28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિશ્ર્વ ગ્રાહક અધિકાર દિવસ: પર્યાવરણના નામે ગ્રાહકોને છેતરવાનો ધંધો?

વિશેષ-સંજય શ્રીવાસ્તવઆજે ૧૫મી માર્ચે વિશ્ર્વ ગ્રાહક અધિકાર દિવસ છે. કેટલાય ઉત્પાદકો પર્યાવરણને નામે ચરી ખાય છે, ગ્રાહકોની લાગણીને પંપાળી પોતાના ઉત્પાદનો પધરાવી દે છે એ બાબતે ગ્રાહકે ખુદ જ જાગૃત રહેવા સિવાય બીજો કોઇ રસ્તો હાલ તુરત તો દેખાતો નથી.

ચામડાની પર્સ બનાવતી એક બ્રાન્ડેડ કંપનીની જાહેરાત કદાચ તમે પણ જોઇ હશે. આ જાહેરાતમાં એવો દાવો કરાયો હતો કે આ કંપનીની પર્સ તેમ જ અન્ય ઉત્પાદનો વેગન(શાકાહારી) ચામડાથી બનાવવામાં આવ્યા છે. તેનો મતલબ એ કે પશુના ચામડાનો શાકાહારી વિકલ્પ જેમાં પ્રાણીઓ પ્રત્યે કોઇ હિંસા કરવામાં ન આવી હોય. એવું લાગે કે જાણે જાનવર પાસેથી તેની ચામડી સવિનય માગવામાં આવી હોય. આ ઉત્પાદનો ઇકો-ફ્રેન્ડલી હોવાનું સર્ટિફિકેટ પણ હતું. ઉત્પાદનો સુંદર તો હતાં જ પણ સાથે એટલા મોંઘા પણ હતાં, જાણે પર્યાવરણપ્રેમ અને ધરતીમાતા સાથેની મમતાની ખાસ્સી એવી કિંમત ગ્રાહકો પાસેથી વસૂલવાની હોય. અસલ ચામડા જેવા જ દેખાતા આ વેગન ચામડામાંથી બનેલા ઉત્પાદનોને ઘણા લોકો પોતે કેટલા પર્યાવરણપ્રેમી અને પ્રગતિશીલ છીએ એ દર્શાવવા મોંઘા ભાવે ખરીદી પણ રહ્યા છે. આવું વેગન કે શાકાહારી ચામડું અસલમાં તો પોલિયુરેથિન કે પોનાલિવિયલ ક્લોરાઇડમાંથી જ બને છે. આ તત્ત્વો પર્યાવરણ મિત્રો તો હરગીઝ નથી. તેમાંથી ઝેરી ક્લોરિન અને ડાઇ-ઓક્સાઇડ નીકળે છે. ઉત્પાદન વેળાએ ઘણા ખતરનાક વાયુઓ હવામાં ભળીને વાતાવરણમાં પ્રદૂષણ વધારે છે. આવી જ રીતે બીજા ઘણા એવા ઉત્પાદનો હોય છે જેને પર્યાવરણ મિત્ર માનીને આપણે મોંઘા ભાવે ખરીદીએ છીએ, પરંતુ આ બધુ માત્ર પ્રચાર-પ્રસાર અને જાહેરાતના માધ્યમ દ્વારા ગ્રાહકોને ખોટા ભાવાવેશમાં તાણીને વેચવામાં આવતું હોય છે. આવા પ્રચાર પર કોઇ ખાસ નિયંત્રણો પણ નથી હોતાં. સરકાર અને અન્ય સંસ્થાઓ પણ આવા ઉત્પાદનોને જાણ્યે-અજાણ્યે સહકાર આપતી હોય છે, ત્યારે ગ્રાહકોને આવા ખોટા દાવાઓથી કોણ બચાવશે. પર્યાવરણને બહાને ગ્રાહકો સાથે છેતરપિંડી થાય એ ક્રિયાને ગ્રીનવોશ કહી શકાય. હાલમાં જ હોળી-ધૂળેટીનો પવિત્ર તહેવાર ઉજવાયો ત્યારે હર્બલના નામ પર ગુલાલરૂપે કેટલાય રસાયણોને પર્યાવરણમાં રીતસરના ઝોંકવામાં આવ્યા હશે. દિવાળી પર પણ ગ્રીન ફટાકડાને નામે કેટલાય વિષયુક્ત ફટાકડા ફોડવામાં આવતા હશે તેનો કોઇ હિસાબ મળે ખરો?

