25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાર્ટીમાં અણછાજતું વર્તન કરનારથી કઈ રીતે બચશો

લાઈમ લાઈટ-મનોજ કાપડિયાઆજકાલ લોકો પાર્ટી આપવા માટે નાના નાના કારણોની શોધમાં જ હોય છે અને પાર્ટી વગર તો જાણે તેમની કોઈ વાત પૂરી જ થતી નથી. ઘર, ઓફિસ, ટ્રેન ફ્રેન્ડ્સ હોય કે પછી સ્કૂલ કોલેજ જનારા વિદ્યાર્થીઓ બધાને જ પાર્ટીનું ઘેલુ છે અને હવે તો વળી અલગ અલગ પાર્ટીઓનું ચલણ વધી રહ્યું છે જેમાં વેલકમ પાર્ટી તો ક્યારેક ફેરવેલ પાર્ટી, આ બધામાં પાછી બર્થડે પાર્ટી અને એનિવર્સરીની પાર્ટી તો ખરી જ હ. ઓન એન એવરેજ કાઢો તો મહિનાની ચારથી પાંચ પાર્ટીઓ તો ખરી જ. પાર્ટીઓ યોજવાનો મુખ્ય હેતુ મોજમસ્તીનો જ હોય છે, પણ ઘણી વખત હસવામાંથી ખસવું થઈ જાય છે અને પાર્ટીના નશામાં છકેલાં નબીરાઓ ભાન ભૂલીને ઉદ્ધતાઇથી વર્તન કરતા હોય છે. યુવક હોય કે યુવતી ઘણી વખત આવી પાર્ટીમાં તેમને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આવા લોકોથી ડરી જવાને બદલે કે પછી તેમનાથી દબાઈ જવાને બદલે તેમને પાઠ ભણાવવો એ જ સમયની માગ છે. નહીં તો તેમની હિંમત તો વધતી જ જશે. આજે આપણે વાત કરીશું કેટલાક એવા જ મુદ્દાઓ વિશે કે જો કોઈ વખત તમે આવી મુસીબતમાં મુકાઇ જાવ તો તેમાંથી કઈ રીતે બહાર આવવું કે પછી તેમનાથી કઈ રીતે એક ચોક્કસ ડિસ્ટન્સ મેઈન્ટેન કરી રાખવું જોઈએ.

સૌથી પહેલી અને મહત્ત્વની સલાહ એટલે પાર્ટીમાં સ્વતંત્રતા અને ફ્રેન્ક હોવાના નામે અશ્ર્લીલતા ફેલાવતા હોય એવા લોકોથી દૂર રહો. ફ્રેન્ક હોવા અને અશ્ર્લીલ માનસિકતા ધરાવવાની વચ્ચે એક ખૂબ જ પાતળી લાઈન હોય છે એ લાઈનને ક્યારેય ભૂલશો નહીં. કેટલાક લોકો અશ્ર્લીલ અને ભદ્દા જોકસ સંભળાવે છે, જે બધાની વચ્ચે સાંભળી શકાય તેવા નથી હોતા. આવા સમયે તમે વિષયને બદલાવવાનો પ્રયાસ કરો. જો શક્ય હોય તો એ વ્યક્તિને ફરી બોલવાની તક જ ના આપો. તેમ છતાં તો સામેવાળી વ્યક્તિ નથી સમજતી તો પછી આવા સમયે જો તમારી સાથે ઘરની કે ઓફિસની કોઈ મોટી વ્યક્તિ આવી હોય તો તેને સાથે રાખો. આવું કરવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે એ વ્યક્તિની ઉંમરનું માન રાખીને સામેવાળી વ્યક્તિ કદાચ પોતાની હરકતો બંધ કરી દેશે. આટલા બધા અપમાન પછી પણ જો એ વ્યક્તિને કોઈ અસર જ ના થતી હોય તો એવા સમયે એ વ્યક્તિ સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં તમારો અણગમો વ્યક્ત કરીને ત્યાંથી જતા રહો.

સમજદાર કો ઈશારા હી કાફી હૈ... સમજાવી એ જ વ્યક્તિને શકાય કે જેનામાં વિવેકબુદ્ધિ હોય. જે લોકોને સારી વાતોમાં રસ જ નથી એવા લોકોને સમજાવવાને કોઈ જ અર્થ નથી. ઘણા લોકોની માનસિકતા એકદમ વિચિત્ર હોય છે. તેમને ક્યાં, ક્યારે અને કેટલું બોલવું જોઈએ એનું ભાન જ નથી હોતું. આવા લોકો પાર્ટીને માણવા નહીં પણ રંગમાં ભંગ પાડવા જ આવતા હોય છે. શક્ય હોય ત્યાં સુધી આવા લોકોને તમારી પાર્ટીમાં બોલાવવાનું ટાળો, કારણ કે તેઓ પાર્ટી ખરાબ કરવાની સાથે સાથે જ તમારો મૂડ પણ ખરાબ કરશે.

