊભા થઈને બહાર નીકળતી વખતે ફણસેએ ચહેરા પરની દાઢી, મૂછ અને મસો કાઢીને ડફલ બેગમાં મૂક્યા બાદ મોબાઈલ કાઢીને નંબર ડાયલ કર્યો, "પીટર બોલું છું. રોઝી કફ પરેડના ફ્લેટમાં તારા રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. સરનામું અને કોન્ટેક્ટ નંબર મોકલું છું. થોડો સામાન સાચવીને લાવજે. બાકીની વ્યવસ્થા હું કરું છું. ઑલ ધ બેસ્ટ. ટેક કેર.

* * *

લાંબા સમય બાદ જૂનો દોસ્ત પ્રદિપ બંદોપાધ્યાય મળવા આવતો હતો એટલે કરણ જોશીએ વ્યસ્તતા વચ્ચે ટાઈમ કાઢી રાખ્યો હતો. એક માણસને સમજાવી રાખ્યું હતું કે ખાખરા, ઢોકળા, પાતરા, ખાંડવી અને મોહનથાળ ક્યાંથી લાવવા. પ્રદિપની રાહ જોવામાં કરણ સ્મૃતિ-વનમાં ખોવાઈ ગયો. મકરાણી પાડા, ક્વૉરી રોડ, ખદાનમાં ચાલતા પથ્થર તોડવાના મશીન, તળાવની ત્રિપુટી અને... પરીક્ષાના સમયે ડુંગર પર વાચવા જવાનું, સાથે શેતરંજી, પાણીની વૉટરબેગ અને સૂકો નાસ્તો સાથે રાખવો. ફિલ્મની નેગેટિવ સંઘરી રાખવાના પાંચ ગોદામની આસપાસ ચાલતા-ચાલતા વાચવાનું.

કરણને થયું કે આજે ઘણાં ગપ્પા મારીશું અને મસ્તી કરીશું, પરંતુ પ્રદિપ બંદોપાધ્યાયે આવતાવેંત કામની વાત માંડી. એ ગંભીર હતો, ને ઉતાવળમાં પણ. પહેલી વાર પ્રદિપે ગુજરાતી નાસ્તો કરવાની ના પાડી. પૂરેપૂરી નિષ્ઠા સાથે એ વિગતો આપતો હતો. આ બધું સાંભળીને કરણને થયું કે મારો પ્રદિપ તો સારો લેખક બની શકે.

પણ પ્રદિપનું બોલવાનું પૂરું થયું ત્યારે કરણ વિચારમાં પડી ગયો, "યાર, હું તો મસાલા ફિલ્મ બનાવું છું, મનોરંજન માટે. આ બધામાં મારી ક્યાં જરૂર છે? નાહક મને શું કામ આમાં ઘસડે છે?

"જો મને ખબર છે કે આમાં ફિલ્મની જેમ તારે કરોડો કમાવાના નથી. પણ આટલું કામ મારા માટે કરવાનું છે, દેશ માટે કરવાનું છે. તારી, મારી અને આપણા સૌની સલામતી માટે કરવાનું છે. ઍન્ડ વન થીંગ, હું તને ઓપ્શન કે ચોઈસ નથી આપવાનો. તારે આ કરવાનું જ છે.

"ઓકે બૉસ. કેટલો સમય છે મારી પાસે?

"બાર કલાક હતા, એમાંની ૩૦ મિનિટ તને સમજાવવામાં બગડી ગઈ. આજની રાત છે તારી પાસે. વિધાઉટ ડાઉટ, તારે આ કરવાનું છે.

કરણ જોશીએ મોઢું બગાડ્યું: "સ્કૂલમાં હું મોનિટર હતો પણ આટલી દાદાગીરી નહોતો કરતો હો... એની વાત સાંભળ્યા વગર બંદોપાધ્યાય ચાલતો થયો. "તારી ટીમને ભેગી કરીને કેટલી મિનિટમાં પહોંચીશ.

"મિનિટ બિનિટ છોડ... બે કલાક લાગશે... અને હા, આજ પછી મને નહિ મળે તો ગમશે હો... પણ આ શબ્દો સાંભળવા માટે પ્રદિપ બંદોપાધ્યાય હાજર નહોતા.

* * *

પકયાને બસમાં ક્યાંય સુધી ઊંઘ ન આવી. એક સ્ટૉપ પર બસ ઊભી રહી ત્યારે સવારના ચારેક વાગ્યા હતા. પકયો પોતાનો થેલો લઈને ઊતર્યો. મુતરડી પાસેના ઝાડ પાછળ જઈને દારૂની બાટલી ખોલીને અડધી પી લીધી ગુસ્સામાં, બાકીની ફેંકી દીધી. પછી બસમાં આવીને ઊંઘી ગયો, વહેલી પડી સવાર. જોકે સવારેય આંખ ખૂલીને એ પાછો ઊંઘી ગયો. લાસ્ટ સ્ટૉપ આવ્યું ત્યારે બસના હેલ્પરે રીતસર હચમચાવીને જગાડયો.

નીચે ઊતરીને ચા પીધી. એને બંડુ યાદ આવ્યો. રંગીલો બંડુ ઈચ્છતો હતો કે એકવાર મુઝફ્ફરપુરના રેડલાઈટ એરિયા ચતુર્ભુજ સ્થાન તો જવું જ. ભારત-નેપાળ સીમા પર આવેલા આ મોગલ યુગના સ્થળને ત્યાં આવેલા ચતુર્ભુજ મંદિર પરથી આ નામ મળ્યું હતું. બંડુ અહિની ઘણી વાર્તાઓ કહેતો હતો. ખુદ પતિ જ પત્ની માટે ગ્રાહક શોધી લાવે, ઈનામની લોટરીમાં ઈનામરૂપે વર્જિન છોકરી... બંડુના વિચારોમાં પકયો ફર્યો, જાણે પોતાની આંખે બંડુને આ સ્થળ બતાવતો હોય. આંસુ ધસી આવ્યા એની આંખમાં.

ચાની દુકાનથી દૂર બેસેલો મવાલી જેવો માણસ એને કામનો લાગ્યો. એને સો રૂપિયાની નોટ હાથમાં આપીને પૂછયું, "કટ્ટા દિલવાયેગા?

"મગર પાંચ હજારસે કમ મેં નહિ મિલેગા

"ઠીક હૈ. પાંચસો તેરા ઈનામ. આટલું બોલતી વખતે પકયાની આંખમાં લોહી ધસી આવ્યું.

(ક્રમશ:)

----------------------------

પીટરે રોઝીને ફોન કર્યો, કફ પરેડના ફ્લેટમાં તારા રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. સામાન સાચવીને લાવજે

--------------------------

praful.shah@bombaysamachar.com

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

167775X
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com