25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુસીબતેં તો આયેંગી, પર હાર માનને કા નઈં

વિશેષ-મૌસમી પટેલમાતા માટે તેના સંતાનથી વધારે દુનિયામાં કંઈ જ હોતું નથી અને એ સંતાન પર જો કોઈ સંકટ તૂટી પડે તો એ સંકટમાંથી સંતાનને ઉગારવા માટે તે કોઈ પણ હદે જઈ શકે છે. આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે પ્રેમા સેલ્વમ. ત્રણ સંતાનની ભૂખને સંતોષવા માટે આ માતાએ માત્ર રૂ.૧૫૦માં પોતાના વાળ વેચી દીધા. પ્રેમા તેના ત્રણ સંતાનનો ઉછેર એકલા હાથે કરી રહી છે, કારણ કે દેવાનો બોજ સહન કરી ન શકતા તેમના પતિએ આત્મહત્યા કરી લીધી હતી. પતિએ તો આત્મહત્યા કરીને પોતાની બધી જ મુશ્કેલીઓનો અંત એક ઝાટકે લાવી દીધો, પણ અહીંથી પ્રેમા અને તેમનાં સંતાનોની જિંદગીની ખરી મુશ્કેલીઓનો આરંભ થયો. જોકે, આટલા કપરા સંજોગોમાં પણ પ્રેમાએ હિંમતથી કામ લીધું જે ખરેખર કાબિલે તારીફ છે.

પહેલાના દિવસોને યાદ કરતાં પ્રેમા કહે છે કે ‘પતિએ આત્મહત્યા કરી એે પહેલાં અમે બંને તામિલનાડુમાં એક ઈંટોની ભઠ્ઠી પર મજૂરી કરતાં હતાં. એ દિવસો પણ કંઈ બહુ સારા કહી શકાય એવા નહોતા, પરંતુ તેમ છતાં અમારા જીવનનું ગાડું ગબડતું હતું. એક દિવસ મારા પતિને વિચાર આવ્યો કે આખરે ક્યાં સુધી આ રીતે ભઠ્ઠી પર મજૂરી કરીને ગરીબીમાં જીવશું અને તેમણે જીવનમાં સાહસ કરવાનું વિચાર્યું. ઓળખીતા લોકો પાસેથી થોડા પૈસા ઉછીના લઈને તેમણે પોતાનો ઈંટોની ભઠ્ઠી બનાવી. અમે બંને જણ આવનારા સંકટથી અજાણ ઉજ્જ્વળ ભવિષ્યનાં સપનાઓમાં રાચી રહ્યા હતા. થોડાક જ દિવસમાં આ નવા વેપારમાં ખોટ થવા લાગી અને અને અમે લોકો દેવું ચૂકવવામાં અસમર્થ બની ગયા. દેવું ન ચૂકવી શકવાની મૂંઝવણમાં મુકાઈ ગયેલા મારા પતિએ ગયા વર્ષે આત્મહત્યા કરી લીધી. આ પગલું લઈને તેઓ તો બધી જ ચિંતા અને સમસ્યામાંથી છૂટી ગયા, પણ... અમારા માટે કપરાં દિવસો શરૂ થયા.’

