25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઘરનો વિરોધ અવગણી મેડમ કામા મુંબઈમાં પ્લેગના મહારોગચાળા સમયે દર્દીઓની સેવામાં જોડાયાં

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લકોરોના વાઈરસને લીધે દેશમાં અત્યારે ભારે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે અને ઈ.સ. ૧૮૯૭માં ભયાનક પ્લેગનો રોગચાળો ફેલાયેલો ત્યારે આ રોગના ફેલાવાને કાબૂમાં લેવા જે કાયદો ઘડાયો તેને અત્યારે નવી રોગચાળા સ્થિતિમાં લાગુ પાડવામાં આવ્યો છે. ૧૮૯૭ના રોગચાળામાં આપણી એક મહાન સ્ત્રીનેતાએ જાહેર જીવનમાં પ્રવેશ કર્યોે. એ હતા ભિખાઈજી કામા. એમણે ઘણાં વર્ષ ફ્રાંસમાં ગાળેલાં એટલે એમના નામ આગળ મદામ લાગ્યું અને એ મદામ કામા તરીકે પ્રખ્યાત થયાં. પૈસાદાર પારસી વકીલની દીકરી અને તેથી વધુ પૈસાદાર અને વકીલ જોડે લગ્ન થયાં. એમના સસરા અને પતિ બંને ઓરિએંટાલિસ્ટ એટલે કે પૂર્વના રાષ્ટ્ર કે રાષ્ટ્રસમૂહ કે સમાજ વિશે અભ્યાસ કરનારા, તેઓ નૃવંશશાસ્ત્રી એટલે કે માનવજાતનાં મૂળ અને વિકાસનો અભ્યાસ કરનારા, આજે ફોર્ટ વિસ્તારમાં ડોક્સના પીળા દરવાજા સામે જે કામા ઈન્સ્ટિટયૂટ છે તે આ કામા પરિવારની. એમાં અવારનવાર ઈતિહાસ, સમાજશાસ્ત્ર, કળા પરંપરા વગેરે માટે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનોનું આયોજન થાય છે તે વિશે જાણકારી રાખવી અને પોતાના રસના વિષય વ્યાખ્યાનમાળામાં હોય તો તે સાંભળવા જવાથી જડભરત થવામાંથી બચી જવાય. આવા મોટા ઘરની વહુ ભિખાઈજી મુંબઈના મહારોગચાળા સમયે પ્લેગ અટકાવવા અને દર્દીઓની સેવા કરવા બહાર પડ્યાં. ઘરનાને કહે છે કે ગમ્યું નહોતું. પોતે માંદા પડ્યા પછી ફ્રાંસમાં આરામ કરી સાજા થવા માટે ગયા અને ત્યાં જ રાષ્ટ્રવાદી આંદોલનકારો જોડે ભળીને અંગ્રેજ સરકાર સામે કામ શરૂ કર્યું. સમાજવાદી રાષ્ટ્રવાદી શામજી વર્માના એ ઘનિષ્ઠ મિત્ર અને સાથી બન્યા. ઈંગ્લેંડથી ધરપકડ કરી સાવરકરને ભારત લવાતા હતા ત્યારે એ કાણામાંથી છટકી દરિયા વાટે ફ્રાંસ આવ્યા અને કમનસીબે ફ્રાંસ પોલીસે એમને પકડી લીધા. આ છટકવું અગાઉથી નક્કી હતું એમ લાગે છે, કારણ કે સાવરકરને સુખરૂપ લઈ આવી ફ્રાંસમાં છુપાવવા માટે ભિખાઈજી કામા પહોંચી રહ્યાં હતાં, પણ કોઈક કારણસર એ મોડાં પડ્યાં. આગળ જતાં બંનેનું રાજકારણ બદલાઈ ગયું. આંદામાનથી પાછા ફર્યા પણ સાવરકરે હિંદુ મહાસભાની સ્થાપના કરી અને રાજકારણ છોડી દીધું. ભિખાઈજીએ ફ્રાંસ રહી સમાજવાદી કામ ચાલુ રાખ્યું. ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના પ્રારંભમાં ગરીબ, વંચિત મઝદૂરોને એકત્રિત કરી તેમને માટે કલ્યાણકારી અને ક્રાંતિકારી માટે આંતરરાષ્ટ્રીય સભાઓ થતી, ત્રીજી સભામાં છેલ્લે સામ્યવાદીઓ જ હતા. બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ વખતે પ્રત્યેક દેશના સભાસદોની ખુરશી પાછળ પોતપોતાના રાજ્યનો ઝંડો રાખતાં, ભારત નામનું કોઈ રાષ્ટ્ર નહોતું. આપણે ત્યાં ઈંગ્લેંડનો યુનિયન જેક ફરફરતો જે ભિખાઈજી કામા લગાડવાનાં નહોતાં. આથી જ એમણે પોતાને સૂઝ્યાં તેવા પ્રતીકો લગાડી ભારતનો ઝંડો બનાવ્યો. કમનસીબે એમની આ જ માત્ર બાબત યાદ રખાય છે. ૧૮૯૭ના પ્લેગના એપિડેમિક વિશે કે સમાજવાદી રાજકારણ વિશે ઝાઝું જાહેર થતું નથી. આખરે ભારે માંદગીમાં પીડાતા લોથપોથ થઈ ગયેલા મદામ કામા ભારત પાછા ફર્યાં. એમ મોતને આરે આવ્યા પછી જ એમણે અંગ્રેજ સરકારને માફી લખી આપી કે એ હવે અંગ્રેજ વિરોધી રાજનીતિ નહીં કરે. અંતે ૧૯૩૬ની સાલમાં મેડમ કામા મૃત્યુ પામ્યાં.

