18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વો સુબહ કભી તો આયેગી

હેન્રી શાસ્ત્રીમૂળ નામ અબ્દુલ હઈ, પણ સમસ્ત કલાજગત તેમને સાહિર લુધિયાનવીના નામે ઓળખે છે. ઉર્દૂ શાયરી અને ફિલ્મી ગીતોને એક અલગ અને ઊંચા સ્થાને લઈ જનારા આ મૂઠી ઊંચેરા સર્જકની જન્મ શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે. ૧૯૨૧ની આઠમી માર્ચે પૃથ્વી પર અવતરેલા સાહિર સાહેબ એ રત્ન છે જેમની ચમક આજની તારીખમાં પણ ઓછી નથી થઈ. અપરિણીત રહેલા, પણ મોહબ્બતની દુનિયામાં ઠાઠથી રહેલા સાહિર સાહેબનાં સર્જનો વિષે લખવા બેસવું એ ગામડાની વિશાળ હવેલીમાં રહ્યા પછી શહેરના ૫૦૦ ચોરસ ફૂટના ફ્લેટમાં રહેવાનો વારો આવે ત્યારે થતી મૂંઝવણ જેવું છે. અલબત્ત અવસર છે તો કેટલીક વાત તો કરવી જ રહી.

હિન્દી ફિલ્મોના બે ઉચ્ચ કોટિના ગીતકાર ગુલઝાર અને જાવેદ અખતરને સાહિર સાહેબને નિકટથી ઓળખવાનો અવસર મળ્યો હતો. એટલે આ બે જણ તેમના વિષે જે કહે એનું મહત્ત્વ કેટલું હોય એ સમજાવવાની જરૂર ખરી?

ગુલઝાર: ફિલ્મોમાં કામ કરતી વખતે એ માધ્યમની બારીકીઓ સમજવી પડે છે. જોકે, બે શાયર એવા છે જેમણે ફિલ્મનું માધ્યમ નથી અપનાવ્યું, પણ માધ્યમે તેમને મોહબ્બતથી અપનાવી લીધા. એક હતા પંડિત પ્રદીપજી અને બીજા સાહિર લુધિયાનવી. એમની શૈલીને ફિલ્મના માધ્યમે અપનાવી લીધી. સાહિરસાબની આ બહુ મોટી સિદ્ધિ કહેવાય. સાહિર સાહેબમાં ખુદ્દારી હતી, અહમ હતો અને એ એમના કદને અનુરૂપ હતો (સાહિર સાહેબ કદમાં ઊંચા અને પડછંદ હતા). સાહિરસાબને કારણે જ વિવિધ ભારતી પર ગીતકારનું નામ આવવાની શરૂઆત થઈ હતી. પહેલા ફિલ્મનું નામ તેમ જ સંગીતકાર અને ગાયકના નામ આવતા હતા. ફિલ્મ રાઈટર્સ એસોસિયેશન મારફત સાહિરસાબે ગીતો બંધ કરાવી દીધાં હતાં. તેમણે સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે જ્યાં સુધી શાયરનું નામ નહીં આપવામાં આવે ત્યાં સુધી ગીતો નહીં આપવામાં આવે. તેમના આ આગ્રહને પગલે ગીતકારના નામ આવવાનું શરૂ થયું.

એ સમયે હું અલગ અલગ ગીતકારોનાં ગીતો સાંભળતો, પણ સાહિરસાબનો અંદાઝ અનોખો હતો. ‘પેડોં કી શાખોં પે સોયી સોયી ચાંદની, તેરે ખયાલોં મેં ખોઈ ખોઈ ચાંદની, ઔર થોડી દેર મેં થક કે લૌટ જાએગી, રાત યે બહાર કી ફિર કભી ન આએગી’. આવો છલકતો રોમેન્સ બીજા કોઈ શાયરમાં મને જોવા નથી મળ્યો.

