25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પક્યાને મુઝફ્ફરપુરમાં ખૂબ મહત્ત્વનાં બે કામ પતાવવાં હતાં

પ્રફુલ શાહ૫૨

એક તો ગંધાતું ડમ્પિંગ ગ્રાઉન્ડ એમાં બે લાશ. નીચે માખીઓ બણહણતી હતી અને દૂર કાગડાઓ કાઉકાઉ કરતા હતા. ઈન્સ્પેક્ટર કિરણ પાચપૂતેને પીશાચી આનંદ થયો કે પોતાના પોલીસ થાણાના ઈન્સ્પેક્ટર બાબુરાવ તુપે વિચિત્ર સંજોગોમાં સપડાયા હતા. તુપે સાથેની પાચપુતેની ઝેરીલી અદેખાઈથી હવાલદાર પૂરેપૂરો વાકેફ. તડકો વધવા સાથે ગંધ અસહ્ય બની રહી હતી. હવાલદાર નામદેવ પટેલે સાંઈબાબાને પ્રાર્થના કરી, "બાબા, આમાં લાશ નહિ હોય તો હું શીરડી દર્શન કરવા આવીશ. આવતા રવિવારે જ આપના કદમમાં રોકડા અગિયાર હજાર ચડાવી દઈશ.

નામદેવ ધીમા પગલે પુુઠ્ઠાના બૉક્સ તરફ આગળ વધ્યો. તેણે સાવચેતી રૂપે નાક પર રૂમાલ દબાવી રાખ્યો. નજીક જઈને જોયું તો બૉક્સ પર સેલોટેપ મારી હતી. ‘કચરાનું પણ પેકિંગ કરનારા પાગલ પડ્યા છે આ દુનિયામાં હો.’

તેણે આસપાસ જોયું ને છત્રીનો કાંટ ખાધેલો સળિયો ઉપાડીને બધી સેલો ટેપ ઉખાડી નાખી. કેટકેટલી સેલોટેપ મારી છે જાણે કોઈ ખજાનો પેક ન કર્યો હોય? પુઠ્ઠાના ઉપરનો ભાગ ખોલતા જ એની આંખ ચકળવકળ થઈ ગઈ. પગ ધ્રૂજવા માંડ્યા. એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. "હેં સાંઈબાબા. આ સાંભળીને કિરણ પાચપુતેને નવાઈ લાગી આ વળી નવું શું મળ્યું? તેણે હવાલદારની નજીક જોઈને જોયું તો આંખ પટપટાવવાનું ભૂલી ગયો. અંદર બે-બે હજારની ગુલાબી નોટના બંડલ હતા. ઈન્સ્પેક્ટર પાચપુતે અને હવાલદાર પટેલની બોલતી એકદમ બંધ થઈ ગઈ. એમની હાલત જોઈને કુતૂહલથી ઈસ્માઈલ છોટા બાટલી, મહેમુદ ભંગાર અને ઈન્સ્પેક્ટર બબનરાવ તુપે સ્તબ્ધ થઈ ગયા. તુપે અને ભંગારે શંકા અને ખુન્નસની નજરે એકમેક સામે જોયું. બેઉને એકમેક પર શંકા ગઈ કે તેણે જરૂર મારાથી કંઈ છુપાવ્યું? શું હશે? મને ફસાવી દેવાનો કારસો તો નહીં હોયને? આવા વિચારો સાથે બબનરાવ અને મહેમુદ ધીમે પગલે આગળ વધવા માંડ્યા પુઠ્ઠાના કાર્ટૂન ભણી.

અચાનક પાચપુતેના ધ્યાનમાં આવ્યું કે બે જણ નજીક આવી રહ્યાં છે. તેણે તરત બૉક્સ બંધ કરી દીધું, ઉપર જેમ તેમ ફરી સેલોટેપ ચીપકાડવા માંડ્યો. તે ધીમેથી બોલ્યો, "હવાલદાર. પણ હવાલદારના કાને જાણે બેહરાશ ઘર કરી ગઈ હતી. પાચપુતેએ રાડ પાડી, "હવાલદાર નામદેવ પટેલ... નામદેવ જાણે સફાળો તંદ્રામાંથી જાગ્યો અને નજીક આવ્યો. "સાંભળ, આ બહુ મહત્ત્વનો પુરાવો છે, સાચવીને મારી જીપમાં મૂકી દે.

