28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વાહ ભાઈ વાહ!-એમ. એસ. ટીમ

એમ. એસ. ટીમપ્રાણવાયુ વિના પ્રાણ ચાલે? હા, ચાલે

પૃથ્વી પર જીવન જીવવા અને જીવન ટકાવી રાખવા ઑક્સિજન નામના વાયુની હાજરી આવશ્યક ગણાય છે. દરેક જીવ શ્ર્વાસમાં ઑક્સિજન લે છે જે શરીરમાં પ્રવેશી એને કાર્યરત રાખે છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકે છે જે વાતાવરણમાં ભળી જાય છે. જીવ ટકાવી રાખવા માટે જરૂરી હોવાથી ઑક્સિજનને આપણે પ્રાણવાયુ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રાણવાયુ વિના કોઈ પણ પ્રાણ ટકી જ ન શકે એવો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. જોકે, તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એવો પહેલો બહુકોષી જીવ શોધી કાઢ્યો છે જે ઑક્સિજન વિના પણ જીવી શકે છે.

બ્રહ્માંડની કેટલીક બાબતો હેરત પમાડનારી રહી છે. ઘણી વસ્તુ આપણી સમજણ કે વ્યાખ્યાની પેલે પાર હોય છે. ઉપર આકાશમાં ઉડવું હોય એટલું ઊડી શકાય છે, પણ ગુરુત્વાકર્ષણ ઉડતા જીવને જમીન સરસો કરી દેવાની તાકાત ધરાવે છે. બીજા અનેક સત્યો આપણને વીંટળાઈને પડ્યા છે જેમાંનું એક છે કે જીવને જીવતા રહેવા માટે ઑક્સિજન અનિવાર્ય છે. જોકે, આજથી ૧૦ વર્ષ અગાઉ એટલે કે ૨૦૧૦માં જીવવિજ્ઞાનના પુસ્તકો નવેસરથી લખવા પડશે એવું લાગ્યું હતું. ભૂમધ્ય સમુદ્ર (મેડિટેરેનિયન સી)ના તળિયે પૃથ્વી પરના અત્યંત વિષમ વાતાવરણમાં સંશોધકોને પ્રાણવાયુ વિના જીવતા એક પ્રાણીની ભાળ મળી હતી. અલબત્ત આ જીવ અમીબા જેવો એકકોષી જીવ હતો જે સમુદ્રના પેટાળમાં રહેલા કાદવમાં અસ્તિત્વ ધરાવે છે. જોકે, કાદવમાં અમુક અંશે ઑક્સિજનની હાજરી હશે એવું વૈજ્ઞાનિકો માનતા હતા, પણ આ જીવ મળ્યો એ કાદવમાં ઑક્સિજનનું પ્રમાણ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. બરાબર દસકા પછી હવે વિજ્ઞાનને પ્રાણવાયુ વિના જીવી શકતા બહુકોષી જીવની ભાળ મળી છે. જેલીફિશ જેવા દેખાતા આ જીવમાં માઇટોકોન્ડ્રિયલ જિનોમ તરીકે ઓળખાતા તત્ત્વની ગેરહાજરી છે. પૃથ્વી પર આ એવો પ્રથમ બહુકોષી જીવ મળી આવ્યો છે જેમાં એની ગેરહાજરી જણાઈ છે. સાદી ભાષામાં એનો અર્થ એમ થાય કે આ જીવ શ્ર્વાસ નથી લેતો. બીજી રીતે કહીએ તો પ્રાણવાયુ પર આધાર રાખ્યા વિના આ જીવની જીવનલીલા ચાલી રહી છે. આ શોધ પૃથ્વી પર જીવન કેમ ધબકતું રહે છે એ વિશેની આપણી સમજણમાં તો ઉમેરો કરે જ છે, પણ સાથે સાથે પરગ્રહવાસીની ઉત્સુકતા અને ખોજ માટે ખાતર પૂરું પાડે છે. એટલે પ્રાણવાયુની હાજરી વિનાના અન્ય ગ્રહ પર જીવનું અસ્તિત્વ હોઈ શકે એ વિચારને પુષ્ટિ મળે છે. અલબત્ત શુદ્ધ ઑક્સિજન વિના જીવતી માછલીઓ વિષે તો આપણે જાણીએ જ છીએ. આ જીવ માટે પાણીમાં રહેલો ઑક્સિજન જીવાદોરી છે. કુદરતના કરિશ્મા હજાર છે.

