25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કહાની કિવી ક્વીન કી

દર્શના વિસરીયા‘એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દિયા તો ફિર મૈં અપને આપકી ભી નહીં સુનતા’ ફિલ્મ ‘વૉન્ટેડ’ના આ ડાયલોગને ઉત્તરાખંડની સીતાદેવીએ રિયલ લાઈફમાં એકદમ સિરિયસલી લઈ લીધું છે. ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના દુવાકોટી નામના નાનકડા ગામમાં રહેનારા સીતાદેવીએ અશક્ય લાગતી વાતને શક્ય બનાવીને તેમની મજાક ઉડાવનારાઓના મોઢા બંધ કરાવી દીધા છે. હવે તમને થશે કે આખરે સીતાદેવીએ એવું તે શું કર્યું, બરાબરને? બહુ ઉતાવળ તમને તો ભાઈસા’બ. થોડી ધીરજ રાખો તમારા બધા સવાલોના જવાબ તમને અહીં જ મળી જશે. આખી વાત જાણે એમ છે કે ત્રણ-ચાર વર્ષ પહેલાં સુધી તો સીતાદેવી પણ અન્ય ખેડૂતોની જેમ જ પારંપરિક પદ્ધતિથી ખેતી કરનારા ખેડૂતો જેવી જ હતી, પરંતુ અચાનક એક દિવસ તેમની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને તેમણે પોતાના ગામમાં કિવીની ખેતી કરવાનું નક્કી કર્યું, શરૂઆતમાં તેમને મુશ્કેલી ચોક્કસ પડી, પણ તેનાથી ડર્યા કે હિંમત હાર્યા વિના તેમણે દિલોજાનથી મહેનત કરીને આખરે ધાર્યું પરિણામ મેળવીને જ રાહતનો શ્ર્વાસ લીધો. આજે સીતાદેવી તેમના ગામ અને આસપાસના ગામોમાં ‘કિવી ક્વીન’ના હુલામણા નામે ઓળખાય છે. એટલું જ નહીં આજે તેઓ જિલ્લાના કેટલાય ખેડૂતો માટે એક માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યા છે.

પોતાની સંઘર્ષયાત્રા વિશે ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતાં સીતાદેવી કહે છે કે ‘ત્રણ સાડાત્રણ વર્ષ પહેલાં સુધી હું મારા ખેતરમાં બટેટા અને વટાણાંની ખેતી કરતી હતી, પરંતુ જંગલી જનાવરો અને વાંદરાઓ આવીને પાકને નુકસાન પહોંચાડતા હતા. જોકે, આવી હાલત મારી એકલીની જ નહીં પણ ગામના લગભગ બધા જ ખેડૂતોની હતી. દર વખતે આ રીતે પોતાની મહેનત પર પાણી ફરી જતું જોઈને એક તબક્કે તો મેં ખેતી બંધ કરવાનું નક્કી કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ એ જ વખતે મને કોઈએ કૃષિ વિભાગની કિવી પ્રોત્સાહન યોજના વિશે જણાવ્યું. એટલું જ નહીં મને કોઈએ એવું પણ જણાવ્યું હતું કે વાંદરાઓ કિવીના પાકને નુકસાન નથી પહોંચાડતા. મેં તરત જ સમય ગુમાવ્યા વિના સંબંધિત અધિકારીઓનો સંપર્ક સાધ્યો અને તેમની સાથે વાતચીત કરી. બસ એ જ ક્ષણે મેં નક્કી કરી લીધું કે મારે મારા ખેતરમાં કિવીની ખેતી કરવાનું નક્કી કરી લીધું. મેં આના માટે હિમાચલ પ્રદેશમાં જઈને ટ્રેનિંગ પણ લીધી હતી.’

