25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એક સાલા સોશિયલ મીડિયા વાઈરસ કો યમદૂત બના દેતા હૈ

સ્પેશિયલ-હેન્રી શાસ્ત્રીઆજથી ૨૩ વર્ષ પહેલા સાતમી ફેબ્રુઆરી, ૧૯૯૭ના દિવસે ‘યશવંત’ નામની ફિલ્મ આવેલી. આજે એ ફિલ્મ કોઈને યાદ નહીં હોય, પણ એનો નાના પાટેકરના મોઢે બોલાયેલો એક ડાયલોગ મોટા ભાગના લોકોના સ્મરણમાં હશે: એક સાલા મચ્છર, આદમી કો હિજડા બના દેતા હૈ. ચીનના વુહાન શહેરમાં જન્મીને જગત આખામાં ધ્રુજારી પેદા કરનારા કોરોના વાઈરસના ફેલાવામાં અને એને યમદૂત જેવો ચીતરવામાં સોશિયલ મીડિયાએ જે ભાગ ભજવ્યો છે એ જોઈને નાના પાટેકરનો એ સંવાદ થોડો ફેરવીને ‘એક સાલા સોશિયલ મીડિયા વાઈરસ કો યમદૂત બના દેતા હૈ’ એમ કહેવુંપડે એવી વરવી ભૂમિકા આ મીડિયાએ ભજવી છે એ દુ:ખ સાથે સ્વીકારવું પડે છે. વાસ્તવમાં તો આ અજાણી બીમારી ફ્લુનો જ એક પ્રકાર છે, પણ પરમ જ્ઞાની સોશ્યલ મીડિયાના પ્રતાપે આ રોગ જાણે કે કાળનો કોળિયો હોય એવું લાગી રહ્યું છે. કબૂલ કે આ બીમારીનો ઈલાજ હજી સુધી નથી મળ્યો અને એ ચેપી રોગ હોવાથી એને ફેલાતા વાર નથી લાગતી, પણ પૃથ્વી પર પ્રલય આવશે એ હદે ડરી જવાની જરૂર નથી. સાવધ રહેવાની, સતર્ક રહેવાની ચોક્કસ જરૂર છે. તબીબ વિજ્ઞાન દ્વારા અપાતા સૂચનોનું શિસ્તબદ્ધ રીતે પાલન કરવું એ આપણી જવાબદારી છે, પણ આ વાઈરસ જાણે કે મોતનો સામાન હોય એવો ખોટો ભય રાખવાની કોઈ કરતા કોઈ જરૂર નથી.

કોરોના વાઈરસથી કઈ રીતે બચી શકાય એ વિષે સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ ફરી રહ્યા છે. એ જોઈ-વાંચીને એવું લાગે કે ભારતમાં તબીબી નિષ્ણાતોની ખોટ નથી. ખેર મજાક છોડીએ. આમાંથી કેટલા મેસેજમાં તથ્ય છે અને કેટલા સાવ બકવાસ જેવા છે એ વિષે દિલ્હીસ્થિત પ્રતિષ્ઠિત ઑલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા શું કહે છે એ દરેક નાગરિકે જાણવું જોઈએ. શ્રી ગુલેરિયાએ કહેલી વાત સવાલ અને જવાબ સ્વરૂપે રજૂ

કરી છે.

વાઈરસના ઇન્ફેક્શનથી બચવા તંદુરસ્ત વ્યક્તિએ માસ્ક પહેરીને ફરવું જોઈએ?

ના, હેલ્ધી વ્યક્તિએ માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. પેનિક રિએક્શનને કારણે આવું થઈ રહ્યું છે. જો કોઈ વ્યક્તિને શરદી, ઉધરસ થયા હોય અને પોતાનો ચેપ બીજા કોઈને ન લાગે એમ જો એ વ્યક્તિ ઇચ્છતી હોય તો તેણે માસ્ક પહેરવો જોઈએ. એન-૯૫ માસ્કની જે વાત થઈ રહી છે એ દરદીઓની સારવાર કરતા હેલ્થ કેર વર્કરો માટે હોય છે. સામાન્ય જનતા માટે આ માસ્ક નથી.

દારૂ પીવાથી કે નોન-વેજ નહીં ખાવાથી આ વાઈરસથી બચી શકાય?

