25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દૈવીને થયું કે લાંબા સમયે રાહબર કેસના રહસ્યનાં પડળ ખૂલે છે

પ્રફુલ શાહ૫૪

ન્ટિ-ટેરરિઝમ સ્કવૉડની ટીમ બધા ઉપાય અજમાવી ચૂકી હતી. સરફરાઝ અલીના પેપર્સમાં જેના મોબાઈલ નંબર હતા એ બધાને પકડી લીધા. રાહુરમાં ભળતી પ્રવૃત્તિ કરનારા યુવાનોને ઊંચકી લીધા. આ બધાની આકરામાં આકરી પૂછપરછ, ધોલધપાટ, ધમકી, લાલચ અને માથા પર મૂકી દીધેલી રિવોલ્વર છતાં કંઈ નક્કર કે ઉપયોગી હાથ લાગ્યું નહોતું. મોટાભાગના અલગ-અલગ શબ્દોમાં એક જ રાગ આલાપતા હતા: મુઝે કુછ નહિ પતા.

આની સામે સરફરાઝ અલી અંદરથી તૂટી રહ્યો હતો, પણ લાંબી તાલીમ અને જન્નતથી હુરના સપના એનું મોઢું બંધ રાખતા હતા. એક હકીકત સ્પષ્ટ હતી કે કદાચ સરફરાઝ સિવાય કોઈ કંઈ જાણતું નહોતું. એ મોઢું ન ખોલે અને એને લાંબો સમય ગોંધી રાખ્યો તો એના સાથીઓ ઉતાવળે પ્લાન અમલમાં મૂકી દઈ શકે. સરફરાઝને આજીવન જેલભેગો કરી શકાય કાં કાયમ માટે અદૃશ્ય કરી શકાય પણ પહેલા એનો પ્લાન જાણવો પડે. એકદમ જલદી.

એ.ટી.એસ.ની કેન્ટીનમાં આ બધી તણાવભરી ચર્ચા વચ્ચે ઈન્સ્પેક્ટર પ્રદીપ બંદોપાધ્યાયના મોબાઈલ ફોનની ઘંટડી વાગી. મોબાઈલ ફોન પર નજર નાખી તો કોલ કરનારનું નામ જોઈને એના ચહેરા પર ખુશી આવી ગઈ. ફિલ્મ એડિટર - ડિરેક્ટર કરણ જોશી. બોલીવૂડનો નંબર વન ડિરેક્ટર પછી, પહેલા તો પ્રદીપનો બાળપણનો યાર. ક્યાં બાળપણમાં સતત નાક લૂછતો ગોબરો અને ક્યાં આજનો હૉટ-શૉટ ડિરેક્ટર?

મુંબઈના પરા મલાડમાં આવેલા મકરાણી પાડાની ચાલમાં વિતાવેલા દિવસો પ્રદીપને યાદ આવ્યા. એ સંભારણા વચ્ચે અચાનક એને એક વિચાર આવ્યો. એ તરત જ હાથ ધોઈને દોડ્યો પોતાના સિનિયરને મળવા.

* * *

સબ-ઈન્સ્પેક્ટર દૈવી દીક્ષિતને લાગ્યું કે લાંબા સમય બાદ રાહબર રોબરી કેસના ગૂંચળા ઉકેલાવાની શરૂઆત થઈ. રહસ્યના પડળ ખૂલવા માંડ્યાં છે.

પોતે નાહકની ફસાઈ ન જાય એટલે રંજન ડિકોસ્ટાએ ઈન્સ્પેક્ટર કિરણ પાચપુતે સામે બોલવાની શરૂઆત કરી, ત્યારે સબ-ઈન્સ્પેક્ટર દૈવી દીક્ષિત પણ હાજર હતી. "સર, મેં ઈસકો જ્યાદા નહિ જાનતી. પાંચ-છ દિન સે સાથ રહતે થે. બસ ઈતના હી.

પાચપુતે હસી પડ્યો, ‘સાથે રહેવા માટે કુર્લા અને કાંજુરમાર્ગ જેવો એરિયા જ મળ્યો? વ્હોટ અ રોમેન્ટિક પ્લેસ! જો આ મરેલા માણસના ઘણા ગોરખધંધા અમે જાણી લીધા છે. સવાલ એટલો જ છે કે એમાંથી તું કેટલામાં સંડોવાયેલી છે? કે પછી બધા ક્રાઈમમાં બરાબરના પાર્ટનર છો?’ પાચપુતેના ફોનની બેલ વાગી. એ ઊભો થઈને દૂર ગયો. સામે ઈસ્માઈલ છોટા બાટલી હતો. "સાબ સબ બરાબર ચલ રહા હૈ ન?

