28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હોળી ખેલંતી, લગન મહાલંતી, રાસ રમંતી કહેવતોમાં તહેવાર-ઉત્સવ, પ્રસંગની હાજરી-૧

ઝબાન સંભાલ કે-હેન્રી શાસ્ત્રીઆપણા દેશની જે વિવિધ ખાસિયતો અને લાક્ષણિકતાઓ છે એમાં તહેવારો, ઉત્સવો અને પ્રસંગોનું આગવું મહત્ત્વ અને વિશેષ સ્થાન છે. આપણી પ્રજાની અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓની ઓળખ ઉત્સવઘેલી પ્રજા તરીકેની છે. ઉત્સવ-તહેવાર કે પ્રસંગ આવ્યા નથી કે આપણે મહાલવા નીકળ્યા નથી. હમણાં જ હોળી-ધુળેટીનો તહેવાર ઉજવાઈ ગયો. હોળીને કેન્દ્રમાં રાખીને કેટલીક કહેવતો બની છે.

સૌથી પહેલા આપણે ઉલ્લાસ-ઉજવણીનું પ્રતિબિંબ પાડતી કહેવત જાણીએ. એ કહેવત છે હોળી ખેલંતી, લગન મહાલંતી, રાસ રમંતી, એટલી સ્ત્રીના આનંદનો પાર નહીં. આ કહેવત ઘણા વર્ષો જૂની છે અને એ સમયની છે જ્યારે સ્ત્રી માટે ઘર સંભાળવાની જવાબદારી જ પ્રમુખ અને મહત્ત્વની ગણાતી. એટલે તહેવાર હોય કે કોઈ પ્રસંગ આવે ત્યારે મહિલા મંડળને ખીલી ઊઠવાનો અવસર મળતો. એમાંય હોળીના તહેવાર વખતે કે લગ્નપ્રસંગે અથવા રાસ-ગરબા રમવાના હોય ત્યારે મોર કળા કરતી વખતે આનંદમાં હોય એના કરતાં અનેકગણો આનંદ સ્ત્રીના હૈયે જોવા મળે.

ઘરની ક્ધયાના વિવાહ થાય ત્યારે ઘરના વડીલો તરફથી વિવિધ સમજણ અને શિખામણ એને આપવામાં આવતી. ખાસ કરીને સાસરિયામાં કેવી રીતે વર્તવું એ વિષે કહેવામાં આવતું. એ વિશેની એક દિલને સ્પર્શી જાય એવી કહેવત છે કે હોળી જેવી ભોળી થજે, પણ દિવાળી જેવી કાળી મા થઈશ. આપણે એના શબ્દાર્થમાં ન પાડીએ અને એનો ભાવાર્થ જાણીએ કે સાસરિયામાં ભોળા થઈને રહેવું, પણ કાળા કામ કરવાથી દૂર રહેવું. તાત્પર્ય એટલું જ કે નવા ઘરમાં સંસાર માંડતી વખતે સંપીને રહેવાને જ પ્રાધાન્ય આપવું.

આપણે ત્યાં શુભ કાર્યો કરતી વખતે ચોઘડિયું-મુહૂર્ત જોઈને પછી જ નિર્ણય લેવાની એક વિશેષ પરંપરા રહી છે. આ સંદર્ભમાં એક બહુ જાણીતી કહેવત છે કે હોળીનો પડવો અને અમાસની બીજ, ને વણપૂછ્યા મુહરત તે તેરસ ને ત્રીજ. વર્ષ દરમિયાન એવાં કેટલાક દિવસો હોય છે જયારે શુભ કામ કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી. હોળી પછીનો બીજો દિવસ ધુળેટી (ફાગણ વદ એકમ) પડવો હોવાથી એનો, દિવાળી અમાસને દિવસે હોય છે અને એ પછી આવતી આસો સુદ બીજ, ધનતેરસ તેમ જ અખા ત્રીજનો આ શુભ દિવસોમાં સમાવેશ છે.

હોળીનું નાળિયેર એ ખાસ પરિસ્થિતિમાં વપરાતો પ્રયોગ છે. આફતની અવસ્થામાં કે માથે જોખમ તોળાતું હોય ત્યારે ત્રાહિત એટલે કે ત્રીજી વ્યક્તિને એમાં સંડોવવામાં આવે કે તેને સપડાવવામાં આવે ત્યારે એ વ્યક્તિને હોળીનું નાળિયેર બનાવવામાં આવી એમ કહેવાતું હોય છે.