-----------------------

સ્ટેશન બંધાયું, સ્મૃતિઓ નામશેષ

છત્રપતિ શિવાજી મહારાજાના બળવાન સૈન્યમાં તાનાજી માલુસરે નામના એક સુબેદાર હતા. ઘણી લડાઈઓમાં તેમણે પરાક્રમ દેખાડ્યું છે. જોકે, તેમના નામના ઉલ્લેખ સાથે સિંહગઢની લડાઈનું તરત સ્મરણ થાય. કોંડાણાના કિલ્લાને દુશ્મનોના હુમલાથી બચાવવામાં તાનાજી સફળ રહ્યા હતા, પણ તેમણે જીવ ગુમાવ્યો હતો. ત્યારે એમ કહેવાયું હતું કે ‘ગઢ આલા પણ સિંહ ગેલા.’ મતલબ કે કિલ્લો બચી ગયો પણ સિંહ જેવા શૂરવીર તાનાજીને ગુમાવ્યા. એક વસ્તુ મેળવવા જતા બીજી મૂલ્યવાન વસ્તુ ગુમાવવી પડે ત્યારે આ ઉદાહરણનો ઉલ્લેખ થતો હોય છે.

તાજેતરમાં પશ્ર્ચિમ બંગાળના બર્ધમાન શહેરના રહેવાસીઓને આવો જ કંઈક અનુભવ થયો. ભારતીય રેલવેનો ઇતિહાસ બડો મજેદાર છે. એમાંય એના સ્ટેશનોની ગાથા અને એને લગતા પ્રસંગો બડા મજેદાર હોય છે. આ સ્ટેશન ૧૬૬ વર્ષ જૂનું છે અને વર્ષના પ્રારંભમાં એને રિનોવેટ કરવાનું અને સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, થોડા જ દિવસ પછી સ્ટેશનનો એક હિસ્સો પડી ભાંગ્યો. સદ્ભાગ્યે રાતના ભાગે આ અકસ્માત થવાને કારણે વિશેષ જાનહાનિ થઈ નહીં. તાબડતોબ તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવી અને અકસ્માતનું કારણ શોધવાની સાથે સ્ટેશનનું નૂતનીકરણ ઝડપી ગતિએ કરવાનો નિર્ણય પણ લેવાયો. સારી વાત એ છે કે સ્ટેશનનું મૂળ સૌંદર્ય જાળવી રાખવાનો પ્રયાસ થયો છે, પણ સ્થાનિક લોકો અસલનું સ્ટેશન ન સચવાઈ શક્યું એનો અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. ટૂંકમાં સિંહગઢ અને તાનાજી માલુસરે જેવું જ થયું, સ્ટેશન બંધાયું, પણ સ્મૃતિઓ નામશેષ થઈ.

----------------------

કોરોના બિયર? નહીં, કભી નહીં

જગવિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા હોય કે ‘નામ મેં ક્યા રખ્ખા હૈ? નામમાં શું બળ્યું છે?’ ભૈશાબ, ઇતિહાસની અનેક ઘટનાઓ એવી છે જે જોતા એમ લાગે કે નામમાં બહુ બધું બળ્યું છે મારા ભાઈ. કોરોના એનું તાજ્જું ઉદાહરણ છે.

કોરોના નામના વાઈરસે દુનિયાભરમાં કેવો આતંક મચાવ્યો છે એ વાત હવે જગજાહેર છે. એના ઉલ્લેખ માત્રથી લોકો ફફડી રહ્યા છે એવી આજની પરિસ્થિતિ છે. આ નામ માત્ર ભડકાવનારું સાબિત થઈ રહ્યું છે. અમેરિકન પ્રજા બિયરની લિજ્જત માણવાની શોખીન ગણાય છે. મજા એવી થઈ છે કે યુએસએમાં કોરોના નામનો બિયર મળે છે. હવે તમે વિચાર કરો કે બસ-ટ્રેનમાં કે પછી રેસ્ટોરાંમાં કે મિત્રોની મહેફિલમાં બેઠા હોઈએ અને કોઈ બોલે કે ‘મને કોરોના પાસ કર ને’ કે પછી લિકર શોપમાં જઈને કોઈ ‘મને એક કોરોના આપો’ એમ કહે તો એ સાંભળવામાં કેવું લાગે? માંદા માંદા જેવું લાગે, નહીં? કોરોના વાઇરસના હાહાકાર પછી તાજેતરમાં આ સમૃદ્ધ દેશમાં આ સંદર્ભે એક સર્વે કરવામાં આવ્યો હતો અને એના તારણ અનુસાર ૩૮ ટકા લોકોએ કોરોના બિયર નહીં પીવાનું નક્કી કર્યું છે. અલબત્ત બિયર અને વાઈરસને કોઈ કરતા કોઈ લેવાદેવા નથી, પણ એ નામનું ઉચ્ચારણ કરવું લોકોને ગમતું ન હોવાને કારણે એના વિષે અણગમો પેદા થયો હોવાનું માનવામાં આવે છે. બીજી એક જાણવા જેવી વાત એ છે કે વાઈરસ અને બિયરને કોઈ સંબંધ ન હોવાનું સ્વીકારતા કેટલાક લોકોએ આ બિયર પીવાનું ચાલુ રાખ્યું છે, પણ જાહેરમાં એનો ઑર્ડર આપતા કે એના વિષે કોઈ વાત કરતા અચકાય છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ વાતાવરણમાં બિયર કંપની કોરોના નામ બદલવાના મૂડમાં જરાય નથી.

