25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોર્ટની કાર્યવાહીનું ઘર-દર્શન ક્યારે?

વિજય કપૂરઈંગ્લેન્ડની સુપ્રીમ કોર્ટમાં જ્યારે પણ કેસ ચલાવવામાં આવે તો તેનું લાઈવ સ્ટ્રીમિંગ (સીધું પ્રસારણ) કરવામાં આવે છે અને ૨૦૧૫થી અહીં ઓન ડિમાન્ડ આર્કાઈવ વ્યવસ્થા પણ કરવામાં આવી છે એટલે કે જો માગ કરવામાં આવે તો જૂના કેસની સુનાવણી જનતાને જોવા માટે ખોલી શકાય. આ સિવાય કેનેડાની સુપ્રીમ કોર્ટમાં લાઈવ સુનાવણી માટે વેબકાસ્ટ સિસ્ટમ છે અને જનતા માટે આર્કાઈવની વ્યવસ્થા છે. ગયા વર્ષથી કેનેડાની ફેડરલ કોર્ટે એક પાઈલટ વેબકાસ્ટ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે અને આ અંતર્ગત એક એપ્લિકેશનના માધ્યમથી ‘રસપ્રદ અને મહત્ત્વના હોય એવા કેસ’નું સ્ટ્રીમિંગ કરવામાં આવે છે. આ ગ્લોબલ ટ્રેન્ડને ધ્યાનમાં લઈને ભારતમાં સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર, ૨૦૧૮માં જણાવ્યું હતું કે કોર્ટના કામકાજની પ્રક્રિયાનું જો લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે તો તેને કારણે વધારે પારદર્શકતા આવશે. ૨૦૧૮માં આપેલા આદેશ છતાં હજી સુધી વાત આદેશથી આગળ વધી જ નથી. તેમ છતાંય મનમાં ક્યાંક ઊંડે ઊંડે એક આશા છે ખરી કે સુપ્રીમ કોર્ટના આ આદેશનું પાલન ધીરે ધીરે હકીકતનું સ્વરૂપ ધારણ કરશે ખરું. આવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે ૧૨મી ફેબ્રુઆરીના કોલકાતા હાઈઽકોર્ટે એક કેસની કાર્યવાહી દરમિયાન લાઈવ સ્ટ્રીમિંગ કરવાની પરવાનગી આપી અને આ કેસમાં વિચારવા જેવી બાબત એ છે કે જે પારસી જરથ્રુસ્ત મહિલાઓ બિનપારસી પુરુષો સાથે લગ્ન કરે છે તો એમના બાળકોને ફાયર ટેમ્પલ એટલે કે અગિયારીમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આપવી જોઈએ કે નહીં? હાલાકી જે સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે તેની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ અદાલતે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે યુટ્યૂબ પર લાઈવ ટેલિકાસ્ટ કરવાના કેમેરાનો અને અન્ય ઉપકરણોનો ખર્ચ પારસી જરથ્રુસ્ત સંઘ, કોલકાતા ઉપાડશે, કારણ કે આ કેસમાં આ સંસ્થા એક પાર્ટી છે.

