28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચપટી ભૂલ ને પસ્તાવો પારાવાર

નાટક, પ્રેક્ષક અને હ-સુરેશ રાજડામારા દિગ્દર્શિત કરેલા લગભગ પોણા બસ્સો નાટકોમાંથી વીસ-બાવીસ નાટકો એક સમયના મારા પરમમિત્ર અનિલ મહેતા દ્વારા થયેલા રૂપાંતર આધારિત હતાં. ‘એક સમયના પરમ મિત્ર’ સહેતુક લખ્યું છે... કિડનીની બીમારીને કારણે તેઓ મૃત્યુ પામ્યા તે પહેલાના ત્રણ ચાર વર્ષો અમારી મિત્રતામાં ભંગાણ પડ્યું હતું. છેલ્લાં ચારેક વર્ષોથી તેમની જોડે મારો બોલવાનો વહેવાર સદંતર બંધ હતો. તે પહેલાની અમારી દોસ્તી ભલભલા સજ્જન માણસને ઈર્ષા કરાવે તેવી હતી. રોજ બપોરે આઈ.એન.ટી. ઑફિસમાં અચૂક મળવાનું અને સાડાત્રણના સુમારે મારે બચુભાઈ સંપટે અને અનિલ મહેતાએ કૉફી હાઉસમાં જવાનું એટલે જવાનું, અને ત્યાં ફ્રેન્ચ ટોસ્ટ, મસાલા સ્ક્રેમ્બલ્ડ એગ્સ તેમ જ વિવિધ પ્રકારના સાઉથ ઈંડિયન વ્યંજનો આરોગી, કૉફીનો એક પ્યાલો ગટગટાવી છૂટા પડવાનું. અમારી દોસ્તીમાં ભંગાણ પડ્યું તેની પહેલાના લગભગ દસેક વર્ષ આ રીતે અમારા ત્રણેયનો એકબીજાને મળવાનો નિયમ અમે ત્રણેય જણાએ પાળ્યો હતો. હું, બચુભાઈ અને અનિલ મહેતા ત્રણેય જણ ખાવાના ખૂબ શોખીન હતાં. અનિલભાઈ જાત-ભાતની હૉટલો શોધી લાવે, ત્યાં બનતી વેજ.-નોન વેજ. વાનગીઓનું એવું રસપ્રદ વર્ણન કરે કે હું ને બચુભાઈ ત્યાં જવા તલપાપડ બની જઈએ. મહેતા (હું અનિલભાઈને વહાલથી મહેતા કહેતો.)ને કારણે પાયધુનીની ચિલિયાની હૉટલ, તારાબાગનો ચાટ આઈટમનો અડ્ડો, જયહિંદ કૉલેજ પાછળનો ભેળપુરીવાળો, ચર્ચગેટની સત્કાર હૉટલની ફૂટપાથ નીચે ઊભો રહેતો છોલેભતૂરવાળો, બેરીઝ હૉટલની બહારનો પાનવાળો. આ બધાં અમારા ખાવા-પીવાની જયાફતો ઉડાડવાના ઠેકાણાં હતાં. સાથે સાથે નાટકોની આપ-લે અટકી નહોતી. કુરુક્ષેત્ર, અલક મલકની અલબેલી, વાલમ રિસાયો વસંતમાં, ‘બે દુની પાંચ’, કુંવર વહેલા રે પધારજો જેવા અનેક અંગ્રેજી નાટકો મહેતા મારફત મને વાંચવા મળતા ને આઈ.એન.ટી. માટે એ પુસ્તકોના આધારે નાટકોનું સર્જન થતું!