બીજી એક મહાન વિભૂતિએ ૧૮૯૭ના પ્લેગના ગાળામાં સ્વૈચ્છિક સેવા આપી હતી તે હતા મોહનદાસ કરમચંદ ગાંધી. હજી એ મહાત્મા નહોતા કહેવાયા, પણ દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની પરિસ્થિતિ વિશે લખતા અને અને આપણે ત્યાં રહેતી દેશી પ્રજાને પોતાના માનવહક માટે એકત્રિત કરતા. આ કારણે એમને ખ્યાતિ મળવાની શરૂ થઈ ગઈ હતી. એ અલાહાબાદથી રાજકોટ જઈ રહ્યા હતા. એમની આત્મકથામાંથી આ કાળની વાતો યાદ કરીએ. ગાંધીજી લખે છે તે અંગ્રેજીમાંથી અનુવાદ કરી અહીં મૂકું છું. આત્મકથા અત્યારે હાથવગી નથી અને કોરોનાના ભયે બધી સંસ્થાઓ બંધ છે અથવા તો બહાર નીકળવા જેવું નથી.

"મુંબઈમાં આ સમયે ચારેકોર પ્લેગ ફેલાઈ ગયો હતો. બધે ભય છવાયેલો હતો. ડર હતો કે એ રાજકોટમાં પણ ફેલાઈ જશે, મને લાગ્યું કે હું સફાઈ વિભાગમાં સહાય કરી શકું. મેં રાજ્ય સરકારને મારી મદદની ઓફર કરી. એમણે તરત ઓફરનો સ્વીકાર કર્યો અને આ બાબતે જે જાંચતપાસ કરતી હતી તે સમિતિમાં મને મૂક્યો. મેં જાજરૂની સફાઈ પર વધુ ભાર મૂક્યો અને સમિતિએ દરેક મહોલ્લામાં જાજરૂની તપાસ કરવાનો નિર્ણય લીધો. ગરીબ લોકોને પોતાના જાજરૂની તપાસ થાય તે અંગે કાંઈ વાંધો નહોતો અને વધુ તો એ કે અમે જે કાંઈ સુધારા કહ્યા એ તેમણે કર્યાં પણ ખરા, પરંતુ જ્યારે અમે ઉપલા વર્ગમાં ગયા તો અમને ઘણાએ ઘરમાં પેસવા જ ન દીધા, તો પછી અમે શા સુધારા (પ્લેગ ફેલાતો રોકવા માટે) સૂચવીએ એ સાંભળવાની તો વાત જ ક્યાં હતી? અમારા બધાનો સમાન અનુભવ હતો કે પૈસાદારોનાં જાજરૂ વધુ ગંદાં હતાં, પેલાં દસ ઘરોમાં તો જોવા ના મળ્યું, પણ જ્યાં મળ્યું ત્યાં જોયું કે જાજરૂ અંધારિયાં અને ગંધારાં હતાં. ત્યાં ગંદકી અને જીવજંતુઓથી વાસ મારતી હતી. અમે તો સાવ સરળ સુધારા કરવાનું સૂચવતા હતા, જેમ કે જમીનમાં મળ સીધો જ જવા દેવાને બદલે એક ડોલમાં પડવા દો, એકી પણ એક બાલદીમાં કરો, મળમૂત્ર જમીનમાં ચુસાઈ ન જાય તેનું ધ્યાન રાખો અને બધું સાવ પાર્ટિશન કરીને ન રાખો જેથી જાજરૂને હવા અને સૂર્યપ્રકાશ મળે અને જાજરૂની સફાઈ કરવા આવતા કામદારો સરળતાથી બધું ચોખ્ખું કરી શકે. પૈસાદારોએ આ છેલ્લા સૂચનનો મોટો વિરોધ કર્યો અને લગભગ કાંઈ સુધાર્યું જ નહીં. સમિતિએ અસ્પૃશ્યોનાં જાજરૂ પણ તપાસવાનું નક્કી કર્યું. સમિતિમાંથી માત્ર એક જ સભ્ય મારી જોડે એમના વાડામાં જવા સંમત થયો. બાકીનાને લાગ્યું કે અંત્યજનિવાસોમાં જવાનો વિચાર જ ખરાબ અને ખોટો હતો અને અસ્વીકાર્ય હતો અને તે પણ એમનાં જાજરૂ તપાસવા જવાનું તો તદ્દન વિચિત્ર કહેવાય. મને તો અંત્યજનિવાસસ્થાનોમાં આનંદ અને આશ્ર્ચર્ય થયાં. એમનાં જાજરૂ તપાસવાથી ઓર વિશેષ મેં એમને કહ્યું કે મને એમના જાજરૂ તપાસવા લઈ જાઓ. ‘અમારે માટેના જાજરૂ! એમણે આશ્ર્ચર્ય સાથે કહ્યું. મારી તો આવા વિસ્તારની પહેલી મુલાકાત હતી. અમે તો ખુલ્લામાં જઈ પતાવીએ, જાજરૂ તો મોટા લોકો માટે હોય. મેં પૂછ્યું કે તો પછી હું તમારાં ઘર તપાસુ તો કાંઈ વાંધો નથી ને! એમણે કહ્યું જરૂર આવો, ખૂણેખૂણો તપાસો. અમારા ઘર ઘર નથી, દર છે. હું અંદર જઈ ખુશ થયો, ઘરની અંદર બહાર જેટલી જ ચોખ્ખાઈ હતી. દરવાજા સ્વચ્છ રખાયેલા હતા, ફરસ ગાયના છાણથી સુંદર લીપેલી હતી અને જે થોડા ઘણાં વાસણ હતાં તે સાફ અને ચમકતા હતા. અહીં પ્લેગ ફાટી નીકળે એવો કોઈ ભય નહોતો.

