28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોરોના વાઈરસની સાથે હવે ક્રૂડની મંદી અને યસ બૅંકની તંગી ભળતાં દુકાળમાં અધિક માસ

સ્પેશિયલ-જયેશ ચિતલિયાચીનથી શરૂ થયેલા કોરોના વાઈરસ પચાસેક દેશોની સાથે-સાથે ભારતમાં પણ પહોંચી ગયા છે. માનવજીવન તો જોખમમાં છે જ, પરંતુ જગતનું અર્થતંત્ર પણ જોખમમાં આવી ગયું છે. હજારો મોત થયા છે, હજારો અસરગ્રસ્ત છે અને લાખો સુધી આ વાઈરસ પહોંચવાનો ભય વાઈરસ કરતાં પણ વધુ ગતિથી ફેલાઈ રહ્યો છે. કોરોના વાઈરસના કેસો આપણા દેશમાં પણ નોંધાવાના શરૂ થયા છે, જેને કારણે છેલ્લા કેટલાંક દિવસોથી શેરબજારમાં પણ અફરાતફરી મચી ગઈ છે બજાર સતત તૂટયા કરે છે, તેમાં વળી યસ બૅંકની કટોકટીએ બળતામાં ઘી હોમ્યું છે. રોકાણકારોની મૂડીનું સતત ધોવાણ ચાલુ છે અને મોટાભાગના વેપાર પર નેગેટિવ અસર છે, ખાસ કરીને ટુરિઝમ ઉદ્યોેગ, એવિએશન સેકટર સહિત ઘણાં આયાત-નિકાસના કામકાજને અસર પહોંચી રહી છે. ઈન શોર્ટ લગભગ દરેક બજારને પણ વાઈરસ લાગી ગયા છે. બજેટની રાહત અને પ્રોત્સાહનની જોગવાઈઓ કે જાહેરાતો પર પાણી ફરી ગયું છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની મુલાકાત અને વેપાર કરારની જાહેરાત પર વાઈરસ ફરી ગયા છે.

ફરી એકવાર ૨૦૦૮ જેવી ગ્લોબલ ક્રાઈસિસની ચિંતા ફેલાવા લાગી છે, જે ફાઈનાન્શિયલ ક્રાઈસિસ હતી, જયારે કે અત્યારની કોરોના વાઈરસની ક્રાઈસિસ તેનાથી પણ વધુ ગંભીર જણાય છે. જો કે તેની ગંભીરતાના નામે કે નિમિત્તે અતિરેક પણ થઈ રહ્યો છે, ઘણાં ધંધાવાળા તેનો ગેરલાભ પણ લેવા માંડયા છે. આમ તો આ સંવેદનશીલ સમય- સંજોગ દરેક દેશની પરીક્ષા લેવાના છે. શેરબજારમાં જે પ્રમાણમાં મૂડી ધોવાણ થયું છે તે કયાં જઈ અટકશે એ કોઈ કળી શકવાની સ્થિતિમાં નથી. કયાંક વચ્ચે સુધારો થશે તો પણ એ કેટલો ખરો અને નકકર હશે તે શંકાનો વિષય રહેશે. જગતભરના વેપાર-આયાત-નિકાસમાં ભયંકર અસર છે. એક દેશમાંથી બીજા દેશમાં ચોકકસ માલો અને માનવ હેરફેર પણ અટકાવી દેવાઈ છે. અત્યારની સ્થિતિ એક ઐતિહાસિક ઘટના ગણાવા લાગી છે. આમ પણ ગ્લોબલ ઈકોનોમી સતત સ્ટ્રેસ-તનાવમાં હતી ત્યાં વિશ્ર્વનું વિશાળ કદ ધરાવતા ચીનના અર્થતંત્ર પર કોરોના વાઈરસનો કેર ત્રાટકતા અને અનેક દેશમાં પણ તે ફેલાતો જતા વૈશ્ર્વિક ચિંતાનો વિષય બની ગયો છે. આની આર્થિક અસર સમજવાનો પ્રયાસ કરીએ.

