25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બોલો! આ ગોપાળ હળ-બળદ વિના ખેતર ખેડે છે

સાંપ્રત-પ્રથમેશ મહેતા૮૧ વર્ષના બુઝુર્ગ ખેડૂત ગોપાળ મલ્હારી ભિસે આજે પણ એક યુવાનની જેમ ખેતીના કામ સાથે જોતરાયેલા છે. કારકિર્દીની શરૂઆતમાં તો તેમણે એક ક્લાર્ક તરીકે નોકરી કરી હતી, પણ મન તો હતું ખેતી કરવામાં જ. મહારાષ્ટ્રના અહમદનગરમાં પોતાની જમીન હતી ત્યાં જ ખેતી કરવાનું વિચાર્યું, પણ આ જમીન મૂળે બિનફળદ્રુપ. એક મજૂરને શરમાવે એવો કઠિન પરિશ્રમ કર્યો તોયે ઉત્પાદન ખાસ થયું નહીં. જોકે, તેઓ નિરાશ ન થયા અને જિંદગીના બીજા વિકલ્પની શોધમાં ખૂંપી ગયા. અહીં પાણીની પણ ખૂબ અછત એટલે આ ખેતર વેચીને જલગાંવના શેંદુની ગામમાં રહેવા ગયા. પત્ની મેનાબાઇની સાથે મળીને તેમણે ખેતીની શરૂઆત કરી. અહીં પણ સમસ્યાઓએ તેમનો પીછો ન હતો છોડ્યો. ખેતર તો લીધું, પણ તેને ખેડવા માટે ન તો હળ હતું કે ન બળદની જોડી. જોકે, એક વાતની નિરાંત હતી કે આ જમીન ફળદ્રુપ હતી. આથી જ સૌથી પહેલું કામ તેમણે પત્ની સાથે મળીને કૂવો ખોદવાનું કર્યું. એ સમયે ખેતર ખેડવા માટે બળદો ભાડા પર મળતા ન હતા અને જો મળી જાય તો તેમનું રોજનું ભાડું જ ૩૦૦થી ૪૦૦ રૂપિયા જેટલું હતું. ગોપાળ જેવા નાના ખેડૂતોને તો પોષાય જ નહીં. નાનું ખેતર હોવાથી ભાડું ખરચતાય સમય પર બળદ મળે નહીં. તેમાંય જો વરસાદ પડ્યો તો બે ચાર દિવસ વધુ મોડું થઇ જાય. આડુ તેડું ઘાસ ઊગી નીકળે. તેને કાઢવા,તેનું નિંદામણ કરવા માટે પણ ઘણો ખર્ચ થઇ જાય. ગોપાળભાઇ વિચારતા હતા કે આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા કંઇક તો કરવું જ પડશે.

ખેતર ગામથી ૪ કિ.મી. દૂર હતું એટલે તેમને રોજ સાઇકલ પર આવ-જા કરવી પડતી હતી. એક દિવસ તેમણે સાઇકલ પર એક વ્યક્તિને લોટની ચાર ગુણી લાદીને લઇ જતા જોયો. ઘણું જ મુશ્કેલ હોવા છતાં પેલો માણસ આ કામ કરી રહ્યો હતો એ તો હકીકત હતી. એ દિવસે ગોપાળના મનમાં પણ સાઇકલનો ઉપયોગ ખેતીવાડી માટે કરવાનો વિચાર આવ્યો. તેમણે સાઇકલના પાછળના પૈડાને હટાવી, એક્સલ તેમ જ હેન્ડલનો સદુપયોગ કરીને એવું સરસ યંત્ર બનાવ્યું, જેને હળ અને બળદ વગર પણ ખેતર ખેડવાના ઉપયોગમાં લઇ શકાય. અલબત્ત શરૂઆતમાં તો આ ઉપકરણથી જમીન ખેડવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ ધીરે ધીરે જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરતા રહ્યા. આ ઉપકરણથી ખેતર તો ખેડાતું સાથે નિંદામણ પણ થઇ શક્તું હતું. તેમણે આનું નામ રાખ્યું ‘કૃષિ રાજા’.

ગોપાળનું આ યંત્ર એટલું તો સરસ કામ કરવા લાગ્યું કે પછી ક્યારેય બળદની જોડી લાવીને ખેતર ખેડવાની જરૂર જ પડી. તેઓ ખુશી ખુશી જણાવે છે કે આજે તો આવા ઉપકરણો પૂરા ભારતમાં વપરાઇ રહ્યા છે. નાના ખેડૂતો માટે તો એ વરદાનરૂપ બની ગયા છે.

