28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુસા...ફિર ‘થા’ મૈં યારો...

ભુલી બીસરી યાદેં-મુકેશ પંડ્યાહોળી ગઇ. હવે પરીક્ષાઓ પત્યા પછી ઉનાળુ વેકેશન શરૂ થશે. જોકે અત્યારના છોકરાઓ તો મોટે ભાગે વેકેશન બેચીસમાં અટવાયેલા રહે છે, પણ પચાસ વર્ષ પહેલાંની વાત અલગ હતી. અમે લોકો નાનપણમાં ઉનાળુ વેકેશન દરમ્યાન મુંબઇથી ગુજરાત- માદરેવતનના ગામમાં અચૂક જતાં.

આજના કોલેજિયનો મોબાઇલ કે કૉમ્પ્યુટર પર જ આંગળીઓ નચાવતા નચાવતા ટિકિટ કઢાવી લે છે તેવો જમાનો ત્યારે ન હતો. મુંબઇથી અમદાવાદ ટ્રેનમાં જવાનું હોય તો તે સમયે પણ બે કે ત્રણ મહિના અગાઉ જ ટિકિટ કઢાવવી પડતી, પણ ત્યારે કૉમ્પ્યુટર ન હતાં. મારા મામા અને તેમનો મિત્ર આગલી રાતથી જ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશને જઇને સૂઇ રહેતાં. ટિકિટ બારી આગળ નંબર લગાડી રાખતાં. ત્યાં જ ખાવાપીવાનું કે ચા-નાસ્તો પતાવતા. બીજે દિવસે સવારે ટિકિટ બારી ખૂલે ત્યારે ઘણી હો-હો અને ધમાલ પછી, લોકોના હડસેલા-ગોદા ખાઇને માંડ માંડ અમદાવાદની ટિકિટો પામતાં. આ ટિકિટો પૂંઠામાંથી બનતી. તે વખતે ઝેરોક્સ જેવા કોપી મશીનો પણ નહીં. કૉમ્પ્યુટર પણ નહીં એટલે પીએનઆર નંબર પણ ક્યાંથી હોય? આ પૂંઠાની ટિકિટો ખોવાઇ કે પાણીમાં પલળી ન જાય તે રીતે જતનપૂર્વક સાચવવામાં આવતી. આવી રિઝર્વેશન ટિકિટો જેને મળી જાય એ તેની પર કાગળ વીંટાળી, રબરબેન્ડ ભરાવીને જીવની જેમ સાચવી રાખતો.

આટલું ઓછું હોય એમ, જેમ જેમ પ્રવાસનો દિવસ નજીક આવતો જાય એમ એમ કોઇને કોઇ ટિકિટ વગરનાઓની સિફારિશ વધતી જતી. મારુંં હમણાં જ જવાનું નક્કી થયું છે. સાદી ટિકિટ લીધી છે, પણ તમારી સાથે રિઝર્વેશન ડબ્બામાં લઇ જશો? તેવી વિનંતીઓ થતી. નજીકનું સગું હોય કે કોઇ કટોકટી હોય તો ના પણ ન પડાય. ટિકિટ ચેકર જોડે ઘણી મસલતો, આજીજી અને કંઇક્ લીધા-દીધાની વાતો ર્ક્યા પછી આવા એક્સ્ટ્રા મુસાફરો અમદાવાદ

ભેગા થતાં.

રિઝર્વેશન ન હોય એ ડબ્બામાં તો વળી આનાથીય ભૂંડી હાલત થતી. ડબ્બામાં ઘૂસવું કેવી રીતે એ જ મોટો પ્રશ્ર્ન. ફેમિલીવાળા તો ઘૂસી જ ન શકે. નીચલી સીટ ઉપલી સીટ બધી જ હાઉસ ફૂલ. આ સીટો પણ હમાલની મહેરબાનીથી જ મળે. બેઠાં બેઠાં જ સૂવાનું.. છેક અમદાવાદ સુધી. સીટથી ટોઇલેટ સુધી પણ માણસો જ માણસો પથરાયેલા હોય. ટોઇલેટમાં બેઠા બેઠાય ઘણા લોકોએ પ્રવાસ કર્યા હશે. સાચે જ તે વખતે પ્રવાસ કરવો એટલે જાણે માથાનો દુખાવો અને સો મણની ધાક. રસ્તામાં કોઇ સહપ્રવાસી જોડે સામાન રાખવા બાબતે ઝઘડો ન થાય તો જ નવાઇ. અરે હા, ઠીક યાદ આવ્યું. ગાડીમાં એક્સ્ટ્રા માણસોની જેમ એક્સ્ટ્રા સામાન પણ બહુ રહેતો. નાનકડા ગામડામાં તો ચાની ભૂકી કે સાબુની ગોટી પણ તે વખતે મળતી નહીં. બધું જ મુંબઇથી લઇ જવું પડતું. આ તો થયો પોતાનો સામાન. પણ બીજા ઓળખીતાપાળખીતાય પોતાના સગાસંબંધીઓ માટે કોઇ સંપેતરા આપી જતા તો તેમનેય ના પડાતી નહીં. આજના જેવી માત્ર ડિઝાઇનર કપડા રાખતી એક્રેલિક-પ્લાસ્ટિકની બેગો તે વખતે હોત તો પણ કામ ન આવત. તે વખતે લોખંડ-પતરાની પેટીઓ બનતી તે જ કામે આવતી, કારણ કે એ પેટીઓમાં માત્ર કપડાં જ નહીં, પણ ઘરવખરીનો તમામ સામાન પણ ઠાંસી ઠાંસીને ભરવામાં આવતો. સવારે દાંતે ઘસવા માટેના પાઉડરથી લઇને રાત્રે માથે ઘસવાનો બામ સુદ્ધાં બાએ યાદ કરી કરીને પેટીઓમાંં ભરવું પડતું. ઘણી વાર બીજા લોકો સંપેતરા આપી ગયા હોય તેનો એક અલગ થેલો પણ બનાવવો પડતો. એ સમયે થર્ડ ક્લાસનો માણસ વિકાસ પામીને સેક્ન્ડ ક્લાસ સુધી પહોંચ્યો ન હતો. ગાદીવાળી સીટો નસીબમાં ન હતી. લાકડાની સીટ કે પછી ટ્રેનની ફર્શ પર સૂઇ રહેવા માટે ખાસ બિસ્તરા ખરીદવામાં આવતા. આજની પેઢીને બિસ્તરાં-પોટલાં એટલે શું એ કદાચ ખબર પણ નહીં હોય. તે વખતે પાણી પીવા માટે પ્લાસ્ટિકની બોટલો ન હતી કે પાણી પીને ફેંકી શકાય. માટીના મોટા કુંજા,પિત્તળના ચંબુ કે પ્યાલા અને નળવાળા ટમ્બલર પણ સાથે લઇ જવા પડતા. રસ્તામાં આજની જેમ ચૌરે ચૌટે ખાવાનું મળતું નહીં એટલે ફરાળનો મોટો એક ડબ્બો અલગ. ઉનાળાના વેકેશનમાં બાળકોને બે માસ જેટલી રજાઓ મળતી, પણ તેમના નોકરી-ધંધો કરતા બાપુજીઓને આટલી લાંબી રજાઓ ક્યારેય મળતી નહીં. ક્યારેક નવાઇ લાગે છે કે આટલા બધા સામાન અને સરેરાશ ત્રણથી ચાર છોકરાઓને વતનમાં લઇ જતી એકલી માતાઓમાં આ પ્રવાસ સમયે જોમ,જુસ્સો અને અખૂટ હિંમત કેવી રીતે આવતી હશે?

