28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચીનની મુસાફરી

ઉ મૂળ લેખક: દામોદર ઇશવરદાસસીંગાપોરમાં સગરામમાં સહેલ

એ શેહરના આગલા તથા પાછલા બંદરના કિનારા ઉપર કેટલીક ભાડુતી સીગરામ (સગરામ) ગાડીઓ ઉભેલી હોય છે. તેઓને બે, ત્રણ રૂપિયા આપો એટલે આખો દિવસ ભાડુતને ગાડીમાં બેસાડી આખા શેહરની ગલીગૂંચીએ ફેરવી ફેરવીને સર્વે ઠેકાણા દેખડાવે (બતાવે) છે. એ ગાડીવાળાની ભાષા મદરાસી હોય છે, પણ કેટલાક હિંદુસ્તાની ભાષા સમજે છે. સીગરામ હાંકનાર ભાડુતને રસ્તે રસ્તે ફેરવીને ત્યાંના રહેવાસીઓની ચાલ ચલણ(ચલગત) વિષે વાકેફ કરે છે એ ગાડીનો દેખાવ મુંબઇની સીગરામોથી નાહના કદની હોય છે. આમણ સામણ (સામસામા) એક એક ગૃહસ્થ સિવાય વધારે બેસી શકતા નથી. તેમાં નાનો અને દુબળો ઘોડો જોડેલો હોય છે તેથી નબળી ચાલ હોવાથી ઘડીએ ઘડીએ ચાપકા (ચાબકા) ઠોકે છે. ત્યાર પછી થોડીવાર જોરથી દોડીને પાછો નરમ પડી ટુંક ટુંક ચાલથી ચાળે(ચાલે) છે. એ ગાડીમાં બેસી શેહેરમાં ફરતી વખતે ગાડી હાંકનારની ગમત (ગંમત) જણાય છે. તે પોતે જાણે સઘળા પ્રકારે હુસીયાર (હોંશીયઆર) અને માહિતગાર હોય અને આપણે અજાણ્યા પરદેશી છઇએ તેથી અજાણ્યાને માહિતગાર કરે છે. તેવી રીતે આબરૂ ઇજત(ઇજ્જત)થી આપણને શેહરના રેહવાસીઓ વિશે સમજાવીને ખુશ કરે છે એવી રીતે કરતાં કરતાં સાંજનો સમય થાય એટલે આપણે જે જગ્યાએ જવાને કહીયે તે જગ્યાએ પોંહોંચાડી દે છે. એ દેશમાં અજાણ્યો પરદેશી ઉતર્યાથી એક બે દિવસમાં જાણીતો થાય છે. અત્રે મુંબઇમાં કોઇ અજાણ્યો પરદેશી આવ્યો તો તેને થોડા ખરચથી ગામમાં ફરીને માહિતગાર થવાને મૂશ્કેલ પડે છે, એટલું જ નહીં પણ ગાડીવાળા કેવી ચાલ તે પરદેશીઓ સાથે ચલાવશે તેની ખાતરી આપી શકાતી નથી. કેટલાક અજાણ્યા વહાણવટી અંગ્રેજો કિનારો અને ગામ જોવાને ઉતરી આવે છે. તે બિચારા વિશ્ર્વાસુ અને ભોળા હોવાથી ગાડીવાળા અને બીજા પોશાગીરો(ઠગ) ભાગીયા થઇ તે બચારાઓને ગાડીમાં બેસાડી ફેરવે છે, અને દારૂ વેચનારની દુકાને જઇ મુફત (મફત) અથવા પૈસા લઇ દારૂ પીવડાવી છાકડા બનાવી અથવા રંડીના ઘરમાં લઇ જઇ તે જગ્યાએ દારૂ પાઇ છાકટા બનાવી તેના પગના જોડાથી ટોપી સુધીની તપાસ થાય છે. તેમાં જે હાથ લાગ્યું તે ઠગારાઓ હજમ કરી જાય છે. એટલું જ નહીં પણ જે કિંમતી જણસ હોય તે ઉતારી લઇ પોશાગીરો( ધુતારાઓ) તેવા અંગ્રેજની બગલમાં હાથ ભરાવી મોટા રસ્તા ઉપર રખડતા મૂકી ચાલતા થાય છે. પછી પેલા લુંટાયલા સાહેબ લથડિયાં ખાતાં અને ડોળાં ખાતાં (ડોલતા) એક રસ્તાને બદલે બીજે રસ્તે નીકળી ભટકતા ફરે છે. કેટલાક પરદેશીઓ જે દારૂ પીતા નથી તે પરદેશીઓ જોડે લુંટારા પોશાગીરોનું ચાલી શકતું નથી ફક્ત દારૂ પીનારાઓને હરકત થાય છે. વગર દારૂ પીનારાને ગાડીવાળાઓ પોતાના ભાડાનાં પૈસા બમણા ચોગણા લેવાને વાસ્તે બરજોરી (જબરજસ્તી) કરતા કેટલાક જણાય છે.

