28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મોઢામાં ચાંદા-ગળામાં બળતરા અને મોળ, ઉબકા માટે કયો ઇલાજ કરી શકાય?

આરોગ્ય વિજ્ઞાન-ડૉ. મલ્લિકા ચંદ્રશેખર ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં ક્ધસલ્ટન્ટ)કાંદિવલીથી એક દરદીનો પત્ર આવ્યો છે. તેઓ લખે છે કે મને છેલ્લા બેએક વર્ષથી મોઢામાં વારંવાર ચાંદા પડે છે. કોઇ પણ તીખી વસ્તુ ખાવાનું બંધ કરતાં એ મટી જાય છે. સતત કબજિયાત તથા અપચાની તકલીફ હોય એવું લાગ્યા કરે છે. મોળ અને ઉબકા સતત આવ્યા કરે છે. ગળામાં બળતરા થાય છે. આ માટે આયુર્વેદમાં કોઇ ઔષધ ઉપચાર હોય તો જણાવવા વિનંતી.

આવી સમસ્યાવાળા અનેક દરદીઓના પત્રો આવ્યા છે. આ જાતની તકલીફ ઘણા લોકોને રહે છે. આ થવાનું મુખ્ય કારણ ખાનપાનમાં અનિયમિતતા તથા સતત રહેતી કબજિયાત મુખ્યત્વે છે. આ રોગમાં ઊલટી કે પિત્તની બીકને લીધે પણ ઘણા દરદીઓ ખાતા નથી. આમ ઓછા ખોરાકને લીધે પણ શરીરમાં નબળાઇ આવવાનો સંભવ રહે છે. નબળાઇને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. આ જાતની તકલીફ માટે આંબળાનો મુરબ્બો લઇ શકાય. ઘરગથ્થુ પ્રયોગોમાં જેઠીમધનું ચૂર્ણ ઉત્તમ અસર બતાડે છે. રોજ એક ચમચી સવારે અને રાત્રે ખાવાથી લાભ થાય છે. નરમ કબજિયાત હોય ત્યારે એ લેવું આ ઉપરાંત જેઠીમધ, ઇસબગુલ, હરડે, આંબળા અને ચંદન આ પાંચમાં હરડે ચાર ભાગ બાકીની ચીજો એક એક ભાગ લઇ ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણ પણ રાત્રે એક ચમચી લઇ શકાય. આ રોગ માટે હવાફેર એ ઉત્તમ દવા છે. હંમેશા વેકેશન કે રજાઓમાં સૂકી આબોહવાવાળા પ્રદેશમાં રહેવા જવું જોઇએ. આમાં સાથોસાથ મન-ચિત્તની શાંતિ પણ ખૂબ જરૂરી છે. ક્રોધી કે તામસી લોકોને પિત્ત બહુ ઝરે છે. આમાં ખારેક, જરદાલુ કે કિસમિસ ખાવાથી પિત્ત નરમ પડે છે.

આ જાતના રોગને સામાન્ય ભાષામાં ‘અમ્લપિત્ત’ કહેવાય છે. એલચી, વંશલોચન, આંબળા અને ઇસબગુલ વગેરે ધરાવતા શતપત્ર્યાદિ ચૂર્ણથી લાભ થઇ શકે. આ ચૂર્ણ એક એક ચમચી સવારે અને રાત્રે લઇ શકાય. શતપત્ર્યાદિ ચૂર્ણ બે ગ્રામ સાથે સૂતશેખર બે ગોળી, પ્રવાલપિષ્ટી ચપટી તથા આરોગ્યવર્ધનીની, ચાર ગોળી મેળવી એમાંથી એક પડીકું સવારે અને એક પડીકું રાત્રે લઇ શકાય. કાળી સૂકી દ્રાક્ષ ધોઇ સાફ કરી ફોલી તેના બીજ કાઢી ગરભ હોય તે ૧૨ ગ્રામ ખડી સાકર ત્રણ ગ્રામ ઉમેરીને સવારે નરણે કોઠે કે રાત્રે સૂતી વખતે લેવાય. ગુલકંદ જેવા શીતળ શામક ઉપચાર પણ કરી શકાય. મોઢામાં જ્યાં ચાંદા કે છાલાં પડ્યા હોય ત્યાં એલચી બીજ, ચણકબાબ, શુદ્ધટંકણ, સોનાગેરુ અને સફેદ કાથો સમભાગે મેળવીને ખાંડીને તેનું મંજન કરી શકાય. પાંચ મિનિટ બાદ તેને થૂંકી નાખી કોગળા કરવા. આ ઉપચારો કરતી વેળા જલદ પદાર્થો તથા પિત્ત કરતા પદાર્થોનું સેવન ન કરવું જોઇએ.