ઉપલા વર્ગના ઘરોમાં જે જાજરૂ જોવા મળ્યાં તેમનું કાંઈક વિગતવાર વર્ણન કરવાનું રોકી શકાય તેમ નથી. દરેક રૂમ ગટર જોડે સંકળાયેલી હતી. એમાંથી પાણી અને એકી બંને જાય, એથી આખું ઘર ગંધાય. આમાં એક ઘર એવું હતું કે એને ઉપલો માળ પણ હતો અને ત્યાંથી એકી અને જાજરૂ-મળમૂત્ર બંને સીધા જતાં એટલે એકીબેકી સાથે નીચેના ઘરમાં જાય, એમના રૂમની ગંધ અસહ્ય હતી. અહીં મકાનના રહેવાસીઓ શી રીતે સૂતા હશે તેની કલ્પના હું વાચકો પર છોડી દઉં છું.

સમિતિએ એક વૈષ્ણવ હવેલીની પણ મુલાકાત લીધી. ત્યાંના હવેલીના સંચાલક મહારાજને મારા પરિવાર જોડે મિત્રતા હતી. આને લીધે અમને દરેકે દસેક જગા જોઈ અમને જે ઠીક લાગે તે સુધારવાની સલાહ લેવા તૈયાર થયા. હવેલીમાં કેટલીક જગ્યાઓ એવી હતી કે એમણે પોતે કદી જોયેલી જ નહોતી. આમાં એક એવી જગા હતી જ્યાં કચરો ને એઠું અન્ન તેમ જ પતરાવળીઓ જે થાળીને બદલે વપરાતી તે બધું જ દીવાલ પરથી ફેંકાયેલું પડ્યું હતું. કાગડા-સમડીનું આ પ્રિય સ્થાન હતું. જાજરૂ તો અલબત્ત ગંદાં જ હતાં. હું રાજકોટ વધુ રોકાયો નહોતો તેથી મને જાણ નથી કે અમારા કેટલાક સૂચનો મહારાજે અમલમાં મૂકેલા. એક પૂજાસ્થાનમાં આટલી બધી ગંદકી જોઈને મને બહુ દુ:ખ થયું. આપણી અપેક્ષા હોય કે એક પવિત્રસ્થાન ગણાતી જગાએ તો આરોગ્ય અને સ્વચ્છતા ધ્યાનથી જળવાતી હોય. મને ત્યારે પણ ખબર હતી કે આપણી સ્મૃતિઓ (ધાર્મિક લખાણના અર્થમાં)એ અંતરની અને બહારની સ્વચ્છતા માટે ઘણાએ આગ્રહ રાખેલો છે. (રાજકોટમાં પણ પ્લેગ ફેલાવાનો ડર હતો ત્યારનું આ લખાણ છે.)