"હા, હા... મૈં હૈ રે... સબ હો જાયેગા તું ધ્યાન સે સુન... આટલું બોલતાં પાચપુતે જઈને બારી પાસે ઊભો રહ્યો.

એ જ સમયે દૈવીના ઈશારે એક મહિલા કોન્સ્ટેબલે રંજન ડિકોસ્ટાને પાણી આપ્યું અને ધીમેથી બોલી, "જે હોય એ સાચું કહી દે... લોકઅપમાં રાત વિતાવવી પડી તો તારી જિંદગી સાવ બદલાઈ જશે... એક તો મરદ જાત ને પાછી પોલીસ... કંઈ સમજે છે તું?

દૈવીએ રંજનના ખભા પર હાથ મૂક્યો. "મને લાગે છે કે તને મનિયાએ ફસાવી હશે. તેણે એક જણાને મારી નાખ્યો, બીજાની લાઈફ બરબાદ કરી નાખી. હમણાનો જ કિસ્સો છે બી.કે.સી.નો...

કડવાશ સાથે રંજન બોલી, "એ મનહુશ બી.કે.સી.થી તો શરૂઆત થઈ બધી.

"કેવી શરૂઆત?

"અમે છ જણા અને એક મિસ્ટર ઈન્ડિયા.

"મિસ્ટર ઈન્ડિયા એટલે?

"કોઈને ક્યારેય ન દેખાયેલો છતાં પોતાના ઓર્ડર મુજબ કામ કરાવતો માણસ...

"એટલે તમારો બૉસ...

"બૉસ? ના. સાવ એવું તો નહિ પણ...

"જો જે ઓર્ડર આપે, કામ કરાવે અને કદાચ પૈસા આપે તો એ બૉસ જ થયો ને?

"હા, એવું માની શકાય. પણ એને બૉસ કહેવાનું ગમતું નથી... પોતે સાવ અદૃશ્ય અને એકદમ સલામત... મરો અમારા બધાનો...

"મને માંડીને વાત કહેવાનું શરૂ કરી દે... તારી વાતમાં સચ્ચાઈ લાગી તો લાંબી હેરાનગતિ નહિ થાય તારી. બોલ છો તૈયાર!

રંજન ડિકોસ્ટાએ માથું હલાવ્યું. એ દૂરથી જોઈને કિરણ પાચપુતે નજીક આવવા ઉતાવળે પગલે ચાલતો થયો.

* * *

કમલકાંત ક્યારના ડાબા હાથની આંગળીઓ પરના નંગને હળવો મસાજ આપી રહ્યા હતા. એમને થયું કે આટઆટલા નંગ, મોતી, પોખરાજ, હીરા પહેર્યા ને કે લગભગ બધા ગ્રહની નાની-મોટી બાધા-આખડી રાખી છતાં પેલા ૨૦૦ કરોડનું જાણે બાષ્પીભવન થઈ ગયું હોય એમ કંઈ કરતા કંઈ કડી ન મળે.

એ રકમના વિચાર સાથે જ અપ્પાસાહેબ રાવનો ચહેરો આંખ સામે તરી આવ્યો. કમલકાંત સમજી ગયા કે, "આ રકમ તો અપ્પાસાહેબ પાસે નથી જ. મારી સાથે દગો કરવાનું એનું ગજું નહિ અને રાહબર કુરિયરમાંથી રકમ લૂંટાયા બાદ અપ્પાસાહેબને એક પછી એક ફટકા પડ્યા એ જોઈને એની દયા આવે છે. થોડા સમયમાં કેટકેટલું બની ગયું એની સાથે?... કલ્પના ન થઈ શકે એટલું પોલિટિકલ, સોશ્યલ અને ઈમોશનલ નુકસાન એમને થયું છે. છતાં જૂના જમાનાના મજબૂત માણસ તે હજી ટકી રહ્યા છે...

અપ્પાસાહેબ માટે લાગી આવ્યું કમલકાંતને. આ રકમ પાછી આપવાની પોતાની મુદતના દિવસોય ઝડપભેર વીતી રહ્યા છે અને આ અલ્ટીમેટમ આપવાવાળા ગમે ત્યારે કંઈ પણ કરી બેસે. છતાં પોતાની ફિકર છોડીને કમલકાંતે નક્કી કર્યું અપ્પાસાહેબને મળવા જવાનું.