------------------------

ગ્રેટાની સરખામણી ગાંધીજી સાથે?

સરખામણી કરવી અત્યંત મુશ્કેલ કામ છે. એમાં સંતુલન જાળવવામાં ભલભલા થાપ ખાઈ જતા હોય છે. મોટેભાગે એમાં અતિરેક થતો જોવા મળે છે અને પરિણામે જેની સરખામણી કરવામાં આવી હોય અને જેની સાથે થઈ હોય એ બેઉ જણને અન્યાય થવાના સંજોગો ઉજળા હોય છે. ક્રિકેટનો દાખલો લઈએ તો ઘણા બેટ્સમેનોની સરખામણી ઑસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન સાથે થતી આવી છે. જોકે, સરખામણી થયા પછી એ બેટ્સમેનની કારકિર્દીનો ગ્રાફ નીચે ઊતરી ગયો હોય એવાં અનેક ઉદાહરણો છે. રાજકારણ અને સાહિત્યમાં પણ આવું જોવા મળે છે.

ક્લાઈમેટ ચેન્જ જેવા આજની તારીખના સળગતા મુદ્દા માટે લડત ચલાવી રહેલી અને સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં ઉછરેલી ૧૭ વર્ષની ગ્રેટા થનબર્ગના કિસ્સામાં આવું જ કંઈક બની રહ્યું છે.

૨૦૧૮ના મેં મહિનામાં ૧૫ વર્ષની ઉંમરે ગ્રેટા ક્લાઈમેટ ચેન્જ વિષે એક સ્થાનિક અખબારે આયોજિત કરેલી નિબંધ સ્પર્ધા જીતી ત્યારથી આ વિષય પ્રત્યે તે વધુ જાગરૂક બની છે. આ ઘટનાના ત્રણ જ મહિના પછી ઑગસ્ટ ૨૦૧૮માં તેણે આ મુદ્દે સ્વીડિશ સંસદ ભવનની ઇમારત સામે વિરોધ નોંધાવ્યો અને ધીરે ધીરે એના પ્રયાસો ચળવળનું સ્વરૂપ ધારણ કરતા ગયા. ગ્રેટાને આ મિશનનો એવો નાદ લાગ્યો કે ભણતર પ્રત્યે તેનું ધ્યાન ઓછું થવા લાગ્યું અને ક્લાઈમેટ ચેન્જ વિશેની લડત જ તેનું જીવન બની ગઈ. ૨૦૧૮ના ડિસેમ્બર સુધીમાં દુનિયાભરના વીસેક હજાર બાળકો એના સમર્થનમાં જોડાઈ ગયાં. ૨૦૧૯ના સપ્ટેમ્બર મહિનામાં તો ગ્રેટા ન્યુ યોર્કમાં આયોજિત યુનાઇટેડ નેશન્સની ક્લાઈમેટ કોન્ફરન્સમાં હાજરી આપી આવી. પર્યાવરણના મુદ્દે એ એટલી સજાગ છે કે વિમાનમાં મુસાફરી કરવાનું ટાળે છે. ગયા અઠવાડિયે ક્લાઈમેટ ચેન્જની જાગરૂકતા સંદર્ભે એ યુકેના બ્રિસ્ટલ નામના શહેરમાં આવી ત્યારે એને સાંભળવા ત્રીસ હજાર લોકોની મેદની એકઠી થઈ હતી. આના પરથી એના નામનો મહિમા કેટલો વધી ગયો છે એનો ખ્યાલ આવે છે. ટૂંકમાં કહીએ તો ગ્રેટા ખૂબ જ સરાહનીય કામ કરી રહી છે, પણ હજી દિલ્હી બહુ દૂર છે. બ્રિસ્ટલ શહેરની રેલીમાં અતિરેક થઈ ગયો. કોઈએ એને રોકસ્ટાર તરીકે નવાજી તો કોઈએ એના બીજી રીતે ઓવારણાં લીધા. મોબાઈલ ફોન તો એવી રીતે હાથમાં રાખવામાં આવ્યા જાણે કે ગ્રેટાને સેલ્યુટ કરતા હોય. બ્રિસ્ટલ યુનિવર્સિટીની વીસ વર્ષની એક વિદ્યાર્થિનીએ તો ‘ગ્રેટા તો ગાંધી જેવી છે. કેટલી સ્વસ્થતાથી પોતાનું કામ કરી રહી છે. આઈ લવ હર’ કહીને હદ કરી નાખી. વીસ વર્ષની યુવતી તો બોલતા બોલી ગઈ, પણ એક અખબારે તો ગ્રેટાને ‘અવર જનરેશન્સ ગાંધી’નું લેબલ લગાડીને એ મથાળામાં ચમકાવીને અતિરેક કરી નાખ્યો. મીડિયાની સભાનતા આવે પ્રસંગે કસોટીની એરણે ચડે છે.