વેપારમાં સર્વે પ્રકારની છૂટ

એ ગામમાં મોટો વેપાર મલાકા અને ચીનાઇ રાજના પરગણામાં ઉત્પન્ન થયેલી જણસો તથા હિંદુસ્તાનથી આવતુ અફીણ અને બીજી જણસો તથા વિલાયતથી આવતું કાપડ અને બીજી જણસોનો ચાલે છે. એ ગામ ખાતે વેપારને વાસ્તે સર્વે પ્રકારની છૂટ સરકારે મૂકેલી છે તેથી દીન પર દીન વેપાર રોજગારમાં વધારો થતો જાય છે. સરકાર તરફથી રૈયત ઉપર સર્વે પ્રકારની માફી વેપારનાં કામમાં રહેશે તો હજુ પણ વધારો થશે. એ માફીવાળા શેહેરમાં વેપારીઓને રેહેવાને દીલ થાય છે તેથી વેપારનો વધારે થવાને વિલંબ લાગતો નથી.

સરાફી પેહડીઓ(પેઢીઓ)

એ ગામમાં (સીંગાપોર) બેંકો એટલે સરાફી વહીવટ ચલાવાની(ચલાવવાની) પેહડીઓ ચાર-પાંચ તે વખતે હતી. તે લોકોનો મોટો વહીવટ હુંડી પત્રીનો જ હતો. એ પેહડી વાળાઓ બાહર દેશાવર ખાતેથી વેપારીઓના ચહડેલા (ચઢેલા) માલ ઉપર લખેલી હુંડીઓ તે દેશમાં ખરીદ કરે છે, અને પોતાની આબરૂ એટલે બેંકની સાખની હુંડીઓ વેચી તેનાં નાણાં વસુલ કરે છે. તેમજ એ દેશમાંથી બેંકની હુંડીના ખરીદદારોને બાહારના દેશાવરની હુંડી એ જ બેંક ઉપર અથવા આડતિયા ઉપર લખી આપે છે. બીજા દેશાવરોથી વેપારીઓ ઉપર પોતાની બેંકની અથવા આડતિયાઓની આવેલી હુંડીઓના નાણાં વસૂલ કરે છે. એ દેશના વેપારીઓને નાણાંની ગરજ પડ્યાથી હુંડીઓ ઉપર અથવા માલમિલ્કત ઉપર તથા બીજી રીતે જામીનગીરીનાં ઓચરિયાં (દસ્તાવેજ) મારટગેજ (મોરગેજ) રાખી નાણાં ધીરે છે. એવી રીતે કેટલાક દેશાવરમાં બેંકો હોવાથી મોટા વેપાર કરવાને વેપારીઓથી બની આવે છે, કારણ વેપારમાં રોકાયેલું નાણું તુરત ઉછીનું આપવા પાછું ફરી વળે છે. તેથી વેપારનો વધારો થયે જાય છે.

