25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કાલે તમે જશો એટલે હું ગુડબાય ફોર એવર કહેવા આવ્યો છું

પ્રફુલ શાહ૫૩

સલોની માપસેકરનો ત્રીજો દિવસ હતો મુંબઈમાં. એને ગોવા યાદ આવતું નહોતું કે નહોતી સાંભરતી સી.આઈ.ડી.ની નોકરી. એને ઘડિયાળ પર ચીડ ચડી, આજે સાવ ધીમે ધીમે મડદાલની જેમ ચાલતી હતી. ક્યારે સાત વાગે એની રાહ જોતી હતી એ કારણ કે સૂર્યવંશી આવવાના હતા એ સમયે.

જરાય ઈચ્છા થતી નહોતી તૈયાર થવાની પણ એમ કેમ ચાલે? પહેલીવાર એ પરાણે તૈયાર થતી હતી, એ પણ બીજાને સારું લાગે એ માટે. કાલે પોતાની ચાર દિવસની રજા પૂરી થઈ જશે પછી શું? આ સવાલ મગજમાં આવતા જ એ છળી પડી. કંઈક વિચારીને તેણે પર્સમાંથી ડાયરી ખેંચી કાઢી અને કંઈક લખવા માંડી. થોડું લખે પછી અટકે, વિચારે ને ફરી લખે. એ વ્યવસ્થિત લખવા માગતી હતી અને એ પણ જરાય છેકછાક વગર. ખબર નહિ એ ક્યાં સુધી લખતી રહી. લખતી વખતે એના ચહેરા પર પોલીસ ઓફિસર જેવા નહિ, ટીનેજર કે કૉલેજિયન જેવા ભાવ હતા.

રૂમની ડોરબેલ વાગતા તે ઊભી થઈ. અરીસામાં જોઈને વસ્રો બરાબર કર્યા, વાળ વ્યવસ્થિત કર્યા અને હસીને પોતાની સામે જ આંખ મિંચકારી. એની ધારણા મુજબ દરવાજા પર સૂર્યવંશી જ હતા. હોટેલની રૂમમાં ખાલીપો છવાઈ ગયો. કંઈક અનિચ્છનીય થવાની એંધાણીએ કબજો જમાવી લીધો. સલોનીને લાગ્યું કે આજે સૂર્યવંશી કંઈક અલગ લાગતા હતા ને એવી જ લાગણી થઈ સૂર્યવંશીને. ઔપચારિક સ્માઈલ સુધ્ધાં આપ્યા વગર એ બેસી ગયા. એકદમ ભાવવિહીન અવાજે બોલ્યો. "પ્લીઝ સીટ ડાઉન. કંઈક કહેવું છે મારે... એમના ચહેરાના હાવભાવ અને અવાજથી સલોનીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. શું કહેવા માગે છે તેઓ?

"મને ખબર નથી કે તમે મુંબઈમાં મને શા માટે મળવાનું નક્કી કર્યું... પણ એ પછી આપણે જે રીતે મળી રહ્યા છીએ એ યોગ્ય નથી...

"એટલે?

"આપણી બન્ને વચ્ચે ઉંમરનો મોટો તફાવત છે...

"એમાં શું? દોસ્તી ગમે તે ઉંમરના બે જણ વચ્ચે જ હોઈ શકે!

"દોસ્તી? હું ક્યારેય કોઈ ફ્રેન્ડ માટે આટલો.... ખેર છોડો એ બધું... હું નથી ઈચ્છતો કે તમે બદનામ થાઓ કે ભવિષ્યમાં હેરાન થાઓ...

"સૂર્યવંશીજી, હું પૂરતી મેચ્યોર છું. ફ્રેન્કલી કહું તો હું અહીં બીજા કોઈ માટે આવી હતી જે મેં તમને જણાવ્યું નથી...

"મારે એ જાણવું ય નથી. મારે એટલું જ કહેવું છે કે કાલે તમે જશો... એટલે આજે ગુડબાય ફોરએવર કહેવા આવ્યો છું.

પગ પાસે બૉમ્બ પડ્યો હોય એવી હાલત થઈ ગઈ સલોનીની. બૉમ્બની અંદરના સેંકડો છરાએ એના અસ્તિત્વના કણકણને લોહિયાળ બનાવી દીધા. કોઈ પણ ઘડીએ કડડડભૂસ થઈને પડી જવા જેવી ઢીલી પડી ગઈ એ. કંઈ બોલ્યા વગર પોતે લખેલી ડાયરી તેણે સૂર્યવંશીના હાથમાં મૂકી દીધી. સલોની દોડીને બાથરૂમમાં ગઈ. જોરદાર અવાજ સાથે દરવાજો બંધ કરી દીધો. કમોડ પર બેસીને બે હાથમાં મોઢું રાખીને હિબકે હિબકે રડવા માંડી.