‘બે દુની પાંચ’ નાટક મારા હાથમાં આવ્યું તે સમયે ‘મહેતલ’ નામનું (દીપક ઘીવાલા - રાગિણી) અભિનીત મારું બે પાત્રી નાટક પુરબહારમાં ચાલી રહ્યું હતું. મેં બે દુની પાંચમી રે કૂની લિખિત વન ફોર ધી ડોટ નામનું મૂળ અંગ્રેજી નાટક વાંચતાવેંત મહેતલ પછી એ નાટક બનાવવાનો નિર્ધાર કરી નાખ્યો હતો. આઈ.એન.ટી.એ સેમ્યુઅલ ફ્રેન્ચ નામની પ્રકાશન સંસ્થા પાસેથી નાટક બનાવવાના હક્ક મેળવી લીધાં અને મારી પાસે પૂરતો સમય હોવાથી સ્ક્રિપ્ટનું ગુજરાતીમાં રૂપાંતર (અનુવાદ નહીં રૂપાંતર જે કરવામાં મૂળ કૃતિ જેટલી જ મહેનત અને કલ્પનાશીલતાની જરૂર પડે.) કરવાનું શરૂ કર્યું. અનિલ મહેતા સાથે મારે વણલખ્યો - વણબોલ્યો કોન્ટ્રાક્ટ હતો એમણે મને મૂળ નાટકની અંગ્રેજી પ્રત આપી દેવાની મારી ઈચ્છા અને આવડત પ્રમાણે મારે મૂળ પ્રતમાં તળિયાઝાટક ફેરફારો કરી, ગુજરાતી પ્રેક્ષકોને માફક આવે તે રીતે રૂપાંતર કરી લેવાનું ને નાટક તૈયાર કરી લેવાનું, ‘બે દુની પાંચ’નો પ્રીમિયર શો ભાવનગર ખાતે યોજાયો હતો. પ્રથમ પ્રયોગ સિદ્ધ થઈ ગયું કે આ નાટક સુપરહીટ છે. દીપક ઘીવાલા, રાગિણી, અરવિંદ વેકરિયા, દિનુ ત્રિવેદી અને જતિન કાણકિયાએ ‘બે દુની પાંચમા’ હસાવી હસાવીને પ્રેક્ષકોના ખરેખર ગાભા કાઢી નાખ્યા હતાં. પ્રથમ પ્રયોગના મળેલા પ્રેક્ષકોના પ્રચંડ પ્રતિસાદનો ઉન્માદ શમે તે પહેલા મધરાતે અનિલ મહેતાનો અભિનંદન આપતો ફોન આવ્યો. મેં ઉત્સાહથી નાટકની સફળતા માટે એમને પણ અભિનંદન આપ્યાં, પછી એમણે જે વાત કરી એના કારણે અમારી વર્ષો જૂની દોસ્તી એવી તૂટી ગઈ, એટલી હદે તૂટી ગઈ કે મૃત્યુપર્યંત બંને વચ્ચે અબોલા રહ્યાં.

સુરેશ આ નાટકના મરાઠી નિર્માતાને રાઈટસ અપાઈ ગયા છે. ત્રણ ચાર મહિના પછી મરાઠીમાં પણ આ નાટક ધૂમ મચાવશે. હું ચોંક્યો, ચમક્યો મને જબરદસ્ત આઘાત પણ લાગ્યો. કારણ કે મારી ઈચ્છા હતી કે ‘રે કૂની’ના જે નાટકનું ભારે જહેમતથી મેં ગુજરાતીકરણ કર્યું હતું તથા જે નાટકની સફળતા માટેની ખાતરી હતી એવું નાટક હું મારી સંસ્થા માટે મરાઠીમાં હવે કરી શકું તેમ નહોતો. કારણ કે મહેતાએ મરાઠી નિર્માતાને નાટકના રાઈટ્સ આપી દીધા હતા. અત્યાર સુધી બનતું આવ્યું હતું તેમ ગુજરાતી રૂપાંતરકારની ક્રેડિટ અને પૈસા અનિલ મહેતાને મળતા હતા. (મને તે વાતનો વાંધો નહોતો.) પરંતુ મારી મહેનતથી બનાવેલ નાટકની ભજવણીના હક્ક મારી જાણ બહાર આઈ.એન.ટી.ની જગ્યાએ અન્ય કોઈ લેભાગુ નિર્માતાને અપાઈ જાય તે સામે મને સખત વાંધો હતો. વિરોધ હતો. મેં મહેતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મહેતા મને આ નાટક મરાઠીમાં આઈ.એન.ટી. માટે કરવા દો. હંમેશની જેમ ક્રેડિટમાં ને પૈસામાં હું ભાગ નહીં પડાવું, પણ મહેતા ના માન્યા કારણ કે તેમણે મરાઠી નિર્માતા પાસેથી ડાઉન પેમેન્ટ લઈ લીધું હતું. એમના આ વલણ સામે મેં બંડ કર્યું. જે નાટકના તમામ અક્ષરો મેં પાડ્યા હોય તેવું નાટક (મહેતાએ મરાઠી નિર્માતાને મેં લખેલી સ્ક્રિપ્ટ જ આપી આવ્યા હતા.) ભળતો નિર્માતા ભજવે એ મને હરગીઝ મંજૂર નહોતું. પરિણામે અમારા અબોલા...