અર્થહીન વાત છે. આલ્કોહોલ અને કોરોના વાઈરસને કોઈ સંબંધ નથી. આલ્કોહોલના સેવનથી શરીરમાં રહેલો વાઈરસ મરી જાય એ વાત સાવ ખોટી છે. બીજું એ કે આ વાઈરસ પ્રાણીથી મનુષ્યમાં આવ્યો છે. હવે એ એક માનવ શરીરથી બીજા માનવ શરીરમાં ફરી રહ્યો છે. વાઈરસને નોન-વેજ ફૂડ સાથે કોઈ લેવાદેવા નથી. વાઈરસ ગરમ તાપમાનમાં નહીં ટકે અને એટલે ગરમ પાણી પીવાથી એના ઇન્ફેક્શનથી બચી શકાય એ વાતમાં તથ્ય છે?

આ વાતમાં પણ તથ્ય નથી. સિંગાપોર એક ઉષ્ણ કટિબંધનો પ્રદેશ છે અને ત્યાં પણ આ વાઈરસ ફેલાયો છે અને ઈટલી તેમ જ દક્ષિણ કોરિયા જેવા ઠંડા પ્રદેશોમાં પણ એ ફેલાયો છે. આમ હવામાન સાથે એને નિસ્બત નથી. આ સંસર્ગજન્ય બીમારી છે અને માનવ માનવ સંપર્કથી ફેલાય છે. હા, વાતાવરણમાં ઠંડી વધારે હોય તો વાઈરસ વધુ સમય જીવિત રહી શકે છે અને ગરમીમાં એની ટકી શકવાની ક્ષમતા ઘટી જાય છે. જોકે, ઠંડી હોય કે ગરમી, તકેદારી રાખવાથી આ વાઈરસથી બચી શકાય છે.

આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાઈરસ માટે વેક્સિન બહાર પાડવામાં આવી છે?

ના, એવી કોઈ રસી નથી. આ નવો વાઈરસ છે અને એની વેક્સિન શોધવા માટે રિસર્ચ થઈ રહ્યું છે. નવો વાઈરસ આવે ત્યારે નવી વેક્સિન શોધવી પડે છે. સ્વાઈન ફલૂ વખતે પણ નવી વેક્સિનના સંશોધનમાં દસેક મહિનાનો સમય લાગ્યો હતો. વેક્સિન તૈયાર થતા વાર લાગે અને એટલે અત્યારે એની રાહ જોવાને બદલે ઇન્ફેક્શનથી કેમ બચી શકાય એના પર જ વધુ ધ્યાન આપવું જોઈએ અત્યારે એલોપથી, આયુર્વેદિક કે હોમિયોપથીમાં એવી કોઈ દવા ઉપલબ્ધ નથી જે વૈજ્ઞાનિક રીતે પુરવાર કરે કે આ વાઈરસથી બચાવી શકે.

લોકોમાં ફફડાટ પેસી ગયો છે. દુકાનોમાં માસ્ક કે સેનિટાઇઝર નથી મળી રહ્યા...

એને માટે સોશિયલ મીડિયા અને મીડિયા જવાબદાર છે. અગાઉ પણ આવું થયું છે. એચવનએનવન સ્વાઈન ફ્લૂ વખતે પુણેમાં એક છોકરીનું અવસાન થતા આખું શહેર ફફડી ઊઠ્યું હતું અને રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા. ત્યારે પણ માસ્ક અને સેનિટાઇઝર ખલાસ થઈ ગયા હતા અને ટેસ્ટિંગ માટે લોકો લાઈન લગાડતા જોવા મળ્યા હતા. સ્વાઈન ફલૂ એક સામાન્ય બીમારી છે, પણ ત્યારે સુદ્ધાં લોકો ડરી ગયા હતા. પેનિક હતો. જો માહિતી મેળવવી હોય તો ભરોસાપાત્ર વેબસાઈટ (જેમ કે ભારત સરકારની કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની)ને જોવી જોઈએ. કોરોના વાઇરસને કારણે માત્ર ત્રણેક ટકા લોકો જ મૃત્યુ પામ્યા છે. એનો અર્થ એ થયો કે ૯૭ ટકા લોકો સાજા થઈ જશે. આ વાઈરસ જીવલેણ નથી. ચીનનો ડેટા જોશો તો જાણ થશે કે ૮૦ ટકા લોકોને નજીવી અસર થઈ છે. માત્ર વીસ ટકા લોકોને જ વધુ અસર થઈ છે અને એમાંથી માત્ર પંદરેક ટકા લોકોમાં આ વાઈરસની તીવ્ર અસર જોવા મળી છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પેનિક થવાની જરૂર નથી. હા, ગાફેલ ન રહીએ અને પૂરતા સતર્ક રહેવું જરૂરી છે જેથી ચીનમાં અચાનક સંખ્યાબંધ કેસ આવ્યા એવું આપણે ત્યાં ન બને. આ વાઈરસનો ચેપ

