25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેકઅપ કિટ તમને કોરોના ભેટમાં તો નથી આપતીને?

સાવચેતી-દીપ્તિ ધરોડ



અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ કોરોના કોરોના જ સંભળાઈ રહ્યું છે અને આ કોરોનાનો કહેર દુનિયાભરમાં વર્તાઈ રહ્યો છે. મેકઅપ કરવો એ તો દરેક મહિલાનો જન્મસિદ્ધ અધિકાર હોય છે પણ શું તમને ખબર છે કે આ મેકઅપ કિટ પણ તમને કોરોના વાઈરસ ભેટમાં આપી શકે છે. ઘણી વખત આપણે આપણા મિત્રો સાથે મેકઅપ શેયર કરીએ

છીએ કે પછી તેનો મેકઅપ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. શક્ય હોય ત્યાં સુધી અત્યાર પૂરતું તો આ ટાળો.

બીજા કોઇના મેકઅપનો ઉપયોગ ના કરો: સૌથી પહેલાં વાત કરીએ કે તમારો મેકઅપ તમારા મિત્રો સાથે શેયર કરવાનું બંધ કરો. એકબીજાના હેન્કી, કોમ્બ, મેકઅપનો ઉપયોગ કરતાં સો વખત વિચાર કરો. જોકે, આવું માત્ર કોરોનાના ડરને કારણે જ નહીં પણ સામાન્ય દિવસોમાં પણ લોકોની પર્સનલ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળો. ઘણી વખત આને કારણે કોઈ પણ રોગ કે ચેપી બીમારી તમને થઈ શકે છે. જો સામે વાળી વ્યક્તિને કોઇ સ્કીન સંબંધિત સમસ્યા હશે તો તેની અસર તમને પણ થશે. તેમજ તેને શરદી કે ફ્લુ હશે તો પણ તમને થઇ શકે છે.

લિપસ્ટીક,લિપબામ અને કાજલ: છોકરીઓ મોટાભાગે એકબીજાની વસ્તુઓ શેર કરતી હોય છે. જેમાં ખાસ કરીને લિપસ્ટીક, લિપબામ અને કાજલ જેવી વસ્તુઓ ખૂબ જ સામાન્ય છે. ફ્રેન્ડની લિપસ્ટીકનો શેડ પસંદ આવે તો આપણે એ તરત જ એ લિપસ્ટીક યુઝ કરી લઈએ છીએ. પણ આવું કરવું જરા પણ હિતાવહ નથી. જો તમારી ફ્રેન્ડને કોઈ સમસ્યા હશે તો તે તમને પણ થઈ જશે. દાખલા તરીકે જો તેને હોઠ પર ફોલ્લી કે ગરમીની સમસ્યા છે તો એ તમને થઇ શકે છે. આ જ રીતે તમે કોઇનું કાજલ વાપરો છો ત્યારે આંખમાં બળતરા કે પાણી આવવાની સમસ્યા થઇ શકે છે. જો આવી નાની નાની બાબતોમાં તકેદારી રાખવામાં ના આવે તો કેટલાય પ્રકારના ચેપી રોગના ચપેટમાં તમે આવી શકો છો તેમજ કોરોના વાઇરસ જેવી મહામારીની ચપેટમાં આવતા વાર નથી લાગતી.

પાર્લર જવાનું ટાળો: હેર કટ, બ્લીચિંગ, ફેશિયલ, આઇ-બ્રો જેવી ટ્રીટમેન્ટ માટે આપણે પાર્લરમાં જઈએ છીએ. જો શક્ય હોય તો અત્યારે પાર્લરમાં જવાનું ટાળવું જોઇએ, કારણ કે પાર્લરમાં એક વખત ઉપયોગમાં લેવાયેલા પ્રોડક્ટને જ ફરી વખત ઉપયોગમાં લેવામાં આવે છે. આવા સમયે જો કોઇ બીજી મહિલાને ત્વચા સંબંધી કે બીજી કોઈ સમસ્યા હશે તો તમને પણ એ સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.

પર્સ, મોબાઇલ ફોન, ચશ્માં કે અન્ય વસ્તુને અડવું નહીં: કોરોનાના વાઇરસ કોઇપણ વસ્તુ પર લાંબો સમય સુધી એક્ટિવ રહી શકે છે. આથી કોઇ પણ વસ્તુ કે જેને ઉપયોગમાં લીધા વિના છૂટકો જ નથી તો તે વસ્તુઓને પહેલાં સાફ કરીને કે પછી સેનિટાઈઝરથી સાફ કરી લો. જેથી વાઇરસનો ફેલાવો ઓછો થાય આમ તો આ ઘણી નાની બાબતો છે પણ આવી તકેદારીથી વાઇરસને ફેલાતો અટકાવી શકાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5vr8H471
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com