યુરોપખંડના વેપારીઓ

આ દેશમાં યુરોપખંડના વેપારીઓ આવીને વસેલા છે. તેઓ સુતર, કાપડ, અંગ્રેજી દારૂકામ, લોખંડ, તાંબાનાં પતરાં અને લાઠા, દવાઇની જણસો તે સિવાય બીજા પ્રચુરણ(પરચુરણ) કેટલીક જણસો પોતાના દેશમાંથી મંગાવીને વેચે છે. તેને બદલે કલઇ(કલાઇ),ગરમ મસાલાની જણસમાં તજ, જાયફળ, જાવંત્રી, સફેદ મરી અને કપુર, બરાશ કપુર, રેશમ, ચાએ, ખાંડ, શાકર, નેતર અને બીજી ઘણી જણસો પોતાના દેશમાં મોકલે છે. તેથી મોટી રકમનો વેપાર ચાલે છે. પારસી વેપારીઓની ભભકાદાર દુકાનો કેટલાક પારસી વેપારીઓ મુંબઇ તથા કલકત્તાનાં આવતા જતા માલની ખરીદ કરવાની અને વેચવાની આડતનું કામ કરે છે. જેઓ મુંબઇ અને કલકત્તેથી માલ એ દેશમાં વેચવા મોકલે છે, તેઓનો માલ વેચી આડત લે છે, તેમ જ એ દેશમાંથી મુંબઇ-કલકત્તેનાં વેપારીઓને માલ ખરીદ કરાવે છે તેઓને હસાબે માલ ખરીદ કરીને ફરમાવેલા દેશાવર ખાતે મોકલે છે. તે ઉપર પણ આડત અથવા કમીસન લે છે, તથા થોડો ઘણો પોતાનો વેપાર પણ ચાલુ રાખે છે. તેમાં આવતી જણસમાં બંગાળી અફીણની મોટી સંખ્યા છે. તે સાથે ચોખા, રૂ, લવેંગ(લવિંગ), ખજુર, કાપડ, સુતર અને અહીંથી જતા માલમાં જાયેફળ(જાયફળ), જાવંત્રી, તજ, કલઇ(કલાઇ), લોબાન, એલચી, બરાસકપુર, રેશમ, ચાએ, ખાંડ, શાકર, કાઆફુટીનું તેલ, તજનું તેલ, સાગુચોખા(સાબુદાણા), સોનું, રૂપું અને જસત મોકળવામાં (મોકલવામાં) આવે છે. આ જણસોની આડત અને હકસાઇ (કર,લવાજમ)નું કામ કરે છે, અને પોતાને હસાબે વેપાર કરે છે. કેટલાક પારસીઓએ અંગ્રેજી બરના સામાનની તથા અંગ્રેજોની ખોરાકી પોશાકી દારૂકામ પરકીમેરી ઇશટેશનેરી(સ્ટેશનરી) અને કટલેરીની મોટી મોટી ભપકાદાર દૂકાનો કાહાડેલી છે. તેમજ વોહર, મેમાણ(મેમણ), અને બીજી જાતના મુસલમીનો (મુસલમાનો) એવો ધંધો કરે છે.

હિંદુ વેપારીઓ

એ દેશમાં કેટલાક હિંદુ વેપારીઓ મદરાસથી અથવા કરનાટકના રામાનંદી ધર્મ પાળનારા જઇ વસેલા છે. તે લોકો સફેદ તથા રંગીન કાપડ તથા સુતરનો વેપાર કરે છે. પોતાનાં દેશમાંથી મલાઇ લોકોનાં બરનું ચિતરામણવાળું છાપેલું કાપડ મંગાવી વેચે છે, તેથી કરીને કાપડનો મોટો વેપાર તે લોકોનાં હાથમાં છે. કેટલાક માલ ભરવાની હોડીઓ ભાડે ફેરવવાને આપે છે. એ દેશમાંથી કેટલીક જણસો ખરીદ કરીને પોતાના દેશમાં મોકલે છે. કેટલાક વેપારીઓને વીઆજે(વ્યાજે) નાણાં પણ ધીરે છે. આ લોકોએ મોટી દોલત એકઠી કરેલી સંભળાય છે. એ લોકો કલીંગના નામે ઓળખાય છે. એ લોકો એટલી દોલત મેળવ્યા છતાં ગરીબી અને કંગાળ હાલતમાં રહીને જુજ ખરચથી ગુજરાન ચલાવે છે. એ લોકોના કપાળ ઉપર ગોપીચંદનની બે ઊભી રેખા કાહાડેલી હોય છે, તેની વચમાં એક કંકુની લાલ અથવા પીળા રંગની રેખા ઉભી કરે છે. માથા ઉપર સફેદ કાપડની પાગડી (પાઘડી) અથવા ખુલે માથે ફરે છે. શરીર ઉપર એક પછેડી અથવા ધોતીયું હોડેલું (ઓઢેલું) હોય છે. કેટલાક ઉઘાડા શરીરે પણ ફરતા હોય છે, તથા શરીરના નીચલા ભાગમાં બારીક મલમલ અથવા જગંનાથીનું ધોતીયું જરૂર પહેરેલું રાખે છે. સઘળાનાં પગ ઉઘાડા જ હોય છે. તે લોકો શરીરે શામળા હોવાથી આફરીકા(આફ્રીકા)ના સીધીઓ (સીદીઓ)થી તે ઉજળા દીશે છે. એવો પહેરવેશ ગરીબ અથવા શ્રીમંતોને જોઇને પરદેશીઓ, એ હિંદુ રેહેવાસીઓ ને કંગાળ અથવા ગરીબ જનોઇ પહેરેલા બ્રાહ્મણો સમજે છે, પણ શોધ કાહાડતા તે બ્રાહ્મણો અંદરખાનેથી શ્રીમંત વેપારીઓ થઇ પડેલા છે.

