25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સેક્યુલર : સિક્યુલર તો ન જ થવું જોઇએ

સમજણ-મુકેશ પંડ્યાસૌપ્રથમ આપણે મુસ્લિમ પટકથા લેખક દારાબ ફારુકી જેઓ હિન્દી ફિલ્મોના પટકથા લેખક છે અને ‘ડેઢ ઇશ્કિયા’,‘નોટબુક’જેવી ફિલ્મોની વાર્તા લખી ચૂક્યા છે, તેમના સેક્યુલર શબ્દ અંગેના વિચારો ટૂંકમાં જાણી લઇએ. તેમના કહેવા પ્રમાણે -

‘ સેક્યુલર આજકાલ ઘણા શબ્દોનો પર્યાય બની ગયો છે જેમકે, આતંકવાદી, એન્ટિનેશનલ, પાકિસ્તાની એજન્ટ, ટુકડે ટુકડે ગેંગ વિગેરે વિગેરે. આમાં જે લોકો ખરેખર સેક્યુલર છે તેમને પણ ગાળો મળી રહી છે. તેમની પણ મજાક ઉડાવવામાં આવી છે.

ચાલો આ શબ્દ પર થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ. હિન્દીમાં સેક્યુલરને ધર્મનિરપેક્ષ કહે છે અને હિન્દી શબ્દકોષ પ્રમાણે તેના નિમ્નલિખિત અર્થ થાય છે.

૧. જે કોઇ પણ ધર્મની તરફદારી કે પક્ષપાત ન કરતો હોય.

૨. જે બધા જ ધર્મોને સમાન માનતા હોય.

૩. જે ધાર્મિક નિયમોથી પ્રભાવિત ન હોય.

૪. અસાંપ્રદાયિક અને ૫. લૌકિક,સંસારી.

હવે આ શબ્દના પહેલા અર્થ પર ધ્યાન આપો, જે કોઇ પણ ધર્મની તરફદારી કે પક્ષપાત ન કરતો હોય અર્થાતઽ્ તે વ્યક્તિ કોઇ પણ ધર્મની હોય ન્યાયની વાત કરે. કોઇનો વિનાકારણ પક્ષ ન લે. સાચાને સાચું કહે અને ખોટાને ખોટું કહે. વાત સાંભળવામાં સરળ લાગે છે,પરંતુ નિભાવવી મુશ્કેલ

લાગે છે.

બીજો અર્થ થાય છે, જે બધા જ ધર્મોને સમાન માનતો હોય. અર્થાત્ તે વ્યક્તિ માટે બધા જ ધર્મ એક સમાન હોય છે. ક્યાં તો બધા ધર્મો સારા છે ક્યાં તો બધા જ ધર્મો ખોટા છે. એ કોઇ પણ ધર્મને વધુ કે ઓછો આંકતો નથી.

ત્રીજો અર્થ છે, જે ધાર્મિક નિયમોથી પ્રભાવિત ન હોય, પરંતુ જો કોઇ પણ વ્યક્તિ ધાર્મિક નિયમોથી પ્રભાવિત નહીં હોય તો શેનાથી હશે. આખરે દરેક ધર્મ એક સારો માનવ બનાવવાની જ કોશિશ તો કરે છે ને?

હમ્મ... આ અસલમાં આ જવાબ એટલો સરળ નથી. કારણ કે દુનિયા એક સમાન રૂપમાં કે સજાતીય ગ્રુપ નથી. એક જમાનામાં દુનિયાના દરેક પ્રદેશો બાકીની દુનિયાથી અલગ હતાં. જેમ કે, હિન્દુસ્તાન માટે ૧૯૦૩માં એક અંગ્રેજ લેખક જોન સ્ટ્રેચીએ પોતાના એક પુસ્તક ‘ઇન્ડિયા’માં લખ્યું હતું કે બંગાળ અને પંજાબની સરખામણીએ સ્કૉટલેન્ડ અને સ્પેનમાં ઘણી સમાનતાઓ છે. અહીં અલગ હોવાનો મતલબ ધર્મથી નહીં, પણ કલ્ચરથી અર્થાત્ સંસ્કૃતિથી છે. બંગાળના લોકો માંસ-માછલી ખાય છે તો રાજસ્થાનમાં શાકાહારીઓ વધુ છે. એક ધર્મ હોવા છતાં, અલગ અલગ પરંપરા અને અલગ અલગ જીવનશૈલી હોઇ શકે.

