28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એક થપ્પડ કી કિંમત તુમ ક્યા જાનો રાજા બાબુ?

કેન્વાસ-અભિમન્યુ મોદીમાર્ચ મહિનામાં વિમેન્સ ડે આવે અને આ મહિને ગૌરવ થાય એવી હિરોઇન તાપસી પન્નુની ’થપ્પડ’ ચાલી રહી છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં રીયલ લાઈફ રીલ લાઈફ બંનેમાં એકસરખા એટીટ્યુડથી જીવતી હોય એવી અદાકારાઓ બહુ જ ઓછી આવી છે. તાપસી એમાંની એક છે. ફેમિનિઝમની વાત કર્યા વિના આપણા સમાજમાં પુરુષ-સ્ત્રી સમાનતાનો કેટલી હદે અભાવ છે એ એકદમ વાસ્તવિક સંદર્ભમાં કહેવાયું છે. થપ્પડ ફિલ્મ વિષે અને તેની વાર્તા બાબતે તો ઘણી વાતો કરી. ગમે તેવા સંજોગો હોય એક પુરુષ સ્ત્રીને હિંસક રીતે હાથ નથી અડાડી શકતો. આવેશમાં આવીને પણ શારીરિક હાથચાલાકી યોગ્ય નથી. જો એવું ભવાવેશમાં આવીને થઇ જાય તો સદીઓથી પેઢી દર પેઢી પસાર થઈ રહેલા સંસ્કારો અને રૂઢીવાદી વિચારસરણીનો વાંક છે. પણ આજે વાત થપ્પડની કરવી છે. થપ્પડ કેટલી મોંઘી પડી શકે છે એની વાત કરવી છે.

થપ્પડની કિંમત જાણવી હોય તો ટ્યુનીશીયાના એક સમયના પ્રેસિડેન્ટ ઝીને અલ અબીદિન બેન અલીના કુટુંબીને પૂછવું પડશે, કારણ કે ભૂતપૂર્વ પ્રમુખ તો અવસાન પામ્યા છે. એક સમયે એમને જાતે જ દેશનિકાલ થઈ જવું પડ્યું હતું. કેમ? એક દેશના પ્રમુખને પોબારા ભણી જવા માટે કારણભૂત એક થપ્પડ બની હતી. ના, બેન અલીએ કોઈને થપ્પડ મારી ન હતી. પરંતુ એ ઘુરીયલ સરમુખત્યારના રાજમાં બેફામ બનેલા સરકારી અમલદારો અને પોલીસ અધિકારીઓમાંથી એક સામાન્ય કર્મચારીએ ફળની લારી ચલાવતા યુવાનને થપ્પડ મારી હતી. રસ્તા ઉપર તે યુવાનને થપ્પડ પડી, આખો દેશ રસ્તા ઉપર આવી ગયો અને દેશના પ્રમુખે રાતોરાત બીજા દેશનો રસ્તો માપવા નીકળી જવું પડ્યું. મોહમ્મદ બોઝીઝી નામના જુવાનને ફેઈદા હિમદી નામની પિસ્તાલીસ વર્ષની મ્યુનિસિપલ મહિલા કર્મચારીએ લાફો ઝીંક્યો. કારણ શું? કારણ કે સરકારી કર્મચારીઓને તે લાંચ પેટે રૂપિયા આપતો ન હતો!

