28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ચના જોર ગરમ’ના નામથી જ મોંમાં પાણી આવી જતું

વીસરાતા વ્યવસાય-કાજલ રામપરિયાબદલાતા સમયની સાથે વાનગીઓ બનાવવામાં પણ જબરી ક્રાંતિ આવી ગઇ છે. સામાન્ય શાક વઘારવામાં પણ હવે વિશેષ પ્રકારના મસાલા નાખવામાં આવે છે. એમાંય વળી દેશી વાનગીઓને વિદેશી ટચ આપીને તેનું વધુ કિંમતે વેચાણ કરવામાં આવતું હોય છે, પરંતુ મુંબઇના સ્ટ્રીટ ફૂડની વાત જ અલગ હોય છે. આજની તારીખમાં શહેરના સ્ટ્રીટ ફૂડ વખણાય જ છે, પણ અમુક સમય પહેલા વેચાતા ચના જોર ગરમની વાત જ નિરાળી હતી. જેને આ વિશે ખબર હશે તેમને આ વાંચીને જ મોંમાં પાણી આવી ગયું હશે. ખરું કહ્યું ને? ચના જોર ગરમ એક એવી ચટપટી અને મસાલેદાર સ્ટ્રીટ ફૂડ છે જેને જોઇને જ ખાવાનું મન થઇ જતું.

ચના જોર ગરમ મુંબઇની સૌથી વખણાતી વાનગી હતી. ધીરે ધીરે તે દેશના ખુણે ખુણે બૉમ્બે ચના જોર ગરમના નામે વેચાતી થઇ હતી. અગાઉ બૉમ્બેનું નામ સાંભળતા જ લોકો તે વસ્તુ ખરીદવા જતા હતા. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇ શહેરમાં બનતી એવી ઘણી ચીજો દેશભરમાં લોકપ્રિય છે. આજથી ચાર દાયકા પૂર્વે મુંબઇમાં ચના જોર ગરમની જબરદસ્ત ડિમાન્ડ હતી. એક મોટા ટોપલામાં બાફેલા ચણા, ચણાની મદદથી બનાવેલી નાની પાપડી, તેમાં નાખવાના જાત જાતના ચટાકેદાર મસાલા, લીંબુ અને તેને વેચવા માટે કાગળિયા જેવી અનેક વસ્તુ સમાવીને પરાંમાં ચના જોર ગરમ વેચવા માટે ફેરિયાઓ નીકળી પડતા હતાં. મુખ્યત્વે બાગ-બગીચા, મુંબઇની તમામ ચોપાટી, સ્કૂલ, કૉલેજ અને રેલવેના પરિસરમાં ચના જોર ગરમ વેચનારાઓ જોવા મળતા હતાં. કોઇ ફેરિયાઓ પોતાનો સ્ટૉલ લગાવતા હતાં, જ્યારે અમુક અત્યંત ગરીબ ફેરિયાઓ ઠેકઠેકાણે ફરી શકે તે માટે એક મોટા ટોપલાને પોતાના ગળે લટકાવીને દિવસભર ફરતા હતા. તે વખતે તેમના ઘરનો ગુજારો આરામથી થઇ રહેતો હતો. લોકોમાં ચના જોર ગરમનો ખૂબ જ ક્રેઝ હતો.

સ્કૂલ છૂટે એટલે વિદ્યાર્થીઓ સીધા ચના જોર ગરમ ખાવા માટે જતા હતા. અમુક ઘરાક તો જાણે ફિક્સ જ હતાં. આ બનાવતી વખતે બાળકોમાં જાણે ધીરજ ખૂટી જતી હોય એમ ‘અંકલ જલદી બનાઓ ના.... હમે પહેલે દો ના.... હમ કબ સે ખડે હૈ’ એવા ડાયલોગ પણ સાંભળવા મળતા હતાં. હજુ તો તે વેચનારો બધા મસાલા મિક્સ કરીને બનાવતો હોય ત્યાં જ આપણા મોંમાં પાણી આવી જતું હતું અને ધીરજ ખૂટી જતી હતી. ફેરિયાઓ એક પછી એક ગ્રાહકને ફટાફટ રાજધાની એક્સપ્રેસની સ્પીડથી એક કાગળની પૂડીમાં લીંબુ નીચોવી અને મસાલો ભભરાવીને ચટપટા, મસાલેદાર અને ખાટામીઠા ચના જોર ગરમ બનાવીને આપતા અને તે ખાવાની લિજ્જત અનોખી જ હતી. કેટલાક ફેરિયાઓ બાફેલા દેશી ચણામાં ચના જોર ગરમ નાંખીને તેમાં લીંબુ, કોથમીર, ખાટોમીઠો મસાલો, ટમેટા, કાંદા અને તીખા મરચાં નાખીને ભેલ જેવું બનાવીને પણ વેચતા હતા. અલબત્ત શિંગ-ચણાની સરખામણીમાં ચના જોર ગરમની ક્વૉન્ટિટી ઓછી આવતી હતી, પણ ચના જોર ગરમને બનાવવા માટે વધુ મહેનત જતી હોવાથી ઓછી ક્વૉન્ટિટીમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. હાલમાં ચના જોર ગરમ આપનારા ફેરિયાઓ આજે જાણે લુપ્ત થઇ ગયા છે. રજાના દિવસે ચોપાટી અને બાગ બગીચામાં લોકોની ભારે ભીડ થતી હોવાથી ફેરિયાઓ તે પરિસરમાં વધુ જોવા મળતા હતા, પરંતુ આજે ભાગ્યે જ જોવા મળે છે. સ્પર્ધાત્મક યુગમાં આજે ચના જોર ગરમને ટક્કર આપી શકે એવી ઘણી વાનગીઓ આવી ગઇ હોવાથી આજના લોકો આ ચટપટા સ્વાદને ભૂલી જ ગયા છે.