કેટલાક લોકોને ભાત સદે છે, જ્યારે કેટલાકને ઘઉં સદે છે. પણ બંને ચીજો પેટ ભરી દાબીને જમવું નહીં. રસોઇમાં વઘારમાં ઘી-જીરું વાપરી શકાય. માફકસર હળદર, સિંધવ, સહેજ કાળા મરી, ધાણા જીરુ લઇ શકાય. કેટલાક ઊર્ધ્વગામી અમ્લપિત્તવાળાને લીંબુનો રસ સાકર અને પાણી સાથે લેતાં અનુકૂળ જણાય છે. દૂધ એ અમ્લપિત્તવાળા માટે શ્રેષ્ઠ છે. અમૃતસમાન છે. ખાસ કરીને દૂધ મલાઇ વગરનું પચે એટલું લેવુ. દૂધ પીવાની આદત ન હોય તો આદત પાડો, જેનાથી આવી સમસ્યા ઉપસ્થિત થવાનો કોઇ પ્રશ્ર્ન ઊભો થતો નથી. તાજી લીલી ગળોનો સ્વરસ બે ચમચી લેવાય. એલચી બીજ, ગળોસત્વ અને એની સાથે રૌપ્ય આપવાથી દરદીને તુરત રાહત થાય છે. બાકી આવી સમસ્યામાં અવિપત્તિકર ચૂર્ણ, એલિયાદિ ચૂર્ણ, દ્રાક્ષાદિ ચૂર્ણ લઇ શકાય. સાથોસાથ ખાનપાનમાં કોહળાની મીઠાઇનો પણ ઉપયોગ કરી શકાય. આ રોગનો ઉપચાર ચાલતો હોય ત્યારે ખાનપાનમાં નિયમિતતા તથા સ્વાદમાં નિયંત્રણ રાખીને સાદો પણ સાત્ત્વિક આહાર લેવો જોઇએ.

વાલકેશ્ર્વરથી અન્ય એક બહેન લખે છે કે મારા બાબાને સખત કૃમિ થાય છે. દવા આપીએ ત્યાં સુધી સારું રહે છે પછી સ્થિતિ યથાવત્ લાગે છે. પણ દવા બંધ કરતાં કૃમિ થાય છે. આનો કોઇ કાયમી ઉકેલ શું હોઇ શકે? ક્યારેક એ મિત્રોને ત્યાં જાય ત્યારે સોફ્ટ ડ્રિંક્સ, દહીં તથા આઇસ્ક્રીમ વગેરે લઇ લે છે. ક્યારેક એને શરીર ઉપર ચાંઠા અને શીળસ પણ થાય છે. આ માટે કોઇ આયુર્વેદિક ઇલાજ સૂચવશો? બાબાની ઉંમર ૧૪ વર્ષની છે.

અત્યાર સુધીના ઉપચારો માત્ર કૃમિને શરીરમાંથી બહાર કાઢવા માટે કરેલા છે. પણ કૃમિ મટાડવા માટેના ઇલાજ કર્યા નથી. આમાં પરેજી પાળવાની ખૂબ જ આવશ્યકતા છે. પરેજી ન પાળે તો લાભ ન થાય. કૃમિ એ કફના વિકારથી થાય છે. વારંવાર થવાથી આ દર્દ જૂનું થયા પછી કૃમિ બહાર કાઢવાની દવાથી કૃમિ બહાર પડે પણ એનો વંશવેલો ચાલુ જ રહે છે. આ માટે આયુર્વેદમાં કાંકચ, વાવડિંગ, કડુ કરિયાતુ, કીરમાણી અજમો, ઇન્દ્રજવ, ખાખરાના બીજ, વાયુંભા વગેરે ઉપાયો દર્શાવ્યા છે. ખાનપાનમાં મેંદો, દહીં, ગોળ, અડદ, માછલી, બજારુ પદાર્થો આરોગવાથી, શારીરિક અસ્વચ્છતા રાખવાથી, પગમાં પાણીથી પાણીના દોષથી આ રોગ થાય છે. ક્યારેક ઘણા કૃમિ ગુચ્છમાં પડે છે, તો ક્યારેક લાંબા કૃમિ પણ બહાર પડે છે. આના કારણે નાના બાળકોને વાઇ, આંચકી પણ આવે છે. સ્ત્રીઓને ઋતુધર્મ સાફ આવતું નથી. સ્વભાવ ચીડિયો થઇ જાય છે.