આજના છોકરાઓને માથા પર સામાન મૂકીને લઇ જવાનો તો બિલકુલ અનુભવ નહીં , કારણ કે હવે તો પૈડાંવાળી બેગો અને હેન્ડબેગો આવી છે, પણ આ લખનારે તેની માતાને માથા પર પતરાની પેટીઓ મૂકીને પૈડાની જેમ હડી કાઢતાં જોઇ છે. તમે જોઇ છે?

એ વખતે કોલસાથી ચાલતા એન્જિન હતાં. આ એન્જિન ધુમાડો ઓકતું હોય ત્યારે એ કાળા ડિબાંગ ધુમાડા જોડે કોલસાની ઝીણી કરચો પણ ઊડતી અને આંખોમાં ઘૂસીને કણાની માફક ખૂંચતી. આંખોમાંથી પાણી વહેવાનું શરૂ થઇ જાય. લોચનિયા રાતાચોળ પણ થઇ જાય. તેની અસર પાછી એક-બે દિવસ સુધી રહેતી.

અમદાવાદથી આગળ બસ (એસ.ટી.) દ્વારા જ પોતાના નાનકડા ગામ (માદરે વતન) પહોંચી શકાતું. તે વખતે આજના જેટલી પ્રાઇવેટ કારો કે ખુદની કારો પણ ન હતી. આ એસ.ટી.ઓમાં પણ ઘણી ગિર્દી થતી. ઘણા લોકો બારીમાંથી કૂદીને સીટો પર કબજો જમાવતા. ખાડા ટેકરા કે ધૂળિયા કાચા રસ્તે જ્યારે આ બસો ફરી વળતી ત્યારે તેના તમામ સ્પેરપાર્ટસ ધણધણી ઊઠતાં. ગમે તેટલી તકેદારી રાખો તોય માથું સીટ પર રાખેલા દંડા સાથે ભટકાય, ભટકાય અને ભટકાય જ. ઊભા ઊભા મુસાફરી કરનારની તો એથીય ભૂંડી હાલત થતી. રસ્તામાં જો ગાયભેંસના ધણ કે બકરા-ઘેટાંના ટોળાં આવી જાય તો ડ્રાઇવરે એટલા જોરથી બ્રેક મારવી પડતી કે પાછળ ઊભેલા મુસાફરો ઊલળીને આગળ આવી જતાં.તે વખતે નહોતાં આટલા બધા પાક્કા રસ્તા કે ન હતી લક્ઝરી બસો. પ્રાઇવેટ ટ્રાવેલવાળા તો નહીવત્. પરિવહનના નામે માત્ર સરકારી વાહનો જ મળતાં. નાના નાના ગામડાઓમાં તો રિક્ષા-ટેક્સી કંઇ જ ન મળે. કોઇક ગામમાં વળી ત્યાંના ડૉક્ટર કે તેમના જેવા બે-ત્રણ મહાનુભાવો પાસે જીપ જેવું સાધન હોય તો ક્યારેક બેસવાનો ચાન્સ મળી જતો. તે વખતે ઉનાળાના વેકેશનમાં જ મોટાભાગના લગ્નો થતાં. આ લગ્નમાં એક ગામથી બીજે ગામ જાન લઇ જવા ખટારાઓ બોલાવવામાં આવતા. તેમાં ઊભા ઊભા એક ગામથી બીજે ગામ જવું પડતું. અને હા, બળદગાડાં(ગાલ્લા) કે ઊંટગાડીમાં બેસવાનો આનંદ અને લ્હાવો જે અમને મળ્યો એ આજની વિમાનમાં ઉડાઉડ કરનાર પેઢીને તો નહીં જ મળે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

64Mf22
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com