* * *

રંજન ડિકોસ્ટા ઊર્ફે રસીલી રાની ખૂબ ગુસ્સામાં હતી. એને થયું કે મનિયા પર ભરોસો કરીને મેં મોટી ભૂલ કરી. એક તો બેવકૂફે કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ગોળી છોડીને આખી ગેમ બગાડી નાખી. પોતાની પાસે રિવૉલ્વર છે એની જાણ સુધ્ધાં થવા ન દીધી મને. પાછો ગોળી છોડીને ન જાણે ક્યાં ભાગી ગયો? ડમ્પિંગ ગ્રાઉન્ડ નાનું નથી એટલે એ બદમાશ ક્યાનો ક્યાં ભાગી ગયો હશે.

હકીકતમાં મનિયાએ નહિ, ઈન્સ્પેક્ટર બબનરાવ તુપેએ ગોળી છોડી હતી અને મનિયો એનો શિકાર બની ગયો હતો એ હકીકતથી રંજન સાવ અજાણ હતી. બિયરની ત્રીજી બોટલ પૂરી કર્યા બાદ ગુસ્સામાં તેણે મનિયાનો મોબાઈલ નંબર ડાયલ કર્યો. થોડી વાર બેલ વાગી પછી સામેથી પુરુષનો રુઆબદાર અવાજ સંભળાયો, ‘હલ્લો કૌન બોલ રહા હૈ?’

રંજન ભડકી, "મનિયા અવાજ બદલીને નાટક બંધ કર. શું થયું ડમ્પિંગ ગ્રાઉન્ડમાં? તું છો ક્યાં?

"અરે મેડમ આપ કૌન બોલ રહે હૈ... આટલું સાંભળીને રંજને ગુસ્સામાં ફોન કટ કરી નાખ્યો. બીજે છેડે વાત કરી રહેલા ઈન્સ્પેક્ટર કિરણ પાચપુતે એક હવાલદારને ખૂણામાં લઈ ગયા. "બબનરાવ તુપેને ગોળીનો શિકાર બનેલા માણસના મોબાઈલ પર હમણાં એક ફોન આવ્યો હતો. એ નંબરનું લોકેશન મેળવીને વાત કરનારી બાઈને હાજર કરો. આની સાચી ઓળખ મળશે, પણ જે કરે એ સાવ ચૂપચાપ, સમજી ગયો ને?

* * *

સૂર્યવંશીને મેસેજ મળ્યો કે પકયાના નંબર પરથી જેને વારંવાર ફોન થયો હતો એ નંબર ફરી એક્ટિવ થયો હતો કોલકાતામાં. બંડુના નંબર પર સતત પોલીસની નજર હતી. મુંબઈથી તરત તાત્કાલિક કોલકાતા પોલીસનો સંપર્ક કર્યો પણ ત્યાં સુધી એ મોબાઈલ ફોન સ્વીચ ઑફ થઈ ગયો હતો અને પંખી કદાચ ઊડી ગયું હતું.

હા, કોલકાતાથી બિહારના મુઝફ્ફરપુરની બસમાં પકયો બેસી ગયો હતો. એના સામાનમાં હતી માત્ર બે ચીજ: બંડુને કાયમ માટે ગુમાવી દીધાની ભયંકર વેદના અને અપ્પાસાહેબ પ્રત્યે ભારોભાર રોષ. આ બેઉભારથી છુટકારો મેળવવા ફાંફાં મારવામાં તેણે ખૂબ દારૂ પીધો. એક બોટલ પણ બગલથેલામાં મૂકી દીધી. મુસાફરી નાની સૂની નહોતી, બારેક કલાક તો નક્કી હતા. રસ્તામાં જરૂર પડે ગટગટાવી જઈશ. મુઝફફરપુરમાં બે ખૂબ મહત્ત્વના કામ પતાવવાના હતા. એક, બંડુની ઈચ્છા મુજબ થોડીઘણી મસ્તી કરવાની. બે, પોતાનું આખરી કામ આટોપવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની. આ બધું કરવાના વિચારોમાં જ પક્યાની આંખ મિચાઈ ગઈ. અચાનક બસ જોરદાર બ્રેક સાથે ઊભી રહી ગઈ. પક્યાની ઊંઘ ઊડી ગઈ. તેણે જોયું કે બસમાં ત્રણ પોલીસવાળા ચઢ્યા હતા અને આસપાસ કંઈક જોઈ રહ્યા હતા, જાણે કોઈને શોધતા હોય. આ જોઈને પક્યાએ પરાણે આંખ બંધ કરી દીધી. એમાં ને એમાં એને ક્યારે ફરી ઊંઘ આવી ગઈ એ પણ ખબર ન પડી.

