28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મનજી-મુસાફર

અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગરગીતાના છઠ્ઠા અધ્યાયમાં એક શ્ર્લોક છે. આ શ્ર્લોકમાં અર્જુન શ્રીકૃષ્ણને કહે છે : ‘હે કૃષ્ણ! મન ઘણું ચંચળ, વિહ્વળ બનાવી દેનારું, બળવાન અને હઠીલું છે. આથી એને વશ કરવાનું, વાયુને વશ કરવા જેટલું અતિદુષ્કર છે એમ હું માનું છું.’

મનને વશ કરવાનું કામ, વાયુને વશ કરવા જેવું અતિકઠિન કાર્ય છે એવો અર્જુનનો જ નહિ, મનુષ્યમાત્રનો અનુભવ છે. મનુષ્યમાત્રનું મન ચંચલ છે. જોકે મેં ક્યારેય ભગવાનને ફરિયાદ નથી કરી, પણ કોણ જાણે કેમ, મને કાયમ એવું લાગ્યું છે કે મારું મન બીજાઓનાં મન કરતાં વિશેષ ચંચલ છે. બીજા મનુષ્યોનાં મન વાયુ જેવાં ચંચલ હશે, પણ ‘ધીમે-ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય’ એના જેવાં ચંચલ હશે, જ્યારે મારું મન વાવાઝોડા જેવું છે. ક્ષણવારમાં અત્યંત તીવ્ર ગતિથી એ ક્યાંનું ક્યાં ઘૂમી વળે છે! મારા મનને ગુંદર કે ફેવિકોલનું કોટિંગ લગાડવાનું ભગવાન બિલકુલ ભૂલી ગયા હશે એમ હું માનું છું. આ કારણે કોઈ વાત પર એ સહેજ વાર પણ ચોંટતું નથી.

મારા મનનો વિચાર કરું છું ત્યારે મારા એક મિત્રની ઑફિસનો પટાવાળો યાદ આવે છે. એક સરકારી કચેરીમાં કામ કરતા મારા એક મિત્રની ઑફિસમાં એક પટાવાળો છે. એને સાહેબ કહે, ‘જા આ કાગળ ઝૅરોક્સ કરાવી લાવ’ એટલે એ કાગળ ઝૅરોક્સ કરાવવા નીકળે. દરમિયાન બીજું કોઈ એમ કહે કે ‘બે ચા લાવી આપ’ તો ફાઇલનો ત્યાં જ પરિત્યાગ કરી એ ચા લેવા મહાપ્રયાણ આદરે. પણ વચ્ચે જ કોઈ ‘જરા શાહને બોલાવ તો!’ એમ કહે તો ચા લાવવાનો ઉપક્રમ તજી શાહને સંદેશો પહોંચાડવા નીકળે. આ દરમિયાન બીજું કોઈ વચ્ચેથી એને ન

બોલાવે તો એ શાહને સંદેશો અચૂક પહોંચાડે. પણ ત્યાં સુધીમાં અગાઉ સોંપવામાં આવેલાં બધાં કામ એ ભૂલી ગયો હોય એટલે શાહને સંદેશો પહોંચાડી પાછો સ્વસ્થાને આવી બેસી જાય ! એની નિષ્ઠામાં કોઈ ઊણપ નથી ને એની ચંચલતાનો કોઈ ઉપાય નથી. મારું મન અદ્દલ આ પટાવાળા જેવું છે. એની ચંચલતાને કોઈ સીમા નથી. એની વિચારયાત્રા અવિરત ચાલ્યા જ કરે છે.

દબાણ કરી શકે એટલા લોહીનો જથ્થો મારા શરીરમાં ક્યારેય હતો નહીં એટલે મને હાઈ બીપીની તકલીફ કદી નહીં થાય એવું હું માનતો હતો. પણ તકલીફ થઈ. આ કારણે દરરોજ સવારે ચા પીધા પછી બી.પી.ની ટીકડી લઈ લોહીના દબાણને માપસર રાખવાનો ઉપક્રમ ચાલે છે. ઊઠ્યા પછી ચા નથી પીતો ત્યાં સુધી શરીરમાં સાચા અર્થમાં પ્રાણસંચાર થતો નથી એટલે પ્રિય વ્યક્તિનું સ્મરણ કરવાનો જેમ પ્રયત્ન કરવો પડતો નથી તેમ ઊઠ્યા પછી ચા અનાયાસ જ યાદ આવે છે. પણ ચા પીધા પછી બી.પી.ની ટીકડી લેવાનું જલદી યાદ નથી આવતું, પછી જ્યારે યાદ આવે છે ત્યારે મનમાં શંકા પડે છે, ટીકડી લીધી છે કે લેવાની બાકી છે ? કબાટમાંથી ટીકડી લઈ, રૅપર ખોલી, પાણી સાથે ટીકડી લેવાની હોય છે. પણ આ બધી ક્રિયાઓ વખતે મન ક્યાં...ક્યાં ઘૂમી વળતું હોય છે, એટલે ટીકડી લીધાનું, રૅપર ખોલ્યાનું, ટીકડી ગળ્યાનું કે ઉપર પાણી પીધાનું એકેય દૃશ્ય મનમાં રજિસ્ટર થતું નથી. આને કારણે એકદમ હું હૅમ્લેટની ભૂમિકામાં આવી જાઉં છું, ટીકડી લીધી છે કે નહીં ? હવે લઉં ? એક વાર લીધી હશે ને બીજી વાર લઈશ તો બ્લડપ્રેશર લો નહીં થઈ જાય? અને એમ થશે તો ચક્કર આવશે. એ વખતે સ્કૂટર પર હોઈશ તો? ટીકડી નહીં લીધી હોય ને હવે નહીં લઉં તો બ્લડપ્રેશર એકદમ હાઈ નહીં થઈ જાય ? એમાંથી પૅરેલિસિસ કે હેમરેજ થઈ જવાનો સંભવ પણ નહીં? હૅમ્લેટ કરતાં ઘણા વધારે પ્રશ્રો અને ઘણી વધારે મૂંઝવણો મને થાય છે.