આવા ઉત્પાદનો ઉલમાંથી ચૂલમાં પડવા જેવા હોય છે. પર્યાવરણ અને લોકોની રક્ષા કરવાને બદલે તેમને વધુ નુકસાન પહોંચાડતા હોય છે. ગ્રાહકોની ભાવના સાથે રમત રમવાનો આ ખેલ તો દુનિયાભરમાં વર્ષોથી ચાલ્યો આવે છે. આપણા દેશમાં જન-જાગૃતિના અભાવને કારણે જરા વધુ પ્રમાણમાં ફેલાયો છે. કોઇ પણ ઉત્પાદન પર ઓર્ગેનિક, નેચરલ અને ગ્રીન જેવું લેબલ લાગી જાય એટલે ગ્રાહકો ભાવ જોયા વગર ખરીદી કરવા લાગે છે. તેમના મનમાં એવો અહંભાવ પણ પ્રગટ થતો રહે છે કે તેઓ સામાન્ય માણસો કરતા વધુ જાગૃત, બુદ્ધિશાળી અને અલગ પ્રકારના છે. તેમને એ વખતે એ ભાન પણ નથી રહેતું કે આ ઉત્પાદનો દ્વારા તેમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. તેમની ખુલ્લી આંખોમાં જાણે પર્યાવરણનું કાજ્ળ આંજવામાં આવતું હોય તેમ અંજાઇ જાય છે. આને ગ્રીનવોશ ન કહેવાય તો બીજું શું કહેવાય?

તાજેતરમાં જ એક બ્રિટિશ અખબારે રહસ્યોદ્ઘાટન કરતાં જણાવ્યું છે કે દુનિયામાં વેચાતા ૯૦ ટકા ઇકોફેન્ડલી ઉત્પાદનોના દાવા જૂઠા-બનાવટી હોય છે. એક એન્વાયર્ન્મેન્ટલ માર્કેટિંગનો રિપોર્ટ કહે છે કે ૯૮ ટકા પર્યાવરણ હિતૈષી ઉત્પાદનોના દાવા પોતાની કસોટી પર ખરા નથી ઉતરતાં. કેટલાક નિર્માતા પેકેટ ઉપર ૧૦૦ ટકા ઓર્ગેનિક લખે છે કે એવું સર્ટિફિકેટ છાપે છે, પણ તેનો કોઇ ખાસ સંદર્ભ નથી હોતો. કોઇ પણ જાતની સૂચના કે સંદર્ભ વિના થતી આ એક સ્વયંભૂ ઘોષણા જ હોય છે જે મોટે ભાગે જૂઠી જ સાબિત થતી હોય છે. કેટલીક એવી પ્રોડક્ટસ જેને પર્યાવરણમિત્ર બતાવવામાં આવે છે તેની નિર્માણ પ્રક્રિયા અગર જોવામાં આવે તો એ વાસ્તવમાં પર્યાવરણના શત્રુની ભૂમિકા નિભાવતી હોય છે. એ ભારે માત્રામાં પૃથ્વી પરના ઊર્જાસ્રોત અને પાણીનું દોહન કરનારી હોય છે. કેટલીક કંપનીઓનો પૂર્ણ-પ્રાકૃતિક કે રિસાઇકલ કરેલી સામગ્રીથી બનાવેલ ઉત્પાદનનો દાવો મહદંશે પોતાનો માલ વેચવા માટેનું એક તૂત જ હોય છે. તેમનો રસાયણમુક્ત (કેમિકલ-ફ્રી) ઉત્પાદનો હોવાનો દાવો પણ ભ્રામક જ હોય છે. કેટલાક ઉત્પાદનો પર એવું લખવામાં આવે છે કે આ ચીજોનો પ્રયોગ પ્રાણીઓ પર નથી કરવામાં આવ્યો, એ પણ નિરર્થક છે. મોટા ભાગના દેશોમાં પશુ-પરીક્ષણ પર પ્રતિબંધ છે જ. આવું વાક્ય લખીને ગ્રાહકોને માત્ર લાગણીમાં તાણી જવાનું કામ જ થતું હોય છે.

કોઇ એ બતાવતું નથી કે પોતાના ઉત્પાદનોની નિર્માણ પ્રક્રિયામાં કેટલા હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન થાય છે. ગ્રાહકો તો ફક્ત ઉત્પાદનોની જાહેરાત અને મીઠી શબ્દાવલિમાં ફસાઇ જઇને જ જે-તે સામાન ખરીદી લેતા હોય છે. આ રહ્યા તેમની શબ્દજાળના થોડા નમૂના. ગ્રીન, ગ્રીન ગાર્ડ, ગ્રીન સીલ, એનવાયર્ન્મેન્ટલી સેફ, બાયો-બેઇઝ્ડ, બાયોપ્લાસ્ટિક, ઓઝોન ફ્રેન્ડલી, ઇકોફ્રેન્ડલી, એનવાયર્ન્મેન્ટલ ફ્રેન્ડલીનેસ, કોમ્પોસ્ટેબલ, બાયોડિગ્રેડેબલ, રિસાઇકલ્ડ, નોન ટોક્સિક જેવા આકર્ષક શબ્દોની આ જાળમાં ગ્રાહક પૂરો ભરમાઇ જાય છે. કેટલીક કંપનીઓ આ શબ્દોની પાછળ આયુર્વેદિક સુરા, ઓર્ગેનિક તંબાકુ, ગ્રીન સિગારેટ અથવા નેચરલ પાન મસાલા કહીને હાનિકારક ઉત્પાદનો પણ વેચી નાખતા હોય છે. ઓર્ગેનિક પદાર્થો ટ્રેન્ડમાં છે, પણ આ પદાર્થોનું મોટે પાયે ઉત્પાદન હાલમાં તો ઘણું જ મુશ્કેલ, એમ કહોને અસંભવ જ છે. છતાંય લોકો માત્ર આ શબ્દ વાંચીને કોઇ પણ પ્રોડક્ટ ખરીદી લેતા હોય છે.

