25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સૌરાષ્ટ્રનો ‘ચૅમ્પિયન સાવજ’

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલાલેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ૧૦ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છે, પણ એમાં તેણે નામપૂરતી ઓળખ બનાવી છે. ૨૦૦૮ની સાલથી રમાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) કે જેમાં તે કુલ પાંચ ટીમ વતી રમ્યો છે જેમાં અમુક ટીમને તે ખૂબ ઉપયોગી બન્યો અને અમુક માટે સાધારણ પર્ફોર્મ કરી શક્યો હતો. જોકે, સૌરાષ્ટ્રની રણજી ટીમને તેણે જે સફળતા અપાવી છે એ અપ્રતિમ છે.

શુક્રવારે સૌરાષ્ટ્રએ પહેલી જ વાર રણજી ટ્રોફી સ્પર્ધામાં ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. ઘરઆંગણે (રાજકોટમાં) ફાઇનલ રમાતી હોય અને એ જીતીને રણજી ટ્રોફી ચૅમ્પિયનોમાં પહેલી વાર નામ નોંધાવવું એવું અહોભાગ્ય ભાગ્યે જ કોઈ ટીમને મળ્યું છે અને એમાં હવે સૌરાષ્ટ્રનો પણ સમાવેશ છે.

સૌરાષ્ટ્ર ૧૯૫૦-’૫૧ની સિઝનથી રણજી ટ્રોફીમાં ભાગ લે છે અને ૭૦ વર્ષે પ્રથમ વાર એમાં ચૅમ્પિયનપદ હાંસલ કરવામાં સફળતા મેળવી છે. એનો શ્રેય ટીમના ઘણા ખેલાડીઓ જેમ કે સેમી ફાઇનલ તથા ફાઇનલના સેન્ચુરિયન અર્પિત વસાવડા, ઓપનિંગ બૅટ્સમૅન અવિ બારોટ, ચેતેશ્ર્વર પુજારા ઇત્યાદિ તેમ જ બોલરો ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચિરાગ જાની વગેરેને જરૂર જાય છે, પરંતુ કૅપ્ટન ઉનડકટે બોલિંગના તરખાટની સાથે જે રીતે સફળતાપૂર્વક સુકાન સંભાળ્યું એ કાબિલેદાદ છે. ગુજરાત સામેની સેમી ફાઇનલમાં તેણે પહેલા દાવમાં ત્રણ અને બીજા દાવમાં સાત વિકેટ લઈને સૌરાષ્ટ્રને ફાઇનલમાં પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી ફાઇનલમાં બેંગાલના પ્રથમ દાવમાં અનુસ્તુપ મજુમદાર (૬૩ રન)ની મહત્ત્વની વિકેટ સહિત તેણે કુલ બે વિકેટ લીધી હતી અને બેંગાલને સેમી ફાઇનલમાં જિતાડનાર આકાશ દીપને રનઆઉટ કરાવીને પોતાની ટીમને ૪૪ રનની અત્યંત જરૂરી સરસાઈ અપાવી હતી. એ લીડ થકી જ સૌરાષ્ટ્રએ ડ્રૉમાં પરિણમેલી ફાઇનલમાં વિજય નોંધાવીને ઐતિહાસિક ટ્રોફી જીતી લીધી હતી.

જયદેવ ઉનડકટે પ્રેરણાત્મક નેતૃત્વ દ્વારા પોતાની ટીમને ‘રણજિતસિંહજી ઑફ જામનગર’ના નામ પરથી શરૂ કરવામાં આવેલી આ પ્રતિષ્ઠિત ટ્રોફી અપાવી છે.