હવે થાય છે શું કે ધીરે ધીરે આ પરંપરાઓ પાક્કી થતી જાય છે, ધર્મનો હિસ્સો બની જાય છે. એક સમય એવો આવી જાય છે કે ધર્મ અને સંસ્કૃતિમાં કોઇ ફરક નથી રહેતો. ત્યારે પરંપરા અને ધર્મ, દૂધમાં પાણીની જેમ ભળી જાય છે.

જોકે, તોય એક પ્રશ્ર્ન મનમાં ઊઠે છે. એવું માનવામાં આવે છે કે દરેક ધર્મ ઇશ્ર્વરીય બોધ અને હસ્તક્ષેપનું પરિણામ છે, જે આમ આદમીની શિખામણોથી ઘણો મોટો છે. તેનું પાલન કરવું આપણો ધર્મ, પણ તેને સંપૂર્ણ સમજવો એ કઠિન કામ છે.

આ ઇશ્ર્વરીય બોધમાં જ્યારે પરંપરા મળી જાય ત્યારે કોઇ કેવી રીતે નક્કી કરે કે આમાં ભગવાનનું દીધેલું કેટલું અને માણસે આપેલું કેટલું? જેમ કે મુસલમાન ઘરમાં મારો જન્મ થયો હતો એ છતાં હું એક તથ્યથી બિલકુલ અજાણ્યો હતો. જ્યારે મેં પહેલી વાર છોકરીઓના જનનાંગ છેદન( ફીમેલ જેનિટલ મ્યુટિલેશન) વિશે સાંભળ્યુ તો મને ભરોસો ન બેઠો. મારી આસપાસ આવી કોઇ ચીજ મેં સાંભળી કે જોઇ ન હતી.

તો એક વાત સાફ છે કે બહુ કુરિવાજો છે દરેક પંથમાં , જે હવે ખુદ ધર્મ બની ચૂક્યા છે. મતલબ દૂધમાં ઝેર ભળી ચૂક્યું છે જેને અલગ કરવું અસંભવ જેવું લાગે છે. મુશ્કેલી એ છે કે દૂધ દેખાવમાં દૂધ જેવું જ લાગે છે, ફક્ત જોવાથી ખબર નથી પડતી કે દૂધ ઝેરીલું હશે.

એક સમય એવો આવ્યો કે ધાર્મિક કાયદાઓ આપણી બદલતી દુનિયા સાથે ન તો અનુકૂળ હતા કે ન તો અનુરૂપ. કેમ કે, ક્યાંથી ભગવાનનો કાયદો ખતમ થાય અને ક્યાંથી માણસનો કાયદો શરૂ થાય એ ફેંસલો કરવો મુશ્કેલ થઇ પડ્યું હતું. ઉપરથી દરેક પંથના ધાર્મિક ગુરુ પોતાના હિસાબે દરેક ધાર્મિક કાનૂનની પોતાની મરજી મુજબની વ્યાખ્યા કરી દેતા હતા. ઘણી મૂંઝવણો પેદા થતી હતી. હવે આપણા પૂર્વજો (માણસોના પૂર્વજો. ફક્ત ભારતીય નહીં.) પાસે એક જ ઉપાય બચ્યો હતો. કાયદા અને સમાજને ધાર્મિક ચશ્માં હટાવીને ઇન્સાનની આંખોથી જોવામાં આવે. દરેક ચીજ, દરેક કાયદાઓને એક વાર ફરીથી તોલવામાં આવે માનવતાના ત્રાજવામાં. જેના મોલ યોગ્ય હોય એ રાખવામાં આવે અને બાકીનાને ઉઠાવીને ફેંકી દેવામાં આવે. અને અહીં જ પેદા થાય છે સેક્યુલરીઝમ.

આ એ કાયદો છે,એ દેશ છે જે કોઇ પણ પ્રકારના ધાર્મિક નિયમોથી પ્રભાવિત નથી. જોકે, તેનો મતલબ નાસ્તિક હોવો એ નથી. તેનો મતલબ એ છે કે કાયદો ધર્મની હદોથી દૂર અને માનવતાના પક્ષમાં ઊભો છે. અગર ધર્મ અને માનવતા વચ્ચે લડાઇ થશે તો માનવતા જીતશે.’