-----------------------

કોરોનાના ફફડાટથી ઈશ્ર્વરભક્તિ ઑનલાઇનઈશ્ર્વર કે ઘર મેં દેર હૈ, અંધેર નહીં એ કહેવત તમે સાંભળી હશે, પણ ઈશ્ર્વરના દરબારમાં ફફડાટ હોય એવું તો તમે સ્વપ્નમાં પણ નહીં ધાર્યું હોય. જોકે, ચીનથી આયાત થઈને દુનિયાભરમાં હાહાકાર અને અરેરાટી ફેલાવનારા કોરોના વાઇરસનો ભય દક્ષિણ કોરિયાના દેવળ સુધી ફેલાઈ ગયો છે, બોલો. ચીનમાં આતંક મચાવી રહેલા આ વાઇરસનો ચેપ દુનિયાના અન્ય દેશોમાં પ્રસરી રહ્યો છે. દક્ષિણ કોરિયામાં તો વાત એ હદે વણસી ગઈ છે કે ગયા રવિવારે ઘણા દેવળ-ચર્ચ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, લોકો ઈશ્ર્વરની આરાધના કરવાથી વંચિત ન રહે એ માટે કેટલાક દેવળ દ્વારા ઑનલાઇન સરમન (પ્રવચન)નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. આમેય જીવ ઉચક હોય અને હૈયે ફફડાટ હોય ત્યારે પ્રભુના સ્મરણનું પ્રમાણ વધી જતું હોય છે. કોરોના વાઇરસને કારણે થયેલી બેહાલીમાં ચીન પછી દક્ષિણ કોરિયાનો નંબર છે. માહિતી મુજબ ગયા રવિવાર સુધીમાં ૩૩૭૬ લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો હતો અને ૨૦ જણ મૃત્યુ પામ્યા હતા. સોલ દક્ષિણ કોરિયાનું પાટનગર છે. આ શહેરના મુખ્ય ચર્ચમાં પ્રભુભક્તિ માટે આવેલા શ્રદ્ધાળુઓને ઘરે પાછા રવાના કરી દેવાયા હતા. ચર્ચના સાડા પાંચ લાખ અનુયાયીઓ માટે યુ-ટ્યુબ પર પ્રવચન (સરમન) અપલોડ કરવામાં આવ્યું હતું. સામાન્ય સંજોગોમાં આ સરમન ૨૫૦ મેમ્બર અને ૬૦ લોકોની ઑર્કેસ્ટ્રા સાથે રજૂ કરવામાં આવે છે. એક શ્રદ્ધાળુ ભક્તિ અર્થે ચર્ચ પહોંચ્યો ત્યારે તેને પાદરી નહીં, પણ માસ્ક પહેરેલો એક સુરક્ષા કર્મચારી નજરે પડ્યો હતો. ચર્ચને બંધ જોઈને એને નવાઈ નહોતી લાગી અને તેણે કહ્યું કે ‘પ્રવચનની સગવડ ઑનલાઇન કરવાનો નિર્ણય આવકારદાયક છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોય ત્યાં વાઇરસ ફેલાતા વાર નથી લાગતી.’ ૨૩૬ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર દક્ષિણ કોરિયાના ચર્ચ દ્વારા દેશભરમાં ૧૭૦૦ ઠેકાણે માસ (ઈશ્ર્વરનો આભાર માનવાની પ્રાર્થના) અટકાવી દેવામાં આવી હતી. બૌદ્ધ મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. માણસે ઈશ્ર્વરનું આધિપત્ય સ્વીકારવું પડે છે એવું આપણે ઘણે ઠેકાણે વાચ્યું - સાંભળ્યું છે. એ જ રીતે ક્યારેક વિજ્ઞાન સર્વોપરી હોય છે એ પણ સમજવું પડે છે.

