28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખજાનો નહીં, પણ ખજાનાનો બાપ

પ્રાસંગિક-એન. કે. અરોરાખજાનો શબ્દ સાંભળતા જ આપણી આંખો સામે રહસ્યમય ગુફા, કોઇ કિલ્લો, જંગલ, સરોવર કે ખંડેરના દૃશ્યો ફરવા લાગે, જ્યાં દૂર દૂર સુધી કોઇ માણસ પણ ન જોવા મળે. બધી બાજુ ડરામણી આકૃતિઓ, તેજ પવન, રહસ્યમય અવાજો અને અંધારાનું સામ્રાજ્ય હોય છે. બધુ ંમળીને ભયનું વાતાવરણ હોય છે. પણ ખજાનાની લાલચ માણસને ડરની પ્રત્યેક સીમાઓ તોડી દેવા માટે ઉકસાવે છે. ભલે આજ સુધી આ કોશિશમાં લાખો લોકો માર્યા ગયા હોય કે અસફળ રહ્યા હોય.

દુનિયામાં કોઇ સંસ્કૃતિ, સભ્યતા કે વિસ્તાર એવો નહીં હોય જ્યાં ખજાનાની પોતાની અંગત કહાણી નહીં હોય. હકીકત તો એ છે કે દરેક જગ્યાએ ખજાનાની વાર્તાઓ વિખરાયેલી પડી છે. જેટલી વાર્તાઓ લિખિતમાં છે તેના કરતાં હજાર ગણી વધુ વણલખી પડી હશે. ખજાનાની વાર્તા સંભળાવનાર પ્રત્યેક માણસ કહેતો હોય છે કે આ દુનિયાનો સૌથી મોટો અને સૌથી રહસ્યમય ખજાનો છે. જોકે, આ ખજાનાની વાતો ત્યાં સુધી જ સિમિત હોય છે જ્યાં સુધી ખજાનાની બીજી વાતો સામે ન આવે. પ્રશ્ર્ન એ છે કે દુનિયામાં સૌથી મોટો ખજાનો કયો હશે?

અગર ખજાનાની હજારો વાર્તાઓને તેમાં હાજર સંપત્તિને કસોટીએ પારખવામાં આવે તો દુનિયામાં ૧૦ સૌથી મોટા ખજાના માનવામાં આવે છે. જેમાં એક અનુમાન પ્રમાણે લગભગ ૨૩ હજાર કરોડ ડૉલરની સંપત્તિ મૌજૂદ છે. નિશ્ર્ચિતરૂપે આ ખજાનાઓ સોના,ચાંદી, હીરા અને ઝવેરાતોથી જ ભર્યા પડ્યા છે. જોકે, આ ખજાનઓની સઘળી ચમક-દમક ઝાંખી પડી જાય તેવા એક મસમોટા ખજાનાની માહિતી મળી છે. આ ખજાનાની ખરી કિંમત બોલવી હોય તો કરોડ કે અબજ નહીં, પણ ખર્વ-નિખર્વ પણ ઓછા પડે. જી.. હા, આ ખજાનાની કિંમત એટલી અધધધ છે કે તેને દુનિયાની દરેક વ્યક્તિમાં વંહેચી દેવામાં આવે તો પ્રત્યેક જણના ખાતામાં ૯૬૨૧ કરોડ રૂપિયા આવી શકે છે.

કહેવાનો મતલબ એ છે કે ખજાનો એટલો મોટો છે કે તેનું કેટલા રૂપિયામાં ઉચ્ચારણ કરવું એ પણ કોયડો છે. અગર એક શબ્દમાં ઉચ્ચાર કરવો હોય તો ૮૦૦૦ની પાછળ બીજા પંદર મીંડા લગાડવા પડે. આ સંપત્તિ વાસ્તવમાં ૮૦૦૦ ક્વાડ્રિલિયન પાઉન્ડ છે. આ સંપત્તિ જોયા બાદ લોકો એને ખજાનો નહીં, પણ ખજાનાનો બાપ જ કહેશે. જોકે, આ ખજાનો ધરતીમાં નથી, પણ અમેરિકન સ્પેસ સંસ્થા નાસાએ તેને અવકાશમાંથી શોધી કાઢ્યો છે. વાસ્તવમાં આ ખજાનો એટલે મંગળ અને ગુરુ નામના બે ગ્રહો વચ્ચે આવેલો એક નાનકડો તારો, જે સંપૂર્ણ રીતે લોઢાનો બનેલો છે અને તેની અંદર બેસુમાર સોનું અને હીરા હોવાની શક્યતા છે.