એટલું જ નહીં ચના જોર ગરમનું ફિલ્મી કનેક્શન પણ બહુ રસપ્રદ છે. વર્ષ ૧૯૮૧માં આવેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘ક્રાંતિ’ તો યાદ જ હશે. ભૂલી પણ કેમ શકીએ આવી હિટ ફિલ્મને. આ ફિલ્મમાં ચના જોર ગરમ નામનું ગીત ફિલ્માવવામાં આવ્યું હતું અને લોકોને પણ ખૂબ જ ગમ્યું હતું. ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર, શશી કપૂર, હેમા માલિની, શત્રુઘ્ન સિંહા, પ્રેમ ચોપરા, નિરુપા રૉય જેવા દિગ્ગજ કલાકારોએ આ ગીતને મશહૂર બનાવ્યું હતું. કોકિલ કંઠી લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી અને નીતિન મૂકેશ જેવા લોકપ્રિય ગાયકોએ આ ગીત ગાયું હતું.

‘દુનિયા કે હો લાખો ધરમ પર અપના એક કરમ,

ચના જોર ગરમ, ચના જોર ગરમ

બાબુ મેં લાયા મજેદાર, ચના જોર ગરમ...

મેરા ચના બના હૈ આલા

જિસમે ડાલા ગરમ મસાલા

ઇસકો ખાયેગા દિલવાલા, ચના જોર ગરમ...’

આ ગીત જ્યારે સિનેમાઘરોમાં આવ્યું હતું ત્યારે ગીતના શબ્દો સાંભળીને જ તે ખાવાનું મન થઇ જતું હતું. ભોજપુરી સિનેમામાં તો ચના જોર ગરમ નામની ફિલ્મ પણ બની હતી. ફિલ્મોના માધ્યમથી ચના જોર ગરમની લોકપ્રિયતા દેશભરમાં વધી ગઇ હતી. નાની ઉંમરથી લઇને વયોવૃદ્ધ સુધીના મોટા ભાગના લોકોમાં ચના જોર ગરમ ભાવતું સ્ટ્રીટ ફૂડ હતું. દિવસમાં એક વાર તેનો સ્વાદ ચાખ્યા વગર રહેવાય નહીં. કેટલાક લોકોને તો જાણે એક જાતનો નશો અથવા ચના જોર ગરમ ખાવાની એક જાતની આદત બની ગઇ હતી. રોજે રોજ ૧૦ રૂપિયાના ચના જોર ગરમ ખાઇને ચટપટી જીભને શાંતિ થતી હતી. મુંબઇમાં ચના જોર ગરમ વેચનારા લોકો મોટે ભાગે યુપી, મધ્ય પ્રદેશ અને ઘણા લોકો મુંબઇના જ હતાં. ક્રાંતિ ફિલ્મ આવ્યા બાદ દેશભરના લોકોને રોજગાર મેળવવાનો એક વિકલ્પ મળી ગયો અને ઘણા લોકોએ ચના જોર ગરમ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. તેમાંથી કેટલાક સફળ રહ્યા હતા અને કેટલાક નિષ્ફળ.

બે ટંકનો રોટલો રળવા માટે તેઓ આ વેચતા હતા. ચારથી પાંચ દાયકા પહેલા ચના જોર ગરમ ડિમાન્ડમાં હોવાથી તેમને મહિનામાં સારી એવી આવક થતી હતી. ઘણી વાર અમુક ગ્રાહક ફિક્સ જ હોય. આજે પણ દેશના અમુક વિસ્તારોમાં ચના જોર ગરમ વેચાઇ રહ્યું છે, પણ મોર્ડન રૂપે. જી હા, ઓનલાઇન એપ્લિકેશનના આધારે એક બટનના ક્લિકથી લોકો મનપસંદ વાનગીઓ ઓર્ડર કરતા હોય છે, પણ રસ્તા પર ફેરિયાવાળાઓ પાસેથી તે ખાવાની મજા જ જૂદી હતી. બધા ભેગા મળીને ચના જોર ગરમનો ચટપટો સ્વાદ માણતા અને ટેસડો લઇને ખાતા હતાં. આજે ચના જોર ગરમનો વપરાશ ભેલપૂરી, સેવપૂરી, દહીંપૂરી અને પાણીપૂરી જેવી વાનગીઓમાં કરવામાં આવી રહ્યો છે. સમયનું ચક્ર ફરતાની સાથે ચના જોર ગરમનો ક્રેઝ ઓસરતો ગયો અને આ વેચનારા ફેરિયાઓનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

75v365y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com