28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડેટિંગનો નવો ટ્રેન્ડ: ગ્રુપમાં હરવુંફરવું, મોજમસ્તી, ખાવુંપીવું

એસમય ગયો કે જ્યારે ઘરનાઓ જ્યાં કહેતાં ત્યાં દીકરા-દીકરીઓ ચૂપચાપ માથું નીચે કરીને પરણી જતા હતા. હવે સમય બદલાયો છે, આજની યુવાપેઢી પોતાના ભાવિ જીવનસાથીને લગ્ન પહેલાં જ ઓળખી લેવા માગે છે અને એટલે તે લગ્ન પહેલાં ડેટિંગ કરે છે. આ ડેટિંગમાં જો પાર્ટનર સાથે ટ્યુનિંગ જામી ગઈ તો વાત આગળ વધે છે અને જો ટ્યુનિંગ મેચ નથી થતી તો પછી વાત પર ત્યાં જ પૂર્ણવિરામ મુકાઈ જાય છે. યુવાપેઢી પાર્ટનરની શોધમાં ડેટ પર તો પહોંચી જાય છે, પણ યોગ્ય એટિકેટ્સના અભાવે વાત પાટે ચડવા પહેલાં જ આડે પાટે ચડી જાય છે, અને બધી મહેનત પર પાણી ફેરવાઈ જાય છે. એટલે આપણે આજે વાત કરીશું કે જો તમે ડેટ પર જઈ રહ્યા છો તો કઈ કઈ વાતોનું ધ્યાન રાખશો.

સમય પ્રમાણે શરૂઆત

આજથી ૨૦ વર્ષ પહેલા બેસ્ટ ફ્રેન્ડ સાથે મૂવી જોવા કે પાર્કમાં ફરવા જવું તેને ડેટિંગ કહેવાતું પછી એક નવો ટ્રેન્ડ આવ્યો અને યુવાનો પોતાના પાર્ટનર સાથે વીકએન્ડમાં ડિનર માટે જવા લાગ્યા. થોડાક સમય સુધી આ ટ્રેન્ડ ચાલ્યો અને ફરી એક નવો ટ્રેન્ડ આવ્યો. આ નવા ટ્રેન્ડ અનુસાર ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ એમ પાંચથી છ કપલ સાથે હેંગઆઉટ માટે જવા લાગ્યા, જ્યાં એકબીજા સાથે મોજ-મસ્તી, ખાવું-પીવું અને કોલેજની વાતો કરવાનું પસંદ કરવા લાગ્યા. ડેટિંગમાં એકબીજા સાથે ફરવું, એકબીજાની કંપની એન્જોય કરવી, એકબીજા સાથે સેક્સથી લઇને સરકાર એમ તમામ મુદ્ાઓ પર ચર્ચા કરવી. જોકે, એક જમાનામાં આ બધી બાબતોને ખોટી માનવામાં આવતી. ત્યાં સુધી કે એક છોકરો અને છોકરી એકબીજા સાથે જાહેરમાં વાત કરતા પણ ખચકાતા હતા. જ્યારે અત્યારે યુવાનો પોતે કોઈને ડેટ કરી રહ્યા છે એ વાત પણ અત્યારે ઘરમાં જણાવતા નથી અને તેનું કારણ છે કે યુવાપેઢીની માન્યતા છે કે તેમની જિંદગી પર તેમનો જ અધિકાર છે. આ જ કારણ છે કે તેમને મા-બાપને કંઇ જ જણાવવું જરૂરી નથી લાગતું. જ્યાં સુધી પોતાના પાર્ટનરને લઇને શ્યોર ના હોય ત્યાં સુધી ઘરમાં તે કોઇને જણાવતા નથી. આમ જોઇએ તો ડેટિંગને એ પ્રેમ જેટલું મહત્ત્વ નથી આપતા. આથી પેરેન્ટ્સને જણાવવાનું પણ જ જરૂરી નથી સમજતા.