પતિના મૃત્યુ બાદ ત્રણેય સંતાનોના ઉછેરની જવાબદારી પ્રેમા પર આવી પડી. એટલું જ નહીં, આત્મહત્યા પછી પતિના લેણદારો ઉઘરાણી કરી રહ્યા હતા. થોડો વખતે જેમ તેમ કરીને પ્રેમાએ કામ ચલાવ્યા કર્યું, અને પોતાનાં બે સંતાનોને પણ પોતાની સાથે ભઠ્ઠી પર મજૂરી કરવા માટે સાથે લઈ જવા લાગ્યા. ‘હું મજૂરીએ જતી તેના ૨૦૦ રૂપિયા મળતા હતા, જેમાંથી અમારું ઘર ચાલી જતું હતું. હવે લાગ્યું કે બધું ધીરે ધીરે ઠીક થઈ જશે. પણ આપણે વિચાર્યું ક્યારે ક્યાં થાય છે? નવી મુસીબતો જાણે મારી રાહ જોઈ રહી હતી, એવું લાગી રહ્યું હતું અને અચાનક જ એક દિવસ હું બીમાર પડી. અને જે થોડી ઘણી કમાણી આવતી હતી એ પણ બંધ થઈ ગઈ. વધારે ઈંટોનો બોજ વધારે ઉપાડી શકવા હું સમર્થ નહોતી અને વારંવાર આવતા તાવને કારણે મારે ઘરે જ બેસી રહેવું પડ્યું હતું,’ એવું પ્રેમા વધુમાં જણાવે છે. આમને આમ ત્રણ મહિના વીતી ગયા અને દેવુ વધવા લાગ લાગ્યું અને પૈસાની તંગી વર્તાવા લાગી. પોતાના જીવનના એ કાળા દિવસને યાદ કરતાં પ્રેમાની આંખો વરસી પડે છે અને અવાજમાં તેની ભીનાશ સ્પષ્ટપણે અનુભવી શકાય છે. તે જણાવે છે કે ‘મારો સાત વર્ષનો દીકરો કલિયપન્ને શાળાએથી ઘરે આવ્યો અને તેણે મારી પાસે ખાવાનું માગ્યું. પણ ઘરમાં કંઈ ખાવાનું તો હતું નહીં, ભૂખને કારણે કલિયપન્ન રડવા લાગ્યો. દુનિયાની કઈ માતા પોતાના દીકરાની આંખમાં આંસુ જોઈ શકે, પણ હું લાચાર હતી. કલિયપન્નને રડતો જોવા સિવાય મારી પાસે કોઈ જ વિકલ્પ નહોતો. મારી પાસે હવે મિલકત, ઘરેણાં, વાસણો જેવું કશું જ નહોતું બચ્યું, જેને વેચીને થોડાક પૈસા મળી શકે.’ પણ એક માતા આમ હિંમત થોડી હારી જવાની હતી. અચાનક પ્રેમાને યાદ આવ્યું કે એક વસ્તુ છે જેને વેંચીને તે થોડાક પૈસા મેળવી શકે એમ છે. નજીકમાં જ એક દુકાન હતી જ્યાં વાળ વેચાતા લેવામાં આવતા હતા અને એ ઘડીએ પ્રેમાએ થોડાક પૈસા માટે પોતાના વાળ વેંચવાનો અઘરો નિર્ણય લીધો.

એ ઘડી વિશે પ્રેમા જણાવે છે તે ‘મેં એ દુકાનમાં જઈને ૧૫૦ રૂપિયામાં મારા વાળ વેચી નાખ્યા.’ આજના જમાનામાં આપણને ભલે ૧૫૦ રૂપિયા ખાસ કોઈ મોટી રકમ ના લાગે, પણ પ્રેમા માટે આ રકમ ખૂબ જ વધારે હતી. એ ૧૫૦ રૂપિયામાંથી પ્રેમાએ પોતાના ત્રણેય દીકરા માટે ૨૦-૨૦ રૂપિયામાં તૈયાર ભાત લીધા. જોકે ૧૫૦ રૂપિયામાં બે-પાંચ દિવસની જ રાહત મળી. પણ હવે શું? આ પછી પ્રેમાએ થોડો વધારે આકરો નિર્ણય કરવો પડે તેમ હતો. પ્રેમા એક દુકાને પહોંચી અને કોઈક એવી વસ્તુ ખરીદવાનો પ્રયાસ કર્યો કે જેનાથી પોતાનો જીવ લઈ લે, પરંતુ દુકાનદારના હૈયે રામ વસ્યો અને તેણે પ્રેમાની હાલત જોઈને તેને કોઈ પણ વસ્તુ આપવાનો ઈનકાર કરી દીધો. જોકે હજી પણ આત્મહત્યા કરવાનો વિચાર પ્રેમાના