કોલકાતાની હાઈ કોર્ટ દ્વારા કરવામાં આવેલી આ પહેલનું અનેક જગ્યાએ સ્વાગત કરાઈ રહ્યું છે, લોકો આ પહેલને આવકારી રહ્યા છે. બૉમ્બે બાર એસોસિએશનના અધ્યક્ષ મિલિંદ સાઠે લાઈવ સ્ટ્રીમિંગના પક્ષમાં છે અને તેમનું એવું કહેવું છે કે ‘આ પ્રકારની પહેલ બૉમ્બે હાઈ કોર્ટમાં પણ પાઈલટ પ્રોજેક્ટ તરીકે કરવી જોઈએ અને તેમાં પણ જનહિતની યાચિકાઓના કેસમાં તો આવું ખાસ થવું જ જોઈએ.’લાંબા સમયથી લીગલ ટ્રાન્સક્રિપ્શનની માગણી કરી રહેલાં વકીલ જમશેદ મિસ્ત્રીનું કહેવું છે કે ‘લીગલ ટ્રાન્સક્રિપ્શન અને લાઈવ સ્ટ્રીમિંગ પૂર્ણપણે પારદર્શકતા સુનિશ્ર્ચિત કરશે. મુંબઈમાં આ સિસ્ટમને લાગુ કરવા માટે કેટલીક અરજીઓ વિચારાધીન છે.’ જ્યારે બીજી બાજુ દિલ્હી હાઈ કોર્ટ આ પ્રકારની કેટલીક અરજીઓને રદ કરી ચૂકી છે. કોલકાતા હાઈ કોર્ટે આ વિષયમાં પહેલ ચોક્કસ જ કરી છે, પણ તેની આવશ્યકતા પર અનેક હાઈકોર્ટ્સે તેના પર દબાણ આપ્યું છે. હૈદરાબાદ હાઈ કોર્ટેે ૨૦૦૫થી જ ટેલિવિઝન મીડિયા અને વિડિયો રેકોર્ડિંગ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે.

વિશાખાપટ્ટનમ અને ઈસ્ટ ગોદાવરી જિલ્લા વચ્ચે યેલેરુ નહેર કાઢવા માટે ૧૦૦ કિલોમીટરથી પણ વધારેની જમીન હસ્તગત કરી લેવામાં આવી હતી અને જેમાં વળતર ચૂકવવા સંબંધિત કથિત અનિયમિતતા હતી અને તેની તપાસ માટે ૧૯૯૬માં ન્યાયાધિશ બીકે સોમશેખરના નેતૃત્વમાં એક ન્યાયિક આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું. ૨૦૦૫માં ન્યાયાધિશ સોમશેખરે ટીવી મીડિયાને પોતાની કોર્ટમાં આવવાની અનુમતિ આપી હતી, જેથી કોર્ટમાં ચાલતી કાર્યવાહીનું લાઈવ રિપોર્ટિંગ કરી શકાય. અદાલતમાં વિત્ત, રાજસ્વ અને સિંચાઈ ખાતાના પ્રધાનોને સવાલજવાબ પૂછવામાં આવ્યા અને તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. એ વખતે કદાચ દેશની જનતાએ પહેલી વખત પોતે ચૂંટેલા નેતાઓને અદાલતમાં કઠોડામાં ઉભેલા જોયા.

૨૦૦૫માં જ આંધ્ર હ્યુમન રાઈટ્સના કમિશનર ન્યાયાધીશ બી સુભાષણ રેડ્ડીએ પોતાની અદાલતમાં લાઈવ ટેલિકાસ્ટની પરવાનગી આપી. હૈદરાબાદ હાઈ કોર્ટના ન્યાયાધીશ બી શિવ શંકર રાવે ૨૦૧૬માં એક દુર્લભ પરંપરાના શ્રીગણેશ કર્યા, જ્યારે તેમણે ‘નોટ કે બદલે વોટ’ કૌભાંડમાં કોર્ટમાં ચાલેલી કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવાનો આદેશ આપ્યો હતો. માર્ચ, ૨૦૧૯માં મદ્રાસ હાઈ કોર્ટે પણ ન્યાયાધીશ એસએમ સુબ્રમણ્યમે પોતાના જ એક આદેશમાં પ્રોસિડિંગમાં નિયમિત વેબકાસ્ટ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી. એટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું હતું કે ‘એવું કહેવાય છે કે વેબકાસ્ટિંગમાં ખાસ કંઈ વધારે ખર્ચ થતો નથી. લોકો આરામથી ઘરે બેસીને આને જોઈ શકે છે. હું મારી અદાલતમાં આ સિસ્ટમને લાગુ કરવા માટે તૈયાર છું.’