જયદેવ ઉનડકટ નાનપણમાં ક્રિકેટ ખૂબ રમ્યો હતો, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે ફર્સ્ટ-ક્લાસ મૅચો રમવાની શરૂઆત ૨૦૧૦ની સાલમાં કરી હતી. ૧૦ વર્ષમાં તે ઘણી મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો છે, પરંતુ તે જીત કે હારમાંથી કંઈકને કંઈક નવું શીખવાની ઉત્સુકતા હંમેશાં ધરાવતો રહ્યો છે. જે પણ મહત્ત્વનો મુદ્દો ધ્યાનમાં આવે એને કાગળ પર ટાંકી લેવાની તેને બહુ સારી આદત છે અને એ મુદ્દાને પોતાનામાં મનમાં કાયમ માટે સમાવી લેવા ઉપરાંત ટીમની મીટિંગોમાં સાથી ખેલાડીઓને પણ એમાંથી કંઈક બોધ આપવાની તેની નીતિ રહી છે. તેને ક્રિકેટની બાબતમાં જે પણ રસપ્રદ લાગે એને તે સાથીઓમાં શૅર કરી લેતો હોય છે. સૌરાષ્ટ્રની ટીમની વાત કરીએ તો તે જાણે ‘ટીમનો સીઇઓ’ છે એમ કહીએ તો પણ ચાલે. આ નીતિનું તેણે અને તેના સાથીઓએ તાજેતરમાં પહેલી વાર રણજી ટ્રોફીનું ટાઇટલ જીતીને ઉત્કૃષ્ટ દૃષ્ટાંત ભારતીય ક્રિકેટમાં પૂરું પાડ્યું છે.

રણજી ટ્રોફીની ૨૦૧૯-’૨૦ની સિઝનમાં અનેક સંઘર્ષો વચ્ચે સૌથી વધુ ૬૭ વિકેટ લેવી, દાવમાં સૌથી વધુ સાત વખત પાંચ વિકેટની સિદ્ધિ અને મૅચમાં સૌથી વધુ ત્રણ વાર દસ વિકેટની સિદ્ધિ મેળવવી એ અસાધારણ બાબત કહેવાય. રણજીના લીગ રાઉન્ડમાં આઠમાંથી માત્ર ત્રણ મૅચ જીતવી અને નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી જવું અને પછી એક પછી એક સફળતા મેળવીને ટ્રોફી પર કબજો કરી લેવો એ ક્ષમતા જયદેવ ઉનડકટના સુકાન હેઠળની સૌરાષ્ટ્રની ટીમમાં જ હતી અને એ એણે કરી દેખાડ્યું. તેણે ગુજરાત સામેની સેમી ફાઇનલ અને બેંગાલ સામેની ફાઇનલમાં કેટલાક દૃષ્ટાંતરૂપ નિર્ણયો લીધા હતા જેના થકી સૌરાષ્ટ્રનો ટ્રોફી સુધીનો માર્ગ મોકળો થઈ ગયો હતો. જયદેવે એક મુલાકાતમાં બહુ સરસ કહ્યું છે, ‘ફાઇનલ જેવી મૅચમાં મેદાન પર સારા નિર્ણયો લેવામાં કૅપ્ટનને રોજબરોજની રમતમાં લીધેલા મહત્ત્વના નિર્ણયોનો અનુભવ ખૂબ કામ લાગતો હોય છે. આ બાબતમાં હું મારા ખેલાડીઓ સાથે વિચારો શૅર કરતો જ હોઉં છું. મોટા ભાગે હું ટીમ-મીટિંગોમાં તથા વન-ટુ-વન ચર્ચામાં જીવનની ફિલસૂફીને આવરી લેતો હોઉં છું.

સામાન્ય રીતે હું ક્રિકેટને લગતું ઉદાહરણ આપવાને બદલે ક્રિકેટને સ્પર્શતી સામાન્ય જિંદગીની ફિલોસોફીની મદદ લઉં છું. એને કારણે અમારી ટીમની મીટિંગોમાં જુદા જ પ્રકારનો સુંદર માહોલ સર્જાતો હોય છે અને ખેલાડીઓ એ ચર્ચાને આધારે ટીમના હિતમાં પોતાના વિચારો પ્રગટ કરતા હોય છે અને એનો અમલ પણ કરતા હોય છે.’

એક તરફ જ્યારે વિક્રમજનક ૪૧ વખત ચૅમ્પિયન બનેલા મુંબઈએ લીગ રાઉન્ડમાં છેક ૧૩મું સ્થાન મેળવ્યું ત્યારે સૌરાષ્ટ્રએ ચોથા નંબર પર રહીને પણ પ્રથમ ક્રમના ગુજરાતને સેમી ફાઇનલમાં માત આપી અને પછી બીજી રૅન્કના બેંગાલને ફાઇનલમાં પરાસ્ત કરીને ટ્રોફી પર પોતાનો અધિકાર સાબિત કરી દીધો હતો.