બાયોડિગ્રેડેબલનો મતલબ એ થાય છે કે એ ચીજ સડીને જમીનમાં ભળી જશે, પણ જો ૨૦૦ વર્ષે આવું થતું હોય તો એનો શો અર્થ? પેપર પ્લેટ, નેપકિન, ડાઇપર જેવા ઉત્પાદનો પર લખેલું હોય છે કે એ ૧૦૦ ટકા બાયોડિગ્રેડેબલ હોય છે,પણ એ ક્યારેય સો ટકા સાચું નથી હોતું. એલઇડી બલ્બ વેચવાવાળા પોતાના જૂઠા દાવાઓથી કરોડો કમાઇ લેતા હોય છે. તેઓ કહેતા હોય છે કે સાધારણ ફિલામેન્ટ બલ્બથી આ બલ્બ ૧૫ ગણા વધુ ચાલે છે. તેમનું જીવન ૩૦,૦૦૦ કલાકનું હોય છે, પરંતુ કોઇ પણ બલ્બ કેટલાક હજાર કલાક નથી બળતો હોતો. ગ્રાહકો ફળોના રસને વાસ્તવિક સમજીને પીએ છે, પણ બની શકે કે તેમાં લેશમાત્ર ફળોનો અંશ પણ ન હોય. જો સાચે જ ફળોના રસ હોય તો જમરૂખ અને કિવી ફળોના રસનો ભાવ ક્યારેય એકસમાન હોઇ શકે?

સમસ્યા એ છે કે પર્યાવરણ રક્ષાનું બીડું ઉઠાવ્યું હોય છે એવી સંસ્થાઓ અને સરકાર પણ આ જાળમાં ફસાઇ ચૂકી છે. ક્ંપનીઓ ખોટા દાવા કરી રહી હોય, ગ્રાહકો છેતરાતા રહેતા હોય તોય સરકાર કે કોઇ સંસ્થા કાર્યવાહી કરતી નથી. ઉલટાનું સરકારને એવું લાગે છે કે આવા ઉત્પાદકોને તો થોડી છૂટ અને પ્રેરણા મળવી જોઇએ. આવા ઉત્પાદનોને સહયોગ કરતી નીતિઓ પણ બનાવવામાં આવે છે. સમજ નથી પડતી કે સરકારને ઉત્પાદનો આકર્ષિત કરે છે કે કંપનીઓ. ઘણી બનાવટી ઉત્પાદનો બનાવતી કંપનીને પણ ઇકોફ્રેન્ડલીનું સરકારી પ્રમાણપત્ર સરળતાથી મળી રહે છે. ન પણ મળે તો કંપનીઓ પોતાને જ એવું સર્ટિફિકેટ આપી દેતી હોય છે જેને કોઇ પૂછવા કે પકડવાવાળું નથી હોતું. કંપનીઓ ઘણી વાર જે કહેતી હોય છે તે ટેક્નિકલી તો સાચું હોય છે, પણ વ્યવહારિક નથી હોતું, પણ ગ્રાહક કિંમત તો એ ઉત્પાદનને વ્યાવહારિક સમજીને જ ચૂકવે છે. ગરીબ ગ્રાહક પણ એમ સમજે છે કે એ સસ્તા ઉત્પાદનો લઇને પર્યાવરણનો નાશ કરી રહ્યો છે. તેને અપરાધબોધ સતાવે છે. એક વિશ્ર્વવ્યાપી સર્વે પ્રમાણે ૬૬ ટકા ગ્રાહકો એ બાબતે રાજી છે કે વધારે કિંમત ચૂકવીને પણ એે એેવા ઉત્પાદનો લેવાનું પસંદ કરશે જે પર્યાવરણના સહાયક હોય.

આ ગ્રીનવોશ પોતાની જબરદસ્ત માર્કેટિંગને કારણે અત્યારે તો ખૂબ સફળ છે. જ્યાર સુધી કેટલાક લોકો ધરતીમાના નામે મૂર્ખ બનાવતા રહેશે અને લોકો મૂર્ખ બનતા પણ રહેશે ત્યાં સુધી આ ધંધો ધમધોકાર ચાલતો રહેશે, કારણ કે જે લોકો આ ઉત્પાદનો નથી ખરીદી શકતાં એ લોકો પણ આવી કંપનીઓના દાવા પર પૂરો ભરોસો તો રાખતા જ હોય છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

65r24V
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com