28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કચ્છની ખારી ધરતી પર વસેલું અદ્ભુત નગર: ધોળાવીરા

સફરનામા-દર્શના વિસરીયાગયા અઠવાડિયે સોલો મહિલા ટ્રાવેલર્સ માટે સુરક્ષિત હોય એવા ભારતની સ્થળોની વાત કરી લીધા બાદ હવે આપણે પાછા આપણા જૂના ટ્રેક પર આવી જઈએ અને વાત કરીએ. આજે આપણે મુલાકાત લેવાના છીએ એ સ્થળની મુલાકાત નથી લીધી તો તમારું બાકીનું ભારતભ્રમણ કદાચ અધૂરું જ ગણાય. ઈતિહાસપ્રેમીઓ માટે તો આ જગ્યા એ ધરતી પરના સ્વર્ગસમાન છે. આજે આપણે સફરનામામાં મુલાકાત લઈશું કચ્છની ધીંગી ખારી ધરા પર આવેલા આપણા મૂલ્યવાન ઐતિહાસિક વારસા સમાન ધોળાવીરાની.

આમ તો કોઈ પણ પ્રકારના અંધવિશ્ર્વાસ પર આપણે ભરોસો કરતાં જ નથી, પરંતુ એક અંધવિશ્ર્વાસને કારણે જ એક પ્રાચીન અને મોટી સભ્યતાના અવશેષો સારી હાલતમાં જળવાઈ રહ્યા છે હડપ્પા સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા. કચ્છના રણની વચ્ચે ખડીર ટાપુ પર વસેલું છે ધોળાવીરા અને એ પણ પૂરા પાંચ હજાર વર્ષ પહેલાં તેની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવેલી ઝીણામાં ઝીણી બાબત વિષે વાત કરીએ તો આજના એન્જિનિયર સુધ્ધાં ચક્કર ખાઈ જાય. ખેર, એ વાત તો આપણે આગળ કરવાના જ છીએ, પણ અત્યારે વાત કરીએ કે કઈ રીતે એક અંધશ્રદ્ધાએ આટલી જૂની સંસ્કૃતિને જાળવીને રાખી છે આપણા માટે. જ્યારે ધોળાવીરાની વાત થઈ રહી હોય ત્યારે આખેઆખું ફોકસ આપણે માત્ર ધોળાવીરા પર જ રાખીએ, તેની આસપાસમાં આવેલા અન્ય ફરવાલાયક સ્થળોની વાત ફરી ક્યારેક કરીશું

એવું કહેવાય છે કે આ ટાપુ પર એક તપસ્વી સાધુ રહેતાં હતા અને આ સાધુનો જ એક શિષ્ય નગરમાં ભિક્ષા લેવા ગયો તો એક દિવસ તેમને કોઈએ ભિક્ષા નહીં આપી. ખાલી હાથ જ્યારે શિષ્ય ગુરુ પાસે પાછો આવ્યો ત્યારે ગુરુ ક્રોધિત થઈ ગયા. ગુસ્સામાં આવીને તેમણે શ્રાપ આપ્યો કે જે નગરમાં દાન-પુણ્ય ના થતું હોય એ નગરનો સર્વનાશ થઈ જાય અને આ જગ્યાની કોઈ પણ વસ્તુનો ઉપયોગ જો કોઈએ પણ કર્યો તો તેનો પણ નાશ થઈ જશે. બસ સાધુના આ શ્રાપને કારણે જ એક ધરતીકંપ આવ્યો અને આખું નગર તહેસનહેસ થઈ ગયું. આ શ્રાપની લોકોના મન પર એટલી બધી અસર થઈ કે લોકોએ આ જગ્યા પર જવાનું જ બંધ કરી દીધું, એટલું જ નહીં પણ ત્યાંની કોઈ પણ વસ્તુ ઉપયોગ કરવા માટે સાથે લાવ્યા નહીં. એટલું જ શું કામ ત્યાંના પથ્થર સુધ્ધાંનો ઉપયોગ કોઈએ નહીં કર્યો. હડપ્પા સંસ્કૃતિના આ નગર વિશે સૌથી પહેલી વખત જાણ થઈ ૧૯૬૦માં. ખૂબરૂ લાંબા સમય સુધી ખોદકામ ચાલ્યું અને હડપ્પા, મોહેંજોદડો, રાખીગઢી, કાલીબંગા, ધોળાવીરા અને લોથલ એમ છ જૂના નગરના અસ્તિત્વ વિશે લોકોને જાણ થઈ. આ ઉપરાંત અહીં ૧૦ અક્ષરોવાળું એક સાઈનબોર્ડ પણ મળ્યું હતું, પરંતુ આજ સુધી તેની લિપી વણઉકેલાયેલી જ છે.

ધોળાવીરાને અહીં મળી આવેલી હડપ્પા સભ્યતાના અવશેષો દુનિયાના નક્શા પર નેમ, ફેમ અને ગ્લેમ એમ ત્રણેય વસ્તુ અપાવી છે. આ જગ્યા સિંધુ ઘાટી સભ્યાતાની અન્ય મહત્ત્વપૂર્ણ પુરાતાત્વિક સાઈટમાંથી એક છે. હડપ્પા શહેર જે આ સ્થળના ખોદકામ વખતે મળી આવ્યું હતું તે ધોળાવીરાનું સૌથી મોટું આકર્ષણ છે. ધોળાવીરા હંમેશાથી જ ઈતિહાસકારો માટે એક મહત્ત્વની શોધ હતી, છે અને રહેશે. આજથી પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે આ શહેર વસાવવામાં આવ્યું હશે એ વખતે ધ્યાનમાં રાખવામાં આવેલી નાનામાં નાની બાબતો એ વખતના લોકોની દૂરંદેશીનો પરિચય આપે છે. શહેરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં કિલ્લો, મધ્ય શહેર અને નીચલો શહેર એમ ત્રણ અલગ અલગ ભાગ કરવામાં આવ્યા હતા. હડપ્પા શહેરની ખાસિયત એ છે કે અહીં બધું જ બાંધકામ પથ્થરોથી કરવામાં આવ્યું છે, જ્યારે એ સમયમાં બાકીના શહેરો કે બાંધકામ ઈંટથી કરવામાં આવતા હતા.