હવે જ્યારે તમે દુનિયાની ભીડથી અલગ જઈને કે પછી લોકોની એક ચોક્કસ માનસિકતાની બહાર જઈને કંઈક કરવાનું વિચારો છો ત્યારે તેનો થોડો ઘણો વિરોધ થાય એ તો ચોક્કસ વાત જ છે. સીતાદેવી સાથે પણ આવું જ થયું. એક તો તેમણે મહિલા થઈને કિવીની ખેતી કરવાનો હિંમત માગી લેનારો નિર્ણય લીધો એટલે લોકોએ એમના વિશે પણ વાતો કરવાનું શરૂ કરી દીધું. સીતાદેવીની મજાક ઉડાવવામાં પણ ગામવાસીઓએ કંઈ જ બાકી રાખ્યું નહીં. પણ તેમ છતાં ય લોકોની વાતો કે મહેણાંઓથી ગભરાયા વિના સીતાદેવીએ પોતાનું કામ ચાલુ જ રાખ્યું. ‘તમને સૌથી પહેલાં તો એક વાત જણાવી દઉં કે જ્યારે મેં કિવીની ખેતી કરવાનો નિર્ણય લીધો એના પહેલાં સુધી તો મારા ગામવાસીઓને જણા સુધ્ધાં નહોતી કે કિવી જેવું કોઈ ફળ આ દુનિયામાં અસ્તિત્વમાં છે પણ ખરું. ધીરે ધીરે લોકોને કિવી એ એક ફળ છે અને તે વિદેશી ફળ છે એવી જાણ થઈ.

હવે તેમની બીજી દલીલ એ હતી કે આ વિદેશી ફળ દેશી માટીમાં કઈ રીતે ઊગશે? એટલું જ નહીં, ગામવાસીઓએ તો એવું ભાવિ પણ ભાખી દીધું કે મારો આ પ્રયાસ નિષ્ફળ જ જવાનો છે અને હું ખોટી મહેનત કરી રહી છું. આટલા નકારાત્મક વાતાવરણ વચ્ચે એકાદ વખત તો મને પણ એવું થયું કે હું કોઈ ખોટો નિર્ણય તો નથી લઈ બેઠીને? પણ મારો પરિવાર મારી મદદે આવ્યો અને તેમણે મને મારી ટ્રેનિંગ યાદ અપાવી. બસ એના પછી મેં મારી જાતને વચન આપ્યું કે કંઈ પણ થઈ જાય, હું મારા ખેતરમાં કિવી ઉગાડીને જ રહીશ,’ એવું વધુમાં જણાવે છે સીતાદેવી.

આખરે એ દિવસ પણ આવી જ ગયો જ્યારે સીતાદેવીના પરિશ્રમ અને ઉદ્યાન વિભાગની સલાહનું પરીણામ વેલ પર કિવી તરીકે જોવા મળ્યું. પહેલાં જ વર્ષે સીતાદેવીના ખેતરમાં એક ક્વિન્ટલ કિવીનો પાક ઉતર્યો. વર્તમાન સમયમાં સીતાદેવીના ખેતરમાં કિવીના ૩૩ છોડ છે. આટલા ઓછા પ્રમાણમાં છોડ રોપવાનું કારણ પૂછતાં જ સીતાદેવી જણાવે છે કે ‘જો વધારે છોડ રોપીશ તો દરેક છોડને પૂરતા પ્રમાણમાં જોઈતું પોષણ નહીં મળે. જો ઓછા છોડ હશે તો બધા જ છોડને પૂરતાં પ્રમાણમાં પોષણ મળી રહેશે. હંમેશાં ક્વૉન્ટિટીની પાછળ દોડવા કરતાં ક્વૉલિટી પર ફોકસ કરવું જોઈએ. મને વિશ્ર્વાસ છે કે મારો આ બીજો પ્રયાસ પહેલાં પ્રયાસ કરતાં પણ વધારે સફળ પુરવાર થશે.’

