25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારત મારી કર્મભૂમિ છે, મારો ઋણાનુબંધ છે

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્ય(ગયા અંકથી ચાલુ)

નામ : આગ્નેસ ગોનએક્સહે બોજાક્ષહિયુ

(મધર ટેરેસા)

સ્થળ : કલકત્તા, ભારત

સમય : એપ્રિલ, ૧૯૯૬

ઉંમર : ૮૬ વર્ષ

આજે જિંદગીના સાડાઆઠ દાયકા વટાવીને જ્યાં ઊભી છું ત્યાંથી એવું કહી શકું છું કે આપણા જીવનનો રસ્તો આપણા જન્મ સાથે જ નિશ્ર્ચિત થઈ જતો હોય છે. એક ડિવાઈન ડિઝાઈન હોય છે, જેનો આપણે હિસ્સો છીએ. ગૉડ ઓલ માઈટીએ દરેકને એક ઉદ્દેશ્ય સાથે જન્મ આપ્યો છે. દરેકના જન્મની સાથે ગૉડ એની પાસે એક અપેક્ષા રાખે છે, ખાસ કરીને જો એણે આપણને સુખી અને સંપન્ન પરિવારમાં જન્મ આપ્યો હોય તો એ આશા રાખે છે કે આપણે આપણું સુખ, સમૃદ્ધિ અને સગવડ એવા લોકો સાથે શૅર કરીએ જે લોકો થોડું ઓછું સુખ કે સગવડ ધરાવે છે. મને કલ્પના પણ નહોતી કે મારા ઈશ્ર્વરે મને આટલા બધા જીવનને સ્પર્શવા માટે મોકલી છે ! અલ્બેનિયામાં જન્મેલી એક છોકરી, જેને ભારત ક્યાં આવ્યું એ પણ ખબર નહોતી... એ, ૧૯ વર્ષની ઉંમરે આ દેશની ભૂમિ પર પગ મૂકીને પોતાના જીવનનું ધ્યેય શોધવા આવી પહોંચી. આને ૠણાનુબંધ ન કહીએ તો શું કહેવાય ? આ દેશની ભૂમિ સાથે ક્યાંક મારો ૠણાનુબંધ હોવો જોઈએ, નહીં તો આટલા હજારો માઈલ દૂરથી હું અહીં શા માટે આવું ?

અલ્બેનિયા ગ્રીસની નજીક આવેલો એક નાનકડો દેશ છે. કોસોવો અને નોર્થ મેસેડોનિયા પણ અલ્બેનિયાના પડોશી દેશો છે. દક્ષિણ પૂર્વ યુરોપનો આ દેશ ભલે મારી જન્મભૂમિ હોય, પરંતુ મારી કર્મભૂમિ તો ભારત છે. સાચું પૂછો તો મારું કર્મ કદાચ હું ૧૨ વર્ષની હતી ત્યારે જ મારા ઈશ્ર્વરે નક્કી કરી નાખ્યું હતું. સ્કૉપહે જે હવે મેસેડોનિયાનો ભાગ છે, ત્યાં મારો જન્મ થયો. એ જ શહેરમાં મને બેપ્ટાઈઝ કરવામાં આવી. આમ હું ૨૬મી ઓગસ્ટે જન્મી, પરંતુ એના એક દિવસ પછી જ્યારે હું સાચી ક્રિશ્ર્ચિયન બની એ દિવસને હું મારો જન્મદિવસ માનું છું. હું મારા પરિવારની સૌથી નાની દીકરી હતી. મારા પિતા આલ્બેનિયન સમાજના રાજકારણમાં ઘણું મોટું નામ ધરાવતા હતા. એમને ઘણા લોકો ઓળખતા. એ સમયના યુરોપનું રાજકારણ અટવાયેલું હતું. આલ્બેનિયા અનેક સત્તાઓના પલટા જોઈને આર્થિક માર ખાઈને ઊભો થયેલો દેશ હતો. ’૧૮ અને ૧૯મી સેન્ચુરીની વચ્ચે આલ્બેનિયાએ પોતાની બૌદ્ધિક અને આધ્યાત્મિક તાકાત એકઠી કરીને આલ્બેનિયન રેનેસાનો આરંભ કર્યો. બાલ્કનના યુદ્ધમાં ઓટોમેનને હરાવીને ૧૯૧૨માં પહેલી વાર આલ્બેનિયાએ આઝાદીની હવામાં શ્ર્વાસ લીધો, પણ આઝાદી બહુ ટકી નહીં. ૨૦મી સદીની શરૂઆતમાં ઈટાલીએ હુમલા કર્યા. જેમાંથી ગ્રેટર આલ્બેનિયાની રચના થઈ, પરંતુ નાઝી જર્મનીએ બીજા વિશ્ર્વયુદ્ધ વખતે સામ્યવાદી આલ્બેનિયાની રચના કરી. એ પછીનો સમય આલ્બેનિયન્સ માટે પીડા અને એકાંતવાસનો સમય હતો. દુનિયાથી કપાઈ ગયેલો આ દેશ અત્યંત સંઘર્ષમાંથી પસાર થયો. ૧૯૯૧માં સામ્યવાદની પડતી થઈ અને અંતે રિપબ્લિક ઓફ આલ્બેનિયા અસ્તિત્વમાં આવ્યું... આ બધા ઉતાર-ચઢાવ દરમિયાન મારા પિતા સક્રિય રીતે રાજકારણમાં ભાગ લેતા રહ્યા. અમે ઉચ્ચ મધ્યવર્ગમાં જીવતા એવા પરિવારમાં ગણાતા હતા જેમને માટે આલ્બેનિયામાં રહેવું પ્રમાણમાં સરળ હતું. ૨૦મી સદીની શરૂઆતથી ૨૦૦૦ સુધી આલ્બેનિયા અનેક થપ્પડો ખાઈને માંડ-માંડ ઊભો થયેલો એક એવો દેશ હતો જે માર્કેટ આધારિત અર્થતંત્ર ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યો હતો...

