25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મારી મા જાણશે કે હું કમોતે મર્યો તો એ કૃષ્ણને શાપ દેશે : દુર્યોધન

મા ફલેષુ કદાચન-અંકિત દેસાઈઘનઘોર જંગલમાં દુર્યોધન પડ્યો પડ્યો તેના અંતિમ શ્ર્વાસ ગણી રહ્યો હતો. તેના સ્મરણપટલ પરથી જિવાયેલા વર્ષો પસાર થઈ રહ્યા હતા. તેની આંખો આગળ રહી રહીને માતા ગાંધારીનો ચહેરો દેખાઈ રહ્યો હતો. ક્યારેક તેને ઝરૂખે વાટ જોતી ભાનુમતિ નજરે ચઢી રહી હતી. દુર્યોધનને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે હવે તેના જીવનનો અંત એકદમ નજીક છે. જોકે તેને પોતાની હારનું કોઈ દુ:ખ નહોતું. માધવના શબ્દો તેને સાંત્વના આપી રહ્યા હતા કે પ્રપંચ વિના દુર્યોધનને યુદ્ધમાં હરાવવો મુશ્કેલ હતો. તેના મનમાં એ બાબત સજ્જડ ઘર કરી ગઈ હતી કે માધવ અને પાંડવે આ યુદ્ધમાં માત્ર ને માત્ર પ્રપંચ જ આદર્યું છે અને એ પ્રપંચને કારણે જ તેની હાર થઈ છે. એટલે ઇતિહાસ તેના શૌર્યને યાદ રાખશે!

અલબત્ત, એય દુર્યોધનનો અહમ્ જ હતો, કારણ કે તેને પોતે જીવનભર આચરેલા પ્રપંચો યાદ નહોતા આવી રહ્યા. તેને માત્ર યુદ્ધમાં તેની સાથે આચરવામાં આવેલી અનીતિઓ જ યાદ આવી રહી હતી. તેને એવી ઈચ્છા હતી કે એ તેના અંતિમ શ્ર્વાસ તેની માની પાસે લે. પરંતુ તેની એવી સ્થિતિ નહોતી કે તે થોડું પણ સ્થળાંતર કરી શકે.

દુર્યોધન તેના વિચારોમાં મગ્ન હતો ત્યારે ત્યાં અચાનક અશ્ર્વત્થામા અને કૃપાચાર્ય ત્યાં આવી પહોંચ્યા. અંધકારમાં દુર્યોધન તેમના ચહેરા નહોતો જોઈ શકતો, પરંતુ અશ્ર્વત્થામાના ચહેરા પર એક વિજયી સ્મિત હતું.

મિત્ર, આજે મેં તારું સ્વપ્ન પૂરું કર્યું.’ ઘોડા પરથી ઉતરેલા અશ્ર્વત્થામાએ અભિમાન ભરેલા સ્વરે કહ્યું.

‘એટલે?’ દુર્યોધને અત્યંત ક્ષીણ અવાજે પૂછ્યું. જોકે તેના અવાજમાં આશા જરૂર હતી.

‘એટલે કંઈ નહીં મિત્ર, મેં પાંડવોની છાવણીમાં હાહાકાર મચાવ્યો. પેલા નીચ ધુષ્ટદ્યુમ્નને તો સૂતેલો ચીરી નાંખ્યો. આ તો ઠીક એકેય પાંચાલોને મેં જીવતા નહીં રહેવા દીધા. આજે માત્ર પિતા દ્રોણનો પ્રતિશોધ ખરા અર્થમાં પૂરો થયો મિત્ર. દ્રુપદના કુળનો મેં નાશ કર્યો. નપાવટે મારા પિતાનું અપમાન કરેલું અને મારા પ્રપંચથી મારા પિતાની હત્યા પણ કરેલી.’

અશ્ર્વત્થામાના અવાજમાં અત્યંત તેજી હતી. એ જાણે ત્રાડ પાડતો હોય એવા ઊંચા અવાજે દુર્યોધનને બધું સમજાવી રહ્યો હતો. પોતે પાંડવોની છાવણીમાં આચરેલી હિંસાની વાત કરતી વખતે વચમાં તે અટ્ટહાસ્ય પણ કરી રહ્યો હતો. તેના મામા કૃપાચાર્યને અશ્ર્વત્થામાનું એવું વર્તન જોઈને અત્યંત આશ્ર્ચર્ય થઈ રહ્યું હતું. તેમને લાગતું હતું કે અશ્ર્વત્થામા બ્રાહ્મણપુત્ર છે કે રાક્ષસ છે? આવી ચીસો પાડતા તેમણે રાક્ષસોને પણ નહોતા સાંભળ્યા.

