28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મૃત્યુથી બે ડગલાંનું છેટું- ( પ્રકરણ: ૮)

મૂળ લેખક: તાદેઉશ સોબોલેવિચ‘બુલેટિન ઇન્ફોર્માત્સ્યીનિ’ ની છેલ્લી આવૃત્તિનાં સમાચાર ખાસ ચેન આપનારાં નહોતાં. પૂર્વમાં જર્મનો રશિયનોને પરાજિત કરીને વધુ ને વધુ કેદીઓની ધરપકડ કરી રહ્યા હતા. દૂર સુદૂર સ્કૉટલેન્ડમાં ક્યાંક પોલિશ સૈનિકોના દળને અપાયેલું જનરલ સિકોરસ્કીનું ભાષણ આશાના ટમટમતા પ્રકાશ જેવું જણાતું હતું. ક્યાંક પરદેશની ભૂમિમાં યુનિફૉર્મમાં પોલ્સ હતા જે પોતાના દેશને મુક્તિ અપાવવા લડાઇની તૈયારી કરી રહ્યા હતા. ફક્ત હું એમની સાથે હોઇ શકત તો કેટલું સારું થાત! જો કે એ લોકો પોલેન્ડથી હજારો કિલોમીટરના અંતરે હતા. શંકાઓ થવા લાગી અને ભીતિ ઘેરી વળી.

‘પણ ના, તારે આશા રાખવી જ જોઇએ. તું હિંમત ન હારી શકે. કશું આસાનીથી મળતું નથી. મોટા બનાવો, ઇતિહાસના વળાંકો, તબદિલીઓ, પૂર્વે હંમેશા લાંબા સમય માટે મુશ્કેલ અને એકધારું ઝઝૂમવાનું હોય છે. માત્ર એના વિશે વિચારવાથી દુનિયાને બચાવી શકાતી નથી.’ કામ ચાલુ રહેવાનું હતું. યોગ્ય પળો આવતાં મારે સંસ્થાને મદદ કરવાની હતી, એ દરમ્યાન મારે એ ભૂલવાનું નહોતું કે માત્ર હું જીવિત હોઇશ અને શીખીશ તો જ ઉપયોગી થઇ શકીશ. મેં મારી જાતને ખાતરી આપી ‘તો જ હું કાંઇક ઉપયોગી થઇશ.’

બે મહિના સુધી મેં પોતે મારા યજમાન અને પાડોશીઓ પાસેથી પુસ્તકો ઉછીનાં લીધાં ને સામાન્ય રીતે પોલિશ સેકંડરી શાળાઓ માટે નિયત થયેલા સાહિત્યનો ‘આસ્વાદ’ લીધો. ઓર્ઝેશ્કોવા, પ્રુસ, રાયમોન્ટ કે ઝેરોમ્સ્કીએ સર્જેલા વિશ્ર્વમાં હું જેટલો ઊંડો ઉતર્યો તેટલો જે હું વધારે પોલ (પોલેન્ડનો નાગરિક) બનવાની ઇચ્છા રાખવા લાગ્યો. જેમ મને વધુ ને વધુ લાગવા માંડ્યું કે હું પોલ છું તેમ હું વધુ ને વધુ માનવા લાગ્યો કે પોલેન્ડ કદી નહીં મરે. આવી ભયંકર હુકૂમત છતાં, આટલી ધરપકડો છતાં, અને આટલી હત્યાઓ છતાં!

ત્યારે કદાચ પહેલી વાર મને સમજાયું કે પોલ્સ પોતાના દેશને આટલો ચાહે છે એનું કારણ આ માટીમાં એમનું લોહી રેડાયેલું છે, ભૂમિનું જતન કરવામાં અને એનું હુમલાખોરોથી રક્ષણ કરવામાં એ લોહી યુગો સુધી છલકાયું છે. હું વધુ એક રાષ્ટ્રીય આપત્તિનો અનુભવ કરી રહ્યો હતો પરંતુ પોલેન્ડ અને પોલ્સ હજુ હતા. દમનના કાયદા લાદીને લોકોને ખુવાર કરવાની દુશ્મનની કોશિશ છતાં ખરેખર પોલેન્ડ હજુ જીવિત હતું.

