18-September-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હું રડી પડ્યો, મારી સાથે જ આવું કેમ થાય છે?

અરવિંદ વેકરિયા‘કોઠાની કબૂતરી’ નાટક તો રેકોર્ડ ઉપર રેકોર્ડ કરતું જતું હતું. ( જેના પરથી આગળ ઉપર જાણીતા લેખક-પત્રકાર હરિન મહેતાના સુપુત્ર અને કાબેલ દિગ્દર્શક કાર્તિક મહેતા એ શેખર સુમનને મુખ્ય ભૂમિકામાં લઈને ‘ખરીદાર’ બનાવી હતી.)

અમદાવાદ એટલે અજીત વાચ્છાનીનું ગામ. એના બધા ભાઈ-ભાભી ત્યાં જ રહેતા. ત્યાં નવું નવું શરૂ થયેલ જયશંકર સુંદરી થિયેટરમાં ‘કોઠાની કબુતરી’ના શો સમયાંતરે ભજવવાના શરૂ થયા. મને બરાબર યાદ છે કે એ થિયેટરના બુકિંગ કાઉન્ટર પાસે મસ-મોટું લાલન સારંગ અને અજીત વાચ્છાનીનું કટ-આઉટ પોસ્ટર મુકવામાં આવેલું.આગળ જણાવ્યું એ મુજબ વધુમાં વધુ ટિકિટનો ભાવ રૂપિયા ૩૫/- રહેતો. છેલ્લી બે કે ત્રણ રો રૂપિયા ૨૦/-,૧૫/- અને ૧૦/- ની રાખતા. ૩૫/- ની રો વધુ રાખવાનું કારણ ખર્ચના બે છેડા ભેગા કરવાનું હતું. જયશંકર સુંદરી થિયેટરમાં ટિકિટો બ્લેક થતી. હું છાતી ઠોકીને આ વાત એટલે કહી શકું છું કારણકે હું શોના સમયે ગ્રીન રૂમ તરફ જતો ત્યારે ત્યાં બ્લેક કરતા બકાઓ મને જ ટીકીટની ઓફર કરતા. તેઓ બોલતા... ‘ છેલ્લી ત્રણ જ બચી છે, ૭૦-૭૦ માં લઈલો.’ હું અંદરથી ખૂબ ખુશ થતો. નાટક માટેની મારી ધીરજનો રંગ ખીલ્યો ખરો, પછી ભલે ને એ બ્લેક હોય.

શો ચાલતા રહેતા. વધારે પડતા આ શોઝને કારણે મારા અવાજને અસર પડવા લાગી. (હજી પણ ક્યારેક અસર પડે છે પણ મારા એક નાટક ‘હવે તો માની જાવ’ વખતે મિત્ર-કલાકાર હેમંત જહા એ લેપલ મશીન વાપરવા કહ્યું, અને મેં એ ત્યારથી શરૂ કર્યું. પણ બહુ મોડું, કારણ એ વખતે એ મશીન શોધાયું નહોતું.)

મારો અવાજ ક્યારેક ઓચિંતો જ બેસી જતો કોઈ પણ જાતના અણસાર આપ્યા વગર. જયારે પણ આવું થતું ત્યારે મને લાગતું કે... ‘અરે, મારે હિસાબે શો બગડે છે કે શું?’ મુંબઈમાં પણ આ પ્રોબ્લેમ ક્યારેક-ક્યારેક ઊભો થવા માંડ્યો.આનું કારણ સમજાતું જ નહોતું. શોમાં પહેલી એન્ટ્રી કરું ત્યારે અવાજ રૂડી રૂપાળી રાયણ જેવો હોય. જેવા ત્રણ-ચાર સંવાદ બોલું કે ધીમે-ધીમે અવાજ બેસવા માંડે. એક વાર ભાઈદાસ હોલના હાઉસ-ફૂલ શોમાં આવો જ પ્રોબ્લેમ ઊભો થયો. તરત જ અમારા નિર્માતા લાલુ શાહે આ વાત ભાઈદાસ થિયેટરના પાયાના પત્થર કહી શકાય એવા ભાઈદાસ થિયેટરના સર્વે-સર્વાં સુરેશ વ્યાસને કરી. સુરેશ વ્યાસને હું કાકા કહેતો. પ્રકાશ ડીઝાઇનમાં કોઈ એમના તોલે ન આવે. સાલસ સ્વભાવ અને અદના માનવી. આજે એમના સુપુત્ર ભૌતેશ વ્યાસે આ લાઈનમાં જબરું કાઠું કાઢી બાપના નામને ‘રોશન’ કર્યું છે.

જે મળે એ ગળું સુધારવાની જાત-જાતની સલાહો આપતા. ખાલી ગળું દબાવવાનું બાકી રાખતા. ગળું સુધારવાના રસ્તાઓ બતાવતા-બતાવતા ઘણી વાર એમના જ ગળા બેસી જવાના દાખલા પણ છે. આ બધી નસીબની બલિહારી છે. તમારું નસીબ ચમકતું હોય ત્યારે ડાહ્યા માણસો પણ સલાહ આપતા અચકાય પણ જેવું નસીબ ખરાબીની અસર હેઠળ આવે કે ગાંડા માણસો પણ જાત-જાતની સલાહોની બાળા-ગોળી ખવડાવતા થઇ જાય. કદાચ આ કુદરતનો ક્રમ હશે, કોને ખબર !