હોળી સળગાવવી એ પણ જાણીતો રૂઢિ પ્રયોગ છે. હોળી પ્રગટાવવી એ તહેવારની ઉજવણીનો સંકેત છે જ્યારે હોળી સળગાવવી એટલે ક્લેશ, કંકાશ કે દુ:ખ ઊભા કરવા. હોળી પ્રગટાવવામાં શ્રદ્ધા ન હોય તો નહીં પ્રગટાવતા, પણ હોળી સળગાવવામાં તો ક્યારેય નિમિત્ત નહીં બનતા, હં ને!

(કહેવતોમાં તહેવાર-ઉત્સવ અને પ્રસંગની હાજરીની વધુ કહેવતો આવતા રવિવારે- ક્રમશ:)

मर्कट आणि मद्य

ગુજરાતી કહેવતોમાં પ્રાણીજગતની હાજરી વિષે આપણે ચાર હપ્તામાં વિસ્તૃતપણે જાણ્યું અને માણ્યું. પ્રાણીઓના સ્વભાવની લાક્ષણિકતા કેન્દ્રમાં રાખીને ઘણી અસરકારક કહેવતો બની છે.

આજે આપણે મરાઠીમાં જોવા મળતી એવી કહેવત જાણીએ અને સમજીએ. એ વાંચ્યા-જાણ્યા પછી વધુ એક વાર ભાષાની નિકટતાનો પરિચય થશે.

આજની પહેલી મરાઠી કહેવત છેआधीच मर्कट तशात मद्य प्याला. મર્કટ એટલે વાનર અને મદ્ય એટલે દારૂ કે શરાબ. આનો શબ્દાર્થ એમ છે કે સારાસારનો વિવેક ન ધરાવતો વાનર હાથમાં રહેલા પ્યાલામાં રહેલી વસ્તુ યોગ્ય છે કે અયોગ્ય એનો વિચાર કર્યા વિના એ ગટગટાવી જાય અને પછી તોફાને ચડીને બધું ખેદાનમેદાન કરી નાખે.

એટલે ઓછી સમજણ હોય અને બીજા કોઈની ચડામણીથી ખોટું ડહાપણ દેખાડનારી વ્યક્તિ માટે આ કહેવત વપરાય છે. આને સમાંતર અર્થ ધરાવતી બીજી એક મરાઠી કહેવત પણ છે કે माकडाच्या हाती कोलीत. કોલીત એટલે ઉંબાડિયું.

જો અણસમજુ વાનરના હાથમાં બળતું લાકડું આવી જાય તો શું થાય એ ફોડ પાડીને કહેવાની જરૂર ખરી?

અપાત્ર માણસના હાથમાં કારભાર સોંપવામાં આવે તો નુકસાન જ થાય એ આ કહેવતનો ભાવાર્થ છે. હવે તમે કહેશો કે ગુજરાતીમાં અસ્સલ આવી એક કહેવત તો છે જ ‘વાંદરાના હાથમાં નિસરણી આવી.’

વાનરના હાથમાં સીડી આવે એટલે એ ચડઉતર કરીને અટકચાળા તો કરવાનો જ. જોકે, મરાઠીનું મદ્ય ગુજરાતીમાં નિસરણી કેમ બની ગયું હશે? ગુજરાતમાં દારૂબંધી છે એટલે?

DISCOVERY and INVENTION

માનવજીવનમાં બે ભાવનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. સ્થૂળ ભાવ અને સૂક્ષ્મ ભાવ. ભાષાના દૃષ્ટિકોણથી વિચારીએ તો કેટલાક શબ્દયુગ્મ એટલે કે શબ્દોની જોડ એવી હોય છે કે એને ઉપરછલ્લી રીતે એટલે કે સ્થૂળ ભાવે જોઈએ તો એના અર્થ સરખા લાગે, પણ જરા ઊંડાં ઉતરવાથી શબ્દફેરના અર્થફેરની પણ જાણકારી મળી જાય. સાચે જ જ્ઞાનનો સાગર કેટલો વિશાળ હોય છે નહીં. બે અંગ્રેજી શબ્દોના ઉદાહરણ પરથી આ વાત સ્પષ્ટ થઈ જશે. આ બે શબ્દો છે ડિસ્કવરી અને ઈન્વેન્શન. બેઉના અર્થ શોધખોળ થાય એવી સમજ છે જે ખોટી નથી. જોકે, બેઉમાં એક તફાવત છે જે અત્યંત મહત્વનો છે જેને નજરઅંદાજ ન કરી શકાય.