આ શહેરની બીજી એક ખાસિયત એટલે અહીંની જલસંરક્ષણ પ્રણાલી. પાણીનો બચાવ અને સંગ્રહ કઈ રીતે કરી શકાય એની સુઝબુઝ એ વખતના લોકોમાં ખૂબ જ કમાલની હતી. અહીં ખોદકામ વખતે અનેક જળાશયો, કૂવા મળી આવ્યા છે. એટલું જ નહીં અહીં એવા કેટલાક એવા ટેંક પણ મળી આવ્યા છે, જે એક બીજા સાથે જોડાયેલા છે. આ ટેંક બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું કે એક ટેંકમાં પાણી ભરાઈ જાય એટલે પોતાની જાતે જ પાણી બીજા ટેંકમાં જતું રહે અને આવી એક આખી ટેંકની ચેન એ વખતે લોકોએ તૈયાર કરી હતી. જૂના બાંધકામના અવશેષો સિવાય ખોદકામ વખતે સોના, ચાંદીના ઘરેણા, વાસણો, માટીના શિલ્પો વગેરે પણ મળી આવ્યા હતા. આ જગ્યા ઈતિહાસપ્રેમીઓ માટે એક ખજાના સમાન છે, અને સ્થાનિકો તેને કોટડા ટિમ્બાના નામે ઓળખે છે. ૧૯૯૦થી ભારતીય પુરાતત્ત્વશાસ્ત્રીઓ અહીં સતત ખોદકામ કરી રહ્યા છે. ધોળાવીરા ૧૦૦ એકરમાં ફેલાયેલું છે, અને તે ચોરસ આકારનું છે. અહીં એક કિલ્લો છે, જે શહેરની વચ્ચોવચ્ચ આવેલો છે. ત્યાર બાદ મધ્ય શહેર અને નીચલો શહેર આવેલું છે. ધોળાવીરાના અવશેષો તેના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. આ એકદમ વેલમેઈન્ટેન અને યોજનાબદ્ધ રીતે બનાવેલું શહેર છે.

-----------------------

કેવી રીતે પહોંચશો?

બાય ટ્રેન: ધોળાવીરાનું કોઈ સ્વતંત્ર રેલવે સ્ટેશન નથી. ધોળાવીરા જવા માટે નજીકનું રેલવે સ્ટેશન ભુજ છે. મુંબઈથી ભુજ બાય ટ્રેન પહોંચી ગયા બાદ ત્યાંથી આગળનો પ્રવાસ બાય રોડ કરવો પડશે. અલબત્ત મુંબઈથી ભુજનો પ્રવાસ બાય ટ્રેન ચૌદથી પંદર કલાકનો છે. જો તમને આટલો સમય વેડફવાની ઈચ્છા ના હોય તો તમે બાય રોડ પણ આ પ્રવાસ કરી શકો છો.

બાય ઍર: મુંબઈથી ધોળાવીરા બાય ટ્રેન જવું થોડો વધારે સમય ખર્ચનારું સાબિત થશે, એના કરતાં બાય એર જવું પ્રમાણમાં સહેલું પડશે. જોકે, એ માટે તમારે થોડા વધારે પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. ધોળાવીરા જવા માટે નજીકનું એરપોર્ટ છે ભુજ. ભુજથી ધોળાવીરા ૨૫૦ કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાંથી આગળનો પ્રવાસ તમારે બાય રોડ પ્રાઈવેટ ટેક્સી કે કારમાં જ કરવો પડશે.

રોટી, કપડાં ઔર મકાન: ધોળાવીરા એ કચ્છનો કોહિનૂર છે અને એટલે જ અહીં વર્ષના ૩૬૫ દિવસ પર્યટકોની અવરજવર જોવા મળે છે. અહીં રહેવા માટે અલગ અલગ રેન્જની હોટેલ્સ અને રિસોર્ટ્સ ઉપલબ્ધ છે. રહી વાત ખાવા-પીવાની તો કચ્છમાં આવો અને તમને ખાવા-પીવામાં કોઈ મુશ્કેલી પડે એ શક્ય જ નથી. પણ હા, થોડો સ્વાદમાં લેટ ગો કરવાની તૈયારી રાખશો તો ધોળાવીરાની મુલાકાત તમારા માટે એક સંભારણુ બની રહેશે.

અહીં આવવા માટેના બેસ્ટ સમયની વાત કરીએ તો ગરમીને બાદ કરતાં કોઈ પણ સમયે તમે અહીં આવી શકો છો. કચ્છમાં ઉનાળાનો સમયગાળો ઉકળાટથી ભરપુર હોય છે, એટલે શક્ય હોય ત્યાં સુધી આ સમયગાળામાં અહીં આવવાનું ટાળવું જોઈએ. શિયાળામાં અહીં આવવું વધારે હિતાવહ છે, કારણ કે આ સમય દરમિયાન અહીં વાતાવરણ એકદમ આહ્લાદક હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

s56563
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com