* * *

એ.ટી.એસ.ના હેડ રત્નાકર પાંડેએ પોતાની ટીમના એક બહાદુર જવાન ઈન્સ્પેક્ટર પ્રદીપ બંદોપાધ્યાયનું પ્રપોઝલ શાંતિથી સાંભળ્યું. પ્રદીપની વાત પૂરી થયા બાદ પાંડેએ આંખ મીંચી દીધી. બન્ને હાથ માથાની પાછળ લઈ જઈને ખુરશીમાં થોડા રિલેક્સ થઈને પાછળ ઢળ્યા. આ એમની રિલેક્સ થવાની - વિચારવાની મુદ્રા હતી.

પ્રદીપની નજર પાંડેના ચહેરા પરથી ન હટી. "કેટલો કાર્યદક્ષ છે આ માણસ?! ક્યારેય રજા લેવાની નહિ. વીકલી ઓફમાંય માનતા નથી. એમના આવ્યાને ત્રણ વર્ષ થયા અને મુંબઈમાં ખરેખર શાંતિ છે. પોલીસ પોલિટિક્સથી પણ એકદમ દૂર. છતાં રજેરજની જાણકારી હોય જ એમની પાસે. પાંડેના ખોંખારો ખાવાના અવાજે પ્રદીપની વિચારધારામાં ભંગ પાડ્યો. "યાર પ્રદીપ, મુઝે બતા કિ મેરે જગહ તુ હોગા તો યે પ્રપોઝલ માન લિયા હોતા તુને?

"સર, સરફરાઝ કે મામલે મેં હમ સબ આજમા ચૂકે હૈ. અબ જ્યાદા વક્ત બિગાડના ભારી પડ સકતા હૈ. ઈસમેં મેરે ડિસીઝનકા મતલબ નહિ હૈ. આપ જો કહે વો મેરા ઓર્ડર.

"અચ્છા બોલ ભી લેતે હો... જો વિકલ્પો બચ્યા ન હોય એટલે કંઈ પણ કરી લેવું એ ઠીક રહેશે? આ વાત લીક થઈ ગઈ તો લોકોના રિએક્શનની ખબર છે?

"યસ સર, હું સમજું છું. એટલે જ આ સાથે લાવ્યો છું. એક કવર ગજવામાંથી કાઢીને પ્રદીપે ટેબલ પર મૂકી દીધું. પાંડેએ કવર ઉપાડ્યું અને એમાંથી કાગળ કાઢીને વાચવા માંડ્યો. "વ્હૉટ ઈઝ ધીસ નોન-સેન્સ?

"સર હું ગંભીરતા સમજું છું. કદાચ નિષ્ફળતા મળી તો બધી જવાબદારી મારી. પત્રમાં તારીખ લખી નથી. માફી માંગવા સાથે રાજીનામું આપતો પત્ર છે. એ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઈચ્છે એ ડિસિપ્લીનરી એક્શન લેવાની તો છૂટ હોય જ...

પાંડેએ કાગળ ફાડી નાખ્યો. "તમે આ પોતાના માટે નથી કરતા. ડિપાર્ટમેન્ટમેન્ટ માટે, મારા માટે અને દેશ માટે કરો છો. મારી પરમિશન છે. તમારામાં પૂરેપૂરો વિશ્ર્વાસ છે મને. અત્યારે આપણે બે, સૉરી ત્રણ જ જાણીએ છીએ. ઓલ ધ બેસ્ટ યંગમેન.

પ્રદીપ બંદોપાધ્યાય ખુશ થઈને ઊભા થયા, સેલ્યુટ કરીને કેબિનની બહાર નીકળતા જ કરણ જોશીને ફોન કર્યો, "ક્યાં છે તું? ફટાફટ કંઈક ગુજરાતી નાસ્તો મગાવી રાખ... હું આવું છું તારી પાસે... (ક્રમશ:)

---------------------------

એ.ટી.એસ.ની કેન્ટીનમાં તણાવભરી ચર્ચા વચ્ચે ઈન્સ્પેક્ટર પ્રદીપ બંદોપાધ્યાયના મોબાઈલની રિંગ વાગી

--------------------

praful.shah@bombaysamachar.com

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2g761G1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com