પાર્ટી હોય એટલે નાચ-ગાન પણ હોવાનું જ. ડાન્સ કરવાના બહાને જો કોઈ પાર્ટીમાં તમારી સાથે છૂટ લેવાનો પ્રયાસ કરે તો તરત જ તેને રોકો. આવી વાતની જાણ યુવકની સરખામણીએ યુવતીઓને સૌથી પહેલાં થઈ જતી હોય છે. સામેવાળી વ્યક્તિ પોતાને કઈ નજરોથી જુએ છે, એની જાણ તરત જ યુવતીને થઈ

જતી હોય છે. જો પાર્ટીમાં આવી કોઈ વ્યક્તિ છે અને તે તમને હેરાન કરે છે તો તરત જ તેનાથી દૂર થઈ જાવ. જો એના પછી પણ સામેવાળી વ્યક્તિ પોતાની હરકતો ચાલુ જ રાખે તો પછી તેને એક તમાચો ઝીંકી દો. જોકે આ ઉપાય તમે તમારી પાસે કોઈ જ વિકલ્પ ના બચ્યો હોય ત્યારે જ અપનાવો, કારણ કે આને કારણે તમે જેની પાર્ટીમાં ગયા છો એની પાર્ટી ખરાબ થવાની શક્યતા વધી જશે. આવું કર્યા વિના જ જો સમસ્યાનો ઉકેલ આવી જતો હોય એવા વિકલ્પ પહેલાં પસંદ કરો. શક્ય હોય તો પાર્ટીમાં હંમેશા તમે વિશ્ર્વાસ કરતાં હોવ એવા મિત્રોને જ સાથે લઈને જાવ, જેથી જો કોઈ તમારી સાથે વધારે પડતી છૂટછાટ લેવાનો પ્રયાસ કરે તો તે તમારું રક્ષણ કરી શકે.

પાર્ટીમાં કોઇ તમને ઘૂરી ઘૂરીને જોઇ રહ્યું હોય તો તમે શ્રગ કે કોટ પહેરી શકો છો, જેથી તમને થોડુંક કમ્ફર્ટેબલ લાગશે. જોકે આવા લોકોને તમે કેવા અને કપડાં પહેર્યાં છે એનાથી ખાસ કોઈ ફેર પડતો નથી. તેમના મગજમાં તો તમારા વિશે જે ચાલવાનું છે એ જ ચાલવાનું છે. શક્ય તો આવા લોકોથી દૂર જ રહો, કારણ કે કંઈ નહીં કરીને કે કહીને પણ તેઓ સતત તમારી માનસિક શાંતિ હણી લેતાં હોય છે. ગુસ્સો કરીને માહોલ ખરાબ કરવા કરતાં આવા લોકોથી દૂર રહેવું સારું.

ઘણાં લોકોને કોઈ વ્યક્તિની પરવાનગી વિના તેના ફોટો કે વિડિયો શૂટ કરવાની આદત હોય છે અને પાર્ટીમાં તો આવંું ખાસ બની શકે, કારણ કે આ જ એવો સમય હોય છે કે જ્યારે દરેક વ્યક્તિ પોતાની મસ્તીમાં મશગૂલ હોય છે. જો તમને શંકા છે કે કોઈ પાર્ટીમાં તમારા ખોટા એંગલથી ફોટો લે છે કે વિડિયો શૂટ કરે છે તો તરત જ પાર્ટીનું આયોજન કરનાર કે પછી કોઈ વડીલને બોલાવો. એટલું જ નહીં એ વ્યક્તિનો મોબાઈલ ચેક કરવા વિનંતી કરો. જો એ વ્યક્તિ કો-ઓપરેટ ના કરે તો પાર્ટીમાં જ તેને લોકો વચ્ચે ખુલ્લા પાડી દેવાની ચીમકી ઉચ્ચારો. બધાને પોતાની આબરૂ વહાલી હોય છે અને એટલે જ તમારી ધમકીથી સામેવાળી વ્યક્તિ થોડાક સમય માટે ચોક્કસ ડરી જશે અને તમને કોઓપરેટ કરશે. પણ જો કોઇ બેશરમ અને નફ્ફટ વ્યક્તિ હશે તો બૂમો પાડવાનું શરૂ કરશે. આવા સમયે બીજું કંઇ પણ વિચાર્યા વગર જો તમે શ્યોર હોય તો તરત જ પોલીસને ફોન કરી સ્થળ પર બોલાવો.

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ. ઘરે જતા સમયે કોઇ અજાણ્યા વ્યક્તિની લિફ્ટ ના લો. એ વાતની શું ગેરન્ટી કે જે વ્યક્તિ તમને પાર્ટીમાં ઘૂરી ઘૂરીને જોઇ રહી હતી એ વ્યક્તિ તેનો મિત્ર હોય. જો ફેમિલી પાર્ટી હોય તો તમારા ફેમિલી મેમ્બરની સાથે ઘરે જાઓ. આ સિવાય જો તમે પાર્ટીમાં તમારી કોઈ બહેનપણી કે મિત્રને લાવ્યા હોવ તો તેની સાથે ઘરે જાવ. ઘણા કેસમાં એવું જોવા મળતું હોય છે કે પરિચિત લોકો જ આપણો વિશ્ર્વાસઘાત કરતા હોય છે. આવા સમયે તમે તમારા ઘરે સૌથી પહેલાં જાણ કરી દો કે તમે કોની સાથે આવો છો, અને કઇ ગાડીમાં આવો છો, તેમની સાથે તમારું લોકેશન શેર કરી દો, તેમ જ તમારા ઘરના લોકોને તમે જે પણ ગાડીમાં બેઠા છો તેનો નંબર આપી દો.

આટલી સાવચેતી રાખશો તો પાર્ટીની મજા નહીં બગડે અને તમે પણ એકદમ સુરક્ષિત રીતે પાર્ટીનો આનંદ માણી શકશો!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

T46366l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com