ચપટી ભૂલ મહેતાની હતી, પરંતુ અંગત મિત્રતામાં પડેલા તડાને કારણે પસ્તાવો મને થયો. આજે પણ હું વિચારું છું કે નાટક કરતા મિત્રતાનું મહત્ત્વ વધારે હોવું જોઈએ. મારે જતું કરવાની જરૂર હતી. આપસમાં મળી બચુભાઈ કે દામુભાઈ જેવા મુરબ્બીની સલાાહ પ્રમાણે પ્રશ્ર્નનો નીવેડો લાવી શકાયો હોત, નિરાકરણ થઈ શક્યું હોત. જે ના થઈ શક્યું તેનો અફસોસ છે, ખેદ છે એટલે જાહેરમાં પસ્તાઈ લઉં છું...! ચીનુ મોદી અને લાભશંકર ઠાકર એવા મોટા ગજાના સાહિત્યકારો હતા કે એમણે જે કર્યું તે મેં જે રીતે રિએક્ટ કર્યું એને કારણે એમની અને બંનેના આ નાનકડા મિત્રો વચ્ચે અબોલા રહ્યાં, પરંતુ બંને પક્ષે દેખાડેલી સૌમ્યતા, શાલીનતા અને સમજદારીના કારણે તેઓ બંને મૃત્યુ પામ્યા ત્યાં સુધી એમની જોડે ફરી પાછી મિત્રતા બંધાઈ ગઈ હતી. ચીનુભાઈ અને લાભશંકરભાઈ નોનવેજના ભારે શોખીન જીવડાં. હું અમદાવાદ હોઉં ત્યારે બંનેને મળવાનું અને અમારે ત્રણેય જણાએ કાળુપુર ટાવર પાસેની પ્રસિદ્ધ ચિલિયાની હૉટેલમાં પાયા અને રોટીની જયાફત ઉડાવવા જવાનું જ. ક્યારેક ત્રણેય જણા ભઠિયારાખાનામાં મહેફિલો જમાવતા, પરંતુ મોટે ભાગે અમારી ઉજાણીઓ કાળુપુર ટાવરવાળી હૉટલમાં જ ઉજવાતી. ભોજન પત્યા પછી લાભશંકરભાઈ અચૂક બોલતા ‘ચાલો આજનું એક કામ તો પત્યું...’ હું મોટા ગજાના આ સાહિત્યકારો સાથે થતી મુલાકાતો અને ભોજન પ્રવાસોમાં થતી રખડપટ્ટીથી ખૂબ પોરસાતો અને એમનામાં સાંનિધ્યનો ભરપૂર આનંદ ઉઠાવતો. ચીનુભાઈ પાસે તો મેં એડમન્ડ રોસ્ટાન્ડના જગપ્રસિદ્ધ નાટક સીરાનો ધ બઝરેકનું ‘રૂદિયાની રાણી’ નામે રૂપાંતરણ પણ કરાવ્યું હતું, જેમાં કાંતિ મડિયા અને શેતલે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. નિર્માણ આઈ.એન.ટી.નું હતું. સંગીત રજત ધોળકિયાનું હતું અને સન્નિવેષકાર હતા એમ. એસ. સથ્યુ. (મારી પોતાની અણઆવડતને કારણે નાટકને ઘોર નિષ્ફળતા મળી હતી.)

ચીનુભાઈ અને લાભશંકરભાઈમાં અફસોસ કરવો પડે, પસ્તાવું પડે તેવી ચપટી ભૂલ મારા બેજવાબદાર પગલાંને કારણે થઈ હતી. પ્રવીણ જોષીના આકસ્મિક અવસાન બાદ લાગેલા આઘાતમાંથી બેઠા થવામાં આઈ.એન.ટી.ને ત્રણેક મહિના લાગ્યા હતાં. પ્રવીણભાઈના મૃત્યુને કારણે બંધ પડેલું ચાલુ નાટક ‘મોસમ છલકે’ ફરીથી કરવાનું નક્કી કરી આઈ.એન.ટી.ના સંચાલકોએ અરવિંદ જોષીને પ્રવીણભાઈનું પાત્ર ભજવવાની વિનંતી કરી અને જયહિંદ કૉલેજમાં યોજાયેલ પ્રથમ પ્રયોગમાં પ્રવીણભાઈના અંતરંગ મિત્રોમાંના એક શ્રી દિલીપકુમારે પધારીને પ્રવીણભાઈને સ્મરીને શ્રદ્ધાંજલિ આપી હતી, પછી નાટક ઉપડ્યું અમદાવાદની સફરે, જ્યાં પચાસેક પ્રયોગો પ્રવીણભાઈની હયાતિમાં ભજવાઈ ચૂક્યાં હતાં. લાભશંકરભાઈ, ચીનુભાઈ, રઘુવીરભાઈ, સિતાંશુભાઈ, મધુરાય આ બધા મૂળે પ્રવીણ જોષીના દોસ્તારો, પરંતુ આઈ.એન.ટી. - પ્રવીણભાઈ જોડેના મારા ઘરોબાને કારણે તેમ જ ગુજરાતી સાહિત્ય પ્રત્યેની મારી રુચીને કારણે હું બધા સાથે એમના નાનકડા દોસ્તારની જેમ રહી શક્યો ને હયાત છે, તેઓ બધા આજેય મારા વડીલ મિત્રોની જેમ મારી જોડે પ્રેમપૂર્વક વર્તી રહ્યાં છે. સરિતા-અરવિંદ જોષી અભિનીત મોસમ છલકે ફરીથી અમદાવાદમાં ભજવાયું. પ્રવીણભાઈની સારા નાટકોએ જમાવેલી સુવાસને કારણે પ્રેક્ષકો એમના દિગ્દર્શનનો છેલ્લો ચમકારો જોવા ઊમટી પડ્યાં. સરિતાબેનની ઈચ્છાથી લાભશંકર ઠાકર અને ચીનુ મોદીને પ્રવીણભાઈના નજીકના મિત્રો સમજી આઈ.એન.ટી. એ નાટક જોવા આમંત્રિત કર્યાં અને પ્રથમ હરોળની ગૅંગ વેની બે સિટમાં બીરાજવાની વ્યવસ્થા કરી આપી. મારા આશ્ર્ચર્ય વચ્ચે સરિતાબેનને લાગેલા આઘાત વચ્ચે જોયું તો ઈન્ટરવલ પછી લાભભાઈ અને ચીનુભાઈ નાટક અધવચ્ચે છોડીને ચાલી ગયા હતાં. પ્રવીણભાઈની ગેરહાજરીમાં મોસમ છલકે જેવા બે પાત્રી નાટકમાં જ્યાં પળે પળે સરિતાબેનને પ્રવીણભાઈ યાદ આવતા હોય, દૃશ્યે દૃશ્યે તેઓની આંખો આંસુથી છલકાતી હોય તેવી તેમની માનસિક પરિસ્થિતિમાં

