25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આ લેખકને હીરો બનવું હતું!

ફિલ્મના પ્રખ્યાત લેખક સલીમ ખાનનું સપનું હીરો બનવાનું હતું, પરંતુ તેમને સળંગ બે ડઝન જેટલી ફિલ્મોમાં કામ કરીને નિષ્ફળતા મળ્યા બાદ તેમણે ફિલ્મ લેખન તરફ વળવું પડ્યું હતું. આ વાત પણ ખૂબ જ ગણ્યાગાંઠ્યા ફિલ્મોના રસિયાઓને ખબર હશે. આજે સલીમ ખાનનું આ સપનું તેમનો દીકરો સલમાન ખાન જીવી રહ્યો છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર તરીકે સલમાન ખાને અઢળક હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ અભિનેતાના સપનાને લઇને સલીમ ખાન સાહેબ ઇન્દોરથી મુંબઇ આવ્યા હતા, પરંતુ ફિલ્મોના હીરો બનવું તે સમયે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ હતું અને આજે પણ છે. ખાન સાહેબે એક દાયકા સુધી સતત પ્રયાસો કર્યા અને બદલામાં તેમને નિષ્ફળતા મળતી હતી. ૨૪ નવેમ્બર ૧૯૩૫ના દિને ઇન્દોરના બાલાઘાટ સિટીમાં જન્મેલા સલીમ ખાનના જીવનમાં પણ હિંદી ફિલ્મોની જેમ ઘણા વળાંકો આવ્યા હતાં.

સલીમ ખાનના દાદાજીએ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી હતી અને ત્યારબાદ તેમના પરિવારે ઇન્દોરમાં વસવાટ કરવાનું મન બનાવ્યું હતું. સલીમ ખાન જ્યારે ૯ વર્ષના હતા ત્યારે તેમની માતા ગુજરી ગયા હતાં અને ૧૪ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. માતા-પિતાનો સાથ છૂટી ગયા બાદ તેમણે મેટ્રિકની પરીક્ષા આપી હતી અને સારા માકર્સે તેઓ પાસ થતાં ઇન્દોરની હોળકર કૉલેજમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. સમૃદ્ધ પરિવારમાં જન્મેલા સલીમ ખાનને કોઇપણ ચીજની કમી નહોતી.

કૉલેજના સમય દરમિયાન ખાન સાહેબને ક્રિકેટર બનવાનો શોખ હતો. ક્રિકેટ સિવાય અન્ય રમતોમાં પણ રસ તો હતો પણ ક્રિકેટ જેવો નહીં. યુવાનીના કાળમાં સલીમ ખાન કૉલેજના આકર્ષણનું કેન્દ્ર રહેતા હતાં. તેમણે પ્લેન ઉડાવવા માટેની પણ તાલીમ લીધી હતી. સ્માર્ટ અને હૅન્ડસમ સલીમ ખાનને કૉલેજ દરમિયાન હિંદી ફિલ્મો પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું અને કેટલાક મિત્રો તેમને વારંવાર કહેતા હતા કે ‘તારી પર્સનાલિટી મસ્ત છે અને તું સારો ફિલ્મસ્ટાર બની શકે છે.’ પછી શું? હીરો બનવાનું સપનું લઇને ખાન સાહેબ ઇન્દોરથી મુંબઇ આવવા રવાના થયા હતા. મુંબઇ આવીને તેમણે માહિમમાં એક નાનકડા ઘરમાં ભાડે રહેવાનું શરૂ કર્યું હતું. તેમને સહેલાઇથી અભિનય કરવાની તક તો મળી ગઇ હતી. ‘બારાત’ ફિલ્મના સહાયક અભિનેતાની ભૂમિકા માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. એક મહિનાના શૂટિંગ માટે તેમને રૂ. ૪૦૦થી રૂ. ૧,૦૦૦ મળતા હતાં. તેમણે ‘તિસરી મંઝિલ’, ‘સરહદી લૂટેરા’ અને ‘દીવાના’ જેવી ફિલ્મોમાં નાના પાત્રો ભજવ્યા હતાં. આશરે બે ડઝન જેટલી ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવ્યા બાદ પણ સલીમ ખાનની ગાડી પાટે ચડી રહી નહોતી. એક દાયકા સુધી સતત સંઘર્ષ કર્યા બાદ પણ તેમને નિષ્ફળતા મળી હતી. આ બધું ધ્યાનમાં રાખતા સલીમ ખાને ફિલ્મ લેખન તરફ વળવાનો નિર્ણય લીધો અને અને આ નિર્ણય તેમને ફળ્યો. તેમણે ‘શોલે’, ‘ઝંઝીર’, ‘ડોન’ અને ‘દીવાર’ જેવી સેંકડો ફિલ્મોના ડાયલોગ અને સ્ક્રિપ્ટ લખી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

tYQL514
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com