એક જાણીતા બ્રોકરેજ -ફાઈનાન્સ હાઉસના મેનેજિંગ ડિરેકટરના મત મુજબ કોરોના વાઈરસની અસર હેઠળ ભારતીય શેરબજારમાં મૂડી ધોવાણ રૂ. વીસ લાખ કરોડથી વધુ થઈ ચુકયું છે. ગ્લોબલ માર્કેટમાં પણ હાલત સંભવત આથી પણ વધુ બદ્તર છે. જેને લીધે વ્યાપક ગભરાટ હોવો સ્વાભાવિક છે. ફેસબુક, માઈક્રોસોફટ, એપલ, એમેઝોન, ગૂગલ જેવી જાયન્ટ કંપનીઓના સ્ટોકસ તૂટયા છે ત્યારે ભારતીય શેરબજાર કયાંથી ટકી શકે? એક એસેટના ભાવ તૂટે તેની અસરરૂપે બીજી એસેટસના ભાવ પણ ઘટે, કારણ કે લોકો નાણાં ઊભા કરવા બીજી એસેટસના વેચાણ તરફ વળે છે એમ જણાવતા એ મેનેજિંગ ડિરેક્ટર કહે છે, ચીનમાં ઉત્પાદન પ્રવૃતિને બ્રેક લાગી કે તેની ક્રુડની માગ ઘટી, આ માગ ઘટવાને કારણે ક્રુડના ભાવ પણ ઘટયા. ક્રુડમાં તો સાઉદી અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું હોવાનું કહેવાય છે. આમ તો ક્રૂડના ભાવનો ઘટાડો ભારત માટે લાભદાયી ગણાય, કિંતુ આ વખત ગણિત કંઈક અવળું ચાલી રહ્યું છે. ક્રૂડની મંદી ક્રૂર ભૂમિકામાં જણાય છે.

ગ્લોબલ સ્ટોક માર્કેટ સહિત એશિયન માર્કેટમાં પણ કડાકા જોવામાં આવ્યા છે. અત્યારે સમગ્ર વૈશ્ર્વિક સ્તરે વેચવાલી એકસચેંજીસને નવી મંદી તરફ લઈ જઈ રહી છે. હમણાં સુધી સ્લો ડાઉનની વાતો થતી હતી, હવે પછી જો આ વાઈરસ પ્રકરણ લાંબું ખેંચાશે તો અર્થતંત્રને રિસેશન -કારમી મંદી તરફ લઈ જવાનો ભય સતાવી રહ્યો છે.

અગાઉ આનાથી પણ ભયાનક વાઈરસ આવ્યા હતા

જો કે અન્ય એક જાણીતી કંપનીના મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડિરેકટરના કહેવાનુસાર કોરોના વાઈરસની ગંભીર અસર ઈકોનોમી અને માર્કેટસ પર છે એ સાચી વાત, કિંતુ ભૂતકાળમાં કોરોના કરતા પણ ભયાનક કહી શકાય એવા સાર્સ, ઝીકા અને ઈબોલા જેવા વાઈરસની અસર પણ જગતે જોઈ છે. અગાઉના અનુભવને આધારે કહી શકાય કે ત્રણ થી છમહિનામાં આનો ઉકેલ આવવાની આશા છે. અગાઉ આવી અસરોમાં માર્કેટમાં નોંધપાત્ર અસાધારણ કરેકશન થયા બાદ રિકવરી થઈ છે ત્યારે એ દસગણી થઈ હોવાનું જોવાયું છે. આમ જો આ કરેકશનની માર્કેટમાં લોકો લોંગ ટર્મ યા મીડિયમ ટર્મ માટે રોકાણ કરશે તો લાભ થઈ શકે. જો કે આ બધાંમાં એક સ્પષ્ટતા જરૂરી છે કે દરેક રોકાણકાર પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધે, આ સંજોગો અને માર્કેટ કયારે અને કેટલા સમય માટે સુધરશે એ કહેવું હાલ સૌથી કઠિન વાત છે. આ સંજોગો આગામી દિવસોમાં વધુ કથળી પણ શકે છે. જેથી છાશ પણ ફુંકીને પીવાનો સમય છે. ભારતીય કંપનીઓમાં કોણ કેટલું ફંડામેન્ટલ્સથી મજબૂત છે તેમ જ કોરોના વાઈરસની અસરથી તેનો વેપાર મુકત રહી શકે છે એના પર પણ મોટો આધાર રહેશે. અર્થાત્, શેરની પસંદગીમાં ખૂબ જ સિલેકટિવ બનવું જોઈશે, આ સાથે મ્યુચ્યુઅલ ફંડસના એસઆઈપી પણ ઉત્તમ સાધન બની શકે. જોકે માત્ર લાંબા ગાળા માટે જ રોકાણ કરવાનો અભિગમ રાખવો જોઈએ.