ઑગસ્ટના અંત પહેલાં એક વિશ્વાસુ સંદેશવાહક સંસ્થાનાં થોડાં સૂચનોની સાથે મારા પિતાનો પત્ર લઇ આવ્યો. મારે ત્રણ સભ્યોને, જેમની ધરપકડ થઇ હતી ને જેઓ ચૅંસ્તોખોવામાં આવેલા ઝાવોઝ્વ નામના વિભાગની જેલમાં કેદ હતા, પાર્સલ પહોંચાડવાનાં હતાં. તેઓ કોણ હતા એની મને ખબર હતી. થોડા દિવસ રહીને મેં સૂચનોનો અમલ કર્યો.

કેદીઓને પાર્સલ આપવા આવેલા લોકોની કતારમાં ઊભા રહીને એમની વાતો સાંભળતાં મને સમજ પડી કે બીજાને મદદ કરવા ભાગ્યે જ કંઇ થઇ શકે એમ હતું. અવિશ્વાસ, આતંક અને ભયની ભૂતાવળ બધે હાજર હતી. રખે ને પોતાની ઓળખ ખબરી તરીકેની થઇ જાય અથવા પોતે એવા કેદીઓને ઓળખતા હતા કે જેમનું ભવિષ્ય અનિશ્ર્ચિત હતું એ ભયે કેટલાક લોકો કોઇ પણ પ્રકારની મદદ કરવા માટે આગળ આવવા વિશે સાવચેત રહેતા.

કદાચ એ સારું જ હતું કે મારા પિતાએ એ સંપેતરાં આપવા માટે મારી વરણી કરી હતી . કેદ કરાયેલા આ લોકો પોતાનાં કુટુંબો સાથે સંપર્ક રાખવા અસમર્થ હતા. એ લોકો વિએલકોપોલસ્કા (બૃહદ પોલેન્ડ)થી હતા, જેનું નવું નામ જર્મનોએ વાર્થેગાઉ રાખ્યું હતું ને એને રાઇશનો હિસ્સો બનાવી દીધું હતું. એ લોકો અર્ધાથી વધુ વર્ષથી કેદમાં હતા. આ પ્રતીકાત્મક સંપેતરાં તેમને એવી જાણ આપીને એકાદ નાની પળ માટે આશા અને દિલાસો આપી શકે તેમ હતાં કે સંસ્થામાં એવા માણસો હતા જેઓ હજુ એમના માટે કાળજી ધરાવતા હતા. મારા પછી બીજું કોઇ એમના માટે સંપેતરાં લાવશે? ને લાવશે તો એમને હજુ એની જરૂર હશે? મેં તો બસ મારું કામ કરી દીધું હતું.

બીજે દિવસે પહેલી સપ્ટેમ્બરના હું સહકારી મંડળમાં આ પૂર્વેનાં અઠવાડિયાંઓમાં જતો હતો તેમ કામ કરવા ગયો. મારું કામ વજન કરવાનું હતું. હું લાકડાના બૂથમાં બેસીને સતર્કતાથી વાહનો સાથેનો બટેટાનો જથ્થો નોંધતો હતો, એમાંથી વાહનના વજનની બાદબાકી કરતો અને ખરેખર બહાર જતા જથ્થાની નોંધણી કરતો હતો. મધ્યાહ્નની આસપાસ મારા સાથી જે મારાથી પહેલાંથી અહીં કામ કરતા હતા અને જે બિલ્ડિંગની બહાર સામાનનું વજન કરતા અને નજર રાખતા, એ મારા બૂથમાં પ્રવેશ્યા અને અકળાયેલા અવાજમાં બોલ્યા: ‘થોડા માણસો તારી પૂછા કરે છે, એ લોકો તને પ્રશ્નો પૂછવા માગે છે.’