સાહિરસાબની રચનાઓમાં મેચ્યોરિટી હતી જે ગુમરાહના ગીત ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાએ હમ દોનો’માં નજરે પડે છે. પાત્રમાં એકાકાર થઈ અને પરિસ્થિતિને મેહસૂસ કરીને પોતાની શૈલીમાં બયાન કરતા. પ્યાસાના ‘જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ’માં આ વાત ઊડીને આંખે વળગે છે. વરસાદી વાદળોની જેમ એમની પંક્તિઓમાં અર્થ વણાયેલો રહેતો. એમની રચનાઓમાં સંગીત હતું અને શબ્દોની પસંદગી અનોખી રહેતી.

તેમની રચનાઓમાં આધ્યાત્મિક ભાવ ‘રંગ પે કિસને પેહરે ડાલે, રૂપ કો કિસને બાંધા, કાહે યે જતન કરે, મન રે તૂ કાહે ના ધીર ધરે’ (ચિત્રલેખા)માં બહુ જ સુંદર રીતે વ્યક્ત થાય છે. હિંદી ભાષામાં જ મુખ્યત્વે લખતા લેખકો પણ આટલું સરસ નથી લખી શક્યા. ‘ફિર સુબહ હોગી’ની પંક્તિઓ ‘ઈન્સાનોં કી ઇઝ્ઝત જબ જૂઠે સિક્કો મેં ના તોલી જાએગી’નો આદર્શવાદ કોણ ભૂલી શકે? હા, તેમણે ‘મૈં પલ દો પલ કા શાયર હૂં’ લખ્યું છે પણ અમારા માટે તો એ હર એક પલ કા શાયર જ છે.

જાવેદ અખતર: જે મહાન સર્જકોમાંથી મને પ્રેરણા મળી છે એમાં સાહિર લુધિયાનવીનું નામ બહુ ઉપર આવે છે. મને ઘણા સર્જકો માટે આદરભાવ છે, પણ શૈલેન્દ્ર અને સાહિર સાહેબ માટે મને સૌથી વધુ માન છે. સાહિર પહેલા ગીતકાર હતા જેમની રચના વધુ અર્થસભર હતી. એમની સાહિત્યિક રચના અને ફિલ્મી ગીતોમાં વિશેષ અંતર નથી.

૧૯ ફેબ્રુઆરી, ૧૯૫૭ના દિવસે રિલીઝ થયેલી ગુરુ દત્તની ‘પ્યાસા’ સાહિરસાબની કારકિર્દીમાં અત્યંત મહત્ત્વની ફિલ્મ સાબિત થઈ. રિલીઝનાં ઘણાં વર્ષો પછી ‘શોલે’ને કારણે મશહૂર થયેલા ‘મિનરવા’ થિયેટરમાં આ ફિલ્મ દેખાડાઈ રહી હતી ત્યારે સાહિરસાબે લખેલું ગીત ‘જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ’ વાગવાનું શરૂ થતાની સાથે દર્શકો સીટ પરથી ઊભા થઈ ગયા અને ગીત પૂરું થયું ત્યાં સુધી તાળીઓ વગાડતા રહ્યા હતા. કહે છે કે દર્શકોની માગણીને સ્વીકારીને એ શોમાં આ ગીત ત્રણ વાર દેખાડવામાં આવ્યું હતું. આવો હતો સાહિરસાબનો પ્રભાવ.

લખવા બેસીએ તો ઘણું લખાય, પણ સાહિર સાહેબની કેટલીક બેમિસાલ પંક્તિઓના સ્મરણ સાથે વિરમીએ.

‘મેરે ખ્વાબોં મેં તૂ , મેરે ખયાલોં મેં ભી તૂ , કૌન સી ચીઝ તુજ સે જુદા તુજે પેશ કરું’.

‘કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, બાત નિકલી તો હર બાત પે રોના આયા.’

‘જબ તુમ મુઝે અપના કેહતે હો, અપને પે ગુરુર આ જાતા હૈ.’

‘અરે ઓ આસમાંવાલે બતા ઇસમેં બુરા ક્યા હૈ, ખુશી કે ચાર ઝોંકે ગર ઇધર સે ભી ગુઝર જાએં.’