૧૮૯૭નો કાયદો

૧૮૯૭ની ચોથી ફેબ્રુઆરીએ મુંબઈમાં ફાટી નીકળેલા પ્લેગના એપિડેમિક વખતે અમલમાં આવ્લો. આ કાયદા મુજબ રોગચાળાને કાબૂમાં લેવા માટે અને ટોળાંને એકત્રિત થતાં રોકવા માટે કડક પગલાં લેવાના શક્ય બન્યાં. આ મુજબ રાજ્ય (પ્રાંત) તેમ જ મધ્યવર્તી સરકારને વિશેષ પગલાં લેવાની તેમ જ એવા વટહુકમો પાડવાની છૂટ મળેલી જેથી કાયદો તોડનારને જેલ અને મોતની સજા પણ આપી શકાય. આ એપિડેમિક રોગચાળા માટેનો વિશેષ કાનૂન હતો. એ સમગ્ર ભારતમાં લાગુ પડતો હતો, કારણ કે આજે કોરોના વાઈરસ જેમ ગમે ત્યાં ફેલાઈ શકે છે તેમ પ્લેગ વિશે પણ તે કાળે એટલા જ ફેલાવાની ચિંતા હતી. આ જ કાયદામાં રાજ્યને ઠીક લાગે તે જગાઓ, રેલવેના મુસાફરો કે વહાણમાં જનારા કે સ્ટાફની તપાસ કરવાનો અધિકાર મળેલો જેથી તપાસ કરી શકાય કે આ દ્વારા કોઈ રોગીનો ચેપ બીજાને ન લાગે. આ કાયદામાં એવી પણ છૂટ હતી કે ગેરસમજથી ભૂલમાં કોઈથી કાયદો તોડાયો હોય તો એમની પર કાનૂની કાર્યવાહી નહીં થાય.

મને ગાંધીજી આધુનિક અને આધુનિકતા ફેલાવનારા લાગ્યા છે. ‘ગાંધીજીની સ્વચ્છતા’ નામનો એક પાઠ હતો તે વાંચી અમે હસતાં કે જરાક હાથ લીંબુના રસમાં પડ્યો તો શું થઈ ગયું. અત્યારે આપણે આ રીતે કોઈ પાણી કે રસ આપે તો આપણે ગ્લાસ પાછો મોકલાવીએ. ખૂબીની વાત એ છે કે હું જ્યારે પહેલી વાર સર્વોદયના વેડછી આશ્રમમાં ગઈ ત્યારે ત્યાં ગોબર ગેસ ઉત્પન્ન થતો અને જાજરૂ ફલશવાળાં હતાં. બહાર ગાંધીજીના શબ્દો લખેલાં હતાં કે જાજરૂ રસોડાથી પણ સ્વચ્છ હોવું જોઈએ અને બીજી બાજુ પરામાં અમે રહેતા તે મકાનમાં ડબલું લઈને જાજરૂ જતાં. ત્યાં ટોપલાવાળાં જાજરૂ હતાં અને અમે એને ‘જાવં જરૂર’ કહેતાં. રોજ ટોપલો ખાલી કરવા એક શેડ્યુલ્ડ વર્ગનો ભાઈ જાજરૂ ધોવાં આવતો અને અઠવાડિયે એક ‘ગાડી’ આવતી, જેમાં એ જ વર્ગના ભાઈ-બહેનો એક એક મોટા ડબલાં લઈ પેલો ટોપલો ખાલી કરતાં. એમના શરીર પર એ ટોપલાઓનું પાણી પડતું. અમે નાક દબાવી દુર્ગંધથી બચવા પ્રયાસ કરતા, અમને એ લોકો ગંદા લાગતાં, કારણ કે એ અમારું જ ‘મેલું’ લઈ જતાં. પોતે નિર્માણ કરેલાં ગુ-મૂત્રનું નામ પણ લેવાને બદલે ‘મેલું’ કહી પતાવી દેતા. અમારા પોતાના વલણ વિશે અમે સભાન નહોતા અને સફાઈનો આગ્રહ રાખનાર, જાજરૂ અને આરોગ્યને જોડતા અને સફાઈ કામદારો જોડે માનવીય સંબંધ રાખનાર અમારા રાષ્ટ્રપિતાને ગોળીએ ચડાવી દેવાયેલા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

860337aM
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com