‘નીચ દ્રુપદ અને તેનું નીચ કુળ આજે બધાયને મોતને ઘાટ ઉતારી દીધા મેં. મિત્ર મેં દ્રોપદીના પુત્રોને પણ આજે મારી નાંખ્યા. હવે ઉજવો તમારી જીત, વગાડો ઢોલ ને નગારા. હાથીની અંબાડીએ બેસીને હસ્તિનાપુર પહોંચો એટલે દ્રોપદી તમારા લલાટે તિલક કરીને તમારું સ્વાગત કરશે’ અશ્ર્વત્થામા તેના મગજ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. તે એ રીતે બોલી રહ્યો હતો જાણે તે દુર્યોધનને નહોતો કહી રહ્યો, પરંતુ પાંડવોને ઉદ્દેશીને આખી વાત કહી રહ્યો હતો.

‘મારા મિત્ર, તું મહાન છો. જે કામ કર્ણ, દ્રોણ કે પિતામહ નહીં કરી શક્યા એ કામ તેં કરી બતાવ્યું છે. પાંડવો હવે રાજ્ય મેળવીને પણ રાજ્ય ભોગવવા સમર્થ નહીં રહે. ભીમે મારી સાથળ પર કરેલા પ્રહારનો તું બદલો લઈ આવ્યો.’ દુર્યોધનના ચહેરા પર સહેજ સ્મિત આવ્યું. સહેજ અટકીને તે ફરી બોલ્યો, ‘બસ, હવે હું નિરાંતે મારા શ્ર્વાસ છોડી શકીશ. મારો છેલ્લો શ્ર્વાસ છૂટશે ત્યારે મને કોઈ વસવસો નહીં રહેશે. એટલી ધરપત તો જરૂર રહેશે કે પેલા પ્રપંચીઓને મારી સેનાએ સારી પેઠે રંજાડ્યા.’

દુર્યોધન થોડી વાર અટક્યો. તેનાથી સળંગ બોલી શકાતું નહોતું. અચાનક તેના મનમાં એક ઈચ્છા જાગી અને તેણે અશ્ર્વત્થામા આગળ તેની ઈચ્છા વ્યક્ત કરી.

‘મારું આખું શરીર પેલા નીચે છૂંદી કાઢ્યું છે, પરંતુ મને ઈચ્છા થાય છે કે હું કુરુક્ષેત્રના રણમેદાનમાં જાઉં અને ત્યાં મારા અંતિમ શ્ર્વાસ લઉં જે જગ્યાએ મારા પરમ મિત્ર કર્ણ, આજીવન જેમણે માત્ર મારું જ હિત ઈચ્છ્યું છે એવા મારા મામા શકુનિ ને મારા જીવથીય વહાલો મારો ભાઈ દુ:શાસન જે ધરતીમાં પોઢી ગયો એ ધરતી પર મારેય મરવું છે.’

‘હું તને ત્યાં લઈ જઈશ મારા મિત્ર, તારાથી વધુ મારા માટે બીજું કશું જ નથી’ અશ્ર્વત્થામાએ દુર્યોધનને કુરુક્ષેત્ર લઈ જવાની તૈયારી દાખવી.

‘પરંતુ મારું આ શરીર એકત્રિત કઈ રીતે કરી શકીશ મિત્ર? પેલા જાનવરે આખું શરીર છૂંદી નાંખ્યું છે. ને મને લાગે છે કે હવે મારા શરીરમાં ઝાઝા પ્રાણ રહ્યા નથી. હું હવે થોડા જ સમયનો પ્રવાસી છું. તું મને ત્યાં લઈ જઈશ ત્યાં સુધીમાં તો મારો અંત આવી જશે.’

દુર્યોધનની વાત સાચી છે અશ્ર્વત્થામા હવે તેના શરીરને અહીંથી ખસેડશું તો તેને અસહ્ય પીડા થશે. તું જો તેનો સાચો મિત્ર હોય તો તારે તેની પીડામાં વધારો ન કરવો જોઈએ.’ કૃપાચાર્યે અશ્ર્વત્થામાને સમજાવી જોયો.

‘હા મિત્ર, મારે કુરુક્ષેત્ર નથી જવું. આ ધરા સાથે જ કંઈક વિશેષ ઋણાનુબંધન હશે. ભલે અહીં મારા શ્ર્વાસ ખૂટતા’ દુર્યોધને આંખો મીંચી લીધી. તેની બંને આંખોમાંથી આંસુ બહાર આવ્યા. તેને રહી રહીને તેની મા ગાંધારીની યાદ આવી રહી હતી.

‘મારા અવસાન પછી એક નાનકડું કામ કરીશ મિત્ર?’