સીતાદેવીની સફળતાએ દુવાકોટીના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપે છે. જોકે ઉદ્યાન વિભાગના લોકો આનો પૂરેપૂરો શ્રેય સીતાદેવીને આપે છે. સીતાદેવી માટે કિવીના છોડ એ છોડ નહીં પણ જાણે તેમના સંતાન જેવા છે. કદાચ આ જ કારણ છે કે છેલ્લાં બે વર્ષમાં ઉદ્યાન વિભાગ દ્વારા જે ૪૫ ખેડૂતને કિવીના છોડ આપ્યા હતા, તેમાંથી માત્ર સીતાદેવીના છોડ જ જીવી ગયા. સીતાદેવીની મહેનત અને લગનને જોઈને સિંચાઈ માટે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (એનઆરએલએમ) દ્વારા તેમના ખેતરમાં પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે, જેની ક્ષમતા ૧૫૦૦૦ લીટરની છે. આ ટાંકીને કારણે સીતાદેવીની પાણીની સમસ્યાનો પણ અંત આવી ગયો. સીતાદેવીના આ પ્રયાસોમાં તેમના પરિવારે પણ ખૂબ જ મદદ કરે છે. તેમના પતિ ડ્રાઈવિંગનું કામ કરે છે અને તેમનો મોટો દીકરો પણ પિતાને મદદ કરે છે. જ્યારે નાનો દીકરો બારમુ ધોરણ ભણી લીધા બાદ કોમ્પ્યુટર કોર્સ કરી રહ્યો છે. જ્યારે પણ સીતાદેવીને જરૂર પડે છે ત્યારે તેમનો પરિવાર તેમને મદદ કરે છે.

‘કિવી ક્વીન’નો ખિતાબ મળ્યા બાદની લાગણીઓ વ્યક્ત કરતાં સીતાદેવી કહે છે કે ‘આજે જ્યારે પણ હું રસ્તા પર જાઉં છું તો લોકો મને કિવી ક્વીન કહીને બોલાવે છે ત્યારે ચોક્કસ જ ગર્વની લાગણી અનુભવાય છે. જે લોકોએ મને મદદ કરી એમનો અભાર. મારા પરિવારે જો મને મદદ ના કરી હોત તો કદાચ હું કંઈ જ ના કરી શકી હોત અને હા એ લોકોને પણ ધન્યવાદ તો આપવા જ પડે કે જેમણે મને હું મારા પ્રયાસોમાં સફળ નહીં થાઉં એવું ભવિષ્ય ભાખ્યું હતું. કદાચ એ લોકોની આ ટીપ્પણીએ જ મને આગળ વધવા માટેનું મનોબળ પૂરું પાડ્યું છે.’

અહીં વાચકોની જાણ ખાતર સીતાદેવી ખાસ કંઈ ભણેલાં નથી, તેઓ માત્ર દસમું પાસ છે. જોકે, ભણી-ગણીને કંઈક મોટું કરવાનું સપનું તેમણે બાળપણથી જ જોયું હતું. પરંતુ ૧૮-૧૯ વર્ષે જ તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા અને ઘર-પરિવારની જવાબદારીઓ વચ્ચે સીતાદેવીનું કંઈક કરી બતાવવાનું સપનું ક્યાંક ખોવાઈ ગયું હતું. પરંતુ કિવીની ખેતીના માધ્યમે કિસ્મતે તેમને પોતાની જાતને સાબિત કરવાની તક મળી અને તેમણે તક ઝડપી લીધી.

પોતાની એક અલગ ઓળખ બનાવનારા સીતાદેવી કહે છે કે ‘તમે મહિલા છો કે પુરુષ, યુવાન છો કે વૃદ્ધ આ બધી બાબતો તમને સફળ થતાં રોકી શકે એમ નથી. મારું તો માનવું છે કે જો તમે એક મહિલા છો તો એ ખૂબ જ સારી બાબત છે. પુરુષો કરતાં મહિલાઓ વધારે શક્તિશાળી હોય છે અને એક વખત જો તેઓ મનમાં કંઈક નક્કી કરી લે તો પછી બસ એ મેળવીને જ તેઓ જંપે છે. એક મહિલા તેના જીવનમાં એક દીકરી, બહેન, પત્ની અને માતા એમ દરેકે દરેક ભૂમિકા નિભાવે છે અને આ બધી ભૂમિકાઓ તે એકદમ સફળતાપૂર્વક નિભાવી જાણે છે.

બસ જરૂર છે, તમારી શક્તિનો યોગ્ય ઉપયોગ કરીને આગળ વધવાની જરૂર છે.’ સીતાદેવી જેવી મહિલાઓ ખરેખર આપણા બધા માટે પ્રેરણાસમાન છે, કે જેમણે કંઈક કરી દેખાડવાના પોતાના બાળપણના સપનાને સાકાર કરીને રાહતનો શ્ર્વાસ લીધો!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

60LUR112
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com