દોસ્તીથી વધારે કંઇ નહિ

એક સમય હતો કે છોકરી કોઇને મળવા બહાર જાય તો એ પોતાના નાના ભાઇ કે બહેનને સાથે લઇ જાય. હવે તો ફાસ્ટફોર્વર્ડ થઈ ગયેલી આ જનરેશન પોતાના પાર્ટનરને મળવા જાય છે ત્યારે પોતાના મિત્રોને સાથે લઈ જાય છે, એટલું જ નહીં પણ જો તેમના મિત્રને જો પાર્ટનર પસંદ ના આવે તો તેઓ તેને ના પાડી દેતાં પણ અચકાતાં નથી. ટૂંકમાં યુવાપેઢી માટે મિત્ર અને મિત્રતાથી વધારે કંઈ જ નથી. આમાં કંઈ જ ખોટું પણ નથી. જીવનના બાકીના સંબંધોની સરખામણીએ મિત્રતાનો સંબંધ જરા વધારે નજીક અને ઈમાનદાર હોય છે અને એટલે જ કદાચ આજના સમયમાં બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડને એકબીજા કરતા વધારે વિશ્ર્વાસ તેમના ફ્રેન્ડસ પર હોય છે. ડેટિંગ પર જતી વખતે પોતાના ફ્રેન્ડસને સાથે લઇ જઇને હેંગઆઉટ કરવાનું પણ યુવાપેઢી વધારે પસંદ કરે છે. અત્યારના સમયમાં ડેટિંગ પર જવા માટે કોઇ પ્લાનિંગ નથી કરવું પડતું. એક મેસેજ અને ડેટ ફિક્સ. અને એ પણ કોડવર્ડમાં જો ઘરમાં કોઇ મેસેજ વાંચે તો એને સમજ પણ ના પડે કે શું લખ્યું છે. ક્યારેક વળી બંનેમાંથી કોઇ એકને બહાર જવાનું એ સમયે શક્ય નથી તો તેઓ એક રૂમમાં બેસીને ઓનલાઇન ડેટિંગ કરે છે. આમાં કોઇ પ્રકારનું ટેન્શન પણ નથી હોતું અને કોઇ બંધન પણ નથી હોતું.

આંધળો પ્રેમ નહીં જ:

આજના યુવાનો ખૂબ જ સમજીવિચારીને કોઈ પણ સંબંધમાં આગળ વધતા હોય છે. છોકરો શું કરે છે, જોબ છે કે બિઝનેસ, તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, તે બીજા કોઇ પર નિર્ભર તો નથીને, તેના ફેમિલીમાં કેટલા સભ્યો છે, તેનું ભવિષ્ય કેવું રહેશે જેવી તમામ બાબતોનો પૂરતો વિચાર કરીને જ તે સંબંધોને આગળ વધારતા હોય છે. છોકરાઓનું પણ એવું જ છે. તેઓ પણ છોકરી કેવી છે, આપણા ઘરમાં સેટ થાય એવી છે કે નહીં, તેને આગળ જતા ઘર સંભાળવામાં વધારે રસ છે કે ઘર સાચવવામાં વધારે રસ છે, તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને તેઓ પોતાના સંબંધોને આગળ વધારે છે. અત્યારના સમયમાં ફક્ત મોંઘી ગિફ્ટ આપવાથી જિંદગીભરના સંબંધ બંધાઇ જતા નથી કે પછી ફક્ત પ્રેમ કરવાથી આખી જિંદગી કામ ચાલવાનું નથી. સંબંધોમાં પૈસા અને પ્રેમ બંનેનું પોત-પોતાનું એક આગવું મહત્ત્વ છે અને એનું સંતુલ જાળવીને આગળ વધવામાં વિશ્ર્વાસ રાખે છે આજનો યુવાવર્ગ વાત લગ્ન સુધી ત્યારે જ પહોંચાડે છે જ્યારે બંનેને એકબીજા પર પૂરેપૂરો વિશ્ર્વાસ બેસે છે.