----------------------

દેડકો: એક પવિત્ર પ્રાણી?

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક અત્યંત પાતળી રેખા હોય છે. આ વખતે સારો વરસાદ પડે એવી પ્રાર્થના કરી વાવેતર કરવું એ શ્રદ્ધાની વાત થઇ, પણ ચોમાસામાં વરસાદ ન પડતો હોય ત્યારે દેડકાઓનાં લગ્ન કરાવવાથી મેઘરાજાનું આગમન થશે એવો પ્રયાસ કરવો એ નરી અંધશ્રદ્ધા છે. દક્ષિણના રાજ્યોમાં ચોમાસા વખતે જાન વાજતેગાજતે લઇ જઈ દેડકાનાં ઘડિયાં લગ્ન લેવાના ઘણા બનાવો છાપે ચડ્યા છે. આપણા દેશમાં તો દેડકાનું એક મંદિર છે અને અહીં ડ્રાંઉં ડ્રાંઉં કરતા આ જીવની પૂજા પણ કરવામાં આવે છે. વાત છે ઉત્તર પ્રદેશની, એના લખમીપુર જિલ્લાની. આ જિલ્લામાં ઓએલ નામનું એક ગામ છે જ્યાં આ અનોખું મંદિર છે. ૨૦૦ વર્ષ જૂના આ મંદિરની ઊભારણી એક વિશેષ હેતુથી કરવામાં આવી હતી. આ ગામ અને એની આસપાસનો વિસ્તાર દુકાળ અને મહાપૂર જેવી આપત્તિઓથી સુરક્ષિત રહે એ માટે આ દેડકાનું મંદિર બાંધવામાં આવ્યું હતું. મંદિરમાં એક શિવલિંગ છે જેનો રંગ બદલતો રહે છે એવી માન્યતા છે. બીજી એક હેરત પમાડે એવી વાત એ છે કે મંદિરમાં નંદીની મૂર્તિ ઊભી છે. દેશના બધા મંદિરોમાં નંદી બેઠેલી અવસ્થામાં નજરે પડે છે. મંદિરની ભીંતો પર તાંત્રિક દેવ-દેવીઓની મૂર્તિઓ છે. સિવાય મંદિરમાં વિચિત્ર પ્રકારના અનેક ચિત્રો જોવા મળે છે. આ મંદિરના પરિસરમાં જ દેડકાની મૂર્તિ છે. આ મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો ઊમટે છે. મહા શિવરાત્રી અને દિવાળી જેવા તહેવાર વખતે અહીં ખાસ પૂજાવિધિનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજા કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થતી હોવાની માન્યતા છે. આ મંદિર સાથે અંધશ્રદ્ધા ભરેલી એક કથા પણ સંકળાયેલી છે. ઓએલ ગામના રાજા બખ્ત સિંઘ નામના જમીનદારને પુત્ર નહોતો. પોતાની ગાદીના વારસની ચિંતા એને કોરી ખાતી હતી. એક તાંત્રિક બાબાએ જમીનદારને એક શિવ મંદિર બાંધવાની સલાહ આપી, પણ એ પહેલા એક દેડકાનો બલિ ચડાવવો પડશે એમ કહ્યું. દેડકાને સંતતિનું પ્રતીક માનવામાં આવતું હતું. જે સ્થળે દેડકાનો બલિ ચડાવાયો એ જ જગ્યાએ મંદિર ઊભું કરવામાં આવ્યું છે. એટલે જ મહાકાય દેડકાની પીઠ પર મંદિર ચણાયું હોય એવું લાગે છે. અંધશ્રદ્ધાનો અતિરેક, બીજું તો શું કહેવું આને?

