28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રોબો માનવજાત પર આશીર્વાદ છે તો સાથે સાથે અભિશાપ પણ છે

બહ્માંડ દર્શન-ડો. જે. જે. રાવલઆજથી ૪૫-૫૦ વર્ષ પહેલાં ભારતમાં લાકડાના રોબો બનતા, તે હાથ હલાવે, બોલે અને તેના મોઢામાં લાઇટ થાય. જાપાન તો એવા સરસ રોબો બનાવે છે કે આપણે જોતા જ રહીએ. સુંદર ફેબ્રિક્સ, સુંદર રંગ. જાપાન રોબોટિકમાં ખૂબ જ આગળ છે. તે કરોડો રૂપિયાનો એક એવા રોબો બનાવે છે.

જ્યારે વાઇકિંગ યાન મંગળ પર ઊતર્યું ત્યારે તેના રોબોએ હાથે મંગળની ભૂમિ ખોદી યાનની પ્રયોગશાળાનો પ્રયોગ કરવા આપી હતી. આ પ્રયોગ મંગળ પર કોઇ સેન્દ્રિય પદાર્થ છે કે નહીં તેની ભાળ માટે હતો. સ્પેસ શટલમાં જે રોબો હેન્ડ હોય છે તે ખરાબ થઇ ગયેલા કૃત્રિમ ઉપગ્રહને પકડી શટલના ભંડકિયામાં પૂરી દે છે. આમ આવા હેન્ડરોબો ખૂબ જ ઉપયોગી છે. જયાં માનવી પહોંચી ન શકે ત્યાં રોબો પહોંચી શકે છે. આ જ રોબોની ઉપયોગિતા છે.

અણુ રિએક્ટરમાં પણ રોબો કાર્યરત છે. લિફ્ટ પણ એક જાતનો પ્રાથમિક રોબો જ ગણાય અને એલાર્મ વગાડતી ઘડિયાળ પણ એક જાતનો રોબો જ છે. કોમ્પ્યુટર, મોબાઇલ, બાયોમેટ્રી પણ બધા જાતજાતના રોબો જ છે.

ઘરમાં રોબો ઝાડુ કાઢી શકે છે. બહારથી કોઇ માનવી કે ઘરમાલિક કે માલિકણ આવે તો તેને ઓળખી ઘરનું બારણું ખોલે છે. રોબો બહુ ચોક્કસાઇથી આંખનાં ઓપરેશન કરે છે. રોબોટિક હવે તબીબીક્ષેત્રે પણ કાર્યરત છે. તે લોહી જતી નળીઓને પહોળી કરી હૃદયરોગને નિવારે છે. હવે તો ઝીણા ઝીણા, રાયના દાણા જેવડા રોબો બનાવવામાં આવે છે. એ.ટી.એમ. એક જાતનો રોબો જ છે. આગળ પડતા દેશોમાં રોબો પાસે જઇને આપણી તબિયત ચેક કરાવી શકાય છે. મેટ્રો જે ડ્રાઇવર વગર ચાલે છે તે રોબો જ ગણાય. રોબો સેન્સર પર કાર્ય કરે છે. એરપોર્ટ પર પાણીના નળમાં જે પાણી આવે છે અને તેનાં દ્વાર આપણે નજીક જઇએ ત્યારે ખૂલે છે અને બંધ થાય છે તે રોબો જ છે જે સેન્સર પર કાર્ય કરે છે.

રોબોટિક કોમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમતા)થી કાર્ય કરે છે. હાલમાં જે અંતરીક્ષયાનો અંતરીક્ષમાં જાય છે તેના માર્ગમાં જો કોઇ લઘુગ્રહ આવતો હોય તો તે તેનાં માર્ગ બદલવા શક્તિમાન છે. જો આમ ન કરી શકે તો તેને પૃથ્વીસ્થિત વિજ્ઞાનીઓને જણાવવું પડે કે તેના માર્ગમાં લઘુગ્રહ આવે છે તો મારો રસ્તો બદલો.

આ સંદેશ પૃથ્વીસ્થિત વિજ્ઞાનીઓને મિનિટ, કલાકો, દિવસો પછી મળે અને તેઓ યાનનો રસ્તો બદલવાનો કમાન્ડ આપે તો તે પણ એટલો જ સમય લે. દર કલાકે ૫૦,૦૦૦ કિ.મી.ની ગતિથી જતું યાન આટલા સમયમાં તો તે લઘુગ્રહ સાથે ટકરાઇ પણ જાય. માટે અંતરીક્ષમાં જતાં યાનો પોતે જ પોતાનો રસ્તો બદલવાની ક્ષમતા રાખે છે. હવે વિજ્ઞાનીઓ એવાં અંતરીક્ષયાનો બનાવશે જે પોતે વિચારી શકે અને દરેક પ્રકારનાં કાર્યો કરી શકે. આવા રોબોમાં થોડો ફેરફાર કરવામાં આવે તો તે પદાર્થમાંથી પોતાના જેવું જ બીજું યાન બનાવી શકશે.