ખાસ કરીને માંસાહાર દ્વારા, પાણી દ્વારા કે ખોરાકમાં આ કૃમિના ઇંડા પેટમાં જાય છે. આંતરડાની દીવાલમાંથી તે લોહી ચૂસે છે. લાલ ચીકણી સોપારી કૃમિ મટાડવા સર્વોત્તમ છે. કૃમિથી દમ પણ થાય છે. મરડો પણ થાય છે. કૃમિની નર અને માદા બે જાત હોય છે. કૃમિ ફરે એટલે લિવરમાં જાય, ફેફસામાં જાય, હોજરીમાં આવી ઊલટી વાટે મોઢેથી પણ બહાર પડે છે. આંતરડામાં પણ જટિલ પરિસ્થિતિ પેદા કરે ત્યારે શસ્ત્રક્રિયા દ્વારા એને કાઢવા પડે. શાકભાજી, ફળો વગેરે ખૂબ જ સાફસૂફ કરી વાપરવા જોઇએ.

ઘણીવાર બાળકો ઉઘાડા પગે રમે છે તે વેળા જમીનમાંના કૃમિ પગ દ્વારા શરીર પર ચડે છે. એ પગમાં ખંજ્વાળ આવતા બાળકો ત્યાં ખંજવાળે એટલે પગમાં ચઢેલા કૃમિ હાથના આંગળા કે નખમાં આવે છે. અને ભોજન કરતી વેળા બાળકો પોતાના હાથ-પગ સ્વચ્છ રીતે ધૂએ નહીં તો જમતી વેળા એ ખોરાકમાં શરીરમાં દાખલ થઇ જાય છે. ખાસ કરીને હૂક વર્મ આ રીતે શરીરમાં દાખલ થઇ જાય છે. જે શરીરમાં દાખલ થયા બાદ આંતરડામાં ચાંદા પાડે છે.અને લોહી ચૂસે છે. પરિણામે પાંડુરોગ કે એનિમિયા પેદા કરે છે. આરોગ્યનું બરાબર પાલન કરવામાં આવે તો કૃમિ રોગને અટકાવી શકાય.

વારંવાર દૂઝતા હરસ અને સૂકા હરસની તકલીફવાળા એક ભાઇ લખે છે કે મારે ખોરાકમાં શું લેવું અને કઇ પરેજી પાળવી, એનો આયુર્વેદિક ઇલાજ શું હોઇ શકે એ બાબત જાણવા માગતા હતા.

હરસ જેને અર્શ કહે છે એ પાઇલ્સ બહુ દુ:ખકારી છે. શત્રુની જેમ પ્રાણને હરે છે. વીંધે છે. આમાં શ્રેષ્ઠ દવા અર્શોઘ્નીવટી છે, જે લેવાથી હરસમાં ઘણી રાહત થાય છે. સાથોસાથ સૂરણનો પ્રયોગ પણ કરવો. સૂરણનું શાક નિયમિત ખાતા મોટે ભાગે હરસની તકલીફ મટી જાય છે. ઘણી રાહત રહે છે. ઘણા લોકો હરસનો મલમ પણ બનાવે છે. જેમાં લીંબોડીનું મગજ ૨૦ ગ્રામ, કપૂર ૧૦ ગ્રામ, રસવંતી ૪૦ ગ્રામ, એ બધી ચીજો ઘૂંટી એનો મલમ બનાવી શકાય. એ મલમ હરસ ઉપર લગાડતાં હરસ મટી જાય છે. આમાં લીંબોડીનું મગજ ખૂબ જ ગુણકારી છે. આ ઉપરાંત રોજ જમ્યા બાદ અભયારિષ્ટ અને કુટજારિષ્ટ મેળવીને ત્રણ ત્રણ ચમચી લઇ શકાય. રાત્રે સૂતી વખતે હરડે, જેઠીમધ અને ઇસબગુલ એ ત્રણે સમભાગે મેળવીને બે ચમચી જેટલું લઇ શકાય. આ પ્રયોગથી ઘણો ફાયદો જણાશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6pb060
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com