વર્ષ ૨૦૦૦માં તેમણે એક પત્રકારને પોતાના આ ઉપકરણ વિશે જણાવ્યું કે એ નાના ખેડૂતો માટે કેટલું લાભદાયક છે તો આ પત્રકારે ફોટા અને માહિતી સાથે એક છાપામાં છાપ્યું. જલગાંવના કોઇ મહાજને આ પેપર કટિંગને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, અમદાવાદ ખાતે મોકલી દીધું. ગોપાળ કહે છે કે વર્ષ ૨૦૦૦માં મને આ શોધ બદલ પુરસ્કાર મળ્યો. મને તો કોઇ આશા જ ન હતી કે કોઇ પુરસ્કાર મળશે અને મારે દિલ્હી જવાનું થશે, પણ પછી નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશને પત્રવ્યવ્હાર કર્યો અને ‘ગ્રાસરૂટ્સ’ એવૉર્ડ આપીને સન્માનિત કર્યા. ત્યાર બાદ તો જોધપુરની મૌલાના આઝાદ તેમ જ ઉદયપુરની પેસિફિક યુનિવર્સિટીએ પણ તેમના સંઘર્ષને સલામ કરતાં ‘ખેતરના વૈજ્ઞાનિક’ કહીને નવાજ્યા. મિશન ફાર્મર સાયન્ટિસ્ટ પરિવારના પ્રણેતા ડૉ. મહેન્દ્ર મધુપે તેમની કિસાન વૈજ્ઞાનિકોની એક પુસ્તક શ્રેણીમાં ગોપાલ માટે પણ એક પ્રકરણ ફાળવ્યું છે.

બે એકર જેટલી જમીન ધરાવતા ગોપાળભાઇને પોતાનું નામ થયું એ વાતની ખુશી છે તો આ ઉંમરે કામ કરવું પડે છે તેનો રંજ પણ છે. જોકે, પતિ-પત્ની મળીને ખેતરમાં જે પકવે છે તેમના માટે પર્યાપ્ત છે. કૂવો છે, પાણી છે. જુવાર-કપાસ જેવા પાક લઇ શકે છે તેમાંથી તેમના નાનકડા સંસારનું ગાડું ગબડ્યા કરે છે. આમ તો વર્ષના ૪૦થી પ૦ હજાર કમાઇ લે, પણ ક્યારેક દુકાળ કે પાણીની અછત જેવી પરિસ્થિતિ હોય તો આવક અડધી પણ થઇ જાય. જોકે, જે મળે તેમાં ખુશ રહીને પોતાનું ગુજરાન કરે છે.

એક ખેડૂતના રૂપમાં તેમણે જીવનભર પરિશ્રમ કર્યો. તેમનો એ પરિશ્રમ આજ સુધી ચાલુ છે. તેમની સાથેના માણસો ઉપર આવી ગયા છે, પણ તેઓ આ ઉંમરે પણ કામ કરી રહ્યા છે. તેઓ પૂરું જીવન ઇમાનદારી સાથે જીવ્યા છે. ભલે બે પૈસા ઓછા મળ્યા હોય, પણ હંમેશાં સંતોષી રહ્યા છે. તેમને એક પુત્ર પણ છે જે અહમદનગરમાં નોકરી કરે છે. સિનિયર એલ.આઇ.સી. એજન્ટ તરીકે કામ કરે છે. બંગલો-ગાડી બધું જ છે, પણ તેમનો જ પુત્ર તેમને મદદ નથી કરતો. ક્યારેક ક્યારેક મળવા આવી જાય છે. એટલે જ તેમણે અને તેમની પત્નીએ આ ઉંમરે પણ ખેતીવાડીનું કામ કરવું પડે છે.

ખુદ આખી જિંદગી સમસ્યાઓ સાથે લડ્યા અને લડતા રહે છે. સાથે સાથે અન્ય ખેડૂતોને નડતી સમસ્યા દૂર કરવા પણ પહોંચી જાય છે. એક સમયે સિકંદરાબાદ, હૈદરાબાદના ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું તો ત્યાંની એક કંપનીએ ખેતર ખેડતી આવી ૫૦ સાઇકલ વિડર મગાવી હતી. ગોપાળભાઇ ત્યાં જઇને ખેડૂતોને પ્રેક્ટિકલી સમજાવી આવ્યા હતા કે કેવી રીતે આ મશીન કામ કરે છે અને કેવી રીતે તેને ચલાવવું. ત્યાંના ખેડૂતોએ જ્યારે ખેતરમાં આ મશીન ચલાવ્યું તો એ લોકો ખૂબ ખુશ થઇ ગયા હતા. ગુજરાત અને છેક બનારસ કાશીમાં પણ આ મશીનો પહોંચી ગયા હતા અને તેમને ચલાવવા માટેની સમજ આપવા ગોપાળભાઉને પણ બોલાવવામાં આવતા. અરે દેશ તો ઠીક, વિદેશમાં પણ આવા ઉપકરણો વપરાતાં થઇ ગયા છે. ક્ંબોડિયા અને ન્યૂ યોર્કથી આ મશીન લેવા આવેલા બે જણા પણ તેનું જ્ઞાન મેળવવા ગોપાળભાઉ પાસે આવેલા. તેઓ જતી વખતે તેમનો ફોટો પણ સાથે લઇ ગયા હતા. બોલો, દ્વાપરયુગમાં ગોપાળ શ્રીકૃષ્ણે ગાય-બળદની સેવા કરી અને લીધી પણ ખરી. તેમના ભાઇ બળરામ પણ હળધારી કહેવાતા, જ્યારે આજના આ ગોપાળને ન તો ગાય-બળદની સેવાનો લાભ મળ્યો કે ન મળ્યું હળ. તોયે ધન્ય છે તેમને. તેમણે તેમના વગર પણ ખેતીવાડી કરી જાણી. ભારત જેવા કૃષિપ્રધાન દેશનું ગૌરવ વધાર્યું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4t082Q
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com