જોકે આ બધા વચ્ચે સવાલ તો એ છે કે મોટાભાગની કોર્ટ અને અદાલતોને લાઈવ સ્ટ્રીમિંગ કરવા સામે કોઈ વાંધો નથી તો પછી સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર, ૨૦૧૮માં આપેલા આદેશને દોઢેક વર્ષ બાદ પણ કેમ અમલમાં મૂકી શકાયો નથી? કદાચ ફંડ્સ એટલે કે ભંડોળની અછત અને ઈચ્છાશક્તિનો અભાવ એ આ પ્રશ્ર્નનો જવાબ છે. કેરળ હાઈ કોર્ટનું કહેવું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જો ફંડની અછત છે, જો આ ભંડોળ ઉપલબ્ધ કરાવી આપવામાં આવે તો ત્રણ મહિનાની અંદર જ લાઈવ સ્ટ્રીમિંગના આદેશનું પાલન શરૂ કરવામાં આવશે. પરંતુ ઝારખંડની હાઈ કોર્ટમાં તો આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ૨૦૧૨માં ઉપલબ્ધ છે (વીડિયો રેકોર્ડિંગની સુવિધાવાળા રાંચીના એક કોર્ટરૂમનું ઉદ્ઘાટન સુપ્રીમ કોર્ટના તત્કાલીન ન્યાયાધીશ એમબી લોકુરે સપ્ટેમ્બર, ૨૦૧૩માં

કર્યું હતું.) પરંતુ તેમ છતાં લાઈવ સ્ટ્રીમિંગની શરૂઆત આજની તારીખમાં થઈ શકી નથી, અને એ શરૂ થાય એવા કોઈ એંધાણ પણ વર્તાઈ રહ્યા નથી.

ભારતના અન્ય રાજ્યની જેમ રાજસ્થાન પણ હજી રાહ જ જોઈ રહ્યું છે. એક હાઈ કોર્ટના પ્રશાસકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘કંઈ પણ નક્કર નથી. ન તો રાજ્યના કાયદા મંત્રાલય તરફથી કોઈ નિર્દેશ આપવામાં આપ્યો કે પછી ન તો કેન્દ્ર તરફથી આ બાબતે કોઈ નિર્દેશ આપવામાં આવ્યો. બસ અમને એટલી જ માહિતી મળી છે કે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે તે લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરવા માટે દિશાનિર્દેશ જારી કરે. ચાર ફેબ્રુઆરીના સુપ્રીમ કોર્ટે આ બાબતનો નિર્ણય ભારતના મુખ્ય ન્યાયાધીશ લેશે અને પોતાના ૨૦૧૮ના નિર્ણયને લાગુ કરવા સંબંધિત યાચિકા પર કોઈ પણ પ્રકારનો ન્યાયિક આદેશ પસાર કરવાનો નનૈયો ભણી દીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લાઈવ સ્ટ્રીમિંગના પાઈલટ પ્રોજેક્ટનો શુભારંભ સુપ્રીમ કોર્ટથી થશે અને હાઈ કોર્ટ અને નીચલી અદાલતોમાં આનો વિસ્તાર કરવામાં આવશે. માત્ર રાષ્ટ્રના મહત્ત્વના કેસનું જ લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે, પણ લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા દરેક કોર્ટરૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બેન્ચે સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો હતો કે પ્રોસિડિંગ્સની લાઈવ અનુમતિના નિયમ ને દિશાનિર્દેશ નક્કી કરવામાં આવે, કોર્ટરૂમ્સમાં કેમેરા સહિત અન્ય ઉપકરણો લગાવવામાં આવે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે યૌન અપરાધોના કેસ કે પછી વૈવાહિક વિવાદોના કેસમાં લાઈવ સ્ટ્રીમિંગ ન કરવામાં આવે. પરંતુ આ નિર્ણયના દોઢ વર્ષ બાદ પણ બૉમ્બે, દિલ્હી, અલાહાબાદ, પટના, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને નૈનીતાલની હાઈ કોર્ટ્સમાં લાઈવ સ્ટ્રીમિંગની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી એટલે કે આ કોર્ટમાં ન્યાયાધીશો ઈચ્છે તો પણ પોતાની અદાલતની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કરી શકાય એમ નથી અને આ ખરેખર ચિંતાજનક બાબત છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

124mi2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com