* * *

એક તરફ પોલીસ આસિફને લઈને આવી. તેણે તરત મનિયાની લાશને ઓળખી બતાવી. સબ-ઈન્સ્પેક્ટર દૈવી દીક્ષિતને આશા જાગી કે રાહબર રોબરી કેસમાં કદાચ મોટી લીડ મળવામાં છે. થોડીવારમાં બે હવાલદાર રંજન ડિકોસ્ટાને લાવ્યા. તેને દૈવી દીક્ષિતના મોબાઈલ ફોનમાં મનિયાનો ફોટો બતાવીને પૂછાયું. "આ માણસને ઓળખો છો?

મનિયાએ કરેલા ગોળીબાર, એની ગુનાહિત પ્રવૃત્તિ અને પાછો પોલીસ સ્ટેશનમાં સવાલ. રંજનાએ ભોળા ભાવે પૂછયુંં. "કોણ છે આ માણસ? અને મને અહીં શા માટે લાવ્યા છો?

ઈન્સ્પેક્ટર કિરણ પાચપુતેએ ટેબલ પર જોરથી હાથ પછાડ્યો. તમને એટલા માટે અહીં લાવ્યા છીએ કારણ કે આ ફોટાવાળો માણસ મરી ચૂક્યો છે. છેલ્લે એ તમારી સાથે દેખાયો હતો. એના મોબાઈલ ફોન પર તમારા ઘણા ફોટા છે. હજી નથી ઓળખતા? રંજન રડમસ થઈને માંડ બોલી શકી. "બતાતી હું સબ-પૂરા કા પૂરા સચ.

* * *

પીટર ફર્નાન્ડિઝ વિચારે ચડી ગયો. ન કલ્પેલી સફળતા મળી રહી છે. હવે તક મળ્યે ભારત છોડીને જતો રહું એટલે ગંગા નાહ્યો, પરંતુ કોઈ જાતની ઉતાવળ, ભૂલચૂક કે કચાશ અત્યાર સુધીના કર્યા કારવ્યા પર પાણી ફેરવી દેશે. કિનારે આવીને ડૂબવું નથી જ. હમણાં અલગ - અલગ સ્થળે મોટી - મોટી રોકડ રકમ સંતાડી રાખી છે. આમાંથી કેટલી રકમ, ક્યારે અને કેવી રીતે પરદેશ લઈ જઈ શકાય એ મહત્ત્વનું છે. કદાચ કટોકટી ઊભી થાય અને પોતે પોબારા ભણીને ગાયબ થઈ જવું પડે તો ભારતમાં અને ખાસ તો મુંંબઈમાં ઘડીના છઠ્ઠા ભાગમાં કામ થઈ જાય, માણસો મેનેજ થઈ જાય અને ગમે તે વ્યવસ્થા થઈ જાય એ માટે સારી એવી રકમ સાચવી રાખવી પડશે. હવાલા મારફતે ભારતીય રૂપિયા જેટલી રકમ વિદેશમાં મળે એવી વ્યવસ્થા થઈ શકે? ડિમોેનેટાઈઝેશન પછી આસાન નહોતું પણ અશક્ય ય નહોતું પણ પોતે નાનું માથું એટલે કોઈ પર વિશ્ર્વાસ મુકાય ખરો? સાવ આંધળોવિશ્ર્વાસ. ત્યાં જ ટીવી પર કમલકાંતનો ઈન્ટરવ્યૂ દેખાયો. એ જોઈને પીટરને વિચાર આવ્યો કે આના જેવા પાવર બ્રોકરને સાધી શકાય તો કામ આસાન થઈ જાય? પણ એની સુધી પહોંચવું કેવી રીતે?

પીટર જાણતો નહોતો કે પોતાના ખોળામાં પાકેલા ફળની જેમ આવીને પડેલા ૨૦૦ કરોડ મોકલવાની વ્યવસ્થા કમલકાંતે જ કરી હતી. યોગાનુયોગે પોતે એ જ દિવસે રાહબર કુરિયરમાં કરેલી લૂંટથી ઘણાંની જિંદગી બદલાઈ ગઈ હતી, બરબાદ થઈ ગઈ હતી અને ખતમ થઈ ગઈ હતી. કમલકાંત સુધી પહોંચવાની શક્યતા વિચારતા-વિચારતા પીટરને ઝોકું આવી

ગયું. એને સપનામાંય ગુલાબી નોટના બંડલ દેખાવા

માંડ્યા.

