25-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મને અજવાળાં બોલાવે

દર્શના વિસરીયા‘ભારતના લદાખમાં આવેલા કોઈક ખૂણાના ગામડાના એક ઘરમાં એક દિવસ બલ્બ પ્રકાશિત થાય છે અને પ્રકાશિત થયેલાં બલ્બને તેની આસપાસમાં ઊભેલા ગામડાના વીસ-પચ્ચીસ વૃદ્ધો અને ચાર પાંચ બાળકો જાણે કોઈ ચમત્કાર જોઈ રહ્યા હોય એમ જોઈ રહે છે. ‘મેં સપનામાંય નહોતું વિચાર્યું કે રાતના અંધારામાં પણ મારું ઘર પ્રકાશથી ઝળહળી ઉઠશે.’ સિત્તેર વર્ષની આસપાસના એક વૃદ્ધા બોખા મોઢાથી આ શબ્દો કહે છે અને તેમની આંખોમાં બે આંસુરૂપી મોતી તગતગી રહ્યા હતા... જોકે આવો અનુભવ પહેલી વખત નથી થયો. જ્યારે પણ હું અને મારી ટીમ આ જ રીતે કોઈ ગામડામાં વીજળી પહોંચાડીએ છીએ ત્યારે ગામવાસીઓની પ્રતિક્રિયા એકદમ જોવા જેવી હોય છે અને એ ક્ષણ હંમેશાં હૃદયને સ્પર્શી જનારી હોય છે. મને યાદ છે કે એક વખત અમે ભારતનાં આવાં જ એક ગામડામાં પહેલી વખત વીજળી પહોંચાડી હતી અને એ દિવસે આ ગામના લોકો ખુશીના માર્યા નાચવા લાગ્યા અને સતત બે કલાક સુધી તે નાચતા જ રહ્યા. આવો એક બીજો કિસ્સો છે જેમાં ગામમાં જેવો બલ્બ ચાલુ થયો કે ગામના એક વૃદ્ધ ચોધાર આંસુએ રડી પડ્યા. આવા તો કઈ કેટલાય અનુભવો છે મારી યાદોના ખજાનામાં. પણ તેમ છતાંય એક વાત તો કહેવાની કે પહેલી વખત વીજળી જોઈને લોકોની આંખોમાં જે ચમક જોવા મળે છે એને કોઈ પણ શબ્દોમાં વર્ણવવી શક્ય જ નથી. જેના વિશે જો અત્યારે વાત કરવા બેસીશું તો કદાચ તમે તમારી ડેડલાઈન ચૂકી જશો...’ આ શબ્દો છે ત્રીસેક વર્ષના પારસ લુમ્બાના. હવે કદાચ તમને થશે કે પારસ વીજળી વિભાગમાં કામ કરતો હશે અને એટલે તે તેની ફરજના એક ભાગરૂપે લોકોના જીવનમાં પ્રકાશ લાવવાનું કામ કરી રહ્યો હશે તો તમારી આ માન્યતા એકદમ ભૂલ ભરેલી છે. વ્યવસાયે તો પારસ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે, પણ પોતાના દિલથી તે એક ચેન્જમેકર (પરિવર્તન લાવનાર) છે. છેલ્લાં સાત વર્ષથી તે પોતાની ટીમ સાથે મળીને દેશના અંતરિયાળ વિસ્તારો, ગામડામાં જ્યાં સરકાર વીજળી નથી પહોંચાડી શકી એવા વિસ્તારોમાં વીજળી પહોંચાડીને પરિવર્તન લાવવાનું કામ કરી રહ્યો છે. જો ફેમિલી બેકકગ્રાઉન્ડની વાત કરીએ તો પારસના પિતા એક આર્મી ઓફિસર છે.