બારીમાંથી મેં બે ઊંચી, ગણવેશધારી આકૃતિઓ અને હૅટ તથા ચશ્માં પહેરેલા એક નાગરિકને જોયા જેમને ખુદ સહકારી મંડળના ડાયરેક્ટર મિ. કારવાટ લઇ આવતા હતા. મારું હૃદય વેગથી ધડકવા લાગ્યું. હું ક્યાં ભાગી શકું? હું બારણામાં ઊભો હતો. એ લોકો મારી પાસે જ આવતા હતા. ‘એ લોકોને મારી ખબર પડી ગઇ છે.’ મેં વિચાર્યું. મેં જોયું કે ગણવેશધારી માણસોએ કાળી કિનારવાળી ગોળ ટોપી પહેરી હતી જેની મધ્યમાં મૃત્યુનું ચિહ્ન હતું. હવે મને ચોક્કસ ખાતરી હતી કે એ ગૅસ્ટાપો હતા.

એમાંના એકે, જેના ઉચ્ચારો સ્પષ્ટ પણે પોલિશ હતા, કહ્યું: ‘સર, તમે મિ. સોબોલેવિચ છો?’ એના અવાજમાં અવિશ્વાસની છાંટ હતી. ‘હા.’ મેં જવાબ વાળ્યો. માણસે સવાલ દોહરાવ્યો: ‘એટલે કે તાદેઉશ સોબોલેવિચ?’ ‘એ ખરું છે.’ મેં જવાબ આપ્યો. ‘સર, તમે અમારી સાથે ચાલો.’ બીજા માણસે ઓછા વિવેકથી કહ્યું. એ દરમ્યાન હૅટ તથા ચશ્માવાળો નાગરિક બૂથમાં પ્રવેશ્યો હતો; એણે ચારે બાજુ જોયું અને ડાયરેક્ટરને, જે એની બાજુમાં અવાચક બનીને ઊભા હતા, અસ્પષ્ટ ગણગણ્યો ‘હાઇલ હિટલર’, અને પછી અમારી પાછળ આવ્યો.

બહાર રસ્તા પર એમની કાર પાર્ક કરેલી હતી. એમણે મને પાછલી સીટ પર બંનેની વચ્ચે બેસવાની આજ્ઞા કરી. બીજો ગણવેશધારી ઑફિસર ડ્રાઇવરની સાથે આગળ બેઠો. ગાડી ચાલુ થઇ. સારું પોલિશ બોલતા માણસે શરૂ કર્યું: ‘જો તું અમને સાચું જણાવી દઇશ તો બધું બરાબર થઇ જશે અને તું પાછો કામ પર જઇ શકીશ. તારો જન્મ ક્યારે થયો હતો?’ હજી હું માત્ર કિશોર હતો એમ જણાતાં એણે મને ‘સર’ તરીકે સંબોધવાનું બંધ કર્યું હતું. હું મારી ઉંમર જેટલો જ લાગતો હતો.

‘પચીસ માર્ચ ૧૯૨૩.’ મેં મારા ઓળખપત્રની વિગત પ્રમાણે જવાબ આપ્યો.

‘ક્યાં?’

‘લુવોવ.’

‘તું ક્યાં રહે છે?’

‘ કિલિન્સ્કીએગો સ્ટ્રીટ’

‘સરસ. હવે તું ત્યાં થોડા વધુ દિવસ રહીશ.’ સાદા વેશવાળા પોલીસે ટોળમાં કહ્યું.

બીજા માણસે ચાલુ રાખ્યું: ‘કયો નંબર?’

‘૧૫૪’

‘સારું, અત્યારે આટલું બસ છે.’