----------------------

બાળકોના આરોગ્યની તકેદારી

આજનું બાળક આવતી કાલનો દેશનો નાગરિક છે. એટલે આજે આ બાળક શારીરિક અને માનસિક રીતે જેટલું વધુ સ્વસ્થ રહે એ ખૂબ જ મહત્ત્વનું છે. એને આધારે જ આવતી કાલ ઉજ્જવળ હશે એવી આશા રાખી શકાય છે. એક સમય હતો જ્યારે બાળકની બધી બાબતો ઘરના વડીલના સંચાલન હેઠળ રહેતી. બાળકે શું ખાવું, શું પીવું, શું જોવું ને શું પહેરવું અને ક્યાં જવું એનો નિર્ણય એ વડીલ જ લેતા. અબ તો ઝમાના બદલ ગયા હૈ. બાળકની પ્રવૃત્તિ માટેના વિકલ્પોમાં મોટી ભરતી આવી છે. ક્યારેક તો દસ-બાર વર્ષનું બાળક વડીલને દોરતું હોય એવું જોવા મળે છે. જોકે, બાળકના શારીરિક આરોગ્ય પ્રત્યે રખાતી તકેદારી વધુ મજબૂત બની રહી છે એ હકીકત હરખાવા જેવી જરૂર છે.

ટૅક્નોલૉજીના પ્રભુત્વ હેઠળના આજના જીવનમાં બાળકનો દોરીસંચાર કરવો મુશ્કેલ કામ બની રહ્યું છે. કેટલે ઠેકાણે ધ્યાન રાખવું એ એક મોટો પડકાર બની ગયો છે. એમાંય ખાણીપીણી બાબતે સજાગ ન રહેવાય તો બાળક મેદસ્વી કે સ્થૂળ કાયાવાળું બની જાય એનો છૂપો ભય રહેલો છે. બાળકને છાનું રાખવા કે બીજી કોઈ રીતે વ્યસ્ત રાખવા હાથમાં ચોકલેટ પકડાવી દેવાની વૃત્તિ પર લગામ મુકાઈ રહી છે. મીઠાઈથી એ દૂર રહે એ માટે કોશિશ કરવામાં આવે છે. વિદેશમાં તો ખરીદી કરવા બાળક માતા-પિતા સાથે સુપર માર્કેટમાં જાય એ સ્વાભાવિક બાબત ગણાય છે. સુપર માર્કેટની વ્યવસ્થા પ્રમાણે ગ્રાહકે શેલ્ફ પર મુકેલી વસ્તુઓ જાતે પસંદ કરીને લેવાની હોય છે. સ્વાભાવિક છે કે શોપિંગ વખતે બાળનજર તો કેન્ડી, ચોકલેટ કે બીજી કોઈ સ્વીટ જ શોધતી રહેવાની. એક વાર બાળકના હાથમાં આવી આઈટમ આવી ગયા પછી એને પાછી મુકવી કેટલું મુશ્કેલ કામ છે એ સૌ પેરન્ટ્સ જાણે છે. એટલે યુકે અને યુરોપિયન દેશોમાં સ્વીટ વસ્તુઓ બાળકની પહોંચ બહાર રાખવાની અપીલ સુપર માર્કેટોને કરવામાં આવી છે. જે ખાદ્ય પદાર્થોમાં ફેટ, શુગર અને સોલ્ટ (ચરબી, ખાંડ અને નમક)નું પ્રમાણ વધારે હોય એવા પદાર્થોનું પ્રમોશન ટાળવું જોઈએ અને ફળ અને શાકભાજી જેવી આરોગ્યપ્રદ વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ આપીને એનું વેચાણ વધારવાની કોશિશ કરવી જોઈએ એમ કહેવામાં આવ્યું છે. આરોગ્ય માટે યોગ્ય ન હોય એવા પદાર્થો બાળનજરથી દૂર રાખવા જોઈએ. બાળકોમાં જોવા મળી રહેલી સ્થૂળ કાયાના પ્રમાણમાં ઘટાડો લાવવામાં આ સુપર માર્કેટો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

પહેલો સગો પાડોશી બૅલેન્સ છે.

