25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ટ્રમ્પ ઠાકર સાહેબને મળવા ફરી ઇન્ડિયા (મુંબઇ) આવે છે...

હસ્યા તો મારા સમ-સુભાષ ઠાકર‘હેલ્લો ઠાકરિયા, ટ્રમ્પ હિયર ફ્રોમ યુ.એસ.એ.’

પંપ? કોણ પંપ? ક્યાંનો પંપ? શાનો પંપ? સાઇકલમાં હવા પૂરવાનો કે જમીનમાંથી પાણી કાઢવાનો.

‘અરે પંપ નઇ ટ્રમ્પ ટોપા, પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. નાનપણનો તારો ગોઠિયો, સ્કૂલમાં સાથે...’

‘અરે વાઉઉઉ, ટ્રમ્પિયા તુઉઉઉ?’ એટલું બોલી વરઘોડાના નાચણિયા ઘોડાની જેમ હું ત્રણ વાર અઢી-અઢી ફૂટ ઉછળ્યો.‘જા, તારી કિટ્ટા...ડોન્ટ ટેક વિથ મી? સાલા પટેલ બહારગામ જાય ને ભેંશના ખીલા ભૂલી જાય એમ તું મને ભૂલી ગયો? મને? તને ભાવનગરના ગાંઠિયા યાદ આવ્યા પણ આ નાનપણનો ગોઠિયો યાદ ન આવ્યો?’

‘એવું નથી પણ આ મોદીની મુક્કાલાતના ચક્કરમાં આપણી મુક્કાલાત રહી ગઇ ને મોદીજીએ ભાવનગરના ગાંઠિયાની મુક્કાલાત કરાવી. મેં તો અહીં આવી સંસદમાં પણ કીધું. ગુજરાતમાં એજ્યુકેશનનું મહત્ત્વ એટલું કે ત્યાંના ભાવનગરના ગાંઠિયાની આગળ પણ ભણેલા’ લખવામાં આવે છે.

સળગતી બીડી પર પગ પડી ગયો હોય એમ હું ચમક્યો ને ઊછળ્યો,‘હેં! ભણેલા ગાંઠિયા...તેં ક્યાંથી કાઢ્યા વ્હાલા?’

‘અરે ગાંઠિયાની દુકાન બહાર બોર્ડ મારેલું એ લખેલું ને મેં વાંચેલું, ભણેલા ગાંઠિયા મળશે.’

‘ડોબા, અક્કલના ઓથમીર, બુદ્ધિના બળદિયા, થ્રી ઇન વન. એ ‘ભણેલા’ નઇ ‘વણેલા’ લખેલું. ‘વણેલા ગાંઠિયા’. તું યાર મગજની મેથી ન માર મને તો ભૂલી ગયો પણ હવે તો તું મારી ગુજરાતી ભાષાને પણ ભુલાવી દઇશ. તું ભૂરામાંથી ટ્રમ્પ બન્યો એમાં તારી જાતને મોટો માણસ સમજવા લાગ્યો પણ માઇન્ડ વેલ, મોટા થવામાં બહુ માલ નથી. મોટા થયા પછી મા પણ પોતાની કેડમાંથી નીચે ઉતારી દે, સમજ્યો?’

‘આઇનો બકા, મા કેડમાંથી ઉતારે કે બાપા ખભેથી ઉતારે, પણ મોટી તો જનતા જ છે. હમણાં ચૂંટણી...’

‘પણ તું તો માતાજીના મંદિરની જેમ ગુજરાતની પ્રદક્ષિણા કરીને જતો રહ્યો. ધિક્કાર છે આ મિત્રતા પર...’

‘ધિક્કાર કરવાનો તને અધિકાર છે. એટલે ગાંઠના ગોપીચંદન કરી તને મળવા ફરી એક વાર મુંબઇ કાંદિવલી આવું છું પણ મારી શરત એ છે કે અમદાવાદની જેમ દીવાલો ચણી પેલી ગંદી ગટરો કે ગરીબોની ઝૂંપડપટ્ટીઓ છુપાવી નઇ દેવાની. તમારું હાથી દાંત જેવું છે. દેખાડવાના ને ચાવવાના અલગ...આ તો ફ્લાઇટ ગયું ઉપરને નીચેની તમારી પોલ પકડાઇ ગઇ. કેટલાય ગરીબો મને જોવા-મળવા દીવાલમાંથી ડોકી કાઢી પાણીના બતકની જેમ ડોકી હલાવ્યા છતાં મારી મુક્કાલાત રહી ગઇ. બિચારી ગરીબોની મુક્કાલાત.’