અચાનક પારસને અંધારામાં રહી ગયેલાં ગામડાના લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું કેમ સૂઝ્યું તો એ વિશે વાત કરતાં તે જણાવે છે કે ‘આજથી આઠેક વર્ષ પહેલાં સુધી તો પારસની લાઈફ પણ ભારતના અન્ય યુવાનોની લાઈફ જેવી જ હતી. પણ ૨૦૧૨માં હું એન્ટાર્કટિકાના ઈન્ટરનેશનલ એક્સપીડિશનમાં ભાગ લીઘો હતો અને અહીંથી જ મારી જિંદગીમાં વળાંક આવ્યો. મને ખ્યાલ આવી ગયો કે મારે જીવનમાં આગળ કરવું છે શું? એના થોડાક સમય બાદ મેં ભારતના જ લદાખ અને અન્ય પર્વતીય વિસ્તારમાં ટ્રેકિંગ કર્યું અને એ વખતે મને ખ્યાલ આવ્યો કે કઈ રીતે અહીં ક્લાયમેટ ચેન્જ કઈ રીતે અહીંના લોકોના જીવન પર સીધે સીધું અસર કરી રહ્યું છે. એન્ટાર્કટિકાની વાત અલગ છે, ત્યાં કોઈ રહેતું નથી. પરંતુ લદાખ અને હિમાલયમાં કેટલાં બધાં નાનાં નાનાં ગામડાઓ આવેલાં છે, જેઓ જીવવા માટેની મૂળભૂત જરૂરિયાતથી વંચિત જીવન ગુજારી રહ્યા છે. હું મારા પ્રવાસ દરમિયાન એમના માટે કંઈક કરી શકું ખરો? બસ આ જ સવાલનો જવાબ મેળવવા માટે મેં મારી નાઈન ટુ ફાઈવની જોબ છોડી દીધી અને શરૂ કર્યું ગ્લોબલ હિમાલય એક્સપીડિશનની. આ ગ્રુપ ટ્રેકિંગલવર્સ માટે જ છે, અને તેમાં સહભાગી થવા ઈચ્છનારે પોતાની ફીની સાથે સાથે એક વધુ વ્યક્તિની ફી આપવી પડે છે. આ જે વધારાની ફી છે તેમાંથી જ અમે લોકો ગામડામાં જરૂરિયાત મુજબ અલગ-અલગ કામ કરીએ છીએ. મેં કામ કરવા માટે સૌથી પહેલાં લદાખની પસંદગી કરી અને મારા પહેલાં એક્સપીડિશનમાં અલગ અલગ દેશના ૨૦ લોકો જોડાયા. આ એક્સપીડિશન વખતે જ અમે લોકોએ લેહની મહાબોધિ સ્કૂલમાં ‘થર્ડ પૉલ એજ્યુકેશન બેઝ’નો પાયો નાખ્યો. આ શાળામાં લેહ અને તેની આસપાસમાં આવેલાં ગામના આશરે ૫૦૦ જેટલા બાળકો ભણવા માટે આવે છે. બાળકોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે આ ઈ-બેઝ તૈયાર કરવામાં આવ્યો છે. પૂર્ણપણે સૌર ઊર્જા પર ચાલનારા આ બેઝમાં બાળકો માટે ટેબલેટ્સ, લેપટોપ અને ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવી છે જેની મદદથી તેઓ બહારની દુનિયા સાથે કનેક્ટ થઈ શકે છે. આ સિવાય અહીં ટીવી, ૧૦ ટેલિસ્કોપ અને બાળકો માટે જ્ઞાનવર્ધક પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા છે.’

આ ઈ-બેઝની શરૂઆત દરમિયાન જ પારસને એક વખત એક વિદ્યાર્થીના ગામ સુમદા ચેંમોમાં જવાની તક મળી. આ ગામ સુધી પહોંચવા માટે પારસને બે દિવસ સુધી ટ્રેકિંગ કરવી પડી હતી. ૧૩ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા ગામનો ઈતિહાસ આશરે ૧૦૦૦ વર્ષ જૂનો છે અને સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે અહીં વીજળીનું નામોનિશાન નહોતું. બસ અહીંથી વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવ્યા બાદ હવે પારસે લોકોના ઘરોમાં પ્રકાશ ફેલાવવાનું કામ શરૂ કર્યું. ૨૦૧૪માં પારસે ડીસી માઈક્રોગ્રિડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ગામમાં ત્રણ સોલાર ડીસી માઈક્રોગ્રિડ લગાવ્યા. ડીસી માઈક્રોગ્રિડ લગાવવાનું કારણ આપતા તે જણાવે છે કે ‘સૌથી પહેલું અને મહત્ત્વનું કારણ એટલે આ માઈક્રોગ્રિડ લગાવવામાં ખૂબ જ સરળ છે અને બીજી વાત એટલે આમાં વોલ્ટેજ અને કરન્ટ ઓછા હોવાને કારણે કોઈને કરન્ટ લાગવાનું જોખમ નથી રહેતું. અત્યાર સુધી હું અને મારી ટીમ આ રીતે ૧૦૫થી વધુ ગામમાં વીજળી પહોંચાડી ચૂક્યા છીએ અને ભવિષ્યમાં પણ આ જ રીતે કામ કરતાં રહીશું. ટૂંકમાં કહું તો જ્યાં રસ્તા પૂરા થાય છે ત્યાંથી મારું કામ અને મારો રસ્તો ચાલુ થાય છે. મારી ટીમમાં અમે આઠ લોકો છીએ અને અમે બધા જ એન્જિનિયરિંગના બેકગ્રાઉન્ડથી ધરાવીએ છીએ. અમે બધા જ ડિવાઈસ જાતે બનાવીએ છીએ પછી એ પેનલ હોય કે ગ્રિડ સિસ્ટમ.’