* * *

સબ-ઈન્સ્પેક્ટર દૈવી દીક્ષિત ખુશ મિજાજમાં હતી. એક તો સ્ટાફનો પ્રોબ્લેમ, સરકારી રગશિયું ગાડું અને પોતાની વ્યસ્તતા વચ્ચે ખૂબ મહત્ત્વનું કામ ભૂલાઈ ગયું હતું. એ તો સવારના પહોરમાં આવેલા ફોને યાદ કરાવી આસિસ્ટન્ટ કમિશનર સૂર્યવંશીની સોનેરી સલાહ. ‘એક પછી એક બંધ મોબાઈલ નંબર આપણને દિશા બતાવે છે કે કઈ દિશામાં જવાનું છે.’ આજે સવારે કોલ ટ્રેકિંગ માટે નાખેલા મનિયાના કોલની વિગતો મળી. એના પર આવેલા નંબરો મળ્યા અને કાલે રાતે મનિયાનાં ફોનનું લોકેશન કાંજુરમાર્ગ હોવાની જાણકારી પણ મળી.

સબ-ઈન્સ્પેક્ટર દૈવી દીક્ષિતે મનિયાનો નંબર લગાવ્યો. પહેલી જ બેલે ફોન ઉપાડાયો, "હેલ્લો.

"હું સબ-ઈન્સ્પેક્ટર દૈવી દીક્ષિત બોલું છું. તમે કોણ?

"ઈન્સ્પેક્ટર કિરણ પાચપુતે. આ તો એક ક્રિમિનલનો ફોન છે.

"અમે એને શોધીએ છીએ. નામ છે મનિયો. એને શાના માટે પકડ્યો છે, સર?

"અમે પકડ્યો નથી. એ મળી આવ્યો મરેલી હાલતમાં. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો... તમે શેના માટે શોધો છો?

"સર, હું આપને મળવા આવી શકું? સામેથી હકારમાં પ્રત્યુત્તર મેળવીને દૈવી દીક્ષિત નીકળી પડી. રસ્તામાં એ મનિયાનાં મોબાઈલ પર ફોન કરનારા અને એસ.એમ.એસ. કરનારાના નંબરનો અભ્યાસ કરવા માંડી. અચાનક તેણે પાચપુતેને ફરી ફોન કર્યો, "સર, મૃતક મનિયાનો ફોટો વ્હોટસઅપ કરશો, પ્લીઝ?

* * *

ક્ષેત્રફળ ૮૬૬૦ કિલોમીટર. અને વસતિ અઢી લાખ માણસોની. માત્ર રશિયા, વેનેઝુએલા, નિકારાગુઆ, નૈરૂ અને તુવાલા જેવા પાંચ જ દેશોની એને માન્યતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને નાટો સમૂહેય એને સ્વીકૃતિ આપવાનો વિરોધ કર્યો છે. અબખાઝિયાને ભારતે માન્યતા નથી આપી એ પીટર ફર્નાન્ડિઝ માટે સૌથી વધુ મહત્ત્વનું હતું. એનો સાફ અર્થ એ કે એની સાથે ભારતની કોઈ એકસ્ટ્રાડીશન ટ્રીટી નથી. પોતે એક વાર ત્યાં પહોંચી જાય પછી ભલેને ભારતમાં ખબર પડે. કોઈ પોતાને અબખાઝિયા છોડીને ભારત પાછા આવવા માટે મજબૂર ન કરી શકે.

એટલું નક્કી કે હવે જવું તો અબખાઝિયા જ. કયા રૂટથી પહોંચવું એ જાણકારી મેળવવી જરૂરી છે. પોતે એકદમ તાકીદના ધોરણે એક કામ પતાવવું પડે એમ હોવાથી પીટર ફર્નાન્ડિઝે એક માત્ર ભરોસાપાત્ર વ્યક્તિ રોઝીને મેસેજ કર્યો કે અળખાઝિયા પહોંચવું કેવી રીતે? આ માટે સત્તાવાર રૂટ પસંદ કરવાનો નહોતો એ કહેવાની જરૂર નહોતી.

(ક્રમશ:)

-------------------------

સબ-ઈન્સ્પેક્ટર દૈવી દીક્ષિતને આંચકો લાગ્યો કે પોતે શોધે છે એ મનિયો તો એન્કાઉન્ટરમાં માર્યો ગયો

---------------------------------------

praful.shah@bombaysamachar.comઆપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

08kkM3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com