નિકટના સંપર્કને કારણે આવી શકે છે. ટૂંકમાં વાત એમ છે કે રાઈનો પર્વત કરવામાં આવ્યો છે અને એમાં સોશિયલ મીડિયા મુખ્ય વિલન છે.

૮૧ દેશમાં ગેરહાજર

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ગુરુવાર, ૧૨ માર્ચે બહાર પાડેલા અહેવાલ મુજબ ૧૧૪ દેશમાં ૧,૧૮,૦૦૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. મહત્ત્વની વાત એ છે કે એમાંથી ૯૦ ટકા કેસ ચાર દેશમાં ( ચીન, ઈટલી,

ઈરાન અને દક્ષિણ કોરિયા) જોવા મળ્યા છે. સંસ્થાના ડિરેક્ટર જનરલે આપેલી માહિતી પ્રમાણે ૮૧ દેશમાં (બોલિવિયા, નામિબિયા વિગેરે) આ વાઈરસનો એક પણ કેસ નોંધાયો નથી અને ૫૭ દેશ એવા છે જ્યાં ૧૦ કે એથી ઓછા કેસ નોંધાયા છે. ૧૬ ઇટાલિયન ટૂરિસ્ટ સહિત ૭૩ કેસ ભારતમાં નોંધાયા છે.

ભારત સતર્ક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં જે વાતો કરી છે એમાં એક વાત સૌથી મહત્ત્વની છે. લોકોએ ગભરાઈ જવાની કે હેબતાઈ જવાની જરૂર નથી એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે. શાસનમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન વ્યક્તિ આવું નિવેદન કરે એનાથી જનતાને કેવો સધિયારો મળે એ સમજી શકાય છે. આ ઉપરાંત ૧૫ એપ્રિલ સુધી વિદેશી પર્યટકોને ભારતમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં વિઝા અપાઈ ગયા હોય એ ટૂરિસ્ટો તેમ જ વિઝા ફ્રી ટ્રાવેલનો પણ સમાવેશ છે.

નાઈજિરિયાનું ઉદાહરણ

વીસેક કરોડની વસતી ધરાવતા આફ્રિકન દેશ નાઈજિરિયાનું ઉદાહરણ આંખો ઉઘાડનારું છે. આ દેશમાં પણ કોરોનાએ મુશ્કેલી ઊભી કરી છે, ફફડાટ ફેલાવ્યો છે. નાઈજિરિયન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડિરેક્ટર જનરલ ચીખેવી ઇકવેઝુનું માનવું છે કે ચીન આ વાઇરસને નાથવામાં સફળ રહેશે. આવો અભિપ્રાય તેઓ પોતાની ઍરકન્ડિશન્ડ કેબિનમાં બેસીને નથી આપી રહ્યા. કોરોના વાઈરસને અંકુશમાં લેવા માટે ચીન શું અને કેવા પગલાં ભરી રહ્યું છે એની ચકાસણી કરવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિષ્ણાતોની એક ટીમ વુહાન મોકલવામાં આવી હતી એમાં મિસ્ટર ચીખેવી પણ હતા. પોતે જે જોયું એને આધારે તેમણે આ વાત કરી હતી. આ પગલાંની અસર પણ જોવા મળી. ચોથી ફેબ્રુઆરીએ ૩૮૮૭ નવા કેસ જોવા મળ્યા હતા અને ચોથી માર્ચે એટલે કે એક મહિના પછી આ આંકડો ઘટીને ૧૩૯ થયો હતો. પ્રયાસોનું નક્કર પરિણામ દેખાયું. ૨૦૧૪માં ઇબોલાના આતંક વખતે વાઇરસને નાથવાના પ્રયાસોમાંથી નાઈજિરિયાને જે શીખવા મળ્યું એને કારણે કોરોના વાઇરસને પણ પહોંચી વળાશે એવો આશાવાદ પ્રગટ કરવામાં આવ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

41C138t
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com