25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વાણીની મીઠાશ અને ચોવક

કચ્છી ચોવક-કિશોર વ્યાસઘણી વાર સમાજમાં લોકો વિના કારણ બદનામ થતા હોય છે. કાંઈ વાંક-ગુનો ન હોય છતાં ‘કાળી ટીલી કપાળે’ લાગતી હોય છે! આ પણ એક ગુજરાતી કહેવત છે. કાળી ટીલી કપાળે લાગવી’! પણ, બદનામ થતી વ્યક્તિ પોતાના બચાવમાં આટલું જ કહી શકે કે, "કેંજા કારાતિર નાંય ચોરયા, ‘કારાતિર’ એટલે કાળા તલ અને ‘ચોરયા’ મતલબ ચોરી નથી કરી. શબ્દાર્થ જોવા જઈએ તો સ્પષ્ટ છે કે, ‘મેં કોઈના કાળા તલની ચોરી કરી નથી’ અને વળી ગુજરાતીમાં વપરાતી કહેવતનો પણ ઉપયોગ કરતાં કહે કે "ચોથનો ચંદ્ર જોવાઈ ગયો હશે: છતાં પણ સમાજના લોકો છોડતા નથી હોતા. શક્ય છે, કે, મામલો કોર્ટ સુધી પણ પહોંચે... ત્યારે એ ભૂલી જવાય છે કે, "કોરટમેં અટો ને આયુષ બોય ખપેં આમ તો ‘અટો’ એટલે લોટ અને ‘આયુષ’ એટલે આયુષ્ય પણ અહીં બન્નેનો એકસાથે ઉપયોગ થયો છે, જે આર્થિક ક્ષમતા અને લાંબા સમય તરફ આંગળી ચીંધે છે: કોર્ટે ચઢ્યા એટલે બે દિવસમાં જ ન્યાય મળી જાય તેવું નથી, ન્યાય મેળવતાં વર્ષો લાગી જાય છે અને ગરથ ઘસાતું જાય છે!

કદાચ, એટલે જ આ ચોવકનો ઉદ્ભવ થયો હશે કે, "ગુંડ. સેં મરે તેંકે જેર કુલા ડિણું? હકારાત્મક અભિગમ અપનાવીએ તો, એમ કહી શકાય કે, જે મામલો પ્રેમથી અને સમજાવટથી સૂલઝી શકતો હોય તો કોઈને સજા અપાવવા કોર્ટ સુધી લઈ જવાની જરૂર નથી ‘ગુડ.’ એટલે ગોળ

અને ‘જેર’ એટલે ‘જેર’! વાત આવીને વાણી અને વ્યવહારની મીઠાશ પર અટકે છે!

ઘણાને કાચી કેરીની ખટાશ બહુ પસંદ હોય છે. પણ એ ખટાશ નુકસાનકારક પણ હોય છે. આ ચોવક આવું જ કંઈક કહે છે કે: "જુકો કરે કેરી, સે ન કરે વેરી, શબ્દાર્થ છે: કેરીની ખટાશ દુશ્મન (વેરી)થી પણ ખતરનાક હોય છે. ‘ખટરસ’ આમ પણ સમાજમાં બદનામ ગણાય છે. સમાજમાં જે ‘ખટરસિયા’ લોકો હોય છે, એ પોતાના માટે અને સમાજ માટે ‘વેરી’ સમાન હોય છે. તેઓ ‘ખટ સવાદિયા’ તરીકે પણ ઓળખાતા હોય છે. ખટસવાદિયાનો અર્થ કૂથલી કરનારા કે, પારકી પંચાત કરનારા જેવો પણ થાય છે.

ગુજરાતીમાં એ કહેવતોનો પ્રયોગ વારંવાર થતો જોવા મળે છે કે: "ધીરજનાં ફળ મીઠાં કે "ઉતાવળે આંબા ન પાકે. એ જ રીતે કચ્છીમાં પણ કહેવાય છે કે, "જેંણા જા ફળ મિઠા ‘જેંણા’ એટલે ધીરજ. કોઈ કામ કદાચ ઉતાવળ કરવાથી પૂરું થતું હશે, પરંતુ તેમાં ગુણવત્તાની ઓછપ જરૂર વર્તાતી રહે છે, પણ, એ જ કામ ધીરજ અને ખંતપૂર્વક કર્યું હોય તો એ ગુણવત્તાસભર બની રહે છે.

કોઈ કામ માટે જબરજદસ્તી ન હોવી જોઈએ. આવી ઉતાવળ કે, જબરદસ્તીના સંદર્ભમાં એક ચોવકનો ઉપયોગ કરવામાં આવે છે, અને તે એટલે "જોર જો સાટો નાંય અથવા એ ચોવક, એ અર્થમાં પણ પ્રયોજી શકાય છે કે, ‘તમે આ કામ કરી જ આપો તેવો મારો દુરાગ્રહ નથી! તમારાથી થાય તો, જરૂર કરો, ‘મારી કોઈ જબરદસ્તી નથી’! કેટલું વ્યાપકપણે કહી જતી હોય છે, ચોવકો! જેની નિયત શુદ્ધ રહે તેનાં કામ ક્યારેય અટકતાં નથી, એવું ચોવક કહે છે... ‘નીથ સુધ, તેંલા માની ગુંધ અહીં ‘નીથ’ એટલે નિયત, ‘સુધ’ એટલે ‘શુદ્ધ’. ‘માની’ એટલે ‘રોટલો’ ‘રોટલી’...! ‘ગુંધ’ એટલે ‘ઘણું બધું’ ભાવાર્થ સ્પષ્ટ છે, કે જેની નિયત શુદ્ધ હોય તેને ખાવાના સાંસાં ન પડે!

ચોવકો ઉપદેશક હોય છે અને તેમાંથી આપણે ઘણું માખણ તારવવાનું હોય છે. માણસોએ પાણી સ્વરૂપા બનવું જોઈએ. એમ પણ ચોવક કહે છે! "પાણી, તોજો ઘાટ કે઼ડો? જેંમા પાં તે઼ડો પાણીને કોઈએ પૂછ્યું કે, તારો આકાર કેવો? પાણીએ સરસ જવાબ આપ્યો કે, જે ઘાટમાં પડું તેના જેવો જ! એ તો શબ્દાર્થ થયો પણ બોધ ‘દરેકમાં ભળી જવા’નો છે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3w07EUU
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com