મારા પિતા આલ્બેનિયાને આઝાદ કરવાનું સ્વપ્ન જોતા મુઠ્ઠીભર આદર્શવાદીઓમાંના એક હતા. હું આઠ વર્ષની હતી ત્યારે મને કહેવામાં આવ્યું કે મારા પિતાનું મૃત્યુ થયું છે. એમના મૂળ ગામ કે કુળ વિશે મને ઝાઝી ખબર જ નથી, પરંતુ એ કોસોવો નજીક પ્રિઝરેનના હોવા જોઈએ. પિતાના મૃત્યુ પછી મારી માએ મને કોન્વેન્ટમાં ભણવા મૂકી. આનું મુખ્ય કારણ એ છે કે એ સમયે મિશનરીમાં મફત શિક્ષણની સાથે સાથે દીકરીઓને પોતાના જીવન માટે પણ તૈયાર કરવામાં આવતી. ભરત, ગૂંથણ, સિવણ, રસોઈની સાથે સાથે પરિવારને સાચવવાનું અને સંતાનને ઉછેરવાની કેળવણી પણ આ કોન્વેન્ટ શાળાઓમાં દીકરીઓને અપાતી. ત્યાં જ રહેવાનું અને માત્ર વેકેશનમાં અમુક દિવસો માટે જ ઘરે જવા મળે, એવી કડક શિસ્તની સાથે મારું શિક્ષણ થવા લાગ્યું. ચાર વર્ષ કોન્વેન્ટ શાળામાં ભણતી હતી ત્યારે અમને એ મિશનરીમાં સેવા આપતી નન્સના જીવન વિશે ઘણું જાણવા મળતું રહ્યું. એ સિવાય પણ એવા ક્રિશ્ર્ચિયન સંતો, જેમણે પોતાનું જીવન માનવસેવા માટે સમર્પી દીધું હતું, એમની વાર્તાઓ મને પ્રભાવિત કરતી રહી. લગભગ ૧૨ વર્ષની ઉંમરે મેં પહેલી વાર નન બનવાનો મારો નિર્ણય જાહેર કર્યો ત્યારે મારા પરિવારે ઝાઝો વિરોધ કર્યા વગર મને રજા આપી, પરંતુ મારો આ નિર્ણય કેટલો પાકો છે એ સમજ્યા વગર કોન્વેન્ટ મને સ્વીકારે એ શક્ય નહોતું.