મગજમાંથી નીકળ્યો નહોતો, પરંતુ અહીં પણ ભગવાને તેના માટે કંઈક અલગ જ વિચારી રાખ્યુું હોય એમ એ જ વખતે પડોશમાં રહેતાં તેની બહેન ઘરે આવી અને ફરી એક વખત પ્રેમા આત્મહત્યા નહીં કરી શકી. આ ઘટનાના થોડાક જ દિવસ બાદ પ્રેમા અને તેનાં સંતાનોના અંધારી દુનિયામાં એક આશાનું કિરણ દેખાયું જેની તેઓ ખૂબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ આશાના કિરણનું નામ હતું બાલા મુરુગન. ઈંટોની ભઠ્ઠીના માલિક પાસેથી પ્રેમાની કથળેલી હાલત વિશેની જાણ બાલા મુરુગનને થઈ અને બાલાનું હૃદય આ કરુણકથની સાંભળીને ભરાઈ આવ્યું. પ્રેમાની અંદર તેમને તેમનો ભૂતકાળ દેખાવા લાગ્યો. ભૂખમરાની પરિસ્થિતિમાં પરિવારની હાલત કેવી હોય છે એ બાલા ખૂબ જ સારી રીતે જાણતા હતા. બાલા ખુદ ૧૦ વર્ષના હતા ત્યારે તેઓ ખુદ આવી પરિસ્થિતિમાં મૂકાઈ ચૂક્યા હતા. એ વખત તેમની માતાએ ઘરનાં પુસ્તકો અને જૂનો સામાન વેંચીને ચોખા ખરીદ્યા હતા, પરંતુ અત્યંત હતાશ થઈ ગયેલાં બાલાની મમ્મીએ પણ પોતાનો અને બાળકોનો જીવ લઈ લેવાનું નક્કી કર્યું હતું. જોકે સદ્ભાગ્યે આની જાણ પરિવારના અન્ય સભ્યોને થતાં તેમને ડોક્ટર પાસે લઈ ગયા અને તેમનો જીવ બચી ગયો. બાલાએ પ્રેમાને આર્થિક મદદ કરીને તેમને આ સંકટમાંથી ઉગારવાનું નક્કી કરી લીધું.

આજે પ્રેમા ધીમે-ધીમે પોતાના પગ પર ઊભી થઈ રહી છે, પણ હજીય તેની આર્થિક સ્થિતિ બહુ સારી કહી શકાય એવી નથી. ભારતનો આર્થિક વિકાસ થયો હોવા છતાં પ્રેમા જેવા લાખો લોકો છે, જેમના માટે કુટુંબનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય છે. વર્લ્ડ બૅંકના જણાવ્યા અનુસાર કપરી ગરીબીમાં જીવતા લોકોની સંખ્યાની બાબતમાં ભારત બીજા સ્થાને છે. રોજના ૧.૯૦ ડૉલરથી પણ ઓછું કમાતા હોય તેમને કપરી ગરીબીની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જોકે, આર્થિક સમસ્યાની સાથે સાથે પ્રેમા બીજી રીતે પણ મુશ્કેલ સ્થિતિમાં જ છે. લાખો ભારતીયોની જેમ તેઓ પણ લખી-વાંચી શકે તેમ નથી અને તેને કારણે પોતાના જેવા ગરીબ લોકો માટે ચાલતી સરકારી યોજનાઓની પણ જાણ હોતી નથી. બાલા મુરુગને તેમના પરિવારને મદદ કરતા રહેવાની ખાતરી આપી છે. મોડેમોડે પણ પ્રેમાને આત્મહત્યા કરવાનો પોતાનો નિર્ણય ખોટો હોવાની જાણ થઈ અને નવેસરથી નવા જોશ સાથે જિંદગી જીવવા કટીબદ્ધ છે.

બીજી બાજુ બાલાએ સોશિયલ મીડિયા પર પ્રેમા અને તેમના પરિવાર પર આવી પડેલી મુશ્કેલી વિશે પોસ્ટ કરી અને એક જ દિવસમાં તેમને રૂ. ૧,૨૦,૦૦૦ રૂપિયા મળી ગયા. પ્રેમાને જ્યારે આની જાણ થઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહીં રહ્યો અને તેણે કહ્યું કે આ રકમમાંથી તો કેટલું બધું દેવું ચૂકવી શકાશે. એટલું જ નહીં તેમણે બાલાને વધુ ભંડોળ એકઠું કરવાની મનાઈ કરી દીધી. બાકીનું દેવું પોતે મહેનતથી કમાવેલા પૈસામાંથી ચૂકવી દેશે એવી ખાતરી આપી. પ્રેમા અને બાલા જેવા લોકો અજાણતામાં જ ઘણાં લોકોને જીવન જીવવાનું એક નવું બળ આપી દેતાં હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

676441
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com