ચીના વેપારીઓ

એ દેશમાં ચીનાઓ મલાકાની બાજુના કેટલાક ચીનાઇ ગામોમાંથી આવી વસેલા છે. તેમાંના કેટલાક બંગાલી અફીણની પેટીઓ ખરીદ કરીને તેમાંથી અફીણની ગોટીઓ બહાર કહાડી બબે ચાર ચાર એક સાદડીનાં કટકામાં બાંધી થોડું થોડું ખુશકી (જમીન માર્ગે) અને તરી(જળમાર્ગે) ને માર્ગે મોકલે છે. એવી રીતે મોટી રકમનું અફીણ ખરીદી કરીને ચીનાઇ રાજમાં પોતે લઇ જાય અથવા બીજા પાસે મોકલાવે છે. તેમજ ચીનાઇ ધર્મમાં ફરમાવેલા નકસીદાસ બનાવેલા રંગીન કાગળો, રૂ, લવેંગ, કાપડ, સુતર અને બીજી ઘણીક જાતનો ચીનાઇ રાજનાં રેહેવાસીનાં બરનો માલ ચીનાઇ બારકસોમાં ભરીને હેનાન, અમાઇ, સ્વટાઉ, કુચાઉ, શેંગાળ, નીમવુ અને બીજા કેટલાક ગામોમાં રવાના થાય છે. અથવા મોકલાવે છે. તેવી જ રીતે એ દેશથી સેંકડો બારકસો માલનાં ભરીને ચીનાઇ રાજમાં ઉત્પન્ન થયેલી જણસો વેચવા લાવે છે તથા પગ રસ્તે ઘણીક જાતનો માલ મલાકાની બાજુએ ચીનાઇ રાજની હદથી તે પોર્ટુગીઝ સરકારના મકાઉ ગામની નજીક સુધી પગ વાટે રવાના થાય છે. એ લતામાં ઉત્પન્ન થયેલો માલ પણ તેવી જ રીતે વેચવાને એ ગામમાં આવે છે. ચીનાઇ વેપારીઓ પોતાનો વેપાર કરે છે સાથે હકસાઇનું કામ પણ કરે છે- સઘળા વેપારીઓમાં મોટા વેપારીઓ ચીનાઓ જ ગણાય છે. પૂર્વ અને ઉત્તર દિશાએ જતા આવતા સેંકડો ગામોમાંથી બારે માસ ચીનાઇ બારકસોની આવજાવ હોવાથી મોટી ધામધુમથી ચીના વેપારીઓની વખારોમાં માલની ઉઠલ પાઠલ(ઉથલ પાથલ) થાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે આવતા જતા માલ ઉપર જકાત લીધામાં આવતી નથી, પણ ચીનાઇ રાજમાં કેટલાક માલની જકાત આવતા અને જતાં માલ ધણી પાસેથી લે છે. તેનો બચાવ કરવાની ગોઠવણ કરવાથી બીજા વેપારનાં મથક મુકીને એ દેશ સાથે બહોળા વેપાર ચલાવે છે. પણ સઘળા પ્રકારે હંમેસા ફાવતા હોય તેવું દીસતું નથી. માલધણી દશ વીશ વખત જકાત ચોરીનો સરકાર સાથે એવો વહીવટ રાખે. પણ કોઇ વખતે પકડાય તો સઘળી ચોરીનો બદલો વળી જાય છે. એટલું જ નહીં પણ એ દેશમાં વેપારની પીઠ(બજાર) બરાબર ન રેહેવાથી વેપારીને મોટુ નુકસાન ખમવું પડે છે. એવા હિંમતવાળા વેપારીઓ થોડા જ છે, કેમકે એકજ જાતનો માલ વધારે આવ્યો હોય તો તેનો ભાવ એકદમ બેસી જાય છે. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

100V8r67
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com