કહે છે કે જરૂરિયાત શોધની જનની છે. સવારે ચા પીધા પછી બ્લડપ્રેશરની ટીકડી લીધી છે કે નહીં એ સમસ્યાનો એક ઉકેલ મેં શોધી કાઢ્યો : ટીકડી લીધા પછી દીવાલ પર પેન્સિલથી એક લીટો કરવો. ટીકડી લીધી કે નહીં લીધી એવી શંકા પડે તો દીવાલ પરનો લીટો જોવો. લીટો હોય તો ટીકડી લીધી છે ને ન હોય તો નથી લીધી એમ સમજવું. મારી બુદ્ધિ માટે મને પહેલથી જ ઘણું માન છે. પણ આ ઉપાય સૂઝ્યા પછી એ માનમાં પ્રચંડ વધારો થયો. આઠ-દસ દિવસ સુધી તો આ ઉપાય ઘણો કારગત નીવડ્યો. પણ પછી એક દિવસ ટીકડી લીધી છે કે લેવાની બાકી છે એ અંગે નિર્ણય કરવા હું લીટો જોવા ગયો તો નવી શંકાનો ઉદ્ભવ થયો : આ જે છેલ્લો લીટો છે તે આજે કર્યો હશે કે ગઈ કાલે? આજે નવ લીટા દેખાય છે. મેં લીટા કરવાનું નવ દિવસ પહેલાં શરૂ કર્યું હતું કે દસ દિવસ પહેલાં? ખરેખર તો પહેલો લીટો કર્યો ત્યારે દીવાલ પર તારીખ લખી નાખવાની જરૂર હતી એમ મને લાગ્યું. આ સમસ્યાનો કંઈક ઉકેલ શોધી કાઢું તે પહેલાં આ લીટાઓ તરફ ઘરના સભ્યોનું ધ્યાન ગયું. પૌત્ર કે પૌત્રીએ ચિત્રકલાની સાધનાનો આરંભ આ લીટાઓથી કર્યો હશે એમ માનવામાં આવ્યું. બાળકોનાં મમ્મા અને દાદીમાએ આ બંને બાળકોને ધમકાવ્યાં. બંનેએ ગુનાનો ઇનકાર કર્યો પણ એ ખોટું બોલે છે એમ રાબેતા મુજબ માની લેવામાં આવ્યું ને ભવિષ્યમાં આવું ન કરવાની તાકીદ કરવામાં આવી. મારે કારણે આ નિર્દોષ બાળકોને અન્યાય થાય છે એ ખ્યાલે મને ઘણું દુ:ખ થયું. પણ સત્યની કબૂલાત કરવા જતાં મારા માટે નિર્માણ થનારા કારમા ભવિષ્યની કલ્પના આવતાં મેં સત્યનો પ્રયોગ માંડી વાળ્યો. મારી સમસ્યા હજુ ચાલુ છે ને એ સમસ્યાનો ઉપાય શોધવાના પ્રયત્નો પણ ચાલુ છે.

કવિ દયારામે મનને મુસાફર સાથે સરખાવી ‘મનજી-મુસાફર’ નામનું એક પદ લખ્યું છે. બધાંના મનજી-મુસાફરો સતત મુસાફરી કર્યા કરતા હશે, પણ મારા મનજી-મુસાફર તો સુપરસૉનિક વિમાનમાં જ મુસાફરી કરે છે. આ મુસાફરી કંઈક ધીમી પડે ને મનજી પગ વાળીને થોડીવાર પણ બેસે એવી મારી ઘણી ઇચ્છા છે. એ માટેના પ્રયત્નો પણ મેં કરી જોયા છે. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

80158C3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com