28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સાત સ્વરોના ગુણ તથા સ્વરોનો સંબંધ રંગ, ફળ-ફૂલ, શાકભાજી સાથે પણ!

સેહત કે સૂર-નંદિની ત્રિવેદી



સાત ચક્રો અને સાત સ્વરો વચ્ચેના સંબંધો વિશે જાણ્યા પછી રાગ થેરપીમાં બે સ્વરો વચ્ચેના અવકાશ દ્વારા પણ ચિકિત્સા થાય છે. બે સ્વરો વચ્ચે તરત ઓળખાય નહીં એવી શ્રુતિઓ હોય છે. એ શ્રુતિઓ પણ ઉપચાર પદ્ધતિમાં કામ આવે છે. બે સ્વરો વચ્ચેની જગ્યા બે વિચાર વચ્ચે પણ ગેપ ઊભો કરે છે પરિણામે હીલિંગ પ્રક્રિયા સરળ બને છે.

સાત સ્વરોથી સંગીત સર્જાય છે પરંતુ દરેક રાગમાં સાત સ્વરો હોતા નથી. કેટલાક રાગો પાંચ અને છ સ્વરના બનેલા હોવાથી એમાં ગેપ વધારે હોય છે તેથી એમાં હીલિંગ પાવર વધારે હોઈ શકે છે. રાગ ભુપાલીમાં મ અને નિ સ્વરો વર્જ્ય હોવાથી બે વેક્યુમ ઝોન સર્જે છે જ્યાં હીલિંગ શક્ય બને છે.

રાગ અને ચક્ર વિશેની માહિતી આપતાં એક પુસ્તકમાં જણાવ્યું છે કે ‘મ’ સ્વર હાર્ટ ચક્રને આંદોલિત કરે છે અને પ્રેમ સહિત અનેક પ્રકારની લાગણીનું સર્જન કરે છે.

એ જ રીતે મ એટલે કે મધ્યમની ગેરહાજરી નકારાત્મકતા સહિત બધી લાગણીનું નિર્મૂલન કરી શકે છે. તેથી રાગ ભુપાલી નિતાંત પ્રસન્નતા જ જન્માવી શકે. નિ સ્વર ક્રાઉન ચક્રને આંદોલિત કરે છે જે સમર્પિતતાની લાગણી જન્માવી શકે છે. નિ એટલે કે નિષાદ સ્વરની ગેરહાજરી શરણાગતિનો ભાવ દૂર કરી માણસને જવાબદાર બનાવે છે. તેથી નિ વર્જ્ય હોય એ રાગો આત્મસન્માન, આત્મવિશ્ર્વાસની ભાવના જગાવે છે.

સ્વરો રે ગ પ ધ અંડાશય (ઓવરી), સ્વાદુપિંડ (પેન્ક્રિયાઝ) તથા પંચેન્દ્રિયોને વેગવાન બનાવે છે. દરેક સ્વરનો પોતાનો ગુણ હોય છે. સા એ સર્વગુણ સંપન્ન છે. સા સ્વરને ઓમકાર સ્વરૂપે ગાઈને વાતાવરણને શાંત બનાવી શકાય. સાતેય સ્વરોનાં અમુક ચોક્કસ લક્ષણો છે. સા એ વિચારપ્રેરક સ્વર છે. રે સૌંદર્યપ્રેરક, ગ આનંદવર્ધક, મ પ્રેમવાહક, પ વળગણમુક્ત અને માણસને સ્થિતપ્રજ્ઞ બનાવે છે, ધ શક્તિવર્ધક, નિ આત્મવિશ્ર્વાસ વધારે છે. કહેવાય છે કે આ સાત ગુણો આપણા જીવનના સાત તબક્કા છે જેમાંથી દર સાત વર્ષે આપણે પસાર થઈએ છીએ. બાળક જન્મે ત્યારે એનામાં સા આંદોલિત થતો હોવાનું તમે નોંધ્યું હશે. બાળક ખૂબ સવાલો કરતું હોય છે કારણ કે એનામાં વિચારબીજ રોપાયું હોય છે જે એને સવાલો પૂછવા ઉત્તેજિત કરે છે.

અરે, રંગ અને સ્વર વચ્ચે પણ સંબંધ હોવાની વાત લખાયેલી છે. આમેય આપણે જાણીએ છીએ કે કિચનમાં કલરફૂલ વેજિટેબલ્સ લાવીને રંગોનું મેઘધનુષ રચાવું જોઈએ. શરીર માટે બધી રીતે એ ફાયદાકારક છે. રંગોની પોતાની એક ઊર્જા હોય છે. કહેવાય છે કે વાયોલેટ વેજિટેબલ્સમાં નિ સ્વરના વાઈબ્રેશન હોય છે જે માનવીના મન અને નર્વ સિસ્ટમને પોષણ આપે છે. ઈન્ડિગો કલરનાં શાકમાં ધ સ્વર આંદોલિત થાય છે જે આંખને પોષણ આપે છે. બ્લુ કલરનાં શાકમાં રહેલો પ સ્વર આંખ-નાક-ગળાને પોષણ આપી વોકલ કોર્ડ સુધારે છે. ગ્રીન વેજિટેબલ્સમાં મ સ્વરનાં આંદોલન છે જે હૃદય અને ફેફસાંની શુદ્ધિ કરે છે. પીળાં શાકભાજી ગ સ્વરના વાહક છે જે પેટ, લીવર અને સ્વાદુપિંડને સક્રિય બનાવે છે. કેસરી શાકભાજી રે સ્વરના વાહક છે જે મૂત્રાશય અને ગર્ભાશયને પોષણ આપે છે. લાલ શાકભાજીમાં સા સ્વરનાં વાઈબ્રેશન રહેલાં છે જે ગુપ્તાંગોને પોષણ આપે છે.