નંબર ૧૦, કિલિન્સ્કીએગો સ્ટ્રીટની સામે કાર ઊભી રહી. ડ્રાઇવરે ગાર્ડને ઇશારો કર્યો અને દરવાજો ખુલી ગયો. પ્રાંગણમાં મને કારમાંથી ઊતરવાનો આદેશ આપવામાં આવ્યો અને એમાંના એક જણે મને ભૂમિગૃહ (બેઝમેન્ટ)માં દોર્યો. એણે દરવાજો ખોલ્યો અને મને અંદર પ્રવેશવાનો હુકમ કર્યો. જેવો હું અંદર ગયો કે તરત એણે બારણું બંધ કર્યું અને ચાવી ફેરવી. ઉપરથી, સળિયાવાળી નાની બારીમાંથી ઝાંખો પ્રકાશ આવતો હતો.

કોઇ પણ જાતના ફર્નિચર વગરની એ કોંક્રિટની સ્વચ્છ કોટડી હતી. એ તદ્દન ખાલી, સ્વચ્છ, ચૂનો ધોળેલી દીવાલોવાળી હતી. બારીમાંથી આવીને દીવાલ પર પડતા નિસ્તેજ પ્રકાશમાં મારી આંખો ટેવાણી ત્યાં જ અચાનક મેં ઉંહકાટ સાંભળ્યો. હું થીજી ગયો. થોડી વાર પછી બીજો ઉંહકાટ આવ્યો. મને સમજાયું કે એ મારી બાજુની ખોલીમાંથી આવ્યો હતો. એ ફરી આવ્યો, આ વખતે એ જરા ક્ષીણ હતો. પછી દૂરથી ભોંયરાનો દરવાજો ખોલવાનો કર્કશ અવાજ આવ્યો. કોઇકે જર્મનમાં રાડ પાડી: ‘પોલીશ લૂંટારા! સાલા ડુક્કર, તું અહીં જ મરીશ!’ મારવાના અવાજને અનુસરતો શરીરના પડવાનો અવાજ આવ્યો. બાજુની ખોલીના બારણાની ચાવી વધુ એક વાર ફેરવવામાં આવી, થોડાં પગલાંનો અવાજ અને પછી શાંતિ.

હું મારી સ્થિતિ વિશે વિચાર કરવા લાગ્યો - અને અચાનક ભયે મારો કબજો લઇ લીધો. ‘જીસસ, મેરી!’ મને ખ્યાલ આવ્યો કે મારા પિતાએ મોકલાવેલો પત્ર જેની પર ખાનગી સરનામું હતું તે અને ‘બુલેટિન ઇન્ફોર્માત્સ્યીની’ ની દસ દિવસ જૂની આવૃત્તિ મારી સાથે હતાં. માય ગૉડ, મારાં નસીબ સારાં હતાં કે તેમણે મારી તપાસ ન કરી.

‘કદાચ એ ભૂલ હતી? કદાચ એ લોકો ઉતાવળમાં હતા? એવું બની શકે કે એ લોકો મારા કિશોર દેખાવથી છેતરાયા હોય અથવા એમ બની શકે....? કદાચ આ કોઇ છટકું હોઇ શકે? કદાચ બહાર ઓસરીમાં કોઇ સાંભળી રહ્યું હશે? કદાચ આ ખોલીમાં બહાર સંભળાઇ શકે એવું યંત્ર છુપાવ્યું હોય? મારી કલ્પના સંપૂર્ણ વેગથી દોડી રહી હતી. મેં મારા પાછળના ખિસ્સામાં હાથ નાખ્યો. પત્ર એમાં હતો. મારા બીજા ખિસ્સામાંથી મને થોડી સિગારેટ અને બાકસ મળ્યાં. કોઇ સગડ છોડ્યા વિના હું પત્રને શી રીતે બાળી શકીશ? વિચારવાનો સમય નહોતો. પહેલાં મેં કવર સળગાવ્યું, પછી પત્ર અને છેલ્લે સમાચારપત્ર. રાખ એકઠી કરીને મેં મારા બૂટમાં ભરી લીધી. મારે જરા પણ નિશાની છોડવી નહોતી. વાસ અને થોડો ધુમાડો હજુ પણ ઓરડીમાં ઘૂમરાતાં હતાં. ‘ભગવાન ન કરે ને અત્યારે કોઇ અહીં આવી ચડશે તો!’ મેં નિસાસો નાખ્યો. જો એમણે મારી પાસે એ કાગળિયાં જોઇ લીધાં હોત તો - તો શી ઉપાધિ થાત એ ભાખી શકાય તેમ નહોતું.