લાલુ શાહે મારા પ્રોબ્લેમ વિશે સુરેશ વ્યાસ (કાકા)ને વાત કરી. . પહેલી એન્ટ્રી પતી ગઈ. એ પણ મહા મહેનતે. નેપથ્યમાં હું રીતસર રડી પડ્યો. જાતને કોસતો રહ્યો કે મારી સાથે જ કેમ આવું થાય છે? મારી બીજી એન્ટ્રી પહેલા સુરેશ વ્યાસ બેક-સ્ટેજમાં આવ્યા. મને સાંત્વના તો આપી સાથે ભરપૂર હિંમત પણ આપી. મને પૂછ્યું કે હવે તારી એન્ટ્રી ક્યારે છે? મેં કહ્યું, ૧૦ મિનિટ પછી. મને કહે હું તને એક દવા આપું છું એ તું તારી એન્ટ્રી પહેલા પી લેજે. તને વાંધો નહિ આવે એની મને ખાતરી છે.

મારી બીજી એન્ટ્રી આવી. મેં સુરેશકાકાને કહ્યું. ( હું સુરેશ વ્યાસના ભાઈ, અવ્વલ ગજાના અદાકાર અને જબરી કોમેડી સેન્સના બાદશાહ જયંત વ્યાસ, એમને પણ હું કાકા કહીને બોલાવતો).

મારી એન્ટ્રી બસ ગણતરીની પળોમાં હતી. એમણે એમના હાથમાં રહેલ એક બોટલ ખોલી, જે લાલુભાઈએ મારો પ્રોબ્લેમ કહ્યો એ પછી એ બોટલ સાથે જ બેક-સ્ટેજમાં આવેલા, એ બોટલના નાના ઢાંકણામાં કોઈ પ્રવાહી, જે એ બોટલમાં હતું, રેડ્યું. મને કહે કે ફટાક કરીને પી જા. હું પી ગયો. ગાળામાં ગજબનો ગરમાટો આવી ગયો. એમણે ફરી ઢાંકણું ભર્યું, એજ પ્રવાહી. એ પણ મેં ગટગટાવી લીધું.

માત્ર ગળામાં જ નહિ આખા શરીરમાં ગરમાટો પ્રસરી ગયો. એન્ટ્રી કરી. વિના વિઘ્ને એ સીન પૂરો થઇ ગયો. એ આપતા ગયા હું પીતો ગયો. ડૂબતો માણસ તરણું જાલે એમ હું એ આપતા એ ઢાંકણું પીતો ગયો. કોઈ લાગણીશીલ વ્યક્તિ લાગણીના પ્રવાહમાં તણાયને જાતને અને નાટકને બચાવવા માગણીઓને તાબે થઇ જાય એમ. એ આપતા જાય ત્યારે હું એ ગરમ પ્રવાહી પીધા કરતો.

શો સરસ ગયો. કોઈ દરદી ડોક્ટર પાસે લાગુ પડી ગયેલી દવા કઈ છે એનું પ્રિસ્ક્રીપ્શન લેવા જાય, એમ શો પૂરો થતા હું સુરેશકાકા પાસે પહોંચી ગયો.હું એમની કેબિનમાં પહોંચ્યો ત્યારે ત્યાં વિનય પરબ અને સુનીલ હતા. જે બંને એ વખતે ભાઈદાસમાં બુકિંગ સંભાળતા. એ પછી તો વિનય ભાઈદાસ સભાગૃહનો મેનેજર બન્યો અને સુનીલ ચવ્હાણ થિયેટર- દાદરનો મેનેજર.

મેં સુરેશકાકાને પૂછ્યું તમે મને કઈ દવા આપી જેનાથી મને ખૂબ સારું લાગ્યું? એ દવાનું નામ મને એક કાગળ પર લખી આપશો? સુરેશકાકાએ વિનય અને સુનીલ સામે જોયું. ત્રણે જણા હળવું મલક્યા. શેને માટે એમના હોઠ મલક્યા હશે એ હું કળી ન શક્યો. સુરેશકાકાએ એક કાગળ લીધો અને લખ્યું,

ઓલ્ડ મોન્ક રમ પછી કહે આ મેડિકલ સ્ટોરમાં નહિ મળે.....

હું વિચારમાં પડી ગયો.

વેંચ્યો હતો સવારે જેને ભૂતકાળ મેં, ને સાંજ ઢળતા એ જ કબાડીને પી ગયો,

ચુપચાપ કાયદા પ્રમાણે પીવાનું હતું, હું ચોક વચ્ચે વાજા વગાડીને પી ગયો.

-----------------------

દવા ખિસ્સામાં રહેવાથી નહિ પણ શરીરમાં જાય તો અસર કરે, એમ સારા વિચારો મોબાઈલમાં રહે તો નહિ, હૃદયમાં ઊતરે તો જીવન સફળ કરે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2w5xQ3m7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com