‘મારા મિત્ર, તું કામ બોલ. મારા માટે મહત્ત્વનો તું છો, તારું નાનું કે મોટું કામ નહીં. એ તો હું કરીશ જ.’

‘મારી મા ગાંધારી અને મારા પિતા ધૃતરાષ્ટ્રને મારા વંદન કહેજે. એમને કહેજે કે જીવનના અંતિમ સમયમાં મેં માત્ર તેમનું જ સ્મરણ કર્યું હતું. પરંતુ મારા માતા-પિતાને એમ નહીં કહેતો કે મેં ભીમ અને કૃષ્ણએ મને પાપથી માર્યો છે. તેમને એમ પણ નહીં જણાવતો કે ભીમ મારા હથિયાર વિહોણા શરીર પર નાચ્યો હતો અને પછી શિયાળોએ મારું શરીર ચૂંથ્યું હતું.’

‘કેમ મિત્ર? ભીમ અને કૃષ્ણનું પ્રપંચ તો જગજાહેર થવું જ જોઈએ’ અશ્ર્વત્થામાએ તર્ક રજૂ કર્યો.

‘એ તો થશે જ, પરંતુ મારા માતા-પિતા એ વાત જાણશે કે હું પ્રપંચથી કમોતે મર્યો તો તેમના માટે જીવવું દુષ્કર થઈ પડશે. મારી માતા મારા મૃત્યુના વખતના દૃશ્યની કલ્પના કરશે અને ભાંગી પડશે. મારા તરફડતા શરીર, મારી આસપાસ પથરાયેલા લોહીના ખાબોચિયા કે મારા શરીર પર બણબણતી માખીઓ વિશે એ કલ્પના કરશે તો તેના જીવનના પાછલાં વર્ષો અત્યંત પીડામાં જશે. આખરે કઈ મા તેના દીકરાને કમોતે મરતા જોઈ શકે?’

દુર્યોધન શ્ર્વાસ લેવા માટે થોભ્યો. અશ્ર્વત્થામા કશુંક બોલવા જતો હતો એને પણ તેણે અટકાવ્યો અને થોડા સમય પછી ફરી કહ્યું.

‘મારી મા એક વાર મારું મોત સ્વીકારી લેશે, પરંતુ મારું કમોત મારી મા ક્યારેય નહીં સ્વીકારે એટલે જ જો તે જાણશે કે ભીમ અને કૃષ્ણના કપટને લીધે મારું કમોત થયું છે તો એ ક્રોધે ભરાશે અને કૃષ્ણ અને ભીમને શાપ આપશે.’

‘ભલે આપતી શાપ એ બંને દુષ્ટો શાપને જ લાયક છે.’

મિત્ર, મેંય આખી જિંદગી કપટ તો કર્યું જને? મેં ભીમના લાડુમાં ઝેર ભેળવવાથી લઈ દ્રોપદીના ચીરહરણ કે તેમના માટે લાખનો મહેલ ચણાવીને એ બાળી મૂકવાથી લઈ બાર બાર વર્ષો સુધી પાંડવોને જંગલે જંગલે રખડાવ્યા એ પણ પાપ જને? તો પછી હવે એ પાપની વેલ ક્યાં સુધી વિસ્તારવી છે? માધવ જેવો માધવ સ્વીકારી ગયો કે મને યુદ્ધમાં હરાવવો અશક્ય છે. એટલે ત્યાં વાત પૂરી થાય છે. તારા આ મિત્રની ત્યાં જ જીત થઈ જાય છે કે માધવ પોતે સ્વીકારી ગયા કે દુર્યોધનને કપટ વિના મારી ન શકાય તો પછી હવે એ પાપને ક્યાં સુધી વિસ્તારવું?’

અશ્ર્વત્થામા દુર્યોધનની વાત સાથે સહમત થયો. તેને સમજાતું નહોતું કે તેનો આ મિત્ર મૃત્યુ ટાણે કેમ આવી વાત કરી રહ્યો હતો? શું તેણે પાંડવોને માફ કરી દીધા હશે?

‘ના મિત્ર, હું પાંડવોને માફ પણ નહીં કરી શકું અને તેમને પ્રેમ પણ નહીં કરી શકું. આ તો બસ મારા જીવની શાંતિ માટે મેં કહ્યું.’ અશ્ર્વત્થામાના મનના ભાવ સમજી ગયેલા દુર્યોધને સામેથી આ જવાબ આપ્યો. અશ્ર્વત્થામાને આશ્ર્ચર્ય થયું કે પોતે કંઈ પૂછ્યું નથી તોય દુર્યોધન તેના મનના ભાવ કઈ રીતે જાણી શક્યો? (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1841y0Y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com