નાટક છોડીને ચાલ્યા જવાની મારા વડીલ મિત્રોની ગુસ્તાખી મારાથી સહન ના થઈ એટલે લાભશંકરભાઈને ઉદ્દેશીને વાંચતી વખતે હાથનાં આંગળા દાઝી જાય એવો ધગધગતો પત્ર મેં ઢસડી એમને મોકલી દીધો. સરિતાબેન કેવા સંજોગોમાં આ નાટક ભજવી રહ્યા છે તેનો વિચાર કર્યા વગર, પ્રવીણભાઈ જોડેની મિત્રતાની શરમ રાખ્યા વિના તે બંનેનું નાટકની અધવચ્ચેથી ચાલ્યા જવું એ માફ ન કરી શકાય તેની નિંદનીય ચેષ્ટા હતી... તમે આ રીતે રિએક્ટ થયા એ મને ગમ્યું... જેવો લાભશંકરભાઈનો પ્રત્યુત્તર મને મળ્યો. નાટક છોડીને ચાલતા કેમ થઈ ગયા એ વિષે ગોળ ગોળ વાતો કરેલ હતી... ધારો કે ‘મોસમ છલકે’ તમારી દૃષ્ટિએ બકવાસ નાટક હતું, પણ તમારા મિત્રના અવસાન બાદ મિત્રપત્નીને ઈન્ટરવલ પછી તમારી ખાલી ખુરશીઓ જોઈને કેવી લાગણી થશે અને ઈન્ટરવલ પછી કેવી માનસિક અવસ્થામાં તેણીએ બીજા અંકનો ભાર વહન કરવો પડશે એનો વિચાર કર્યા વિના બંને મોટા ગજાના સાહિત્યકારો શા માટે ચાલી ગયા એ વાત મારા માટે, સરિતાબેન માટે, અરવિંદ જોષી માટે આજ દિન સુધી કોયડો રહી છે, ખેર...

પરંતુ મેં લખેલા ગુસ્સાથી ફાટ ફાટ થતાં અભદ્ર પત્ર અંગે બંનેએ મારી જોડે ક્યારેય ચર્ચા ન કરી. બંને સમર્થ સાહિત્યકારોએ પ્રેમપૂર્વક મારી જોડેનો સંબંધ એમના મોભાને છાજે તે રીતે સાચવી રાખ્યો. એમના સજ્જનતાપૂર્વકના વ્યવહારે મને એવો બઘવાવી માર્યો કે હું એમને પૂછું કે ‘મોસમ છલકે’ના પ્રયોગમાંથી તમે કેમ ચાલ્યા જવાનું પસંદ કર્યું હતું. તે પહેલા એ બંને સાહિત્યસ્વામીઓએ વિશ્ર્વના રંગમંચ ઉપર ચાલતાં નાટકો છોડીને ચાલ્યા જવાનું નક્કી કરી નાંખ્યું હતું. ને તેઓ બંને ચાલી ગયાં... અધવચ્ચે જ! ને ફરીથી મારા ભાગે રહ્યો પારાવાર પસ્તાવો! (ક્રમશ:)

----------------------

૧)ચિનુ મોદી

૨)લાભશંંકર ઠાકર

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

85286T
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com