DISCOVERY: ડિસ્કવરી એટલે શોધ, પણ એવી વસ્તુ કે બાબતની શોધ કે જેનું અસ્તિત્વ હતું, પણ માણસજાતને એની જાણ નહોતી અને એક દિવસ મળી આવી અથવા પ્રયત્નોથી શોધી કાઢવામાં આવી. ગુરુત્વાકર્ષણનું બળ તો પૃથ્વી પર હતું જ, પણ માણસની નજર એના પર નહોતી પડી. જગવિખ્યાત વૈજ્ઞાનિક આઈઝેક ન્યુટન એક દિવસ બગીચામાં ઝાડ નીચે બેઠા હતા અને અચાનક એક સફરજન તેમના માથા પર પડ્યું. તેમને વિચાર આવ્યો કે સફરજન નીચે પડ્યું, ઉપર કેમ ન ગયું? બસ એમાંથી જ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની ડિસ્કવરી એટલે કે શોધ થઈ. એ જ રીતે રીતે અમેરિકા કે પછી શનિના ગ્રહ ફરતે રહેલા વલયોનુું મળી આવવું કેે ગયા વર્ષે મળી આવેલી બ્લેક હોલની પ્રથમ ઈમેજ ડિસ્કવરીના જુદા જુદા ઉદાહરણો છે.

INVENTION:: વ્યાપક સ્વરૂપે ઈન્વેન્શનનો અર્થ પણ શોધ કે ખોજ જ થાય છે, પણ બારીકાઈથી જોતા એક મહત્ત્વનો ફરક નજરે પડે છે. ઈન્વેન્શન એટલે એવી બાબત કે વસ્તુની ખોજ જેનું અસ્તિત્વ જ અગાઉ નહોતું. ડિસ્કવરી કરતાં એકદમ વિપરીત. ઉદાહરણ તરીકે ટેલિવિઝન, કમ્પ્યુટર કે પછી જેની મદદથી આ લેખની સામગ્રી સાત હજાર કિલોમીટર દૂરથી પણ પળવારમાં મોકલી શકાય છે એ ઇન્ટરનેટ સુધ્ધાં ઈન્વેન્શન તરીકે ઓળખાય છે. લાઈટ બલ્બ, એરોપ્લેન કે ટેલિફોન પણ ઈન્વેન્શનના જ ઉદાહરણો છે.

ડિસ્કવરી અને ઈન્વેન્શનનો ફરક સમજાવવા એક મજેદાર ઉદાહરણ આપવામાં આવે છે. શિક્ષકે ક્લાસમાં આ સવાલ પૂછતા એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ‘મારા પિતાએ મમ્મીને ડિસ્કવર કરી અને બેઉ જણે મળીને મને ઇન્વેન્ટ કર્યો.’ હસવાની મનાઈ નથી.

बाज और उड़ान

કહેવતો સમાજનું દર્પણ તરીકે ઓળખાય છે. સમાજમાં પ્રચલિત મહત્ત્વની વાત નાનકડા વાક્યો દ્વારા અસરકારક રીતે રજૂ કરીને કહેવત દૈનિક આપલેની ભાષાને મજેદાર બનાવી દે છે.

હિન્દી ભાષાની આ કહેવત बाज के बच्चे मुंडेर पे नहीं उड़ा करते પરથી આ વાત સુપેરે સમજાય છે.

પહેલા કહેવતનો શબ્દાર્થ સમજીએ. બાજ પક્ષી તો તમે જાણતા જ હશો જે ખૂબ ઊંચે ગગનમાં ઉડવા માટે જાણીતું છે. મુંડેર એટલે મકાનની છતની સૌથી ઉપરની ધારની દીવાલ અથવા વંડી. ટૂંકમાં કહીએ તો મુંડેર સીમિત ઊંચાઈને સૂચવે છે. એટલે કે બાજનું બચ્ચું મુંડેર જેવી ઓછી ઊંચાઈ પર ન ઊડે.

આ કહેવતનો ભાવાર્થ છે કે જે લોકો વિશાળ કે મોટા પાયે વિચારતા હોય એ લોકોનું દિમાગ નાને પાયે કે નાના ફલક પર ક્યારેય વિચારે

જ નહીં.

બે કરોડ રૂપિયાની કાર ખરીદનારો ક્યારેય એ કાર લિટરદીઠ કેટલા માઈલ આપે છે એવો સવાલ ન કરે એના જેવી જ વાત થઈ ને.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

v38w0u6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com