બોઝીઝીના આ અપરાધ બદલ તેના ફળોની પેટી ઝુંટવી લેવામાં આવી. તે પોતાનો સામાન લેવા સરકારી કચેરીએ ગયો. તો તેને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યો. તેણે બધા પ્રયત્નો કર્યા પરંતુ તેને તેના ફ્રૂટ્સ-કેરેટ પાછા ન મળ્યા. તેણે સરકારી કચેરી સામે જ અગ્નિસ્નાન કર્યું. તેનું નેવું પ્રતિશત શરીર બળી ગયું. થોડા દિવસોમાં તે નવયુવાન મૃત્યુ પામ્યો. તેના આ પગલાંને લીધે દેશમાં જે અસર થઈ તે જોતા તે માણસ શહિદ થયો એમ કહેવું વધુ યોગ્ય રહેશે, કારણ કે સરમુખત્યારશાહીની આપખુદી સામે તેણે અજાણતા જ જંગ છેડી દીધી હતી જે લડવા માટે આખા દેશના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. જે આરબ દેશોમાં આપખુદશાહી છે ત્યાં પણ તેના ઘેરા પ્રભાવ પડયા. ટ્યુનીશીયાના પ્રેસિડેન્ટને રાતોરાત દેશ છોડી દેવો પડ્યો. તેની ઉપર તો પછી ઘણા કેસ થયા. દેશમાં એક ક્રાંતિ આવી. આ ક્રાંતિ ક્ઇ રીતે શરૂ થઈ? એક થપ્પડથી. થપ્પડ એ માત્ર શારીરિક હિંસા ન હતી, કોઈના આત્મસમ્માન ઉપરનો નિર્લજ્જ હુમલો હતો. ઘણી વખત રીઢા ગુનેગાર જેવી ઈંટને કડક જવાબ આપવા માટે પથ્થરને બદલે પહાડ ઉગામવો પડે. એક થપ્પડને કારણે તાનાશાહોએ પથ્થરો ખાવા પડ્યા.

ખ્રિસ્તી ધર્મના રાજા સમાન પોપ પણ આ થપ્પડવૃત્તિથી પર રહી શક્યા નથી. વીથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટર રિસ્પોન્સીબીલીટી. આ પ્રચલિત ઉક્તિ છે. સત્તા વધે એમ જવાબદારી વધે, પરંતુ સત્તાનું ઊંચું સ્થાન કેમ જાણે પરોક્ષ રીતે કોઈને મારવાની પણ સત્તા આપી દે છે? પોપ ફ્રાન્સિસ વેટિકન સિટીમાં તે લોકોના બેસતા વર્ષની સાંજે ખ્રિસ્તી ધર્મના શ્રદ્ધાળુઓ અને ત્યાં હજાર રહેલા સૌનું અભિવાદન કરવા નીકળ્યા હતા. પોપ ફ્રાન્સિસે બધા સાથે હાથ મિલાવ્યા. એમાં એક મહિલાએ ભાવાવેશમાં આવીને પોપનો હાથ થોડી વધુ સેક્ધડ માટે પકડી રાખ્યો. પોપે ત્વરિત પ્રતિક્રિયા આપી અને તે ઉગ્ર હતી. તેણે તે મહિલાના હાથ ઉપર ગુસ્સાથી થપ્પડ મારી. નામદાર પોપનું આવું કૃત્ય જોઈને લાખો લોકોને આંચકો લાગ્યો હતો. ખ્રિસ્તી ધર્મના અત્યારના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલો અને સંતત્વને વરેલો માણસ આવું કરે? પોપ પણ આખરે તો પુરુષ જ છે ને? પોપે પોતાનાથી મરાઈ ગયેલી થપ્પડને કારણે માફી માગવી પડી. ઘણા લોકોની લાગણી એ વીડિયો જોઈને દુભાઈ છે. થપ્પડ કુપોષિત માનસિકતાનું વરવું પ્રદર્શન છે.

રશિયામાં તો સ્લેપિંગ કોમ્પિટિશન થાય છે. કોણ કેટલા લાફા સહન કરી શકે એની સ્પર્ધા? જેમાં સ્પર્ધકો સામે ઊભેલા ખેલાડીને જોર જોરથી લાફા મારે. જે વધુ લાફા ખમી શકે તે વિજેતા. રશિયાના ફ્રેન્ડ કે રશિયાના મનાતા ફ્રેન્ડ એવા ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઓછા નથી. અમેરિકન પ્રેસિડેન્ટે એની જિંદગીમાં ઘણાં તોફાનો કર્યાં છે. ડબ્લ્યુ ડબ્લ્યુ ઇ નામની પેલી કુખ્યાત રેસલીંગ કોમ્પિટિશનમાં પણ તેઓ આવી ચુક્યા છે. તેણે મેકિસકો સીટીના મેયરને પણ થપ્પડ મારેલી છે. એ વીડિયો પણ આસાનીથી મળી જાય એવો છે. ટ્રમ્પ પ્રેસિડેન્ટ બની ગયા પછી બહુધા અમેરીકનોની નજરમાં તે વીડિયો આવ્યો. જો કે પહેલાથી જ ટ્રમ્પના આવા ’થપ્પડજવાબી’ મિજાજની ખબર હોત તો અમેરિકનોએ તેને વોટ ન આપ્યો હોત એવું માનવાને કોઈ કારણ નથી. અમેરીકનો તો હજુ એને જ વોટ આપશે.