----------------------

વિરહનું વહાલ

‘મોહે ભૂલ ગયે સાંવરિયા’ સહિત અનેક હિન્દી ફિલ્મના ગીતોમાં પ્રેમી હૃદયની વેદનાને વિવિધ રીતે વાચા મળી છે. એમાંય પ્રેમિકાનું દિલ તૂટી ગયું હોય કે પ્રેમીએ એને તરછોડી દીધી હોય એવા ભાવવાળા ગીતોની કમી નથી. જોકે, કઠણ મનોબળ ધરાવતી સ્ત્રી એમાંથી બહાર નીકળી નવેસરથી જીવન જીવતી હોવાના અનેક દાખલાઓ વિષે આપણે જાણીએ છીએ. આજે તમને એક એવી બ્રિટિશ મહિલાની વાત કરવી છે જે પોતાના બોયફ્રેન્ડથી તરછોડાયા બાદ આંસુ સારતી બેસી ન રહી, પણ નિરાશા ખંખેરીને નવા હેતુ સાથે જીવવાનું શરૂ કર્યું અને તાજેતરમાં યોજાયેલી મિસ ગ્રેટ બ્રિટન સૌંદર્ય સ્પર્ધામાં વિજેતાપદ મેળવીને હમ કિસીસે કમ નહીં એ સાબિત કર્યું.

નામ છે એનું જેન એટકિન અને ઉંમર ૨૬ વર્ષ. જેમ દરેક નારીને સુંદર દેખાવું ગમે એમ જેનને પણ દર્પણ સામે બેસીને તૈયાર થવાનો શોખ છે. ૨૦૧૭ અને ૨૦૧૮માં તેણે બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો, પણ ૨૦૧૭માં સેમી ફાઇનલ સુધી અને ૨૦૧૮માં ફાઈનલ સુધી તેની મજલ પહોંચી હતી. ૨૦૧૪માં તેને એક બોયફ્રેન્ડ સાથે નિકટતા થઈ. જોકે, આ ફ્રેન્ડે એને એટલા લાડ લડાવ્યા કે એનના શારીરિક કદમાં જાણે કે સ્પ્રિંગ લાગી અને વજન વધીને ૧૧૪ કિલો થઈ ગયું. બેઉ વચ્ચે પ્રેમ એવો પાંગર્યો કે ૨૦૧૫માં સાત ફેરા લેવાનું નક્કી થઈ ગયું, પણ ગર્લફ્રેન્ડનું વજન અચાનક વધી જતા સ્થૂળ કાયા જોઈને બોયફ્રેન્ડે સંબંધ પર કાતર ચલાવી દીધી. બે ઘડી જેન હેબતાઈ ગઈ અને એક મહિના સુધી તો ચોધાર આંસુએ રડતી રહી. પછી જાતને સંભાળી લીધી અને વજન ઉતારવા પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું. જિમ્નેશ્યમની મેમ્બર બની અને વ્યાયામ કરીને વજન અડધોઅડધ કરીને કાયાને સુડોળ બનાવી દીધી. જાતને બહેલાવવા સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો અને ૨૦૧૮માં ફાઇનલ સુધી પહોંચ્યા પછી આ વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં મિસ ગ્રેટ બ્રિટનનો તાજ એના શિરની શોભા બની ગયો. જોકે, ૨૦૧૯માં લગ્ન કરી લીધા પછી તેણે બ્યુટી કોન્ટેસ્ટને બાયબાય કરી દીધું હતું, પણ આ વર્ષે ફરી એક પ્રયાસ કરવાની ઈચ્છા થઈ જેમાં તેને સફળતા મળી છે. હજી ચાર જ વર્ષ પહેલા કારમા આઘાતમાં જીવતી યુવતી દૃઢ મનોબળને કારણે ક્યાં પહોંચી ગઈ એ જોવા જેવું છે અને જીવનમાં પણ ઉતારવા જેવું છે, હેં ને!

---------------------

પાંચ રાજવી, ૨૬ વડા પ્રધાન અને બે વિશ્ર્વયુદ્ધ

‘મેં તારા કરતાં વધુ દિવાળી જોઈ છે અને મને દુનિયાદારીનો અનુભવ તારા કરતાં વધુ છે’. આવું તમે વડીલોના મોઢે અનેક વાર સાંભળ્યું હશે. મોટી ઉંમરના અને જીવનમાં ઘણો બધો અનુભવ ધરાવતા લોકો આવી વાત કરતા હોય છે. જોકે, બ્રિટનના સૌથી વયોવૃદ્ધ વડીલની જીવનકથા પર એક નજર નાખશો તો તેમણે અનુભવેલી દુનિયાદારી કેટલી વિશાળ છે એનો ખ્યાલ આવી શકે છે.