‘અરે હું છું ને. હું તારો સુદામા ને તું મારો કૃષ્ણ. બસ! પણ ટ્રમ્પિયા તું હજી મુલાકાત ને મુક્કાલાત કહેવાનું ભૂલ્યો નથી. અહીં આવ એટલે બતાવું મુક્કાલાત કોને કહેવાય.’

‘આરએસીમાં પણ રિઝર્વેશન ક્ધફર્મ થયું તો મુક્કાલાત સોરી... સોરી...મુલાકાત થઇ સમજ...બાય...’

મિત્રો, યુનો આ ટ્રમ્પ મોદી કરતાં પણ મારો વધુ જિગરી. મોદી શરમથી અને વ્યવહારથી ભેટે પણ હું હૈયાથી ભેટી પડું. પણ નસીબ નસીબના

ખેલ છે, ખોટું બોલતો હોઉં તો હનુમાનજી એની ગદાથી મને ફટકારે

બસ...

હું રિસીવ કરવા અંધેરી ગયો. ટ્રમ્પ આવ્યો"જો ટ્રમ્પ આ અંધેરી સ્ટેશન છે. રાજઓના જમાનાથી વર્ષો જૂની અંધેરી નગરી ને ગંડુરાજા નામની કહેવત પરથી આ પરાનું નામ અંધેરી પડ્યું. આમ તો આજે આખો દેશ અંધકારમાં છુપાઇને અંધેરી બન્યો છે. આખો દેશ અંધેરી નગરી ગંડુરાજાની બધા પાર્લામેન્ટમાં ખુદ ભગવાન પણ નથી જાણતો કે અજવાળું ક્યારે આવશે અને એને હવે રસ પણ નથી. અહીંથી જેવી ટ્રેન પકડી કે પીસ્તાલીશ મિનિટમાં કાંદિવલી.

‘બા-પ-રે ફોર્ટી ફાઇવ મિનિટ. પણ કાંદિવલી તો પંદર મિનિટમાં આવે એવું મેં સાંભળ્યું...’

"એમ બાપરે કે બારે કરી મારા કાન પર હથોડા ન માર... આવે. જરૂર આવે પણ રિક્ષા કે ટ્રેન પકડીએ તો સમજ્યો ? અહીં ૭= ૪૫ની લોકલ ૮ =૧૦ સુધી રિસાયેલી વહુની જેમ દર્શન નથી દેતી.

‘પણ આ ઇન્ડિકેટરમાં તો ૭=૪૫ બતાવ્યું છે.

‘હા મારા વ્હાલા દબંગ, પણ ઇન્ડિકેટર હશે તો જ ખબર પડે કે ટ્રેન કેટલી લેટ છે.’

એટલામાં સ્ટેશન પર ઉપર લટકાવેલા ફાંસીના ફંદા જેવા સ્પીકરમાંથી બોદો અવાજ નીકળ્યો ‘કૃપયા ધ્યાન દે...બોરીવલી જાનેવાલી સભી ગાડિયાં પંદ્રહ મિનિટ દેરી સે ચલ રહી હૈ. યાત્રીઓકો હોનેવાલી અસુવિધા કા હમેં ખેદ હૈં...’

‘તારી હગલી થાય ચંપલી તું કંઇ અમારી માસીની કે ફઇની દીકરી છે કે તને અમારા માટે ખેદ થાય ડોબી. અહીં હસીમેળાપથી હૈયા મેળાપ સુધી પહોંચતાં આખો જન્મારો પૂરો થઇ જાય તો યે કોઇ ગગીઓએ ખેદ વ્યક્ત કર્યો નથી ને તને કયા તગારામાંથી અમારા પર હેત ઊભરાઇ આવ્યું.

‘ઠાકર યે પંદ્રહ કો ચોવીસ મિનિટ હો ગયા, લેકિન અભી ટ્રેન...’