જયદેવ ઉનડકટ અને તેની સૌરાષ્ટ્રની ટીમ ‘નસીબદાર’ પણ છે કે એને ચેતેશ્ર્વર પુજારા જેવો સ્પેશિયાલિસ્ટ ટેસ્ટ-પ્લેયર મળ્યો છે. તેણે ફાઇનલમાં તાવ હોવા છતાં બૅટિંગ કરી

હતી અને બહુમૂલ્ય ૬૬ રન બનાવીને સૌરાષ્ટ્રને સરસાઈ લેવામાં મદદ કરી હતી.

જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રને મળેલા પ્રથમ રણજી ટાઇટલ માટે પોતાના ચાહકો તથા હિતેચ્છુઓનો પણ આભાર માને છે. તે એક ઇન્ટરવ્યૂમાં કહે છે, ‘રણજી ટ્રોફી ખેલાડીઓ વચ્ચે રમાતી માત્ર એક ટુર્નામેન્ટ નથી. આ સ્પર્ધા સાથે ઘણા પરિવારો અને ભૂતપૂર્વ ખેલાડીઓ પણ સંકળાયેલા હોય છે. હું આ વખતે મારી ટીમને પહેલી વાર રણજી ટ્રોફીનું ટાઇટલ અપાવી જ શકીશ એવો પાનો ચઢાવતા ઘણા સંદેશા મને મળ્યા હતા. એ સંદેશા બરાબર કામ કરી ગયા, કારણકે અમે અમારી ટીમ-મીટિંગોમાં પણ એની ચર્ચા કરી હતી જેનાથી અમારા ખેલાડીઓને નવું જોમ મળતું રહ્યું હતું. મેં ફાઇનલ પહેલાં મારા સાથીઓને કહ્યું કે જુઓ, આ આપણું હોમ-ગ્રાઉન્ડ છે એટલે આ વખતે તો સૌરાષ્ટ્રને રણજીનું પહેલું ટાઇટલ અપાવવું જ રહ્યું.’

ભારતની આગામી ટેસ્ટ-સિરીઝ આઠ મહિના દૂર છે, પણ જયદેવ ઉનડકટે રણજી ટ્રોફીની સિઝનમાં સૌથી વધુ ૬૭ વિકેટ નોંધાવીને ટેસ્ટ-ટીમમાં અત્યારથી જ ફરી નામ નોંધાવી દીધું છે એમ કહી શકાય. એ જાણીને નવાઈ લાગશે કે જયદેવે ૨૦૧૦ની સાલમાં ટેસ્ટ-ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને હજી સુધી એ એકમાત્ર ટેસ્ટ રમવા મળી છે. ત્યાર પછી તે ૭ વન-ડે અને ૧૦ ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ રમ્યો છે, પણ ટેસ્ટ તેને એક જ રમવા મળી છે. સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામેની એ ટેસ્ટમાં તેણે ૧૫૬ બૉલ ફેંક્યા હતા અને ૧૦૧ રનના ખર્ચે એક પણ વિકેટ નહોતો લઈ શક્યો.

-----------------------

પ્રોફાઇલ-કરિયર પર એક નજર

પૂરું નામ: જયદેવ દીપકભાઈ ઉનડકટ

જન્મ: ૧૮ ઑક્ટોબર, ૧૯૯૧ (પોરબંદર)

ઉંમર: ૨૮ વર્ષ

શિક્ષણ: સેન્ટ મૅરીસ સ્કૂલ, પોરબંદર

ટેસ્ટ-કરિયર: ૧ ટેસ્ટમાં ૧૦૧ રનમાં એકેય વિકેટ નહીં

વન-ડે કરિયર: ૭ વન-ડેમાં ૨૦૯ રનમાં ૮ વિકેટ, બેસ્ટ બોલિંગ: ૪૧ રનમાં ચાર વિકેટ

ટી-ટ્વેન્ટી કરિયર: ૧૦ મૅચમાં ૩૦૧ રનમાં ૧૪ વિકેટ, બેસ્ટ બોલિંગ: ૩૮ રનમાં ત્રણ વિકેટ

ફર્સ્ટ-ક્લાસ કરિયર: ૮૯ મૅચમાં ૭૫૯૦ રનના ખર્ચે ૩૨૭ વિકેટ, દાવમાં બેસ્ટ બોલિંગ: ૪૧ રનમાં સાત વિકેટ, મૅચમાં બેસ્ટ બોલિંગ: ૧૦૩ રનમાં તેર વિકેટ, કૅચ: ૩૬.

પાંચ આઇપીએલની ટીમ વતી રમ્યો: દિલ્હી કૅપિટલ્સ, કોલકતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રૉયલ્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

lg7A0I2r
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com