----------------------------

વાઈરસની વિદેશી ફિલ્મો

આજની તારીખમાં કોરોના વાઈરસે દુનિયાભરના લોકોના હાંજા ગગડાવી નાખ્યા છે. મહામારી તરીકે જાહેર થયેલી આ બીમારી ભવિષ્યમાં કયું અને કેવું રૂપ ધારણ કરે છે એ આવનારો સમય કહેશે, પણ એ નિમિત્તે વાઇરસ વિષેની વિદેશી ફિલ્મો જોવાનું કુતૂહલ સિને પ્રેમીઓમાં જાગ્યું છે. વિશ્ર્વની મહામારીઓ વિષે હોલીવૂડમાં ઘણી ફિલ્મો બની છે. જોકે, આજે આપણે એવી પાંચ જ ફિલ્મોની વાત કરવી છે જેનો અંત ખાધું-પીધું ને સુખી થયા જેવો સુખદ હોય.

મતલબ કે વિષાણુ-વાઈરસને તગેડી દેવામાં સફળતા મળી હોય. શક્ય છે કે કોરોના વાઈરસની તીવ્રતાને પગલે રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ હોય અને તમારે ઘરે બેસવું પડે એવી પરિસ્થિતિ હોય.

જોકે, ઘરે બેસવાનો એવો અર્થ તો નથી જ કે તમે મનોરંજનથી વંચિત રહી જાઓ. થિયેટરો બંધ છે, પણ ટીવી પર તો ફિલ્મો જોવા વિષે પ્રતિબંધ તો નથી ને. તો ચાલો જાણીએ વિષાણુનો સામનો કરી માનવતાની વિજય પતાકા લહેરાવનારી હોલીવૂડની પાંચ ફિલ્મ વિષે.

----------------------

આઉટબ્રેક (૧૯૯૫)

ઇબોલા નામના વાઈરસે ૧૯૭૬માં પહેલી વાર પોતાનો પરચો દેખાડ્યો હતો. એના ૧૯ વર્ષ પછી આવેલી ફિલ્મ ‘આઉટબ્રેક’માં મોટાબા તરીકે ઓળખાયેલા ઇબોલા પ્રકારના આતંક મચાવી શકતા વાઈરસ સામે માનવશક્તિ એકત્ર થઈને એ ભયને કેવી રીતે હડસેલી મૂકે છે એ દર્શાવ્યું છે. મધ્ય આફ્રિકાના ઝૈર નામના દેશમાંથી એક વાઈરસગ્રસ્ત વાનરને અમેરિકામાં ઘુસાડવામાં આવે છે. લેબમાં કામ કરતા એક કર્મચારીને એનું ઇન્ફેક્શન લાગ્યા પછી એને જંગલમાં છૂટો મૂકી દેવાય છે. ફિલ્મનો પ્લોટ લશ્કરી તાકત અને નાગરિક સંસ્થાઓ હાથમાં હાથ મિલાવીને અત્યંત ચેપી અને જીવલેણ રોગના ફેલાવાને કઈ રીતે કાબૂમાં લઈ શકે છે એના પર છે. નોંધવા જેવી વાત છે કે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ઝૈરમાં ઇબોલાના આતંકની શરૂઆત થઈ ગઈ હતી. ફિલ્મમાં હોલીવૂડનાં ટોચના ત્રણ અભિનેતા ડસ્ટિન હોફમેન, કેવિન સ્પેસી અને મોર્ગન ફ્રીમેને કામ કર્યું છે. બોક્સ ઑફિસ પર સારું વળતર ફિલ્મને મળ્યું હતું. ૫૦ મિલિયન ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મે ૧૯૦ મિલિયન ડૉલરનો વકરો કર્યો હતો.

કોરોનાગ્રસ્ત વાતાવરણમાં આ ફિલ્મ ખાસ એના સુખદ અંતને કારણે જોવી જોઈએ, કારણ કે અત્યારે દરેક માનવમન કોરોના વાઈરસને તગેડી મુકાય એની રાહમાં છે. ૧૨૮ મિનિટની આ ફિલ્મ નેટફ્લિક્સ પર

ઉપલબ્ધ છે.