* * *

ગુલાબી નોટ... અધધ નોટ... બંડલ પર બંડલ... ઈન્સ્પેક્ટર કિરણ પાચપુતે પોતાની હોશિયારી પર મુશ્તાક થઈ ગયો. કાંજૂરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડથી નીકળતી વખતે પોતે એમ્બ્યુલન્સમાં લાશ સાથે સાથે હવાલદાર નામદેવ પટેલને મોકલી દીધો. ઈન્સ્પેક્ટર બબનરાવ તુપેને થોડા સમય માટે મોટાભા બનાવી લેવાનો વિચાર કર્યો.

"તુપે સર, આ કેસ મારો છે પણ આપ ક્યાં અલગ છો? આપ મહેમૂદ ભંગાર અને ઈસ્માઈલ છોટા બાટલીને લઈને પોલીસ સ્ટેશન જશો. પ્લીઝ?

અચાનક પાચપુતેનો બદલાયેલો ટોન તુપેને સમજાયો નહિ. થોડા વળમાં તેણે સવાલ કર્યો, "કેમ તમારે શું કામ છે?

પાચપુતેએ મોઢું બગાડીને જવાબ આપ્યો. "આ મહિલાઓને પહોંચવું કેમ? દીકરાને જરાક તાવ આવ્યો એમાં રત્ના ગભરાઈ ગઈ. કહે છે કે જલદી ઘરે આવો. ડૉક્ટર હમણાં વિઝિટ પર આવે છે. હું ઘેર જરા આંટો મારીને આવું છું.

તુપે નારાજગી સાથે બબડ્યો, "ઠીક છે જઈ આવો.

કિરણ પાચપુતે ઘરે જઈને પોતાના બેડરૂમમાં ધસી ગયો. પત્ની રત્નાને કંઈ સમજાયું નહિ કે ટીવીના બોક્સમાં પતિદેવ લાવ્યા છે શું? અને મને કંઈ કહ્યા કે બતાવ્યા વગર અંદર ઘૂસી ગયા? સ્રી સહજ કુતૂહલ અને ફિકરથી તેણે દરવાજો ખટખટાવ્યો. "શું લાવ્યા? બધું બરાબર છે ને? હું મદદ કરું કંઈ?

રૂપિયાના બંડલ કાઢીને કબાટમાં ગોઠવવા માટે પાચપુતે આડેધડ કપડા બહાર ફંગોળતો હતો. કબાટમાં જગ્યા કરીને માંડ માંડ રૂપિયા ગોઠવીને એ જોઈ જ રહ્યો: ‘આ હા હા... પાચપૂતે હવે તો તું જલસા કર જલસા.’

ત્યાં ફરી બહારથી પત્નીનો અવાજ સંભળાયો, "દરવાજો તો ખોલો. હું તમને મદદ કરું. પુઠ્ઠાના બોક્સમાં રત્નાના કપડાં અને દીકરાનાં પુસ્તકો ઠાંસી ઠાંસીને ભરતી વખતે પાંચપૂતે હસી પડ્યો, આ ગમાર શું મદદ કરી શકવાની? હવે એની જરૂરે ય શી છે મને? હવે તો હું છું ને મારી આઈટમ લાલન છે... પાચપુતે પરભણીમાં કૉલેજમાં ભણતો હતો ત્યારે લાલન પહેલી નજરે ગમી ગઈ હતી. પણ લાલન એને ભાવ નહોતી આપતી. એને તો મુંબઈ જઈને મોડેલ બનવું હતું. ખૂબ ધમપછાડા કર્યા, સમાધાનો કર્યો પણ મોડેલ તો ઠીક, કંઈક ભળતું જ બની ગઈ. કપરા સમયમાં પાચપુતેને ફરી મળવાનું થયું અને એના દિવસો પલટાઈ ગયા. હવે લાલન કોઈ સંજોગોમાં પાચપુતે નામના એક માત્ર આશાના કિરણને અને મિની તિજોરીને છોડવા માગતી નહોતી પણ એ સુખ પાછળ દોડતી હતી કે ભ્રમણા પાછળ? (ક્રમશ:)

---------------------

હોટેલની રૂમના ખાલીપામાં સલોનીએ જોયું કે આજે સૂર્યવંશી સાવ અલગ લાગતા હતા

-----------------------------

praful.shah@bombaysamachar.comઆપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Dd8454
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com