28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પહેલો સગો પાડોશી

માણસને માથે ક્યારે અને કેવી મુસીબત આવી પડે એના કોઈ ધારાધોરણ નથી હોતા. મુસીબત આવી પડે ત્યારે આપણા નિકટના સગા-સંબંધીઓ સુધી પહોંચવામાં વાર લાગે એમ હોય અને તાત્કાલિક મદદની જરૂર હોય ત્યારે પહેલી મદદ પાડોશીની મળી આવે છે. અચાનક ઘરમાં શોર્ટ સર્કિટ જેવી સમસ્યા થાય ત્યારે ભાઈ કે ભત્રીજાને બોલાવવાનો સમય નથી હોતો. આવે વખતે પાડોશી પહેલો ઉપયોગી થાય છે. એટલું જ નહીં ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે મહેમાનોને સૂવા-બેસવાની સગવડથી માંડીને બીજી કેટલીક સહાય પાડોશી પાસેથી મળી જતી હોય છે. અચાનક મરણ થયું હોય ત્યારે ઘરના સભ્યો અને મહેમાનોના ચા-પાણી અને જમાડવાની જવાબદારી પાડોશી સામે ચાલીને ઉપાડી લેતા હોય છે. આવાં ઉદાહરણો પરથી જ ‘પહેલો સગો પાડોશી’ કહેવત પડી હોવી જોઈએ. જોકે, મોટા શહેરોની મોટી સોસાયટીઓમાંથી હવે આ પાડોશી સંસ્કૃતિની લગભગ બાદબાકી થઈ ગઈ છે. પાડોશીઓનું આપસમાં હળવામળવાનું માત્ર ઔપચારિક સ્તરનું રહ્યું છે. હા, બાજુના ઘરમાં શું ગરબડ ચાલે છે એ તિરાડમાંથી જોવાનો મોહ અકબંધ છે. વિદેશમાં તો પાડોશી સંસ્કૃતિ જવલ્લે જ જોવા મળે છે. બીબીસી તરીકે ઓળખાતી બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક સિરીઝમાં નેબર્સ એટલે કે પાડોશી પ્રેમની વાત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં એક એવા વિસ્તારની વાત કરવામાં આવી છે, જ્યાં રહેવા માટે જે કેટલીક શરતોનું પાલન કરવું ફરજિયાત છે એમાંની એક શરત છે પાડોશીઓ સાથે હળવું મળવું. એક સર્વે અનુસાર સ્વીડનમાં ઘણા લોકો એકલતા નામની બીમારીથી પીડાય છે. વળી આ સમસ્યા માત્ર વડીલોની જ છે એવું નથી. યુવા વર્ગ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ દેશમાં શાળા શિક્ષણ પૂરું થતાની સાથે બાળકો નોખા થઈ જાય એની નવાઈ નથી. દેશના ઘણા શહેરોના બિલ્ડિંગોના ફ્લેટમાં અડધોઅડધ ફ્લેટ્સ એવા છે જેમાં એક જ વ્યક્તિ રહેતી હોય. આવા વાતાવરણ માટે આવો પ્રયાસ આવકાર્ય છે.

વાત સાચી કે પ્રેમ-લાગણી પરાણે ન થાય, પણ આ પ્રકારનો પ્રયત્ન સામાજિક જીવનમાં અનુભવાતી એકલતા દૂર કરવામાં મદદરૂપ બનશે એવું માનવામાં આવે છે. ખાસ કરીને યુકે અને યુએસએમાં જ્યાં બાળકો ૧૭-૧૮ વર્ષના થાય એટલે માતા-પિતાનું ઘર છોડીને પોતાની અલાયદી દુનિયા વસાવવા જતા રહેતા હોય છે ત્યાં આવો માહોલ કેળવાય એ જરૂરી છે. બહુ વર્ષો આપણે પશ્ર્ચિમના દેશોની કેટલીક બાબતોનું અનુકરણ કર્યું, હવે એમનો વારો છે. શું કયો છો?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ou3uj6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com