-----------------------

આઈ ઍમ અ લેજન્ડ (૨૦૦૭)

વીસમી સદીમાં થયેલી કેટલીક શોધખોળની કલ્પના જુલે વર્ન નામના ફ્રેન્ચ સર્જકની રચનાઓમાં જોવા મળે છે. ૧૯૫૪માં રિચર્ડ મેથરસન નામના અમેરિકન લેખકે ‘આઈ ઍમ અ લેજન્ડ’ નામની નવલકથા લખી હતી. આ વાર્તા પરથી ૧૯૬૪માં ‘ધ લાસ્ટ મેન ઑન અર્થ’ અને ૧૯૭૧માં ‘ધ ઓમેગા મેન’ નામની ફિલ્મો બની હતી અને એ રીતે ‘આઈ ઍમ અ લેજન્ડ’ એક જ નવલકથા પરથી બનેલી ત્રીજી ફિલ્મ છે.

કેન્સરની સારવાર માટે વિક્સાવાયેલા વાઈરસનો હેતુ ઊંધો વળી જાય છે જ્યારે આ વાઈરસ તબાહી મચાવીને પૃથ્વી પર વસતા ૯૦ ટકા લોકોનો ખાતમો

બોલાવી દે છે.

યુએસએના ન્યૂ યોર્ક શહેરમાં કથા આકાર લે છે અને આ શહેરમાં શેષ રહ્યા છે કેટલાક રાત્રીજીવો અને અમેરિકન આર્મીનો વાઈરોલોજિસ્ટ લેફટનન્ટ કર્નલ રોબર્ટ નેવિલ. વાઈરસની નેવિલ પર કોઈ અસર નથી થતી અને એ આ બીમારીની સારવાર શોધવાના પ્રયત્નોમાં મશગૂલ રહે છે. અથાક પ્રયત્નો પછી નેવિલને એના પ્રયાસોમાં સફળતા મળે છે અને એનો અંત સુખદ પણ છે અને આંખ ભીની કરનારો પણ છે. ફિલ્મને બોક્સ ઑફિસ પર સારી સફળતા મળી હતી. ૧૫૦ મિલિયન ડૉલરના બજેટથી બનેલી આ ફિલ્મે ૫૮૫ મિલિયન ડૉલરનો વકરો કર્યો હતો. નેવિલનું પાત્ર કરનારા અભિનેતા વિલ સ્મિથની ખાસ્સી પ્રશંસા થઈ હતી. ૧૦૧ મિનિટની આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર

ઉપલબ્ધ છે.

-----------------------

વર્લ્ડ વોર ઝેડ (૨૦૧૩)

હોલીવૂડમાં જે વિવિધ પ્રકારની ફિલ્મો બને છે એમાં એક પ્રકાર છે ઝોમ્બી ફિલ્મો. ઝોમ્બી કાલ્પનિક અવતાર છે જેને સજીવ લાશ અથવા વાઈરસગ્રસ્ત મનુષ્ય તરીકે રજૂ કરવામાં આવે છે. ૧૯૩૨માં આવેલી ‘વ્હાઇટ ઝોમ્બી’ પહેલી ઝોમ્બી ફિલ્મ ગણાય છે.

વર્લ્ડ વોર ઝેડ એક ઝોમ્બી ફિલ્મ છે. યુએસના ફિલાડેલ્ફિયા શહેરમાં ઝોમ્બી આતંક મચાવે છે. યુનાઇટેડ નેશન્સના ભૂતપૂર્વ કર્મચારી ગેરી લેન વિવિધ લોકોની મદદથી આ મુશ્કેલીનો કઈ રીતે ઉકેલ લાવે છે એ આ ફિલ્મનું મુખ્ય કથાબીજ છે. ગેરીના પાત્રમાં હોલીવૂડના ટોપ સ્ટાર ગણાતા બ્રેડ પિટ નજરે પડે છે.

માનવજાતને ઉગારવા ગેરી અજાણ્યા વાઈરસને પોતાના શરીરમાં દાખલ થવા દે છે એ સિક્વન્સ લાજવાબ છે અને હિમ્મતે મર્દા તો મદદે ખુદા એ સમજણને પુષ્ટિ આપે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા ગેરીને અનુસરે છે અને અંતે સૌ સારા વાના થાય છે. ફિલ્મને બોક્સ ઑફિસ પર અસાધારણ તો નહીં, પણ હિટ કહેવાય એટલી સફળતા જરૂર મળી હતી. ૧૧૬ મિનિટની આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર જોઈ

શકાય છે.