ભવિષ્યમાં રોબોની કામગીરી વધશે, કારણ કે રોબો કાર્ય કરે તો જોખમ ઓછું હોય છે. ઉદ્યોગોમાં પણ રોબો વધતા જશે. આ કારણે માણસ માટે નોકરીઓ ઓછી થતી જશે. બધી નોકરીઓ વિશ્ર્વાસુ રોબો કરશે. ભવિષ્યમાં રોબો જ વિશ્ર્વ પ્રવાસ કરશે. જો રોબોને એટલો સ્માર્ટ બનાવી શકાશે તો તે ભવિષ્યમાં પોતાના જેવો જ બીજો રોબો બનાવી, બ્રહ્માંડમાં તેની વસ્તી વધતી જશે. હવે લોકોને રોબો વગર ચાલે તેવું પણ નથી. ભવિષ્યમાં અંતરીક્ષનું ખેડાણ રોબો જ કરશે.

ભારત હવે જે ગગનયાન મોકલવાનું છે તેની પ્રથમ ટ્રાયલમાં લેડી રોબો જશે.

૧૯૪૦ના દાયકામાં વિખ્યાત ગણિતશાસ્ત્રી વૉન નોયમને જાહેર કરેલું કે જો કોમ્પ્યુટરને સમજાવવામાં આવે કે હકીકતમાં તે કોણ છે અને તેને જો પદાર્થ આપીએ તો તે પોતાના જેવું જ બીજું કોમ્પ્યુટર બનાવી શકશે. જ્યારે નોયમને આ કહ્યું ત્યારે બધાએ તેની ઠેકડી ઉડાવેલી. પણ જ્યારે ફ્રાન્સિસ ક્રીક અને જેમ્સ વાટસને ડીએનએ અને આરએનએના કોડ તોડ્યા ત્યારે ખબર પડી કે ડીએનએ-આરએનએ ગણિતશાસ્ત્રી વૉન નોયમને કહ્યું હતું તે પ્રમાણે જ કાર્ય કરે છે. એટલે કે જો આપણે કોમ્પ્યુટરને દર્શાવીએ કે તે ખરેખર શું છે અને તેને પદાર્થ આપીએ તો તે તેના જેવું જ કોમ્પ્યુટર બનાવી શકશે. આવા કોમ્પ્યુટરને વિજ્ઞાનીઓ વૉન નોયમન મશીન કે વૉન નોયમન માનવી કહે છે. ભવિષ્યમાં બીજા ગ્રહો અને ઉપગ્રહો પર આવા વોન નોયમન માનવી મોકલશે જે પૂરા બ્રહ્માંડમાં તેની વસ્તીનો વધારો કરશે. બ્રહ્માંડનો તાગ કાઢવા બ્રહ્માંડમાં વસ્તીનો પ્રસાર કરવા માનવી સક્ષમ નથી પણ વોન નોયમન માનવી તે કરી શકશે. થોડા વિજ્ઞાનીઓ તો માને છે કે આપણે ખુદ જ આવા વોન નોયમન માનવીઓ છીએ જેને પ્રાચીન-અતિપ્રાચીન સમયમાં બ્રહ્મા નામના વિજ્ઞાનીએ બનાવ્યા હોય અને આપણે પૃથ્વી પર વસ્તી વધારો કરી રહ્યા છીએ.

હવે લોકો માનવીના કામમાં વિશ્ર્વાસ રાખવાને બદલે રોબોમાં વિશ્ર્વાસ રાખતા થઇ ગયા છે અને તે યોગ્ય પણ છે. પણ સાથે સાથે તે લોકોની નોકરીઓ છીનવતા જાય છે. હવે લોકો રોબોને માનવી બનાવતા જાય છે અને માનવી પોતે રોબો બનતો જાય છે.

હવે વિજ્ઞાનીઓ જટિલ મગજ કેવી રીતે કામ કરે છે, કોન્સિયસ એટલે શું તે જાણવા મથે છે. આવી વૈશ્ર્વિક કોન્ફરન્સમાં ગણિતશાસ્ત્રીઓ હોય, ભૌતિકશાસ્ત્રીઓ હોય, ખગોળશાસ્ત્રીઓ, રસાયણશાસ્ત્રીઓ, ડૉક્ટરો, જીવવિજ્ઞાનશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો, ક્વોન્ટમ મિકેનિક્સમાં નિપુણશાસ્ત્રીઓ કોમ્પ્યુટર નિષ્ણાતો, એન્જિનિયરો, સાધુ-મહંતો પણ હોય. આ બધા ભેગા મળીને મગજના કાર્યને સમજવા પ્રયત્ન કરે છે. ડૉક્ટરો હવે મહાન વિજ્ઞાનીઓ અને મહાન માણસના મૃત્યુ પછી તેમના મગજ કાઢીને મગજને સમજ્વા પ્રયત્ન કરે છે. આ કારણે જ જ્યારે આઇન્સ્ટાઇનનું મૃત્યુ થયું ત્યારે તેમનું મગજ કાઢી લઇ તેનો અભ્યાસ ડૉક્ટરોએ કરેલો છે. હજુ પણ તે મગજને સમજી શક્યા નથી. જો તેઓ માનવીના મગજને સમજી જાય તો રોબો માનવી બની જશે.