હું ૧૨ વર્ષની થઈ ત્યારે વેટીના લેન્ટીસના બ્લેક મેડોનાના ચર્ચમાં મેં નન બનવાની પ્રાર્થના મૂકી. એ પછીના છ વર્ષ મારા નિર્ણયની પરિપકવતા ચકાસવામાં વીત્યા. જોકે, એ દિવસથી મારું શિક્ષણ જુદી રીતે થવા લાગ્યું. ૧૮ વર્ષની ઉંમરે-૧૯૨૮માં મેં અંતે ઘર છોડ્યું. સિસ્ટર્સ ઓફ લોરેટો, આયર્લેન્ડમાં હું અંગ્રેજી શીખી અને મિશનરી બનવા માટે મારે જે કંઈ શીખવાનું હતું એ, મારા ધાર્મિક શિક્ષણની શરૂઆત થઈ. અંગ્રેજી શીખવું જરૂરી હતું, કારણ કે એ સમયે યુરોપમાંથી મિશનરીઝને ભારત મોકલવામાં આવતા. ભારતમાં યુરોપિયન ભાષાઓનું ચલણ નહોતું એટલે અંગ્રેજી શીખેલા મિશનરીઝ જ ભારતમાં કામ કરી શકે એમ હતા. અંગ્રેજીનું શિક્ષણ પૂરું થયું ત્યાં સુધીમાં મને ભારત મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો. હિમાલયની તળેટીમાં આવેલા દાર્જિલિંગની કોન્વેન્ટ સ્કૂલમાં મને શિક્ષક તરીકે મોકલવામાં આવી. હું ૧૯૨૯માં ભારત આવી ત્યારે આલ્બેનિયા સામ્યવાદીઓના હાથમાં હતું, એ પછી આલ્બેનિયા આઝાદ થયું, પણ હું કેટલાય વર્ષો સુધી પાછી જઈ શકી નહીં. મારી માતા અને બહેનને હું ૧૯૨૮માં છેલ્લી વાર મળી. એ પછી હું એમને ક્યારેય મળી નહીં. એ લોકો સ્કૉપહેમાં ૧૯૩૪ સુધી રહ્યા અને પછી આલ્બેનિયાની રાજધાની ટીરાનામાં રહેતાં હતાં એવા મને સમાચાર મળ્યા હતા.

૧૪મી મે, ૧૯૩૭ના દિવસે મેં પવિત્રતાના શપથ લીધા. ત્યાં સુધી હું લોરેટો કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવતી હતી. દાર્જિલિંગમાં હું બંગાળી શીખી હતી. ભારતમાં રહેવા માટે એક ભારતીય ભાષા આવડવી જરૂરી હતી. મોટાભાગના લોકો અભણ અને અણસમજુ હતા, એમની સાથે વાત કરવા માટે અંગ્રેજી નકામું છે એ મને પહેલા છ મહિનામાં જ સમજાઈ ગયું. હું જ્યાં ભણાવતી હતી એની બાજુમાં જ એક બંગાળી માધ્યમની શાળા હતી, એ શાળામાં મેં બંગાળી શીખવાનું શરૂ કર્યું. ચોખ્ખું બંગાળી બોલતાં અને લખતાં-વાંચતાં શીખી ગઈ. લોરેટો કોન્વેન્ટ સ્કૂલમાં અંગ્રેજીમાં જ બોલવું એવો નિયમ હતો, પરંતુ બંગાળી જમીનદાર પરિવારોમાંથી આવતી કે અંગ્રેજી તહેઝીબના આકર્ષણ નીચે દીકરીઓને કોન્વેન્ટમાં ભણાવતા માતા-પિતા અંગ્રેજી બોલી શક્તા નહીં. એમની સાથે વાત કરવા માટે મને મારું બંગાળી શિક્ષણ ખૂબ કામ લાગ્યું. બીજી મિશનરી શિક્ષિકાઓ કરતાં બંગાળી લોકો મને વધુ વિશ્ર્વાસુ ગણતા, એટલું જ નહીં એમના ઘરની અંગત વાતો પણ કેટલીક સ્ત્રીઓ મારી સાથે દિલ ખોલીને કરી શક્તી. મારી આ કામગીરી જોઈને લોરેટો કોન્વેન્ટની એ જ શાળામાં ૧૯૪૪માં મને હેડ મિસ્ટ્રેસ તરીકે કામગીરી સોંપવામાં આવી. એના આગલા વર્ષે બંગાળમાં દુકાળ પડ્યો. અનેક લોકોનાં મૃત્યુ થયા, ઢોર-ઢાંખર અને પરિવારો એક ગામથી બીજે ગામ ભટકવા લાગ્યા. ભારતની આઝાદી નજીક આવી પહોંચી હતી. એક વિચિત્ર પ્રકારનો જુવાળ આખા દેશમાં ફરી વળ્યો