ટ્રેકિંગ એક્સપીડિશન દરમિયાન આવી પ્રવૃત્તિ કરવાના અનુભવ વિશે પૂછતાં જ પારસ કહે છે કે ‘લોકોને આ કોન્સેપ્ટ ખૂબ જ ગમી રહ્યો છે. તેમને અહેસાસ થાય છે કે કઈ રીતે તેમના એડવેન્ચરને કારણે લોકોના જીવનમાં ઉજાસ ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં મારી પાસેથી ગયા બાદ કેટલાક લોકોએ નાના પાયે આવી જ પહેલ પોત-પોતાના વિસ્તારોમાં પણ કરી છે. એક નેપાળી છોકરી પહેલાં અમારા આ એક્સપીડિશનમાં જોડાઈ અને ત્યાર બાદ તેણે નેપાળમાં જઈને ખુદ એક અલગ અભિયાન શરૂ કર્યું. તમારા કામ પરથી પ્રેરણા લઈને કોઈ તમારા કામને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે એનાથી મોટો આનંદ તો શું હોઈ શકે જીવનમાં?’

આ આખી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એ જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે સૌથી પહેલાં તો ટીમ એવા ગામની પસંદગી કરે છે, જ્યાં કામ કરવાની ખૂબ જ જરૂર છે. ત્યાર બાદ એક્સપીડિશનની જાહેરાત કરવામાં આવે છે. ત્યાર બાદ એક્સપીડિશનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને જણાવવામાં આવે છે કે તેમની પાસેથી લેવામાં આવનારી વધારાની ફીમાંથી શું કામ કરવામાં આવશે. જેવો આ પહેલો તબક્કો પૂરો થઈ જાય એટલે ટીમ બીજા તબક્કા પર કામ કરવાનું શરૂ કરે છે. બીજા તબક્કામાં કોઈ એક ગામને ઈલેક્ટ્રિફાઈડ કરવાનાં સાધનો એકઠા થઈ જાય છે, એટલે ટીમ તે સાધનોને ગામની નજીક પહોંચાડી દે છે. ત્યાંથી ગામવાસીઓ આ સામાનને ગામ સુધી લઈ જાય છે. જ્યારે એક્સપીડિશન માટે ટીમ ગામ પહોંચે છે ત્યારે ગામમાં ઈલેક્ટ્રિફિકેશનનું કામ શરૂ કરવામાં આવે છે. આ માઈક્રોગ્રિડની સારસંભાળની જવાબદારી ગામવાસીઓને જ આપવામાં

આવે છે અને ગામમાં ઘરદીઠ દરમહિને ૧૦૦થી ૧૫૦ રૂપિયા લેવામાં આવે છે. આ રકમ બેંક એકાઉન્ટમાં જમા કરાવે છે. આ સિવાય ગામના જ બે વ્યક્તિને ગ્રિડ મેઈન્ટેનન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી પારસ અને તેમની ટીમના ગયા બાદ કોઈ સમસ્યા ઉદ્ભવે તો ગામવાસીઓ જ તેને પોતાની રીતે ઠીક કરી લે.

આ સિવાય પારસે ગામની મહિલાઓને રોજગાર મળી રહે એ માટે હોમ સ્ટેની પહેલ પણ કરી છે. આ પહેલાં ટ્રેકિંગ કરવા આવનારા લોકો ગામની બહાર કેમ્પ લગાવીને રહેતા હતા. પરંતુ ગામમાં હોમ સ્ટેની સુવિધા મળવાને કારણે તેઓ ગામમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં પોતાનો ફોન ચાર્જ કરવા માટે ગામવાસીઓને અલગથી પૈસા પણ આપી રહ્યા છે. ગામના જે લોકો હેન્ડીક્રાફ્ટ્સનું કામ કરતાં હતા એ લોકો પણ લાઈટ આવી જવાને કારણે રાતે પણ કામ કરી શકે છે અને વધારે આવક કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહેવાનું થાય તો પારસ ગામડાનાં ઘરોમાં પ્રકાશ લાવવાની સાથે સાથે લોકોના જીવનમાં પણ પ્રકાશ લાવવાનું ભગીરથ કામ કરી રહ્યા છે. અત્યારે હવે પારસ અને તેની ટીમ ભારતના ઉત્તર પૂર્વીય ગામો તરફ આગળ વધી રહી છે અને ત્યાં કામ કરવા માટે તે ઉત્સુક છે. મેઘાલય અને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં તેમણે કામ કરવાનું શરૂ કરી જ દીધું છે. જો ભારતનો દરેક યુવાન પારસ જેવી વિચાધારા ધરાવતો થઈ જાય તો ભારતને દુનિયામાં નંબર વન બનતાં કોઈ જ નહીં અટકાવી શકે, એ વાતની તો ૧૦૦ ટકાની ગેરન્ટી છે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

24Q3I2O
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com