એક તારણ મુજબ વિશ્ર્વમાં થપ્પડ મારવાનું પ્રમાણ વધી ગયું છે. ભારતમાં તો ખાસ. રાજકારણીઓને, નેતાઓને, સેલિબ્રિટીઓને, પબ્લિક ફિગરને વગેરેને કોઈ માથાફરેલ થપ્પડ મારી દે એવા બનાવો ઘણા બનતા જાય છે. થપ્પડ એ ઇનટોલેરન્સની સીધી સાબિતી છે. સહનશીલતાનો અભાવ થપ્પડમાં નીપજે. પોતાનો માલિકીભાવ કે ગુસ્સો સામે વાળા ઉપર થોપી દેવાની ત્વરિત વૃત્તિને કારણે થપ્પડ મારવાનું મન થાય. જાત ઉપર ક્ધટ્રોલ ન કરી શકનારા કે ધીરજવિહોણા પાસે હાજર તે હથિયારના ન્યાયે થપ્પડ ઉપર પહેલી પસંદગી ઠરે છે. થપ્પડ મારવી એ અપમાનની પરાકાષ્ઠા છે. યુદ્ધમાં પણ દુશ્મન સૈનિકને ગોળી મારી શકાય પણ વોર કોડના નિયમોને ફોલો કરતો કે શિસ્તમાં રહેતો સૈનિક દુશ્મનને પણ થપ્પડ ન મારે. થપ્પડ સામે રહેલા માણસના ગાલ ઉપર નહીં એના અસ્તિત્વ ઉપર પડતી હોય છે. વેર કે દુશ્મનાવટનું જન્મસ્થાન થપ્પડ બની શકે.

બે વ્યક્તિઓ વચ્ચે, બે પરિવારો વચ્ચે, બે સમુદાયો વચ્ચે કે દેશમાં અશાંતિ સર્જવા માટે એક થપ્પડ પર્યાપ્ત છે. ઓસ્ટ્રેલિયન લેખક ક્રિસ્ટોસ સીઓલકાસની ૨૦૦૮ ની નવલકથાનું નામ ’ધ સ્લેપ’ છે. એ નવલકથાની વાર્તામાં બે મિત્રના પરિવારો જમવા માટે ભેગા થાય છે અને એમાં એક મિત્ર બીજા મિત્રના નાના બાળકને તેના જોખમી તોફાનને કારણે થપ્પડ મારી દે છે. આ થપ્પડ મોટું સ્વરૂપ ધારણ કરે છે. આવા ખરાબ તોફાન કરતા બાળકને રોકવા માટે થપ્પડ મારવી જોઈએ કે નહીં તેની લાંબી ચર્ચા તે લોકો વચ્ચે ચાલે છે. આ વાર્તા પરથી અમેરીકન અને ઓસ્ટ્રેલિયન સિરિયલ પણ આવી ગઈ છે. થપ્પડ ફિલ્મ આટલી સારી હોવા છતાં તેનો બોક્સ ઓફીસ ઉપર પરફોર્મન્સ નબળું છે. જ્યારે આ દેશમાં થપ્પડ મારવા જેવા હિંસક બનાવો વધતા જાય છે. આપણે કેવી દિશા તરફ જઇ રહ્યા છીએ?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

te8o620
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com