‘તો મૈં ક્યા કરું? મૈં મોટરમેન હૂં યે ઇન્ડિયા મેં પૂરા વીક રુકેગા તભી માલૂમ પડેગા...

દેખ બીડુ ટ્રેન મેં ભીડ બહોત હોગી, જેવી ગાડી પ્લેટફોર્મ પર આવે કે...’

‘હાયલા લોચો, ખતરનાક લોચો, ટ્રમ્પે મારી વાત કાપી નાખી. અગર ગાડી

પ્લેટફોર્મ પર આયેગી તો કિતને લોગ

કુચલ જાયેંગે...હમારે યહાં તો પટરીપે

આતી હૈ?

‘અરે ઇધર ભી પટરીપે હી આયેગી, એ પહેલાં ચાર-પાંચ હનુમાન ચાલીસા કરી કોઇ ઉઘરાણીવાળા પાછળ પડ્યા હોય એમ દોડી લપાઇ છુપાઇને અંદર ઘૂસી જવાનું...’

‘અરે તું ચિંતા મત કર...મૈં...

‘અરે યુ ડોન્ટ નો, તારા વ્હાઇટ હાઉસના સોગંદ ખાઇને કઉં છું કે જો તું ટ્રેનના ડબામાં તું અંધેરીથી ગોરેગાંવ-મલાડ સુધી જાય ત્યાં સુધી તારો એક જ પગ નીચે હશે ને જો તું બીજો પગ મૂકી બતાવે તો મુંબઇનું શેરબજાર અને અમારી પાર્લામેન્ટ બન્ને તારા નામે કરી દઉં, અરે ડોબા. અજાણ્યા સંબંધો, અપરિચિત ચહેરાઓ સાથે પણ સગા સાઢુભાઈને ભેટતા હોઇએ. તોય લોકો કહેશે મુંબઇમાં પ્રેમ નથી. અલ્યા ટોપા તારી આખી જિંદગીમાં સગા મામા-કાકા માસાને આમ ભેટ્યો નઇ હોય..

ઘંટીનાં બે પડની વચ્ચે પિસાતા ઘઉંની જેવી તારી હાલત થાય પણ ટ્રેમ્પિયા અહીં આ એક એવી ભીડ છે કે કોણ કોની દયા ખાય...યાદ રાખ નદિયા ચલે કે ચલે રે ધારા...તુજકો ચલના હોગા...ટ્રેનની અંદર ગયા પછી હું ક્યાં હોઇશ એ ખબર નઇ પડે એટલે પૂછવાનું કે ગાવાનું નઇ, તુ કહાં મૈં યહાં...અપની અપની મંઝિલ ઓર અપની અપની દોડ... અહીં ટ્રેનમાં ટ્રેઇન થવાના ક્લાસ કરવા પડે...

ઘઉંની ગૂણમાંથી ઘઉં ઠલવાય એમ માણસોની ભીડ દરેક સ્ટેશને ઠલવાય છે પણ જિંદગીની મુસાફરીમાં પણ આપણી ભીડનો ખજાનો ઓછો નથી. ઘરમાં સંપત્તિની ભીડ, શરીરમાં ડાયાબિટિસ, બ્લડપ્રેશર, હાર્ટ-કિડનીના રોગોની ભીડ, મનમાં વિચારોની ભીડ, બુદ્ધિમાં જ્ઞાન અને આવડતના અહંકારની ભીડ, આત્મામાં પરમાત્માઓની ભીડ...આપણે એક પરમાત્માથી ચાલતું નથી એટલે મંદિર, હવેલી, ચર્ચ, દેરાસર, મસ્જિદ, ગુરુદ્વારા ઊભાં કર્યાં ને એમાં પેટા વિભાગ કરી વિષ્ણુ, કૃષ્ણ, રામ, હનુમાન, મહાવીર, નાનક, અલ્લાહ, ખુદા પાસે માંગણીઓની મોટી ભીડ બધા ઇશ્ર્વરે આપણી માગણી તો મંજૂર કરી પણ કોણ પૂરી કરે એ માટે બધા ભગવાનો એકબીજા પર ઢોળી દીધી પરિણામે આપણે બધી બાજુથી બગડી ગયા. (ટ્રેનની આગળની સફર આવતા મંગળવારે)

શું કહો છો? (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

bFbM74
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com