કોરોના વાઈરસ ગ્લોબલ ઈફેકટ

કોરોના વાઈરસના ફેલાવાને લીધે જે ગંભીર સંજોગો ઊભા થઈ રહ્યા છે તેને કારણે ગ્લોબલ જીડીપી (વૈશ્વિક વિકાસદર) પર ગંભીર અસર થવાનો મત મજબૂત અને વ્યાપક બનતા વિશ્ર્વના મોટાભાગનાં બજારો તનાવમાં આવી ગયા છે. ગયા સપ્તાહ સુધી માત્ર એક જ પરિબળ બજારો પર છવાયું હતું, તે કોરોના વાઈરસ હતું, કિંતુ હવે તેમાં ક્રૂડના કડાકા પણ જોડાતા દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. જયાં સુધી આ મામલો ખરાં અર્થમાં શાંત નહીં પડે કે અટકશે નહીં અને સ્થિતિ પૂર્વવત્ થશે નહી ત્યાંસુધી આ ટેન્શનને ધ્યાનમાં રાખીને જ ચાલવાનું થશે. લાંબા ગાળાનો કોઈ વ્યૂહ લઈ શકાશે નહીં, કમસે કમ તેજી માટે તો નહીં જ. મોદી સરકારે આ સંજોગોમાં કોરોના વાઈરસ સામેની લડાઈ માટે જરૂરી એવા ઉત્પાદનને વેગ આપવાના સક્રિય પગલાં ઉપરાંત તબીબી વ્યવસ્થાના તેમ જ અગમચેતીના પગલાં લઈ રહી છે.

ટ્રમ્પની જાહેરાતોની અસર સમય લેશે

આવા સંજોગોમાં ડોનલ્ડ ટ્રમ્પના ભારત અને મોદી સરકાર માટે પોઝિટિવ નિવેદન તેમ જ વેપાર કરારની વાતોની કોઈ સકારાત્મક અસર બજાર પર થઈ નહોતી અને નજીકના ભવિષ્યમાં થવાની શકયતા પણ દેખાતી નથી . જો કે આ કરારની ભારતીય ઈકોનોમી પર ચોકકસ પોઝિટિવ અસર થશે. અલબત્ત, ભારતને અમેરિકાની જરૂર છે તેમ અમેરિકાને પણ ભારતની આવશ્યકતા છે. ચીનના વર્તમાન હાલાત જોતા ભારતની માર્કેટ મોટું આકર્ષણ ગણી શકાય. યુએસને ભારતમાં પોતાનો ભરપુર માલ ઠાલવવો છે, જેની માટે તેને ભારત આયાત જકાત ઘટાડે એવી અપેક્ષા છે. આ બાબતનો ભારત પણ લાભ લે એ જરૂરી છે. અલબત્ત, ટ્રમ્પે મોદીને ટફ નિગોશીએટર ( વેપાર માટે કડક વાટાઘાટ કરનાર) કહ્યા જ હતા. વાસ્તે મોદી સરકાર આ મામલે ભારતીય ઈકોનોમીના હિતમાં વધુ સક્રિય અને સમર્થ વેપારી બને એ સમયની જરૂરિયાત છે. જો ખરેખર ભારત હાલ જે કપરાં યા પડકારજનક સંજોગોમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે અમેરિકા સાથેના વેપાર કરાર કામ કરી જાય તો આગામી દિવસોમાં અર્થતંત્ર અને બજારને જોઈતો ટેકો મળી જાય એવી આશા રાખી શકાય. હાલ તો અનિશ્ર્ચિતાનો સમય છે. બચતકારો- રોકાણકારો માટે સાવચેતીપૂર્વક આગળ વધવું આવશ્યક છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

52p86ki
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com