હવે આ લેખકના વિચાર તો ઉત્તમ છે, અતિ ઉત્તમ છે. જોકે, આપણે આપણા દેશની વાત કરીએ તો બંધારણમાં સેક્યુલર શબ્દ તો આવ્યો છે, પણ આચરણમાં આવ્યો છે ખરો? શું ધર્મઝનૂનીઓ સામે માનવતા જીતે છે ખરી? છાશવારે થતાં હુલ્લડો અને જીવલેણ હુમલાઓ તો બીજું જ કંઇ સૂચવે છે. લેખકે કાયદાની વાત કરી, પણ જ્યાં કાયદા ઘડાય છે એ દેશની રાજધાની દિલ્હીમાં ફેબ્રુઆરીના અંતમાં થયેલા રમખાણોએ કાયદાના રખેવાળોનો પણ ભોગ લીધો છે તેનું શું? આ જ કોલમમાં અગાઉ ‘કોરોના વાઇરસ વર્સિસ કોમી વાઇરસ‘નામે લેખ લખેલો તેમાં લખેલું કે જેમ લોઢું લોઢાને કાપે છે, રસીના જંતુઓ ચેપી જંતુને મારે છે. તેમ દરેક કોમના શિક્ષિત અને કાયદો પાળતા લોકોએ તેમની જ કોમના ધર્મઝનૂની અને કાયદો તોડનારાઓનો વિરોધ કરવા આગળ આવવું પડશે.

હિન્દુઓ કાફિર છે- તે અને ગજવા-એ-હિંદ આ બે વિચારોએ અનેક મુસ્લિમોને ભરમાવ્યા છે. દેશના મોટા ભાગનાં રમખાણો કે કમખાણો માટે આ વિચારધારા એક મોટું કારણ છે જે કોરોના વાઇરસ કરતાં પણ વધુ જોખમી છે.

લેખકે ઇશ્ર્વરના કાયદા અને માણસના કાયદાની વાત કરી. શું ઉપરોકત બે વિચારો ઇશ્ર્વરના છે કે માણસોના દિમાગની ઉપજ છે તેમાં દેશના મુસ્લિમ શિક્ષિતો કોઇ પ્રકાશ પાડી શકે? જ્યાં સુધી કોઇ બહુમતી પ્રજાને લઘુમતી પ્રજા કાફિર માનીને વર્તન કરતી રહે કે પછી કોઇ એક ધર્મના ગજવામાં ભારતને મૂકી દેવાની વાતો વિચારતી રહે ત્યાં સુધી ખરું સેક્યુલરીઝમ આવી શકે? બંધારણમાં રહેલું સેક્યુલરીઝમ સિક્યુલર (બીમાર) ન થઇ જાય તે માટે પણ દારાબ ફારુકી જેવા અનેક મુસ્લિમ શિક્ષિતોએ આગળ આવવું પડશે.

ધર્મના ઇશ્ર્વરીય સંકેતરૂપી દૂધમાં માણસનું સ્વાર્થ નામનું ઝેર ઘૂસી ગયું છે એ છૂટું પાડવા તેમણે કષ્ટ લેવું જ પડશે. હિન્દુ સંસ્કૃતિમાં ઘૂસી ગયેલા ઘણા કુરિવાજો જેમ કે સતીપ્રથા, અશ્પૃશ્યતા, જાતિપ્રથા વિગેરેને દૂર કરવા હિન્દુ સુધારકો જ આગળ આવ્યા હતા.

બેઉ કોમના સુધારકો એકબીજાના ધર્મમાં સુધારા કરવા જશે તો વાત વધુ વણસશે. આ સંજોગોમાં હિન્દુ સમાજસુધારકોની જેમ મુસ્લિમ સમાજસુધારકોએ પણ તેમના ધર્મમાં ઘૂસી ગયેલા કુવિચારો કે કુરિવાજોને દૂર કરવા આગળ આવવું પડશે. તો જ તંદુરસ્ત સેક્યુલરિઝમ શક્ય બનશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

S4s25oe
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com