પત્ર બાળી નાખવાને લીધે અને એ જ્ઞાત હોવાને લીધે કે જે મને સંસ્થાના સક્રિય સભ્ય હોવાનું સાબિત કરી શકે એવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનો હવે કોઇ પુરાવો નથી, હું જરા શાંત પડ્યો. મને લાગ્યું કે હવે એમના કોઇ પણ આરોપોનો સામનો કરવા માટે હું વધુ તૈયાર હતો. હું કાંઇ પણ કબૂલ નહીં કરું. વળી હું તો ખરેખર જાણતો પણ નહોતો કે એ લોકોને શું જોઇતું હતું. કદાચ એ કોઇ ભૂલ હતી? જો કે, કાંઇક કારણ તો હોવું જોઇએ - પણ શું? તેઓ શું જાણતા હતા? એટલું ચોક્કસ કે મારા ટાર્નુવમાંથી છટકવા સાથે એને કાંઇ સંબંધ નહીં હોય, નહીં તો એમની મારી સાથેની વર્તણૂક જુદી હોય. એ બનાવને બરાબર એક વર્ષ થયું હતું. હંમેશાં પહેલી સપ્ટેંબરના જ કંઇ બૂરું થતું હતું. મારા માટે એ અપશુકનિયાળ તારીખ હતી. ત્યારે હું ભાગી શક્યો. હવે હું ભોંયરાની કોટડીમાં કેદ હતો અને છુટકારો અશક્ય હતો. મારું નસીબ ઊલટ-તપાસ પર નિર્ભર હતું.

હું ગૅસ્ટાપોના હાથમાં હતો અને એનો મતલબ હતો અનિશ્ર્ચિતભવિષ્ય. કોટડીમાં સમય વહેવાની સાથે મારો ડર વધવા લાગ્યો. જે મારી પાસેથી છિનવી નહોતી લીધી એ મારી ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા. સાંજે છ વાગ્યાની આસપાસ મને ઓસરીમાં અવાજ સંભળાયા અને જરાક વાર પછી કોટડીનો દરવાજો ખૂલ્યો અને બત્તી ચાલુ કરવામાં આવી. ગૅસ્ટાપો ઑફિસરે એક જ શબ્દમાં મને સંબોધ્યો: ‘બહાર (આઉટ)!’ આજ્ઞાંકિતપણે મેં ખોલી છોડી દીધી. ‘આગળ!’ મેં ચાવીનો ઝુમખો મારી પીઠમાં જોરથી દબાવાતો અનુભવ્યો. દાદર ચડીને ઉપર આવતાં મેં એક વૅન ને એની બાજુમાં બે ગૅસ્ટાપો ઑફિસરને ઊભેલા જોયા. એમણે મને પાછળ બેસવાનો હુકમ કર્યો. અંદર બીજા દસેક કેદીઓ બૅન્ચ પર બેઠા હતા. હું દુર્બળ લાગતો હોઇશ કેમ કે એમાંના મોટા જણાતા એક માણસે વિસ્મય દાખવ્યું: ‘હવે આ લોકો બાળકોને પણ કેદ કરે છે!’ ને એણે મારી સામે સહાનુભૂતિથી ડોકું હલાવ્યું. મેં એને કહ્યું નહીં કે હું સત્તર વર્ષનો હતો. મેં વિચાર્યું, ‘હું નાનો લાગું છું એ સારું છે.’