એ જ રીતે ફૂલોનો સંબંધ પણ સ્વરો સાથે છે. અલબત્ત, આ તમામ બાબતો પુસ્તકમાં લખાયેલી છે. એની સત્યતા વિશે ઊંડું સંશોધન જરૂરી છે. એમ પણ કહેવાય છે કે તમે મોગરો સૂંઘો અને એની સાથે સંકળાયેલા મ સ્વર આધારિત રાગ નિયમિત ગાઓ તો માનસિક સમસ્યાઓ હળવી થાય. મોગરાની કળી નાંખીને ચા બનાવાય તો પાચનશક્તિ સુધારે છે. કેસરી ગલગોટાની પેસ્ટ લગાવીને રે સ્વર આધારિત રાગ ગાઓ તો ત્વચારોગમાં ફાયદો થાય છે. ગુલાબ સાથે સા, સૂર્યમુખી સાથે ગ સ્વર સંકળાયેલો છે જે શુગર પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. એ જ રીતે જુદાં જુદાં ફૂલ વિશે માહિતી અપાઈ છે. પરંતુ, આ તમામ યોગ્ય મ્યુઝિક થેરપિસ્ટ કે આ વિશે આધારભૂત માહિતી ધરાવનાર જ કરી શકે. જાતે અખતરા ન કરવા. ફક્ત મધુર સંગીત સાંભળવું. એટલું ધ્યાન રાખવું જ પડે કે આ બધી વૈકલ્પિક સારવાર પદ્ધતિ છે. એનાથી કોઈ નુકસાન તો નથી જ. સંગીત બીજું કંઈ નહીં, પરંતુ ચિત્ત શાંત અને પ્રસન્ન તો કરે જ છે.

એશિયાની મોટામાં મોટી એપોલો હોસ્પિટલમાં હવે મેડિકલ મ્યુઝિક થેરપી દાખલ કરવામાં આવી છે એ નોંધપાત્ર ઘટના છે. પૌરાણિક સ્વરશાસ્ત્રમાં જણાવ્યું છે કે વ્યક્તિ જે રાગ ગાય એ રાગનાં લક્ષણો આપોઆપ એના શરીરમાં દાખલ થાય અને વ્યક્તિ જે રાગ ગાતી હોય એ રાગના સ્વરોનાં આંદોલનો સાત ચક્રો અને ૭૨ નાડી પર અસર કરતા હોય છે. તેથી જ આપણે જોઈએ છીએ કે શાસ્ત્રીય સંગીતના ગાયકો મોટેભાગે સ્વસ્થ જીવન જીવે છે અને લાંબું આયુષ્ય ભોગવે છે. શ્રોતાના મન પર એ શાંત અસર છોડે છે. શાસ્ત્રીય સંગીત સાંભળવા કાન કેળવવા અનિવાર્ય છે. તો જ તમે એનો આનંદ ઊઠાવી શકો અને તો જ રાગ ચિકિત્સા તમને કામ આવી શકે. સંગીત થેરપીને વૈજ્ઞાનિક આધાર મળે તો વધુ પોપ્યુલર થાય. લોકપ્રિય શાસ્ત્રીય ગાયિકા કૌશિકી ચક્રવર્તી એટલે જ કહે છે, "સાઉન્ડની અસર માનવમન પર પડે જ છે પરંતુ એનો સંબંધ સ્વરની ફ્રિકવન્સી સાથે છે. ફ્રિક્વન્સીના કોમ્બિનેશનથી બનેલો રાગ માનવ મન પર પ્રહર મુજબ કે અન્ય કોઈ રીતે અસર સર્જી શકે કે નહીં એ વૈજ્ઞાનિક રીતે હજુ પૂરેપૂરું પુરવાર થયું નથી. ત્યાં સુધી તો આપણે ‘ફેઈથ’નેે જ સેલિબ્રેટ કરવાનો રહે. આપણે ભારતીયો ‘પ્રૂફ’ કરતાં ‘ફેેેઈથ’ને વધુ મહત્વ આપીએ છીએ. "શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? રાગ ચિકિત્સા વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ સાચી સાબિત ન થાય ત્યાં સુધી પારંપરિક સ્વરશાસ્ત્ર, પ્રહર વિજ્ઞાનની ખૂબસૂરતીને ઉજવવાની. કારણ કે આપણું શરીર પણ કુદરતના ભાગરૂપ છે. કુદરતનો રંગ બદલાય એ જ રીતે માનવમનના રંંગ પણ બદલાય છે. એ જુદા જુદા રંગને

રાગ દ્વારા અભિવ્યક્ત કરીને અત્યારે તો હું

ખુશ છું.

મૂળ વાત એ છે કે શ્રદ્ધાપૂર્વક સારું સંગીત સાંભળો. બાકીનું ઉપરવાળો સંભાળી લેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

l24b81v
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com