બર્ટ્રાન્ડ રસેલે એવા રોબોની કલ્પના કરી છે જેને લડવાનું કહેવામાં આવે અને તેના હાથમાં શસ્ત્રો આપી દેવામાં આવે તો તે પૂરી દુનિયાનો સંહાર કરી નાખે અને હજારો વર્ષો સુધી તેઓ અંદર અંદર લડ્યા જ કરે.

મોટી મોટી લડાઇઓ હવે રોબો જ લડશે. માનવજાતને જો બ્રહ્માંડનું વિસ્તૃત ખેડાણ કરવાનું હશે તો તેને રોબો જ મદદ કરી શકે તેમ છે.

રોબો માનવજાત પર આશીર્વાદ તો છે પણ સાથે સાથે તે માનવજાત પર અભિશાપ પણ છે. તેમ છતાં રોબો રોબો છે અને માનવી માનવી છે. માનવીના મગજના લોચાને રોબો કદી પણ પાર પામી શકશે નહીં, નહીં અને નહીં, કારણ કે માનવીના મગજમાં જે સિક્રીસન ઉત્પન્ન થાય છે તે રોબો કરી શકશે નહીં. ભલે રોબો અંતરીક્ષયાન ચંદ્ર, મંગળ કે બહારના ગ્રહ પર ઊતરી પાછો આવે, પણ છેવટે તેનું પૃથક્કરણ તો માનવીનું મગજ જ કરશે. જેમ કોમ્પ્યુટર સાયન્સ આગળ વધતું જાય છે તેમ રોબોટિક સાયન્સ પણ આગળ વધતું જાય છે. તો શું એક દિવસ રોબો દુનિયા પર ભયંકર વિનાશ કરશે? કદાચ.

હવે ઘણી ખરી ફેક્ટરીઓમાં રોબોને જ કામે લગાડ્યાં છે, હોટેલમાં પણ પીરસવા રોબો જ આવે છે. બૅંકમાં, દૂધની ડેરીઓમાં બધે જ રોબો કામ કરવા લાગ્યાં છે. દુનિયાની દશા બગડતી જાય છે, કેમ કે સ્ત્રીને પુરુષ રોબો લાઇફ પાર્ટનર તરીકે કામ કરશે અને પુરુષને સ્ત્રી રોબો લાઇફ પાર્ટનર તરીકે કામ કરશે. મોટા મોટા સ્ટોરમાં કે લગ્નમાં રોબો જ તમને આવકારશે. કાઉન્ટર ઉપર રોબો જ બેસશે. દુનિયામાં અને બ્રહ્માંડમાં રોબોનું સામ્રાજ્ય વધતું ચાલ્યું છે. રોબો જ બસ ચલાવશે અને અંતરીક્ષયાન પણ ચલાવશે. કોમ્પ્યુટર, મોબાઇલની જેમ રોબો ઘણા ઉપયોગી છે પણ તેમને જગ્યા આપવામાં જો વિવેક નહીં રખાય તો જેમ સાઇબર ક્રાઇમ આપણને દુ:ખી દુ:ખી કરે છે તેમ તેઓ આપણને દુ:ખી કરી શકે છે. જ્યાં માનવી કામ ન કરી શકે ત્યાં જ રોબોનો ઉપયોગ થવો જોઇએ, નહીં તો દુનિયામાં બેકારી વધી જશે. પણ દેશો અને વિજ્ઞાનીઓ રોબો વિષે એવા તો હરીફાઇમાં ઊતર્યા છે કે વાત પૂછો નહીં. જેમ મા-બાપો તેમનાં બાળકોને માતૃભાષાને બદલે અંગ્રેજીમાં ભણાવવા ઘેલાં થયાં છે.

હાલમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગની બોલબાલા છે તો આવતી કાલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમતા) અને રોબોટિકની બોલ-બાલા હશે. શુદ્ધ વિજ્ઞાન (પ્યોર સાયન્સ) એ આધ્યાત્મિક છે, જ્યારે શુદ્ધ વિજ્ઞાનમાંથી ઉત્પન્ન થતી ટેકનોલોજી ઉફાંગ સાબિત થતી જાય છે, કારણ કે તે અવિવેકી માનવીના હાથમાં જાય છે. હાલમાં જ્ઞાનની ગંગોત્રી અને ટેકનોલોજીની માતા શુદ્ધ વિજ્ઞાનની સરવણી સુકાતી જાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1MW888
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com