હતો. મહાત્મા ગાંધીએ આઝાદીથી ઓછું કંઈ નહીં ચાલે એ વિશે દૃઢતાથી એલાન કર્યું હતું. અંતે, ભારતને આઝાદ કરવાનો નિર્ણય લેવાયો. સાથે જ, પાકિસ્તાન એક સ્વતંત્ર દેશ તરીકે આઝાદ થયું. પાકિસ્તાનથી ભારત આવનારા અને ભારતથી પાકિસ્તાન જવા માગતા લોકોનો જાણે એક પ્રવાહ એક દેશથી બીજે દેશ વહી રહ્યો હતો. લગભગ એ જ સમયે ૧૯૪૬ના ઑગસ્ટ મહિનામાં હિન્દુ-મુસ્લિમ રમખાણો શરૂ થયા.

એ દિવસોમાં મેં જે જોયું એનાથી મારા આત્મા ઉપર ઊંડા ઘા પડ્યા. મને રહી રહીને વિચાર આવવા લાગ્યો કે હું જે કરી રહી છું તે મારું કામ નથી. મને ઈશ્ર્વરે કોઈ બીજા જ કામ માટે મોકલી છે. સપ્ટેમ્બર ૧૦, ૧૯૪૬ના દિવસે હું મારા એકાંતનો સમય ગાળવા માટે કલકત્તાથી દાર્જિલિંગની લોરેટો કોન્વેન્ટ જતી હતી. પીડાતા, દુ:ખી લોકોને જોઈને એક ક્ષણે મને જે અનુભવ થયો એને હું મારા ‘અંતરઆત્માનો અવાજ’ માનું છું. મને મારી ભીતરથી કોઈકે કહ્યું, "લોરેટો કોન્વેન્ટ છોડી દે અને ગરીબોની વચ્ચે રહીને એમનું જીવન બહેતર બનાવવાનો પ્રયાસ કર. મને લાગે છે આ મારા ઈશ્ર્વરનો આદેશ હતો. હું જો એને માનવામાં નિષ્ફળ નીવડું તો મેં મારો ધર્મ પૂરી નિષ્ઠાથી પાળ્યો નહીં, એવું મને લાગ્યું હોત ! એ જ ક્ષણે મેં નિર્ણય કરી લીધો, કોન્વેન્ટની સુખભરી અને કડક શિસ્ત સાથેની નિયમિત જિંદગી છોડવી. ગરીબોમાં ય જે ગરીબ છે એવા, રોગી, દુ:ખી, અનાથ લોકોની મદદ માટે હવે બાકી રહેલા જીવનને સમર્પિત કરી દેવું !

મેં સૌથી પહેલું કામ ભારતીય નાગરિકત્વ સ્વીકારવાનું કર્યું.

હજી હમણાં જ થોડા દિવસ પહેલાં જ મારી તબિયત ખરાબ હતી ત્યારે મારા સહકાર્યકરો અને મારી કાળજી રાખતી યુરોપિયન સિસ્ટર્સે મને પૂછ્યું, "તમારે તમારા દેશ પાછા જવું છે ? એમના મનમાં કદાચ એમ હોય કે હું ભારતમાં ગમે તેટલા વર્ષ રહી, પરંતુ અંતે મૃત્યુ પામવા માટે તો કદાચ મારે મારા દેશ જવું હશે ! મને થોડું હસવું આવ્યું, એ ખોટું નથી વિચારતા. હવે કેટલું જીવીશ ? મૃત્યુ નિશ્ર્ચિત છે, એની પહેલાં આપણે શું કરીએ છીએ, આપણને મળેલા સમયને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ એ જ સાચા અર્થમાં આપણા અસ્તિત્વની ઓળખ છે. મેં એમના મનમાં રહેલા વિચારોને સમજીને એમને જવાબ આપ્યો, "આલ્બેનિયા કદાચ મારા જન્મની ભૂમિ છે, પરંતુ હવે ભારત જ મારો દેશ છે. આખી જિંદગી અહીં રહ્યા પછી છેલ્લા શ્ર્વાસ લેવા માટે જો હું ભારત છોડું તો આ દેશની ભૂમિ મને ક્યારેય માફ નહીં કરે.

(ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2egr5j2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com