ડેટિંગના કેટલાક વણલખ્યા નિયમો:

-ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડના ફ્રેન્ડસને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ફ્રેન્ડ ના બનાવો. તમારી આ હરકતને કારણે સામેવાળી વ્યક્તિને એવો મેસેજ જાય છે કે તમને તમારા સંબંધો પર ભરોસો નથી અને એટલે જ તમે નજર રાખવા માટે આમ કરી રહ્યા છો.

- મિત્રો સાથે કરેલી પાર્ટીઓના ફોટો કોઇની સાથે શેર કરતા પહેલા એક વાર તમારા પાર્ટનરને પૂછી લો, એવું પણ બને કે તમારા પાર્ટનરને ફોટા કોઇની સાથે શેર કરવાનું ના ગમતું હોય.

-જ્યારે પણ ડેટ પર જવાનું હોય તો હંમેશા સમયસર પહોંચી જવું. જો તમે મોડા પડો તો સમય પ્રત્યે તમે સભાન નથી તેવું દર્શાવે છે. તેમ છતાં જો કોઇ કારણોસર મોડા પડાય તો ફોન કરીને કે મેસેજ કરીને તમે જાણ કરી દો કે કયા કારણસર તમને મોડું થશે અને કેટલું મોડું થશે. તમારું આ વર્તન તમારી છબિને સુધારશે અને તમે એક જવાબદાર વ્યક્તિ છો એવી છાપ પણ ઊભી થશે.

-જ્યારે પણ તમારા પાર્ટનર તમને મેસેજ મોકલે છે ત્યારે તમે તેનો જવાબ આપો. જો તમે જવાબ નથી આપતા તો તેનો મતલબ તમે તેને ઇગ્નોર કરો છો એમ થાય છે. બની શકે કે તમે કયાંય કામમાં રોકાયેલા હોય, પરંતુ તમે એટલું જણાવી દો કે હું હમણાં ખૂબ જ બિઝી છું તો હું ફ્રી થઈને વાત કરું છું. જેથી તમારા અને તમારા પાર્ટનર વચ્ચે કોઇ મતભેદો ઊભા ના થાય.

-ઘણીવાર આપણને આપણા પાર્ટનર વિષે બહારથી કોઇ એવી વાત જાણવા મળે કે જે આપણે જાણતા ના હોઇએ ત્યારે તે વાત પર તરત જ કોઇ પ્રતિભાવ આપ્યા વગર પહેલા એકવાર તમારા પાર્ટનરને પૂછી લો, બની શકે કે તમને ભરમાવવા માટે જાણીજોઇને તમને ખોટી વાત કરવામાં આવી હોય. કોઇક વખત વાત સાચી પણ હોય તો તમને ના જણાવવા પાછળનું કારણ પૂછો, બની શકે કે તમને ખોઈ બેસવાના ડરથી ના જણાવ્યું હોય કે પછી, તમને ઘટનાના કોઇ એક પાસા વિશે ખબર હોય. શક્ય ત્યાં સુધી તેમના ભૂતકાળ વિષે કોઇ ઘટના હોય અને એ તમારા ભવિષ્યને ઇફેક્ટ કરતી હોય તો જ જાણવાનો પ્રયાસ કરો, નહી તો એને ભૂલીને આગળ વધવામાં જ સમજદારી છે. .

- કોઇ પણ સંબંધની શરૂઆતમાં જ પોતાના સિક્રેટ ના જણાવો. થોડોક સમય તમારા સંબંધોને આપો. સામેવાળી વ્યક્તિને તમે હજી વધારે જાણવાનો પ્રયાસ કરો કારણ કે ઘણી વખત વ્યક્તિ સામેથી દેખાય છે એવી હોતી નથી.

આજના સમયમાં યુવાનો રિલેશનશિપમાં આવતા પહેલા ખૂબ જ ધ્યાન રાખે છે. પરંતુ ક્યારેક લાગણીમાં આવી જઇને નાની નાની ભૂલો કરી લેતા હોય છે. તો જો આવી નાની બાબતોનું ધ્યાન આપવામાં આવે તો પસ્તાવું નહી પડે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

51021y83
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com