જો આ તારાનો કોઇ ખરીદાર મળી જાય અને આજના હિસાબે કોઇ કિંમત દઇ દે તો તેની અંદર જે સોનુ અને હીરા ભરેલા છે તેની કિંમત એટલી મળે કે પૃથ્વી પરના દરેક માણસના ખાતામાં ૯૦ અબજથી વધારે રૂપિયા આવે. આનાથી સહેજે અંદાજ આવી જાય કે આ ખજાનો કેટલો મોટો હશે? જોકે, પ્રશ્ર્ન એ છે કે શું આ ખજાનાને વ્યવહારિક રૂપે હાંસલ કરી શકાય એમ છે? આ વિષય પર હમાણાં વૈજ્ઞાનિકો પણ કંઇ કહી શકે એમ નથી. હા, દુનિયાભરના વૈજ્ઞાનિકોની એક કમિટિ તેનો અભ્યાસ કરશે અને જાણશે કે આ અખૂટ ખજાનાનો ઉપયોગ પૃથ્વીવાસીઓની ગરીબી દૂર કરવા થઇ શકશે કે કેમ?

આ તમામ સવાલોના જવાબ વૈજ્ઞાનિક આગલા કેટલાક વર્ષોમાં આપશે. જોકે, પાછલા પાંચહજાર વર્ષના લખેલા કે વણલખેલા ખજાનાના ઇતિહાસમાં નજર નાખીએ તો તેને હડપવા માટે થઇને કેટલાય લોકોએ જાન ગુમાવી દીધો હશે તેમાં શંકાને સ્થાન નથી. કેટલાક એવા ભાગ્યશાળી પણ છે જેમને થોડો-ઘણો ખજાનો મળ્યો પણ છે. આ ઇતિહાસ એક વાતની અચૂક સાક્ષી પૂરે છે કે કોઇ વિસરાઇ ગયેલા કે છુપા ખજાના માનવ જાતને આકર્ષિત કરતા રહ્યા છે. વગર મહેનતે રાતોરાત માલામાલ થવાનો આ સહેલો ઉપાય છે.

આમ તો દુનિયામાં ધણા ઉકેલ પામેલા કે વણઉકલાયેલા અસંખ્ય ખજાનાઓ હશે, પણ સર્વસંમત ખજાનાઓની સંખ્યા લગભગ ૧૦૦ જેટલી માનવામાં આવે છે અને તેમાં પણ સૌથી મોટા ૬-૭ ખજાનાઓની શોધમાં એક અનુમાન મુજબ ૧૦ લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. અગર દુનિયાના ૧૦ સૌથી રહસ્યમય ખજાનાની શોધમાં નીકળીએ તો પહેલો નંબર આવે એલ ડોરાડોનો શાપિત રહસ્યમય ખજાનો. આ એક જ ખજાનાની શોધમાં એક અનુમાન પ્રમાણે અત્યાર સુધી બે લાખથી વધુ લોકો જીવ ખોઇ ચૂક્યા છે. જોકે, આનો વિશ્ર્વસનીય આંકડો તો કોઇની પાસે નથી, કારણ કે જે લોકો આવા કાર્ય માટે જતા હોય તેઓ રજિસ્ટ્રેશન કરાવીને નથી જતા હોતા. એવું માનવામાં આવે છે કે કોલમ્બિયાના ગુવાટાબીટા સરોવરમાં આ ખજાનો છુપાયેલો છે. આ ખજાનાની માહિતી પર લોકોને વિશ્ર્વાસ હોવાનું કારણ એ છે કે હજારો વર્ષ પૂર્વે અહીંના આદિવાસી સૂર્યની આરાધના કરતી વખતે આ સરોવરમાં સોનું નાખ્યા કરતા હતા. એ સોનું હજારો વર્ષમાં આ સરોવરના તળિયે જમા થઇ ગયુ છે.

ખજાનાની અનેક વાર્તાઓમાં આમ તો કોઇ દેશ પાછળ નથી, પછી એ ચીન હોય કે હિન્દુસ્તાન. એવું માનવામાં આવે છે કે દક્ષિણ ભારતમાં આવા કેટલાય ખજાના છુપાયા છે જેનું રક્ષણ નાગો અને સર્પો કરી રહ્યા છે. આમાંથી કેટલી વાતોમાં સચ્ચાઇ હશે એ તો ખબર નથી, પણ પાછલા એક દાયકામાં કેટલાક એવા મંદિરો મળી આવ્યા છે જેમના ભોંયરામાં કે બંધ રહેલા ઓરડાઓમાં ટનબંધ સોનું અને ઝવેરાત હોય. આનાથી એટલું તો કહી શકાય કે ખજાનાને લગતી બધી જ માહિતી કે વાર્તાઓ જૂઠી તો નથી જ હોતી. અને હા, નાસાએ જે ખજાનાથી સમૃદ્ધ તારો શોધી કાઢ્યો છે એ તો કોઇ જૂઠી વાત કે નરી કલ્પના નથી. બસ એ કલ્પનાનો વિષય છે કે આખરે આ ખજાનાને પૃથ્વીના વૈજ્ઞાનિકો કેવી રીતે પ્રાપ્ત કરી શકશે?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Ub6d2d65
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com