-------------------

કંટેજિયન (૨૦૦૯)

મહામારીની ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ ઘણી ચર્ચાસ્પદ રહી છે. હોલીવૂડ કોરોના ફિલ્મોનો હ પણ નહીં જાણતા લોકો સોશ્યલ મીડિયા પર કોરોના વાઈરસના ઉપદ્રવ નિમિત્તે આ ફિલ્મનો ઉલ્લેખ કરી રહ્યા છે. વહેણ સાથે તરવું આને કહેવાય. ખેર. આપણે ફિલ્મની વાત કરીએ.

૧૯૮૯ની ‘સેક્સ, લાઈઝ ઍન્ડ વીડિયો ટેપ્સ’ ફિલ્મથી જાણીતા થયેલા ડિરેક્ટર સ્ટીવન સોડરબર્ગની આ ફિલ્મ છે. ૨૦૦૦ની સાલમાં તેમને ‘ટ્રાફિક’ નામની ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્ટરનો ઑસ્કર અવોર્ડ મળ્યો હતો. બોક્સ ઑફિસ પર આ ફિલ્મને સાધારણ સફળતા મળી હતી. ૬૦ મિલિયન ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મે ૧૩૫ મિલિયન ડૉલરનું કલેક્શન મેળવ્યું હતું. ભારતીય દર્શકો વધુ પરિચિત હોય એવા હોલીવૂડના ચાર કલાકારો મેટ ડેમન, જુડ લો, કેટ વિલિયમ્સ અને ગ્વાયનેટ પેલ્ટ્રોએ આમાં અભિનય કર્યો છે. વિવેચકોએ એને સ્માર્ટ પણ સ્કેરી એટલે કે ભયભીત કરનારી ફિલ્મ તરીકે ઉલ્લેખ કર્યો છે.

ફિલ્મની વાર્તામાં સેન્ટર્સ ફોર ડિઝીસ પ્રિવેન્શન ઍન્ડ કંટ્રોલની તપાસકર્તા ઈરીન મિયર્સ મહામારીનું મૂળ શોધી કાઢવામાં સફળ રહે છે, પણ કમનસીબે એ પોતે જ રોગનો ભોગ બને છે અને મૃત્યુ પામે છે. જોકે, એની પ્રાથમિક સફળતાને પગલે એક વેક્સિન તૈયાર કરવામાં સફળતા મળે છે. અંતે સૌ સારા વાના થાય છે અને વેક્સિન મહામારીનો ઉકેલ લાવી દે છે. ૧૦૬ મિનિટની આ ફિલ્મ યુ-ટ્યુબ પર ઉપલબ્ધ છે.

---------------------

ધ ઍન્ડ્રોમીડા સ્ટ્રેઇન (૨૦૦૮)

આ બે પાર્ટની કાલ્પનિક મિની સિરીઝ છે જે એ જ નામની ૧૯૬૯માં આવેલી નવલકથા પર આધારિત છે. પરગ્રહ પરથી ઊતરી આવેલા એક જીવલેણ રોગની તપાસ કરતી વૈજ્ઞાનિકોની એક ટીમની વાત છે. મીની સિરીઝમાં મૂળ નવલકથાની કથાવસ્તુને ફેરવીને એકવીસમી સદીને અનુરૂપ બનાવાઈ છે. આ ઉપરાંત પ્લોટમાં ફેરફાર કરીને પાત્રોમાં પણ બદલાવ લાવવામાં આવ્યો છે.

કથાનો વાઈરસ જેના પર ત્રાટકે છે એના રક્તને ઘન (સોલિડ) બનાવી દે છે. જોકે, ઍન્ડ્રોમીડા સ્ટ્રેઇન તરીકે ઓળખાતો આ વાઈરસ પૃથ્વી પર તબાહી મચાવીને સર્વ જીવોનો નાશ કરે એ પહેલા તો વૈજ્ઞાનિકો એના પ્રયત્નને નિષ્ફ્ળ બનાવી દે છે. જીવ તાળવે

ચોંટી જાય એવા અંતવાળી બે એપિસોડની આ મિની સિરીઝ ૧૬૯ મિનિટની છે અને એમેઝોન પ્રાઈમ પર ઉપલબ્ધ છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

56o615
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com