ત્રણ ચોકિયાતો એમની ગનને તૈયાર રાખીને વૅનના પાછળના ભાગમાં ગોઠવાયા, દરવાજા બંધ થયા અને વૅન ચાલુ થઇ. વૅનમાં બારીઓ નહોતી. એ લોકો અમને ક્યાં લઇ જઇ રહ્યા હતા એની ખબર નહોતી પડતી. મારી સાથે મુસાફરી કરી રહેલા કેદીઓમાંથી હું એકને પણ ઓળખતો નહોતો. થોડી વારમાં વૅન વળાંકો વળવા લાગી અને છેવટે ઊભી રહી ગઇ. ચોકીદારોએ દરવાજા ખોલ્યા અને અમને બહાર નીકળવાનો આદેશ આપ્યો. અમે ઝાવોઝ્વ જેલના પ્રાંગણમાં હતા.

પછી અમને વારાફરતી એક ટેબલ પાસે જવાનો હુકમ અપાયો જ્યાં બે ચોકીદારો દરેક વ્યક્તિની અંગત માહિતી નોંધતા હતા, જ્યારે ત્રીજો સૌની પોતાની માલિકીની ચીજો જેવી કે કમર પટ્ટા, ઘડિયાળ, પૈસા ને બીજું જે કાંઇ તેમની પાસે હોય તે કઢાવતો હતો. ભગવાનનો પાડ કે પેલા કાગળિયા મેં બાળી નાખ્યા હતા. હું આ બધી ઔપચારિકતાથી એટલો કિંકર્તવ્યમૂઢ થઇ ગયો હતો અને ગભરાઇ ગયો હતો કે આપોઆપ મને જેમ કહેતા ગયા તેમ કરતો ગયો. અમને બધાને જેલમાં દાખલ કરવાનું કામ પત્યું કે ગૅસ્ટાપો ઑફિસરે અમને કૉરિડૉરમાંથી થઇને ઉપર પહેલા માળે જવાનું કહ્યું.

મેં પહેલી વખત જેલને અંદરથી જોઇ. બંને બાજુ રેલિંગ હતી ને એની પાછળ નંબર લખેલા એક સરખા દરવાજાની કતાર હતી. લગભગ બીજા માળે અમને નવો ગૅસ્ટાપો ઑફિસર વૉર્ડન સાથે મળ્યો. એમણે બીજા ચોકીદારોને ડૉક્યુમેન્ટ્સ આપ્યા અને અમને વારાફરતી ઓરડીની વહેંચણી કરવી શરૂ કરી. મને ઓરડી નંબર ૩૭માં રાખવામાં આવ્યો. એનું કદ ૫*૩ મીટરથી વધુ નહોતું. એમાં સોળ કેદીઓ હતા ને હું સત્તરમો હતો. મેં પાછળથી શોધ્યું તેમ ઓરડીના વડા પોલીસ સૈન્યના સાર્જન્ટ મેજર સ્તાનિસ્વાવ સુકેર્નિક હતા.

કેદીઓ ઓરડીના નવા ભાગીદારને જોઇને ખુશ ન થયા. ત્યાં બહુ જ થોડી ગાદીઓ અને ધાબળા હતાં. દરેક નવો કેદી સૂવાની સંકડાશમાં વધારો કરતો હતો. સુકેર્નિકે પૃચ્છા કરી કે આટલી નાની વયે મને શા માટે કેદમાં પૂરવામાં આવ્યો હતો. મેં જવાબ આપ્યો કે મને ખબર નહોતી અને કદાચ એ મારી ભૂલ હતી. એમણે મારા જવાબને સમજદારીથી સ્વીકાર્યો. બીજા લોકો સ્પષ્ટ રીતે પોતાની સમસ્યાઓથી ચિંતિત હતા. દરેકના મન પર કાંઇ ભાર હતો, પણ એ વિશે વાત કરવા કોઇ ઇચ્છતું નહોતું. એ ભાર સંસ્થાનું સભ્યપદ, વગર વિચારે કરેલી ઉક્તિ, કાળા બજારી કે પછી જે સર્વ સામાન્ય ગુનો હતો તે ‘છાપું વાંચવા’નો કે રેડિયો (જે રાખવાની મનાઇ હતી) સાંભળવાનો હોઇ શકે. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8UL8uMt
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com