આપણા આ વડીલનું નામ છે મુ.પૂ. બોબ વેટન. મન થાય ત્યારે ઘરની બારીની બહાર ડોકિયું કાઢે છે, પોતાને ખાવું હોય એ જાતે બનાવી લે છે, રિસાઇકલ્ડ મટિરિયલમાંથી ફર્નિચર અને ઘરેણાં બનાવે છે, દુનિયામાં ચાલી રહેલી મહત્ત્વની ઘટનાઓથી વાકેફ હોય છે અને હજી ગયા વર્ષ સુધી લેખનકાર્ય કરી રહ્યા હતા. આટલા વ્યસ્ત રહેતા મુરબ્બી પૂજ્યની ઉંમર જાણવાની ઉત્કંઠા તમને થઈ હશે. એમની ઉંમર છે ત્રણ એકડા એટલે કે ૧૧૧ વર્ષ. ત્રણેક અઠવાડિયા પછી હયાત હશે તો કેક કટિંગ કરીને ૧૧૨મી વરસગાંઠની ઉજવણી કરશે. આજની તારીખમાં તેઓ વિશ્ર્વના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિનો હોદ્દો ધરાવે છે. હજી ૨૬ ફેબ્રુઆરી સુધી આ સિદ્ધિ જાપાનના સી. વટાનબેના નામે હતી. ૨૬મીએ ૧૧૨ વર્ષની વયે જાપાની દાદાનું અવસાન થતા આ ખિતાબ વેટન દાદાને શિરે આવી ગયો છે. જેપનીઝ દાદાની લીલી વાડીમાં પાંચ સંતાન, બે પૌત્ર, ૧૬ પ્રપૌત્રો અને એક પ્રપૌત્રનાં બાળકનો સમાવેશ છે. હવે વેટન દાદાજીની લીલી વાડીની વિશાળતા જોઈએ.

બ્રિટિશ દાદાજીએ તેમના જીવનકાળમાં પાંચ રાજવી (રાજા અને રાણી), ૨૬ વડા પ્રધાન, બે વિશ્ર્વયુદ્ધ, ત્રણ બાળકો, ૧૦ પૌત્રો અને ૨૫ પ્રપૌત્રોનો બહોળો સંસાર જોયો છે. ટાઇટેનિક ડૂબી જવાની ઘટના, રાણી એલિઝાબેથ બીજીનો રાજયાભિષેક, ટેલિવિઝનની શોધ, ઈન્ટરનેટનો આવિષ્કાર તેમ જ સોશ્યલ મીડિયાનો વિસ્ફોટ જેવી વૈવિધ્યપૂર્ણ ઘટનાના તેઓ સાક્ષી રહ્યા છે. પ્રેમાળ પત્ની ઍગ્નેસ સાથે ૬૦ વર્ષનું મધુર દાંપત્ય જીવન માણ્યું છે અને આપણી સંસ્કૃતિ અનુસાર ઍગ્નેસ સૌભાગ્યવતી અવસ્થામાં પરલોક સિધાવ્યા. જીવનના નિચોડ વિષે બોલતા આ દાદાજી જણાવે છે કે ‘મને ઇતિહાસના અનેક પ્રસંગો યાદ છે. કેટલાક પ્રસંગોમાં તો મને સહભાગી થવાની ફરજ પાડવામાં આવી હતી. જીવનમાં ભૌતિક લાલસા પાછળ દોડતા રહેવાને બદલે હસતા રહેવું વધુ મહત્ત્વનું છે. પૈસાથી સુખ નથી મેળવી શકાતું. હું અઢળક પૈસો નથી કમાઈ શક્યો, પણ એનો મને અફસોસ નથી. જીવનમાં સ્વકેન્દ્રી બનવાને બદલે જાતને વિસરીને અન્યોનો વિચાર કરી કંઈક કરતા રહેવામાં મજા છે.’ દાદીમા ૧૯૯૭માં ગુજરી ગયા ત્યારે એમની ઉંમર ૯૦ વર્ષની હતી. બોબભાઈના છ ભાઈ-ભાંડુઓમાંથી આજે કોઈ હયાત નથી, પણ પોતે જરાય એકલતા નથી અનુભવતા એવું તેમનું કહેવું છે. ઘણા લોકો સાથે તેમને પરિચય છે જે તેમને મળવા આવતા રહે છે અને દાદાજી પ્રસન્ન મને જીવે છે. સિનિયર સિટીઝને કેમ જીવવું જોઈએ એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Wkp4ex7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com